Last Update : 12-August-2012,Sunday

 

ડિસેબલ્ડ ચેમ્પ્સ મેઈન મેટર

વિવર્તન - શાંડિલ્ય ત્રિવેદી

FASTER
કુદરતી નટ-બોલ્ટ વગરના યુસૈન બોલ્ટની પ્રેરકકથા
હૌસલોં સે ઊડાન હોતી હૈ...
મેં જ્યારે તેને દોડતા જોયો ત્યારથી મને મારા રેકોર્ડ તુચ્છ લાગે છે. - યુસૈન બોલ્ટ, ઓલિમ્પિક ચેમ્પિયન

ઓલિમ્પિકમાં બંદૂકની ગોળીની જેમ છૂટીને ફક્ત ૯.૬૩ સેકન્ડમાં ૧૦૦ મીટરનું અંતર કાપનારો યુસૈન બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન ધ અર્થ' કહેવાય છે. પરંતુ ઓસ્કાર પિસ્ટોરિયસ એક એવા આત્મવિશ્વાસની ચટ્ટાન છે, જેના માટે સ્વયં યુસૈન બોલ્ટ અહોભાવ ધરાવે છે. ખછજી્ઈઇ, લ્લૈંય્લ્લઈઇ, જી્ઇર્ંશય્ઈઇ જેવા શક્તિ અને ક્ષમતા સૂચક શબ્દોના ગુણ ગાતા ઓલિમ્પિકનો માહોલ બરાબર છવાયો છે ત્યારે વાત કરવી છે એવા જાંબાઝોની, જેમણે પગ વગર સંઘર્ષના મેદાન પર સફળતાની દોટ મૂકી છે. જરાક અમથો તાવ આવે કે માથું દુઃખે ત્યાં 'હે ભગવાન...' એવો અધમણનો નિઃસાસો નાંખીને આપણે જિંદગીને, નસીબને કોસવા માંડીએ છીએ ત્યારે બુલંદ હૌંસલાના આ ભડવીરોએ જન્મદત્ત પંગુતાને ય ગણકાર્યા વગર સફળતા અને શોહરતની ચટ્ટાનો સર કરી છે

 

તાજેતરમાં જ લંડન ઓલિમ્પિક્સની એથ્લેટિક્સ કોમ્પિટિશનમાં ૧૦૦ મીટરની દોડ જમૈકાના યુસૈન બોલ્ટે ૯.૬૩ સેકન્ડમાં પૂરી કરી અને ઓલિમ્પિકનો ઓલટાઈમ હાઈ રેકોર્ડ સેટ કર્યો. 'ફાસ્ટેસ્ટ મેન ઓન ધ અર્થ' ગણાતો બોલ્ટ પૂર્વે આટલું અંતર આથી પણ ઓછા સમયમાં (૯.૫૮) સેકન્ડમાં પૂરું કરી ચૂક્યો છે.
હવે બીજો એક રેકોર્ડ જુઓ.
૧૦૦ મીટર દોડ ૧૧.૧ સેકન્ડ
૨૦૦ મીટર દોડ ૨૧.૬ સેકન્ડ
૪૦૦ મીટર દોડ ૪૭.૪ સેકન્ડ
આ રેકોર્ડધારક એથ્લેટનું નામ છે ઓસ્કાર પિસ્ટોરિયસ. ૧૦૦ મીટર દોડ પૂરી કરતાં તેને યુસૈન બોલ્ટ કરતાં તેને ૧.૪૭ સેકન્ડ વધારે સમય લાગ્યો છે અને લંડન ઓલિમ્પિકમાં ૧૦મા ક્રમે આવેલ (એક વખતના વર્લ્ડ ચેમ્પિયન) અસાફા પોવેલ કરતાં તેને માત્ર ૦.૩ સેકન્ડ વધારે લીધી છે. સ્વાભાવિક છે કે, ફાસ્ટેસ્ટ મેન ઓન ધ અર્થનો ખિતાબ મેળવવાનો હોય ત્યારે મીલી અને માઈક્રો સેકન્ડનો ફરક પણ બહુ મોટો ગણાય. પરંતુ મીલી સેકન્ડના આ ફરક વચ્ચે પાયાનો તફાવત એ છે કે ઓસ્કાર પિસ્ટોરિયસના ઢીંચણથી નીચે પગ છે જ નહિ! પગની નીચે યાંત્રિક રીતે પગના સ્નાયુઓના પ્રકારની અને પગના પંજના આકારની ખાસ બનાવટની બ્લેડ ફીટ કરીને પેરાઓલિમ્પિકમાં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલો ઓસ્કાર આજે 'બ્લેડ રનર' અને 'ફાસ્ટેસ્ટ મેન ઓન ધ અર્થ ઓન નો લેગ્સ' તરીકે ઓળખાય છે. ઓસ્કારના બુલંદ હૌંસલાનું સૌથી મોટું પ્રમાણપત્ર એ છે કે, સ્વયં યુસૈન બોલ્ટ કહે છે, 'વ્હેન આઈ સો હિમ રનિંગ આઈ ફેલ્ટ શેઈમ ઓન માય રેકોર્ડ'!
૧૦૦, ૨૦૦ અને ૪૦૦ મીટર દોડમાં સળંગ ચાર વર્ષથી વર્લ્ડ રેકોર્ડ ધરાવતો ૨૬ વર્ષિય સાઉથ આફ્રિકન ઓસ્કાર બાળપણથી જ બંને પગમાં ખોડ ધરાવતો હતો. તે ચાર વર્ષનો થયો તો પણ પોતાના પગ પર ઊભો થઈ શકતો ન હતો અને ભાખોડિયા ભરતી વખતે ય ગબડી પડતો હતો એ જોઈને તેના મા-બાપે નિષ્ણાત તબીબોની સલાહ લીધી ત્યારે ખબર પડી કે તેના બંને પગમાં ફિબ્યુલા નામનું નળાનું હાડકું જ ખોડ ધરાવતું હતું. તો હવે? તબીબોનો જવાબ હતો, ફિબ્યુલા હાડકાની રચના અને ઓસ્કારના પગની ખામી જોતાં તેણે આજીવન વ્હિલચેરમાં જ રહેવું પડશે. એ કદી પણ વ્હિલચેર કે કાખઘોડી વગર પોતાની જાતે એક ડગલું ય નહિ માંડી શકે.
બસ, અહીંથી શરૃ થયો એક એવો સંઘર્ષ જેમાં શબ્દશઃ ડગલે ને પગલે લોહીઝાણ મથામણ કરવાની હતી અને શબ્દશઃ આખડવાનું હતું, પડીને ઊભા થવાનું હતું અને ફરી ડગલું માંડવાનું હતું. ઓસ્કારની માતા શૈલાએ તેમના આ આકરા સંઘર્ષ વિશે 'લાઈફ વિધાઉટ લેગ્સ, લાઈફ વિથ ગટ્સ' નામના પુસ્તકમાં કહ્યું છે, 'ઓસ્કારની એ અણસમજની ઉંમર. શરૃઆતમાં અમારે તેને આર્ટિફિશિયલ લેમ્બ્સ સાથે કેળવતા ભારે જહેમત ઊઠાવવી પડી. એ શી વાતેય કૃત્રિમ એટેચમેન્ટ પહેરે જ નહિ અને અમે પરાણે પહેરાવીએ તો એક ડગલું પણ ચાલે નહિ. પછી મેં તેને ચાલતો કરવા માટે મારા સાજાસારા પગના ય કૃત્રિમ એટેચમેન્ટ બનાવ્યા. મારા સાજા અને પૂરતા કદના પગમાં કૃત્રિમ એટેચમેન્ટ ફીટ કરી તેના વડે ચાલવાથી મને ભારે કષ્ટ પહોંચતું. હું દસ મિનિટ તેના વડે ચાલુ પછી આખો દિવસ જમીન પર પગ માંડું કે તરત સણકા બોલવા લાગતા પરંતુ ઓસ્કારને મારી દેખાદેખીમાં ચાલતો કરવા માટે મેં એ સહી લીધું. વીક એન્ડ્સમાં મારા પતિ હેન્ક એ એટેચમેન્ટ પહેરે અને વીક ડેઝમાં હું, એમ અમે શરૃઆતમાં ઘરમાં ચાલવાનો આરંભ કર્યો. અમારું જોઈને ઓસ્કાર પણ ધીમા ડગલે ચાલતો થયો. પછી અમે શેરીમાં તેને ચલાવવાનું શરૃ કર્યું. તે નવ વર્ષનો થયો ત્યાં સુધી હું સાજાસારા અને સક્ષમ પગની નીચે કેલિપર બાંધીને ચાલી છું. આજે સત્તર વર્ષ પછી પણ મારા બંને પગની નીચે તેના ધારદાર કાપાના નિશાન છે પરંતુ ઓસ્કારે પછી જે હિંમત દાખવી અને આજે જગવિખ્યાત બની ગયો છે એ જોતાં મને મારા પગ ઘવાયાનો કોઈ અફસોસ નથી.'
ઓસ્કાર બાળપણથી જ સ્પોર્ટ્સમાં ભારે રસ ધરાવતો હતો. કાર્લ લૂઈસ અને પાછળથી ડ્રગ્ઝ માટે બદનામ થયેલો બેન જોન્સન તેના માનીતા એથ્લેટ. જોકે આજે એથ્લેટિક્સમાં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલો ઓસ્કાર કિશોરાવસ્થામાં રગ્બીનો દિવાનો હતો. તૈરાકી પણ તેનો માનીતો શોખ. એ દરેક સ્પોર્ટ્સમાં હાથ અને કૃત્રિમ પગ સફળતાપૂર્વક અજમાવ્યા પછી તેણે માત્ર ચેલેન્જ ખાતર એથ્લેટિક્સમાં ઝૂકાવ્યુ હતું.
બન્યું હતું એવું કે, એ જ્યારે જુનિયર કોલેજમાં હતો ત્યારે વેલેન્ટાઈન્સ ડે સેલિબ્રેશનમાં કોલેજની છોકરીઓએ એવું જાહેર કર્યું કે જે આટલું અંતર સૌથી પહેલાં દોડી બતાવે તેને અમે વેલેન્ટાઈન્સ કિસ આપશું. એ વખતે બીજા છોકરાઓ ઓસ્કારની સામે જોઈને ખડખડાટ હસી પડયા. તેમનો ભાવ એવો હતો કે, બેટા તને તો આમાં કોઈ ચાન્સ જ નથી. એ વર્ષે તો સ્વાભાવિક રીતે જ ઓસ્કારનો ચાન્સ ન લાગ્યો પણ પછી આખું વર્ષ તેણે આકરી મહેનત કરી. તેને ખ્યાલ આવ્યો કે તેના આર્ટિફિશિયલ એટેચમેન્ટમાં જો થોડો સુધારો કરવામાં આવે તો દોડવું સરળ રહે.
એ માટે પગના પંજાના આકારની છતાં આખા શરીરનું વજન સહીને સંતુલન પણ જાળવી શકે તેવી બ્લેડની તેણે જાતે ડિઝાઈન તૈયાર કરી અને એવા એટેચમેન્ટ બનાવડાવ્યા. આકરી પ્રેક્ટિસ દરમિયાન અનેકવાર તે પડયો. એકવાર કોણીનું અને એકવાર થાપાનું હાડકું ય ભાંગ્યું પરંતુ તે દિવસે કોલેજમાં બધાની હાજરીમાં થયેલા ઉપહાસનો ઘા તેને એવો વાગ્યો હતો કે તેણે એકપણ ઈજાની પરવા ન કરી. પછીના વર્ષે વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે તેણે સામેથી ચેલેન્જ મૂકી અને બીજા બધા જ સક્ષમ છોકરાઓને ક્યાંય પાછળ મૂકી દીધા.
આજે પણ ઓસ્કારને સૌથી વધુ પડકાર અને રોમાંચ સક્ષમ એથ્લિટ્સ સાથેની સ્પર્ધામાં મળે છે. પોતાના જેવા ડિસેબલ્ડ સાથેની સ્પર્ધા કરતાં તેને હવે યુસૈન બોલ્ટ સાથે દોડવું છે. 'વ્હેર ધેર ઈઝ અ વિલ ધેર ઈઝ અ વે' જેવી ઉક્તિ કદાચ ઓસ્કાર માટે જ લખાઈ છે.

--------------------------------

ડિસેબલ્ડ ચેમ્પ્સ

STRONGER
પંગુમ્ લંઘયતે ગિરિમ્...
પગ ન હોવાનો અફસોસ નથી, કારણ કે...

 

સંસ્થાના કાર્યકરો સ્પેન્સરની પંગુતાથી દ્રવીને તેને મદદરૃપ થવા આવ્યા હતા ત્યારે ખુદ સ્પેન્સર તેને પૂછતો હતો કે, અન્ય ડિસેબલ્ડ બાળકો માટે હું તમને કઈ રીતે મદદરૃપ થઈ શકું?

ત્રણ વર્ષની ઉંમરે ડોક્ટરે તેના મા-બાપને કહી દીધું હતું કે, તમારા દીકરાના પગ હવે નકામા છે. પગ સુધી સંવેદના પહોંચાડતી ચેતાઓ કાર્યરત થઈ શકે તેમ નથી. લાખોમાં એકને થાય તેવી આ ભેદી બિમારી તમારા લાખેણા દીકરાને લાગુ પડી છે. તેના મા-બાપે ચિંતાતુર ચહેરે પૂછ્યું હતું, તો શું તેના પગ કાપી નાંખવા પડશે? ડોક્ટરનો જવાબ હતો, 'રાખો તોય શું અને કપાવો તોય શું? એ શો કેસમાં મૂકેલા શો-પીસથી ય નકામા છે.' ચાર વર્ષની ઉંમરે પહેલી સર્જરી, જેમાં ઢીંચણથી નીચેના પગ કપાયા. સાત વર્ષની ઉંમરે બીજી સર્જરી, જેમાં ધડથી ઢીંચણ પણ તકદીરની વેદી પર વધેરી દેવાયા. નવ વર્ષની ઉંમરે ત્રીજી સર્જરી, જેમાં વૃષણ અને અન્ય પ્રજનન અંગો પણ કાઢી નાંખવા પડયા.
એ છોકરો આજે કિલિમાંજારો સર કરી ચૂક્યો છે. દુનિયાના વિકટતમ ગણાતા પર્વતની ટોચ પર તેનું નામ કોતરાયું છે.. સ્પેન્સર વેસ્ટ, અ યુનિક મેન.. જેણે પગ વગર ધડના સહારે આ પર્વત સર કર્યો છે...
બાળપણથી જ નિયતિ સાથે બાથ ભીડવાના લેખ લખાવીને આવેલા સ્પેન્સરે કદી જ વિધાતાએ આલેખેલા મુકદ્દરને સ્વીકાર્યું નથી. ચાર વર્ષની ઉંમરે પગ ગુમાવ્યા પછી પણ તે પોતાની ઉંમરના બાળકો સાથે શેરીમાં રમવાની જીદ કરતો. તે સ્વીકારવા જ તૈયાર ન હતો કે તેને પગ નથી અને એ બીજા બાળકોની માફક દોડી શકે તેમ નથી. તે રમવા જતો અને ઢીંચણના સહારે ય દોડવા લાગતો. ઘરે પાછો ફરે ત્યારે ઢીંચણ લોહીલુહાણ થઈ જતાં પણ તેના ચહેરા પર ધાર્યું કર્યાનું સ્મિત ફરકતું. સલામ કરવી પડે તેના મા-બાપને, જેમણે અપાહિજપણાને ન ગણકારવાની દીકરાની જીદને પોષી.
સાત વર્ષની ઉંમરે ઢીંચણ પણ ગુમાવ્યા પછી તેના મા-બાપને લાગ્યું કે હવે સ્પેન્સર ભાંગી પડશે. ઓપરેશન થિયેટરમાંથી બહાર લવાયેલા અબૂધ સ્પેન્સરને કઈ રીતે સમજાવવો તેની અવઢવ તેના મા-બાપ અનુભવતા હતા ત્યારે ભાનમાં આવીને સ્પેન્સરે પહેલું જ વાક્ય એવું કહ્યું, 'મમ્મી, હવે મારે ધડથી દોડવાની ટેવ પાડવી પડશે...'
- અને ખરેખર એ છોકરો ધડ ઘસડીને દોડવા લાગ્યો. રોજરોજ ઘસડાઈને લોહીલુહાણ થતાં ધડની ઈજા વકરે નહિ એટલા માટે તેની મા ધડ નીચે મજબૂત જાડા કાપડના પેડિંગ બાંધતી હતી પરંતુ સાંજ પડે એ પેડિંગના ય લીરા ઊડી ગયા હોય. છેવટે તેના માટે ખાસ પ્રકારની મેટલ સીટ બનાવી, જેના પર તેના ધડને ફીટ કરી દીધા પછી સ્પેન્સરને દોડતી વખતે ખાસ ઈજા થતી ન હતી. જોકે, ગમે તેવું કમ્ફર્ટેબલ હોય તો પણ એ કૃત્રિમ એટેચમેન્ટ જ હતું. એ કંઈ કુદરતી પગની તોલે તો ન જ આવે. આમ છતાં ફક્ત આત્મવિશ્વાસના સહારે સ્પેન્સર ટકી રહ્યો એટલું જ નહિ, અન્ય સક્ષમ દોસ્તોની સાથે પોતે ય સક્ષમ જ છે એવી પ્રતીતી પણ કરાવતો રહ્યો.
એ જ્યારે સત્તર વર્ષનો હતો ત્યારે ડિસેબલ્ડ અને કુપોષણગ્રસ્ત બાળકો માટે કામ કરતી વૈશ્વિક સંસ્થા 'મી ટૂ વી'ના સંપર્કમાં આવ્યો. સ્પેન્સરની જિંદાદિલી જુઓ, આ સંસ્થાના કાર્યકરો સ્પેન્સરની પંગુતાથી દ્રવીને તેને મદદરૃપ થવા આવ્યા હતા ત્યારે ખુદ સ્પેન્સર તેને પૂછતો હતો કે, અન્ય ડિસેબલ્ડ બાળકો માટે હું તમને કઈ રીતે મદદરૃપ થઈ શકું? એ પછી ફક્ત ધડ ધરાવતા એ જવાનિયાએ એવા કરતબ બતાવ્યા કે બધા દંગ થઈ ગયા. એ ધડ વડે સાયકલ ચલાવી શકતો હતો. પગ તો હતા નહિ, સાઈકલ કેવી રીતે તેણે ચલાવી? સ્પેન્સરે આકરી પ્રેક્ટિસ કરીને, અનેક વાર હાથ-પગ ભાંગીને એ આવડત કેળવી હતી. લેડિઝ સાઈકલની વચ્ચેની ફ્રેમ પર એ આડો સૂઈ જાય. એક હાથે સાઈકલનું ગવર્નર સંભાળે. ગરદન ઊંચી રાખીને દિશાભાન રાખે અને બીજા હાથ વડે પેડલ મારતો જાય. સંતુલન રાખવાની નોબત આવે ત્યારે પેડલ મારી રહેલા હાથનો જ ઉપયોગ કરે. આ રીતે તેણે દસ કિલોમીટર સાઈકલ રેસમાં ભાગ લઈને બીજા સક્ષમ જવાનિયાઓને ય ટક્કર આપી હતી.
કિલિમાંજારો પર્વતના આરોહણમાં પણ તેનો હેતુ એ છે કે, આ પ્રસિદ્ધિ થકી મળતું ધન તે કેન્યાના કુપોષણગ્રસ્ત બાળકોના લાભાર્થે 'મી ટૂ વી' સંસ્થા મારફત વાપરશે. હાલમાં સ્પેન્સર આલ્પ્સ પર્વતમાળાના કેટલાંક શિખરો સર કરવા માટેની તાલીમ આરંભી ચૂક્યો છે અને ૨૦૧૭ સુધીમાં જગતની ટોચ ગણાતા માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કરવાની તેની નેમ છે. તે હંમેશા કહે છે કે, લોકોની આંખોમાં હું અહોભાવ જોઉં છું ત્યારે ત્યારે હું વિસરી જાઉં છું કે મારે પગ નથી. પરિણામે એ અહોભાવ સતત જોવા માટે હું સતત મારી જાતને નવા નવા પડકારો વચ્ચે મૂકતો જ રહું છું.

---------------------

ડિસેબલ્ડ ચેમ્પ્સ


HIGHER

'ભૂતપૂર્વ' બન્યા પછી 'અભૂતપૂર્વ' બની રહેલા પર્વતારોહકના જુસ્સાની કથા
મારા પગને એ રીતે કાપજો કે...

 

તે સાડા ચાર હજાર ફૂટની ઊંચાઈ પર માત્ર એક દોરડા અને આઈસહેમરના સહારે લટકી રહ્યો હતો અને ઉપર હજારો ફૂટ ઊંચાઈએથી તોતિંગ હિમશીલાઓ ઝીંકાતી હતી

માઉન્ટ એવરેસ્ટનું વિક્રમી વખત આરોહણ કરી ચૂકેલા ખ્યાતનામ પર્વતારોહક અપ્પા શેરપાને એકવાર પૂછાયું, 'પર્વતારોહણ માટે કઈ ક્ષમતાની પ્રાથમિક આવશ્યકતા હોવી ઘટે?' હળવા મિજાજના અપ્પાએ રમતિયાળ જવાબ વાળ્યો, 'આઈ થિન્ક, ફર્સ્ટ ઓફ ઓલ, ટૂ લેગ્સ વીલ બી નીડેડ!' અપ્પાએ એ જવાબ તો મજાકના મૂડમાં આપી દીધો હશે પરંતુ તેમાં સત્ય તો ખરું જ. પગ વગર જમીન પર ચાલવુ ય દોહ્યલું હોય તો કઠીન પહાડોની આકરી ચટ્ટાનો પર ચઢાણ તો અશક્ય જ... વેઈટ, અહીં અશક્ય શબ્દ વાપરવાની જરૃર નથી. કારણ કે, સ્પેન્સર વેસ્ટની માફક હ્યુ હેર પણ એક એવો જ જાંબાઝ છે જે અશક્યને શક્ય કરી ચૂક્યો છે.
બ્લેડ રનર ઓસ્કાર કે કિલિમાંજારો વિજેતા સ્પેન્સર વેસ્ટ કરતાં હ્યુ હેરની કહાની થોડી અલગ છે. ઓસ્કાર અને સ્પેન્સર બંને જન્મજાત પંગુતા ધરાવતા હતા જ્યારે હ્યુ પોતે તો એક સક્ષમ, હટ્ટોકટ્ટો અને વ્યવસાયી પર્વતારોહક હતો. આઠ વર્ષની કુમળી વયથી જ કઠીન અને આકરા ચઢાણો ચઢવાના સાહસના રવાડે ચડી ગયેલો હ્યુ સત્તર વર્ષનો થયો ત્યાં સુધીમાં અગિયાર હજાર ફૂટ ઊંચા કેનેડિયન પર્વતમાળાના સીધા અને આકરા ચઢાણોથી ભરપૂર માઉન્ટ ટેમ્પલનું આરોહણ કરીને અમેરિકામાં સેલિબ્રિટી બની ચૂક્યો હતો.
એ પછીના જ વર્ષે હ્યુ સાથે એક એવી ભીષણ દુર્ઘટના ઘટી જેનો આ જોખમથી ભરપૂર સાહસમાં પ્રત્યેક ડગલે ભય રહેલો હોય છે. માઉન્ટ વોશિંગ્ટનના આરોહણ વખતે અચાનક જ વાતાવરણ પલટાયું અને હ્યુ હેર બરફના પ્રચંડ તોફાનમાં સપડાઈ ગયો. તે સાડા ચાર હજાર ફૂટની ઊંચાઈ પર માત્ર એક દોરડા અને આઈસહેમરના સહારે લટકી રહ્યો હતો અને ઉપર હજારો ફૂટ ઊંચાઈએથી તોતિંગ હિમશીલાઓ ઝીંકાતી હતી. હ્યુ અને તેનો સાથી બે તોતિંગ શીલાઓ વચ્ચેની કરાડના પોલાણમાં હતા એટલે ઉપરથી ઝીંકાતી હિમશીલાઓથી ઘડીક તો બચી શક્યા પરંતુ એ નૈસર્ગિક બચાવ લાંબો ન ચાલ્યો. પહાડના જે હિસ્સામાં હુક ભરાવીને હ્યુ જેમતેમ લટકી રહ્યો હતો એ જ જગ્યાએ મસમોટી હિમશીલા એ ટક્કર મારી અને હુક ભેરવાયેલી હાલતમાં જ એ ખડક તૂટીને નીચે પટકાયો. ખડકની સાથે હ્યુ પણ નીચે પટકાયો અને તેની ઉપર ટનબંધ ઠંડોગાર હીમ ફરી વળ્યો.
ત્રણ દિવસ પછી બરફનું તોફાન શમ્યું અને બચાવ ટૂકડીએ હિમ ખસેડયો ત્યારે હ્યુ જીવિત હતો પરંતુ માઈનસ ત્રીશ ડિગ્રી જેટલાં ઠંડાગાર બરફમાં ત્રણ દિવસ અને ત્રણ રાત દટાયેલા રહેવાથી તેના બંને પગ પર હિમડંખ લાગી ચૂક્યો હતો. આકરા ચઢાણો આસાનીથી ચડી જાણતા તેના પગ ઢીંચણની નીચેથી કાપ્યા વગર આરો ન હતો. એ વખતે હ્યુએ ડોક્ટરને ફક્ત એટલું જ કહ્યું કે, કાપો ત્યારે ઢીંચણની નીચે એવો શેઈપ આપજો કે જેથી એટેચમેન્ટ પહેરીને ક્લાઈમ્બિંગ કરતી વખતે મને દર્દ ન થાય! ડોક્ટરને ત્યારે મનોમન આ 'ભૂતપૂર્વ' બની રહેલા પર્વતારોહકની દયા આવી હશે કદાચ.
પણ જિંદગીભર ચટ્ટાનો સાથે બાથ ભીડીને હ્યુનું મનોબળ પણ ચટ્ટાનોથી ય વધુ અડગ બની ચૂક્યું છે તેનો ડોક્ટરોને ખ્યાલ નહિ હોય. સર્જરીમાંથી બેઠા થયા પછી હજુ એ પથારીવશ હતો ત્યાં જ તેણે કમ્પ્યૂટરની મદદથી જાતે જ આર્ટિફિશિયલ લિમ્બની ડિઝાઈન કરવા માંડી અને હોસ્પિટલમાંથી તેને રજા આપવામાં આવી તેના ઓગણીસમા દિવસે તેણે કૃત્રિમ એટેચમેન્ટ વડે ૨૦૦૦ ફૂટની ઊંચાઈ સર કરી ત્યારે જ તેને હાશ વળી. એ ખરા અર્થમાં પર્વતનો જીવ હતો. પોતાની તકલીફમાંથી રસ્તો કાઢવામાં તેને કૃત્રિમ અંગોની આવશ્યકતા પણ સમજાવા લાગી હતી. એટલે પગ વગરની હાલતમાં તેણે પર્વતારોહણ જારી રાખવા ઉપરાંત અભ્યાસ પણ આગળ વધાર્યો અને અમેરિકાની પ્રસિદ્ધ મેસેચ્યૂસેટ્સ ઈન્સ્ટ. ઓફ ટેક્નોલોજીમાંથી બાયોમેડિકલ ડિવાઈસમાં ડોક્ટરેટ પણ કર્યું.
આજે પોતાના માટે તો તેણે વિશેષ પ્રકારના સપોર્ટિંગ એટેચમેન્ટ્સ બનાવ્યા જ છે, તે દુનિયાભરના અનેક અપાહિજોને અંગ પૂરા પાડી રહ્યો છે. અપ્પા શેરપાએ પર્વતારોહણ માટેની પ્રાથમિક આવશ્યકતા માટે ભલે પગને ગણાવ્યા પરંતુ હ્યુને જો આ સવાલ પૂછવામાં આવે તો એ ફક્ત અને ફક્ત એક જ શબ્દ કહે... મનોબળ.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved