Last Update : 12-August-2012,Sunday

 
અમદાવાદની અટપટી પોળો
- અમદાવાદની પોળોમાં માત્ર અડોઅડ આવેલાં ઘરોમાં કળા કારીગરીને જીવંત કરવામાં વિમલ શાહનું નામ દઈ શકાય. ભીમદેવ રાજાના જૈન પ્રધાન વિમલ શાહે ૧૦૩૨ની સાલમાં આબુનું મંદિર બંધાવ્યું હતું
 

તમે અમદાવાદથી સુપરિચિત એવી કોઈ વ્યક્તિને પૂછશો કે અમદાવાદની ખાસિયત શું છે તો એ તમને કદાચ કહેશે. અમદાવાદીઓની કંજુસાઈ, ગાંધીજીનો સાબરમતી આશ્રમ કાંકરિયા તળાવ, લો ગાર્ડનની પાંવભાજી, ખાડિયાના તોફાની પણ સંગઠીત યુવાનો કે પછી રિક્ષાવાળાનું ટ્રાફિકજામ પણ ઘણા ઓછાને ખબર હશે કે અમદાવાદની પોળો એક અજાયબી ધરાવે છે. એક ઈતિહાસ ધરાવે છે. ભુલભૂલામણીમાં પડી જવાય તેવી અમદાવાદની પોળો વિશે વિદેશીઓએ પણ રસ દાખવ્યો છે અને સંશોેધન કર્યું છે. સમાજશાસ્ત્રના અભ્યાસી રાઉલ ડી’ ગામા રૉઝે અમદાવાદની પોળો વિશે ખૂબ ઝીણવટભર્યું સંશોધન કર્યું છે.
સાબરમતી નદી કિનારે ૧૫મી સદીમાં અહમદશાહ નામના રાજાએ અમદાવાદ શહેર વસાવ્યું હતું. એક સમયે આ શહેર ભારતનું સર્વશ્રેષ્ઠ મનાતું હતું. આજે આ શહેરમાં મિલોનાં ભૂંગળાં ગીચ વસ્તી, ગંદા રસ્તાઓની ગીચ પોળો સિવાય કંઈ નથી રહ્યું.
જો કે અમદાવાદની સેંકડો પોળો જૂના ઈતિહાસની સાક્ષી આપતી આજે પણ મોજૂદ છે. કેટલીક પોળો તો પાંચસો વર્ષ જૂની છે! આ પોળો બાંધવા પાછળ તેના એક વખત સુલતાની કલ્પનાશક્તિ અને તેનું ભેજું રહેલું છે. એક સમય હતો જ્યારે આ પોળોમાં સમાજના જુદા જુદા સ્તરના જુદા જુદા વર્ગના લોકો અલગ અલગ વાડાબંધી રચીને રહેતા હતા. કોઈ પોળમાં કારીગરો અને કસબીઓ રહેતા, અમુક પોળમાં વેપારીઓ રહેતાં, નાણાં ધીરધાર કરનારા રહેતા આવી જ રીતે ન્યાતજાતના ધોરણે પણ પોળોની રચના થતી તેથી પોળોેના નામ સોનીની પોળ, ઘડિયાળી પોળ, ધના સુતરાની પોળમાં કાગડાપીઠ એવા નામ પડી ગયા છે. આમ છતાં અમદાવાદ પોતાના સાંસ્કૃતિક વારસા સાથે હંિદુ-મુસ્લિમો દાયકાઓ સુધી હળીમળીને રહ્યા હતા.
આ પોળની રચના જ એવી રીતે કરવામાં આવી છે કે ૧૭૦૦થી ૧૮૧૮ની સાલ સુધી અમદાવાદ પર આવેલી રાજકીય, આર્થિક કે કુદરતી આંધીઓ શહેરને તારાજ કરી શકી નથી. ત્યારબાદ પણ ૧૮૧૯માં ધરતીકંપ થયો, ૧૮૬૮, ૧૮૭૫, ૧૯૨૭ અને ૧૯૭૧ માં પૂર આવ્યા, ૧૮૭૭માં ભયાનક આગ લાગી, ૧૮૯૯ની સાલમાં ભયાનક દુકાળ પડ્યો, ૧૮૯૬થી ૧૯૦૭ના સમયગાળા દરમિયાન પ્લેગનો ચેપી રોગ ફેલાયો. ૧૯૧૮માં ફ્‌લુની બીમારી ફેલાઈ છતાં આ બધી કુદરતી આફતો અમદાવાદ શહેરને તારાજ ન કરી શકી. બદલામાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન આ શહેરે કેટલીક શહેન શાહી રસમો પણ અપનાવી લીધી.
અમદાવાદની પોળોની એવી તે શી વિશિષ્ટતા હશે કે આ ખીચોખીચ વસ્તી ધરાવતી અને એકબીજાની અડોઅડ ઊભાં રહેલા કાચા-પાંકા મકાનોવાળી પોળ આજે પણ અડીખમ છે. તેમજ વર્ષો જૂની પ્રણાલિકાને સાચવી રાખી છે.
પોળોમાં કેટલાક અમીરો રહેતા હોય તો તેને ‘ડેલોે’ કહેવાતો આ ‘ડેલો’ એટલે ધનવાન કુટુંબ જે મકાનમાં રહેતું હોય તેના આંગણમાં પ્રવેશવા માટે મોટા તોતંિગ લાકડાના દરવાજા હોય છે. જેને ડેલો કહે છે. આ ડેલામાં પ્રવેશોે એટલે મોટું આગણું આવે. સામે ઘર હોય છે, જેમાં ત્રણેય બાજુએ પ્રવેશી શકાય તેવા દરવાજા હોય છે. ઘરની ઉપરના ભાગમાં પહેલે માળે બે રૂમ વચ્ચે અગાસી પડતી હોય છે. જેને ‘હવેલી’ કહે છે. અત્યારે એવી બહુ ઓછી પોળો અસ્તિત્વ ધરાવે છે, જેમાં હવેલી ધરાવતા મકાનની સ્થાપત્યકલા પણ અનેરી હોય છે.
સુલતાન અહમદશાહના સમયમાં જે પોળો હતી તે તેના મૂળ સ્વરૂપમાં તો આજે જ્વલ્લે જ જોવા મળે, છતાં એટલું જરૂર કહી શકાય કે પોળોની રચના પાછળ અમદાવાદની સ્થાપના કરનાર અહમદશાહે તેની કલ્પના શક્તિ વાપરી હતી. ગુજરાતની જૂના જમાનાની રાજધાની અણહિલવાડ પાટણને પણ ટપી જાય તેવી રીતે અમદાવાદને વિકસાવવાની અને તેને ગુજરાતનું અગ્રેસર શહેર બનાવવાની અહમદ શાહની મહત્ત્વાકાંક્ષા હતી. તેથી જ અમદાવાદની પોળોની રચના અને તેનાં નામો ઘણી રીતે પાટણની પોળોને મળતાં આવે છે.
ડૉ. કેનીથ ગિલિયને તેના પુસ્તક અમદાવાદ-ભારતીય શહેરી ઈતિહાસના અભ્યાસ’માં લખ્યું છે કે ભારતનાં બીજા શહેરોેની માફક અમદાવાદ શહેરના લે-આઉટમાં પણ સામાજિક જૂથબંધીની અસર દેખાતી હતી. ન્યાતજાતના ધોરણે પોળોની રચના મોગલકાળથી થયેલી છે.
જો કે ઈતિહાસમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે અમદાવાદ શહેરની શક્તિ અને સમૃદ્ધિને કારણે પોેળોની રચના થઈ. ઈતિહાસકાર એમ. એસ. કોમિસેરિયટના પુસ્તક ‘સ્ટડીઝ ઈન ધી હિસ્ટ્રી ઓફ ગુજરાતમાં પણ આ બાબતનો કોઈ ઉલ્લેખ નથી. છતાં પોળોની ભુલભૂલામણીભરી રચના અને તેની ખાસિયતો વિશેની વાતો અહમદશાહના મરણ પછી જ્યારે અમદાવાદમાં અંધાઘૂંધી ફેલાઈ ત્યારે પ્રસિદ્ધિ પામી. કેટલાક તો કહે છે કે આ અસલામતીભર્યા વાતાવરણને કારણે જ પોળોની વિશિષ્ટ રીતે રચના થઈ.
દરેક પોળમાં જાતિ અથવા ધંધા-વેપારના ધોરણે જ લોકો રહેતા હોવાથી તેઓમાં વઘુ સંપ રહેતો ધાર્મિક કે સામાજિક તહેવારોની ઉજવણી વખતે વાણિયાઓની પોળ હોય તો પોળના બધાં લોકો ભેગા થઈ સમૂહ-ભોજન કરે ત્યારે ગરીબ વાણિયાનો ખર્ચ પણ ધનિક વાણિયા ઉઠાવી લેતા. પટેલોની પોળમાં પટેલો જ રહેતા. પછી કોઈ પટેલ નગોરી પોળમાં રહેવા જવા ઈચ્છે તો તેને પ્રવેશ મળતો નહીં. આમ દરેક પોળમાં રહેવા માટેનો પ્રવેશ તે જે જ્ઞાતિ કે જાતિની હોય તે જાતિની વ્યક્તિને જ મળતો. ન્યાતના આગેવાનો પોતાની પોળમાં કોને રહેવા દેવા, કેવી રીતે સંપ રાખવો વગેરે બાબતોની દેખરેખ રાખતા.
એવો નિયમ પણ રાખવામાં આવતો કે પોળમાં કોઈ ધનવાનના ઘરે વારે તહેવારે કોઈ પ્રસંગ હોય ત્યારે કે લગ્ન હોય ત્યારે પોળની દરેક વ્યક્તિને તેના ઘરે જમવાનું આમંત્રણ આપવું પડતું. જો પોળની કોઈ વ્યક્તિ મરી જાય તો તેની સ્મશાન યાત્રામાં પોળના દરેક પુખ્તવયની ઉંમરના પુરુષોએ ફરજિયાત જોડાવું પડતું. જો પોળની કોઈ વ્યક્તિ તેની મિલકત ગીરવે મૂકવા ઈચ્છતી હોય અથવા વેચવા ઈચ્છતી હોય તો તે ખરીદવાનો પહેલો હક્ક પોળની અંદરની વ્યક્તિને જ રહેતો. આવી દરેક નાણાકીય લેવડદેવડમાંથી બે ટકા ‘કમિશન’ બાદ કરી તે રકમ પોળના ભંડોેળમાં જમા કરવામાં આવતું. જેને ‘કીટી’ તરીકે ઓળખવામાં આવતું. આ ભંડોળમાં એકઠી થયેલી રકમ પોળની દીવાલો, દરવાજા અને બીજું જરૂરી સમારકામ કરવા વપરાતી પોળના નિયમોનો કોઈ ભંગ કરે તો તેમ કરનાર પર દંડ લાદવામાં આવતો અથવા તેને પોળની બહાર કાઢી મૂકવામાં આવતો જો દંડ લાદવામાં આવ્યો હોય તો જ્યાં સુધી દંડની રકમ ભરપાઈ ન થાય ત્યાં સુધી તે વ્યક્તિ તેના ઘરમાં દીવો કે ફાનસ સળગાવી શકતો નહીં તેમજ કોઈને આમંત્રણ આપી પ્રસંગ ઊજવી શકતો નહીં.
જેમ જેમ સમય પસાર થતો ગયો અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન જે સલામતી મળી તે સમયે પોળની સંખ્યા ઝડપથી વધવા લાગી. શહેરના વિકાસ અને વસ્તીની સાથે સાથે પોળની સંખ્યા વધીને ચારસો ઉપર થઈ ગઈ. ૧૯મી સદીમાં ગુજરાતમાં લાંબો સમય વિતાવી ચૂકેલ અંગ્રેજ જ્હોન કિનલોચ ફોેર્બસે તેના પુસ્તક ‘રાસમા’લામાં એ સમયના અમદાવાદના ઘરોની બાંધણી વિશે વિગતવાર ખ્યાલ આપ્યો છે.
ફોેર્બ્‌સે લખ્યું છે કે અમદાવાદની પોળના બધા ઘરોની બાંધણી લગભગ સરખી દેખાતી સાંકડા રસ્તા પરની બાજુએ ત્રણ પથ્થરના પગથિયાં કે લાકડાના પાટિયા મારેલા ઘરના પ્રવેશદ્વાર નજીક આવો એટલે પહેલાં ખડકી આવે. ત્યાર પછીના રૂમમાં તરત જ એક દાદરો (સીડી) બાજુની ભીંત પરથી ઉપર જતો હોય. આ દાદર પર એક બંધ-ઉઘાડ થાય તેવું બારણું હોય. એ દાદર ચઢી ઉપર જાવ એટલે મેડો આવે. તે મેડામાં વળી પાછી સીડી કી દાદર હોય. જ્યાંથી બીજે માળે આવેલા મેડામાં જઈ શકાય.
ખડકીથી અંદર પ્રવેશો અને એક રૂમ વટાવો એટલે ખુલ્લુ પ્રાંગણ આવે, જેને ચોક કહેવાય. તેના એક ખૂણામાં જમીન પર પાણીની ટાંકી હોય તેમ જ પાણિયારું હોય. ક્યારેક તેની બાજુમાં જ નાની દીવાલો ઊભી કરી પણિયારા ઉપર મંદિર અને રસોડાના જુદા વિભાગો પાડેલા હોય. ચોકમાં બીજા ખૂણે દીવાલને અડીને એક ઓટલા જેવું બનાવેલું હોય, જે લાકડાનું બનેલું હોય તો તે બેઠકને પાટ કહેતા. ચોકમાંથી પસાર થઈ આગળ જાવ એટલે પરસાળ આવે. આ પરસાળનો અમુકભાગ ઉપર છાપરાથી ઢંકાયેલો હોય અને બીજો ભાગ સૂર્યપ્રકાશ આવવા દેવા માટે ખુલ્લો હોય. આ ભાગનો ઉપયોગ મોટે ભાગે સ્ત્રીઓ કરતી હોય છે.
અમદાવાદની પોળોમાં માત્ર અડોઅડ આવેલાં ઘરોમાં કળા કારીગરીને જીવંત કરવામાં વિમલ શાહનું નામ દઈ શકાય. ભીમદેવ રાજાના જૈન પ્રધાન વિમલ શાહે ૧૦૩૨ની સાલમાં આબુનું મંદિર બંધાવ્યું હતું. વિમલ શાહના પ્રપૌત્રોએ અમદાવાદમાં કેટલીક પોળમાં કલાત્મક રીતે ઘરો-બનાવ્યા. રાજવલ્લભ, પરિમાણ, મંજરી, બૃહતસંિહના શિલ્પશાસ્ત્ર જેવા પુરાણગ્રંથોમાં મંદિરો અને મહેલો બાંધવા માટે જે નિયમો હતા અને કારીગરીની વિગતો હતી તે પ્રમાણે પોળોમાં ઘરો બાંધવા માંડ્યા. દીવાલની ઊંચાઈ, બારી-બારણાની ઊંચાઈ અને બીજી ઝીણવટભરી વિગતોનું પોળોના ઘરો બાંધતી વખતે ઘ્યાન આપવા માંડ્યું. દાખલા તરીકે દીવાલની પહોળાઈને એક સરખા ચોવીસ ભાગમાં વહેંચી નાખવામાં આવે. જેમાં મઘ્યના ૧૪ ભાગોના બે ભાગ પાડવાના. તેમાં જાળી બેસાડીને બારી બનાવવાની એવી જ રીતે ઉપલામાળ અને પ્લીથ વચ્ચેની જગ્યાને નવ સરખા ભાગમાં વહેંચી નાખવાના, જેમાં એક ભાગ પીલરના પાયા માટે ફાળવવામાં આવતો, છ ભાગ કોલમ બાંધવા ફાળવવામાં આવે. બીજા બે ‘ઓવરહેડ બીમ’ બાંધવા માટે રાખવામાં આવતા.
૧૯મી સદીના મઘ્યભાગ સુધી પોળોમાંના ઘરો સ્થાપત્યકળાનો ઉપયોગ કરીને બનતા હતા. ઘરની આગળની દીવાલમાં લાકડાના સ્લેબની સાથે તડકામાં તપેલી ઈંટો ગોઠવવામાં આવતી હતી.
પુરાણા અમદાવાદની ભવ્યતાની ઝાંખી કરાવે અને જૂની પોળોની યાદ અપાવે તેવા કલાત્મક ઘરો હવે ભાગ્યે જ રહ્યાં છે. કેટલાક ઘરો તૂટી ગયા છે તો કેટલાક વઘુ ઊંચા મકાન બાંધવા એકાદ-બે માળ ઉપર લેવા તોડી નાખવામાં આવ્યા છે. જો કે જૂનાં ઘરો કેવા હતા તેના નમૂના આજે પણ અમદાવાદના મ્યુઝિયમમાં જોવા મળે છે. આજે તો એવી ઝીણવટભરી કારીગરી કરે તેવા નિષ્ણાત માણસો પણ નથી અને પોળોમાં એવી ખુલ્લી જગ્યા પણ નથી. શિલ્પકળાનો ઉપયોગ હવે માત્ર મંદિરો પૂરતો જ સીમિત રહ્યો છે. જગ્યાનો અભાવ ઝડપથી વધતી જનસંખ્યા અને કારીગરોના અભાવને કારણે હવે પોળોમાં નવા ઘર બંધાય છે તે પણ સિમેન્ટ કોંક્રીટના જ હોય છે.
અત્યારે અમદાવાદની વસ્તી ૨૨ લાખની હોવાનું મનાય છે. પોળોની ગીચતા અને વસ્તીને આ જન સંખ્યાના આંકડા સાથે સીધો સંબંધ છે. કેટલીક પોળોમાં એકરદીઠ એક હજાર માણસો રહે છે. અકા શેઠની કૂવાની પોળ, જે અમદાવાદની મઘ્યમાં આવેલી છે તેમાં તો એકરદીઠ ૧૬૦૦ વ્યક્તિ રહે છે. માંડવીની પોળમાં ૬૦,૦૦૦ વ્યક્તિઓ માટે પાણી, વીજળી અને ગટરની વ્યવસ્થા અમદાવાદની સુધરાઈ કેવી રીતે કરતી હશે તેનો ખરો અંદાજ આ પોળમાં એક લટાર મારીએ ત્યારે જ આવે. માંડવીની પોળ અમદાવાદની સૌથી વઘુ ભૂલભૂલામણીભરેલી પોળ મનાય છે. આ પોળમાં હજુ પણ જૂના અમદાવાદની યાદ તાજી કરાવ ે તેવાં ઘરો છે.
વસન શેરીની પોળ જે સરસપુર વિસ્તારમાં આવેલી છે. તે એક ધનવાન વણિક વેપારીની બાંધેલી છે. આ પોળ ૧૫૦ વર્ષ જૂની છે. મચ્છૂ મિયાનાં ખાંચાનું નામ જ પોળને અપાયું છે તે એ પોળના પ્રવેશદ્વાર પાસે વસતાં એકમાત્ર સજ્જન મુસ્લિમ નામ પરથી અપાયું છે. પોળમાં વસતા બધાં જ હંિદુઓએ આ ઉદાર અને દયાવાન મુસ્લિમ બિરાદરના કામોને બિરદાવવા આ પોળનું નામ સોએક વર્ષ પહેલાં પાડ્યું હતું.
અમદાવાદમાં પાડાની પોળ પણ છે અને લાંબી પાડાની પોળ પણ છે. પોળમાં વસતા એક માત્ર પાડાની પાછળ આ નામ અપાયું છે. તેમ કહેવાય છે દેડકાની પોળ એવું નામ જે પોળને અપાયું છે તે નામ પાછળનો ઈતિહાસ એવો છે કે એ પોળમાં આવેલા એક કૂવામાંથી ચોમાસામાં જ્યારે પોળવાસીઓ પાણી ખેંચતા હતા ત્યારે બાલદી અને ઘડામાંથી દેડકાઓ જ નીકળતા હતા. વાઘણની આ પોળ નામ એટલા માટે પડ્યું કે એ પોળના પ્રવેશદ્વાર પાસે રહેતી એક સ્ત્રીએ અમુક ચોરો સામે એકલે હાથે લડત આપી હતી. આ સ્ત્રીના વાઘણ જેવા તેજ મિજાજને બિરદાવી પોળને વાઘણની પોળ એવું નામ અપાયું. કીજડાની પોળ નામ દોઢસો વર્ષ પહેલાં એ પોળમાં ઝરખ જેવી એક ખૂંખાર બીલાડી હતી તેના પરથી પડ્યું. એક પોળના પ્રવેશદ્વાર પાસે બે સુંદર મોટા લીમડાનાં ઝાડ હતા તેથી તો પોળનું નામ લીમડાની પોળ પડ્યું. આવી જ રીતે બસો પૂર્વે ભગવાન બુદ્ધને અર્પણ કરાયેલા પીપળારૂપે પોળના પ્રવેશદ્વાર પાસેના પીપડાના ઝાડ પરથી એ પોતાનું નામ પીપળાની પોળ પડ્યું આવી જ રીતે આમલીવાડ નામ પડ્યું.
સદમાતાની પોળ નામ પાછળ પણ રસિક કથા જોડાયેલી છે. કહેવાય છે કે આ પોળમાં વર્ષો પહેલાં માત્ર બારોટ જાતિના લોકો રહેતા હતા. એકવાર આ પોળ પર ગુંડાઓએ હુમલો કર્યો ત્યારે પોતાના જાતની પરવા કર્યા વિના ગુંડાઓ સામે લડત આપનાર અને પોળનાં બાળકોને ઉગારી લેનાર એક સ્ત્રી મૃત્યુ પામી. આ સ્ત્રીની વીરતાને બિરદાવવા તેની પાછળ મંદિર બંધાયું અને પોળનું નામ સદમાતાની પોળ રાખવામાં આવ્યું.
કાળુપુર વિસ્તારમાં આવેલી ઝાપડાની પોળમાં બસો વર્ષ પહેલાં ઉચ્ચ વર્ગના વણિકો જ રહેતા હતા. આ પોળમાં વાણિયાઓએ કુટુંબને આશરો આપ્યો હતો એટલું જ નહીં પણ તેના સત્કર્મોની યાદ પાછળ પોળનું નામ આ ઝાડુવાળા નામ પરથી પડ્યું હતું.
કારીગરો અને કસબીઓની જમાતો જે પોળોમાં વસતી હોય તેવી પોળોમાં કથળી પોળ છે, જેમાં વર્ષો પહેલા માત્ર કાપડ પર ડિઝાઈનો કરનારા ‘ડાયર્સો’ રહેતા હતા. છાપાવાડ નામની પોળાં રાજસ્થાનથી આવેલા ‘બ્લોક પ્રિન્ટરો’ (છાપકામ નિષ્ણાતો) રહેતા હતા. સાળવીવાડમાં પટોળા, સાડીઓ વણનારા કારીગરો રહેતા હતા. પંિજરાવાડ કે રૂ પીંજનારા કારીગરો રહેતા હતા અને આજે પણ રહે છે. કુંભારવાડ નામની પોળમાં કુંભારો રહેતા હતા. અને આવી જ રીતે કડિયાવાડ છે, જેમાં કડિયાઓ રહેતા હતા. નાઈવાડાની પોળમાં હજામો રહેતા હતા. અમદાવાદને પાન પૂરાં પાડનારા તંબોળી જે પોળમાં રહેતા તેના પરથી પોળનું નામ તંબોળીવાડની પોળ પાડ્યું. આવી રીતે દેશભરમાં ટપાલસેવાની સમાંતરે સેવા બજાવતા આંગડીઆનો સમૂહ જે પોેળમાં રહેતો હતો તે પોળ પણ આજે હયાત છે.
અમદાવાદમાં વઘુ પડતી રિક્ષાઓ છે તેનું કારણ એ જ છે કે અમદાવાદની વાંકીચૂંકીને સાંકડી પોળમાં રિક્ષા સિવાય બીજું કોઈપણ વાહન પ્રવેશી ન શકે. તેથી જ પોળમાં વસતા લોકો સાઈકલ કે સ્કૂટર જ વસાવે છે. અમદાવાદના સીમાડા ભલે મણિનગર , આંબાવાડી, નારાયણપુરા, સાબરમતી આશ્રમની દિશામાં ચોતરફ વિકસે પણ જૂના અમદાવાદની યાદ તાજી કરાવે તેવી પોળો બીજા કેટલાંય વર્ષ સુધી મોજુદ રહેશે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved