Last Update : 12-August-2012,Sunday

 

બૈજુ પછી ગુજરાતનો પોતાનો કહી શકાય એવો મહાન સંગીતકાર આદિત્યરામ

લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ
 

કાઠિયાવાડની ધરતી શ્રીકૃષ્ણના સમયથી કલા, સંસ્કાર, સંસ્કૃતિ અને સંગીતની મઘુર સુરાવલીઓથી સદાય ગુંજતી રહી છે. દેશી રજવાડાઓના રાજ્યામલ દરમ્યાન આપણે ત્યાં હરિપાલ, બૈજુ બાવરાં, પંડિત ઓમકારનાથ ઠાકુર, દલસુખરામ ઠાકોર, માસ્ટર વસંત અમૃત, સ્વામી વલ્લભદાસ, પંડિત વાડીલાલ શિવરામ, પ્રો. મૌલાબક્ષ, હઝરત ઈનાયતખાં, ઉસ્તાદ ફૈયાઝખાં, બિનકાર મહંમદખાં, ફરીદી દેસાઇ, કુ. પ્રભાતદેવજી ઉપરાંત અનેક નાનામોટા સંગીતકારો ને વાદ્યકારો ગુજરાત સૌરાષ્ટ્રમાં થઇ ગયા. એમનું સ્મરણ કરીને આજે મારે વાત કરવી છે સૌરાષ્ટ્રના સંગીતરત્ન આદિત્યરામજીની. કેટલાક સંગીતપ્રેમીઓ એમને તાનસેનનો બીજો અવતાર પણ માને છે. તેમનું કંઠ્યસંગીત અને તેમાંથી પ્રગટતી સુરાવલીઓ સાંભળીને સૌ કોઇ મંત્રમુગ્ધ બની જતા. તેઓ ઉત્કૃષ્ટ સંગીતકાર હોવાને કારણે જૂનાગઢ અને જામનગર એમ બબ્બે બાબી અને જાડેજા રાજવીઓના પ્રીતિપાત્ર હોવાથી બેય રાજ્યોમાં રાજઘરાનાના ગાયક તરીકે માનપાન અને સ્થાન પામ્યા હતા.
નવાનગર ઉર્ફે જામનગર રાજ્યના જામજોધપુરમાં વસનજી વ્યાસ કરીને પ્રશ્નોરા નાગર રહેતા. તેમના પુત્ર વૈકુંઠરામજી જીવનનિર્વાહ માટે જૂનાગઢમાં આવીને રહ્યા. સંગીતાચાર્ય આદિત્યરામજીનો જન્મ ઈ.સ. ૧૮૧૯માં થયો. સંગીતના સંસ્કાર એમને ગળથુથીમાં જ મળ્યા. પિતા વૈકુંઠરામજી સંગીતકાર હોવાથી એમના ઘરનું વાતાવરણ સંગીતના સૂરોથી ભર્યુંભર્યું હતું. સંગીતનું પ્રાથમિક શિક્ષણ એમના પિતાશ્રી પાસેથી મળ્યું. કુદરતે કામણગારો કંઠ આપ્યો હતો એટલે આઠ વર્ષની ઉંમરથી જ મિત્રોની મંડળીમાં ગીતો ગાઇને સર્વને રાજીના રેડ કરી દેતા.
ઈ.સ. ૧૮૨૭માં જૂનાગઢની ગાદી ઉપર બાબી નવાબ બહાદુરખાનજી હતા. હવે અહીં બીના એવી બની કે કોઇ કારણસર નવાબ રાજ્યના ખજાનચી ઝવેરભાઇ સાથે આદિત્યરામજીના મહોલ્લા આગળથી પસાર થયા એ વખતે બાળક આદિત્યરામ ઉમંગપૂર્વક પવનતરંગ સાથે ગાનના તાનતરંગ સરખાવી રહ્યા હતા. કોમળ મઘુર સંગીતના લયથી ભર્યોભર્યો રાગ સાંભળતાં જ સંગીતપ્રેમી રાજવીએ બાળકની તપાસ કરાવીને તેને રાત્રીના નવ વાગ્યે હજુરી સાથે પોતાના મહેલમાં બોલાવ્યો. રાતવેળાએ આદિત્યરામ તેમના મોટાભાઇ હરિરામજી સાથે નવાબ પાસે આવ્યા અને સંગીત સંભળાવ્યું. સંગીતના જાણકાર બહાદુરખાનજી નવ વર્ષના આદિત્યરામનું હલકદાર સંગીત અને સુમઘુર અવાજ સાંભળીને અત્યંત પ્રસન્ન થયા. તેમની સંગીતપ્રીતિ જોઇને એ કાળે જૂનાગઢમાં રહેતા લખનૌના ઉસ્તાદ નન્નુમિયાં પાસે આદિત્યરામને સંગીત શીખવા માટે નવાબે બંદોબસ્ત કરી આપ્યો. આદિત્યરામે એમની પાસે લગભગ આઠેક વર્ષ અઠંગ તાલીમ લીધી. કંઠ્ય સંગીતમાં નિપુણ બનતાં નવાબે એમને રાજગાયક બનાવીને નાની વયમાં સન્માન્યા. નવાબશ્રીના હજુરમાં રહી સંગીતવિદ્યા સંપાદન કરી આર્યવર પંડિત ઘનશ્યામ ભટ્ટજી પાસેથી સંસ્કૃત પંચકાવ્યોનો અભ્યાસ કર્યો.
‘યદુવંશપ્રકાશ’ ગ્રંથમાં શ્રી માવદાનજીરત્નુ નોંધે છે કે એક વખત આદિત્યરામજી ગિરનાર પર્વત ઉપર ગયા. ત્યાં તેઓને એક સંગીતપ્રેમી સિદ્ધ મળ્યા. તે સિદ્ધને અતિ આગ્રહ કરીને આદિત્યરામ પોતાના ઘેર તેડી લાવ્યા. ભોજન-ભજન કરાવી થોડો સમય રોક્યા. એક દિવસ આદિત્યરામે મૃદંગ બજાવી પ્રભુકીર્તનો ગાયાં. એ વખતે સિદ્ધે મૃદંગ હાથમાં લીઘું અને અધિકારીની અદાથી બજાવ્યું. આદિત્યરામે તેમને મૃદંગ શીખવવા પ્રાર્થના કરી. સિદ્ધે તેમને મૃદંગ શીખવવાનું શરૂ કર્યું. આદિત્યરામની લગનીથી યોગીરાજ પ્રસન્ન થયા. વાદ્ય વિષેની સિદ્ધિ સમજાવી આશીર્વાદ આપી ગિરનારની ગુફાઓમાં અદ્રશ્ય થઇ ગયા. એ પછી આદિત્યરામે ગિરનાર પર જઇ યોગીરાજની ખૂબ તપાસ કરી પણ તેઓ ફરી મળ્યા નહીં પણ સિદ્ધના આશીર્વાદથી થોડાં વરસોમાં આદિત્યરામજી મૃદંગ વાદનના કલાકાર કસબી બની રહ્યા અને ઉન્નતિના શિખરે ચડવા લાગ્યા. દરમ્યાનમાં એમના પિતાનું અવસાન થયું.
સત્તર વર્ષની કાચી વયે આદિત્યરામજીના માથે ઘરનો વ્યવહાર ચલાવવાની જવાબદારી આવી પડી. એમણે સંગીતને વ્યવસાયરૂપે સ્વીકાર્યું. એ સમયે પણ સંગીતના સહારે આર્થિક ઉપાર્જન કરવાનું કામ આકાશકુસુમવત્‌ હતું. સંગીતકારનો ધંધો કનિષ્ઠ ગણાતો. એ ધંધો ન કરવા સૌ સગાઓએ એમને ખૂબ વાર્યા પણ આ સંગીતકાર જીવ ટસના મસ ના થયા. સંગીતની સાથે સાથે તેમણે સંસ્કૃત અને આયુર્વેદનો પણ ઊંડો અભ્યાસ કર્યો. બંનેમાં કુશળતા મેળવ્યા પછી પણ સંગીતના સહારે આજીવિકા પ્રાપ્ત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો.
ઈ.સ. ૧૮૪૦માં નવાબ બહાદૂરખાન જન્નતનશીન થયા. તેમના પુત્ર હામદખાન જૂનાગઢની ગાદીએ આવ્યા. હામદખાનને પણ સંગીતનો શોખ હતો એટલે તેઓ આદિત્યરામજી પાસે મૃદંગ વાદ્ય શીખવા લાગ્યા. તેમની આ વાદ્ય શીખવાની પૂર્ણ આતુરતા જોઇ આદિત્યરામજીએ કહ્યું કે ઃ ‘તમે પંદરેક દિવસના રિયાઝ પછી મૃદંગવાદ્ય સરસ બજાવી શકશો, એટલું જ નહીં પણ મૃદંગ બજાવતાં ‘સમ’ પર ત્રગડો લાવી શકશો.’ બરોબર થયું પણ એવું જ. મૃદંગ પર રમત કરતાં કરતાં પંદરમે દહાડે નવાબશ્રી વાદ્ય બજાવતાં ‘સમ’ પર બરાબર સચોટ લયથી આવી પહોંચ્યા. ત્યારથી આદિત્યરામજીની ‘સંગીતશિક્ષા પઘ્ધતિ’ સર્વમાન્ય થઇ.
ઈ.સ. ૧૮૪૧માં આદિત્યરામજી (વૈષ્ણવ હોવાથી) જામનગરની હવેલીના મહારાજ વ્રજનાથના દર્શને આવ્યા. ઘુ્રપદધમાર ગાયકીના નિપુણ ગણાતા હવેલીના મહારાજ આદિત્યરામનું સંગીત સાંભળી અતિ પ્રસન્ન થયા અને જામનગરમાં પોતાની પાસે આવીને રહેવા માટે નિમંત્રણ આપ્યું. ત્યારે જામનગરની ગાદીએ જામશ્રી વિભાજી (બીજા) બિરાજમાન હતા. એ વખતનો એક રસપ્રદ પ્રસંગ દેવેન્દ્રકુમાર પંડિતે નોંઘ્યો છે.
જામનગરના જાડેજા રાજવી વીભા જામનો આજે જન્મદિવસ છે. રાજમહાલયની દોઢી પર મંગલવાદ્યો નોબત શરણાઇ બજી રહ્યા છે. હકડેઠઠ દરબાર ભરાયો છે. મખમલની જરિયાન ઝૂલથી શોભતો આસામનો ઐરાવત મહાલયના પટાંગણમાં આવીને ઊભો રહ્યો. માથા પર લાલચટક મોતીની સેરોમઢી કિમતી પાઘ, ભેટ પર કાશીના રેશમના દુપટ્ટા, ખભા પર જાંબલી મ્યાનમાં સોનાની મૂઠવાળી તલવાર અને ગળે હીરાના હારથી જામ વિભો કવિગાયા પચ્છમના પાદશાહના બિરુદને દીપાવતા હાથીની અંબાડી ઉપરથી નીચે ઊતર્યા. રાજકવિએ યદુવંશની બિરદાવલી ગાઇ.
ધોળ-નજરાણાંનો વિધિ થયા બાદ જામનગરના વિદ્વાન આચાર્યે ગિર્વાણગિરામાં યદુવંશના યશોગાન ગાયાં. જામને શુભાશિષ આપી. દેશદેશના કવિઓ આ અવસરને વધાવવા ઉપસ્થિત રહ્યા હતા. મારવાડ, મેવાડ, હાડોતી, શિરોહી, સાંચોર, ભટનેર સુધીના ઉપસ્થિત કવિઓએ ચારણી શૈલીએ હલકથી પઘ્યરી, રેણકી ભૂજંગી, ચર્ચરી, ઝૂલણા છંદમાં રાવળ જામથી વિભાજામ સુધીના રાજવીઓની પ્રશસ્તિ ગાઇ. સભા આ કાવ્યવાણીએ ભોજસભા બની રહી.
પછી ગાયકોનો વારો આવ્યો. સંપૂર્ણ પોસાકથી સજ્જ ખભે ઉત્તરીય, દુપટ્ટા અને દશેય આંગળીઓ વેઢવીંટીવાળા સંગીતાચાર્યો એક પછી એક ઊઠ્યા. કોઇએ બિલાવલ, કોઇએ ભૈરવી, કોઇએ ભૈરવ, કોઇએ સારંગ તો કોઇએ ગૌડસારંગ ગઇ એવો સ્વરવિસ્તાર કર્યો, એવા તાન-આલાપ ખેંચ્યા ને મૃદંગના ગત-તોડાથી વાતાવરણને સંગીતમય બનાવી દીઘું.
કાર્યક્રમને અંતે મુલતાનથી ખાસ બોલાવેલી ગાયિકા મનિષાની મંડળીનો ગીતનૃત્યનો કાર્યક્રમો આરંભાયો. શરૂઆતના નૃત્યથી એ દરબારીઓના દિલ-દિમાગ પર છવાઇ ગઇ. એનો શૃંગાર, એની છટા રૂપરાણી મેનકાને પણ સાવ ઝાંખા પાડી દે એવાં હતાં. બીજું નૃત્ય આરંભાય એ પૂર્વે સાજ પર થાપ પડી અને સારંગીમાં શુદ્ધ સારંગ ધૂંટાવા માંડ્યો. તાનપુરાના તાર રણઝણી ઊઠ્યા. તબલા માથે તોડા ફેંકાવા માંડ્યા. નર્તકીએ એકવાર ભાવભરી નજર દરબાર પર ફેરવી સહજ સ્મિત સહ ઝૂકી જામને મુજરો કર્યો ને નૃત્યનો બીજો દોર આરંભાયો. પાયલનો ઝનકાર, અદ્‌ભૂત લય જમાવવા માંડ્યો. નૃત્યની પ્રસન્ન છટા, ભાવપૂર્ણ મુખમુદ્રા, અંગડોલન સાથે મસ્તીભર્યા સારંગ રાગમાં વિલંબિત લયમાંથી દ્રુતમાં નૃત્યને ગાન લઇ જઇ એક વાર જામના દરબારને ઈન્દ્રસભા બનાવી દીધી. વિભા જામને નમન કરી એણે નૃત્ય પૂરું કર્યું. ચોતરફ વાહ વાહના તોરા છૂટ્યા.
ત્યાં તો ભરડાયરામાંથી એક યુવાન ઊભો થયો. તેની વય વીસેક વર્ષની હશે! તે વિભા જામની સામે જઇને ઊભો રહ્યો. ને અભિવાદન કરીને વિનમ્ર અવાજે બોલ્યો ઃ ‘હુજુર દરબારમાં એકાદ ચીજ ગાવાની ખાએશ છે. આજ્ઞા હોય તો એકાદ રાગ સંભળાવું.’ સૌ સભાજનોની નજર યુવાન માથે મંડાણી. અંદરોઅંદર ચણભણ થવા લાગી. ‘જામશ્રીના દરબારમાં તાનસેન ક્યાંથી જાગ્યા?’ ‘મુરખે સાક્ષાત્‌ રાગિણીદેવી સામે હોડ બકી છે.’ વજીર રાઘવજી ખવાસના કહેવાથી અવિનયી યુવકને જામ વિભાજીએ એક રચના રજૂ કરવાની રજા આપી.
ગાયકે એક વાદક પાસેથી તાનપુરો માગીને ખોળામાં લીધો ને તેના તાર રણઝણાવ્યા. પછી સૂરને વહેતો મૂકી ભૈરવીનો વિસ્તાર કર્યો. પછી સુરદાસનું પદ ‘બિન ગોપાલ બૈરી ભઇ કુંજે’ ઉપાડ્યું. જે શબ્દચિત્ર સુરદાસે આલેખ્યું હતું તે ગાયકે વિભા જામના દરબારમાં મૂર્તિમંત કર્યું. ગાન પૂરું થતાં સભામાં મૂર્તિમાન ભૈરવી રાગિણી જાણે દેહ ધરી ઊભી હોય તેવો ભાસ થયો. શ્રોતાગણો એકી અવાજે વાહ વાહ વાહ વાહ પોકારી ઊઠ્યા. અત્યંત પ્રસન્ન થયેલા જામવિભાજી બોલી ઊઠ્યા ઃ ‘જુવાન, તારું ગાન અને ગાન સાથે વહ્યા આવતા શબ્દો હૃદય સોંસરા ઊતરી ગયા છે. તારું નામ?’
‘હુજુર આદિતરામ’
‘વતન?’
‘જૂનાગઢ’
‘ત્યારે તો તમે સૌરાષ્ટ્રના જ ગાયક’ કહીને જામે પોતાના ગળાનો હાર અને ગંઠો આદિતરામને ભેટરૂપે આપી દીધાં અને પોતાની વીંટી ગાયકના હાથની આંગળીઓ જાતે પહેરાવી દીધી. આભારવશ થયેલા યુવાન આદિત્યરામના ગળામાંથી આટલા જ શબ્દો નીકળ્યા ઃ ‘હુજુર! આ દરબારમાં દેશના બધા પ્રદેશોના ગાયકો હતા. માત્ર સૌરાષ્ટ્રનો કોઇ ગાયક નહોતો. આમાં મારી ભોમકાનું ઝાંખું દેખાતું હતું. જેના નિવાસી શ્રીકૃષ્ણે દેશ આખાને ગીત, સંગીત અને નૃત્યની ભેટ આપી એ ધરતીનો કોઇ જાયો આ બધાથી વધીને તો ઠીક પણ એના જેવું ગાવાવાળો ય ન નીકળ્યો એથી હું અકળાયો અને ગાવાનો અવિવેક કરી બેઠો. મારી બેઅદબી માફ કરો. મને મળેલી આ બધી ભેટો હું દુરદેશાવરથી આવેલી મનિષાદેવીને અર્પણ કરું છું. મારા અન્ય ગાયકબંઘુઓને જે ઈનામ અકરામો અપાશે એ મને મળ્યા બરાબર ગણીશ. મેં સૌરાષ્ટ્રની શાન જાળવી છે એનો મને પૂર્ણ સંતોષ છે. પારિતોષિકની કોઇ સ્પૃહા નથી.’
એ પછી જામવિભાજીએ આદિત્યરામને રાજ્યગાયક બનાવી ચાર હજાર કોરીનું વર્ષાસન બાંધી આપ્યું. વિભાજામ એમની પાસેથી સંગીત શિખ્યા. આમ ગુરુ વ્રજનાથજી અને રાજવી વિભાજામની આજ્ઞાથી વિ.સં. ૧૯૦૮માં આદિત્યરામ જૂનાગઢ છોડી જામનગરમાં આવીને વસ્યા. પછી તેઓ હવેલીના મહારાજ વ્રજનાથજી સાથે મોટે ભાગે રહેતા. એમની પાસે બલરામજી નામના કુશળ સારંગિયા હતા એટલે જામનગરમાં એમની ત્રિપુટી જામી પડી.
ત્યારબાદ ગોસ્વામી વ્રજનાથજી મહારાજ સાથે આદિત્યરામજી ભારતની સંગીતયાત્રાએ નીકળ્યા. કલકત્તાથી દ્વારકા સુધી દિલ્હીથી પુના- સતારા સુધી એમણે સંગીતસફર કરી- જોધપુર, જયપુર, બિકાનેર, બુંદી, કોટા, ઉદેપુર, ગ્વાલિયર, કાશી, ઉજ્જેન, મથુરા, જગન્નાથ, કલકત્તા વગેરે ભારતના મુખ્ય શહેરોમાં જઇ સંગીતાર્થની સભાઓમાં સંગીત-ચર્ચાઓ કરી સંગીતની રજૂઆત કરી. કોઇપણ શહેરમાં દંભીજનો શહેરમાં સંતાઇ જતા એટલો બધો સંગીત વિદ્યા સંબંધે ઓજસ પડતો એમ માવદાનજી રત્નુ લખે છે.
જામનગર અને સૌરાષ્ટ્રમાં આદિત્યરામજીનો શિષ્ય વર્ગ ઘણો મોટો હતો. તેમને પોતાના જ્ઞાન અને શક્તિથી કોઇપણ વાદ્ય સુલભ બની રહેતું. પોતે મઘુર, ગંભીર અને બુલંદ અવાજથી મેઘસમાન ગર્જી અનેક રાગ-રાગિણીઓ પોતાના કંઠમાં રમાડી શકતા. મૃદંગવાદ્ય વગાડવામાં તેમની માસ્ટરી મનાતી. માત્રાઓના હિસાબથી લયના ભિન્નભિન્ન સ્વરૂપમાં એક પરાલ જુદા જુદા તાલોમાં લાવી આપવી, તેનો હિસાબ ગોઠવવો તે પણ તેમની જ શોધ ગણાય છે. તેમની બનાવેલી ગતો અને પલટા મશહૂર છે. પોરબંદરના ગોસ્વામી દ્વારકાનાથજી આદિત્યરામજી પાસે મૃદંગ શીખ્યા હતા. ભાવનગર, ધ્રાંગધ્રા, વઢવાણ, પોરબંદર વગેરે રાજ્યના રાજવીઓ આદિત્યરામજીનો ખૂબ જ આદર કરતા.
ભારતની સંગીતયાત્રાએથી આવ્યા પછી આદિત્યરામજીએ સંગીત ઉપર ‘સંગીતાદિત્ય’ ભા. ૧.૨ નામે અનુપમ ગ્રંથો લખ્યા. જેમાં ભૈરવ, માલકોષ, હીંડોલ, દીપક, શ્રી, મેઘ એ છ રાગો અને ૩૦ પ્રકારની એની રાગિણીઓ, સ્વરના નામ, મુર્છના નામની સમજણ સુપેરે આપી છે. ઉદેપુર (મેવાડ)ના મહારાણા સજ્જનસંિહજીએ સંગીતાદિત્ય ગ્રંથ વાંચી આદિત્યરામજીના મુખથી જ ગ્રંથ વાંચી સમજવા માટે ઉદેપુર બોલાવ્યા, પણ નાદુરસ્ત તબિયતને કારણે જઇ શક્યા નહીં. રાજપૂતાનાના મહાન ઉદાર સંગીતવિદ્યા મશહૂર મહારાજાઓ તરફથી આદિત્યરામજીને છત્ર ચામરાદિક, રાજચિહ્‌ન બક્ષી ઉત્તમ પંક્તિના અમીર તરીકે રહેવા જવાના નિમંત્રણો મળતાં પણ વ્રજનાથથી મહારાજ અને જામવિભાજીથી દ્રવ્યલોભે વિખૂટા પડવાનું એમણે પસંદ કર્યું નહોતું. આવો એમનો વફાદારીનો ગુણ હતો. જીવનની છેલ્લી ઘડી સુધી અર્થાત્‌ ૩૦-૩૫ વર્ષ જામનગર રાજ્યમાં સંગીતની સેવા કરી.
ઈ.સ. ૧૮૮૦માં આદિત્યરામજીનું અવસાન થયું, ત્યારે તેમના બંને પુત્રો કેશવલાલ અને લક્ષ્મીદાસ સંગીતમાં તૈયાર થઇ ગયા હતા. કેશવલાલ જામનગરમાં રાજ્યગાયક રહ્યા અને કેશવસંગીત વિદ્યાલય શરૂ કર્યું. જ્યારે લક્ષ્મીદાસ વઢવાણ રાજ્યના રાજ્યગાયક બન્યા. આદિત્યરામજી અને તેમના બંને પુત્રોએ સૌરાષ્ટ્રમાં ઘણા સંગીતકારો તૈયાર કર્યા. સને ૧૯૫૫માં સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમી તરફથી તેમની સ્મૃતિમાં આદિત્ય સંગીત મહોત્સવ ઉજવવામાં આવ્યો ત્યારે કેશવલાલના શિષ્ય બળદેવજી ભટ્ટ અને ચત્રભૂજ રાઠોડે આદિત્યરામજીની સંગીત પરંપરાનો સાચો ખ્યાલ આપ્યો હતો. આમ આદિત્યરામજીની સંગીતખ્યાતિ એ કાળે ભારતની સંગીતની દુનિયાના ખૂણે ખૂણે વ્યાપી ગઇ હતી. શ્રી હરકાન્ત શુકલ લખે છે કે ‘બૈજુ પછી ગુજરાતને પોતાનો કહી શકાય એવો મહાન સંગીતકાર આદિત્યરામમાં મળી ગયો.’
(તસવીર ઃ કિશોર પીઠડીયા જામનગર)

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved