બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં ગોલ્ડ

 

-મેન્સ ૨૦૦ મીટરમાં ત્રણેય મેડલ જમૈકા જીત્યું

 

- ડબલ સ્પ્રિંટ ટાઇટલ જાળવનારો સૌપ્રથમ એથ્લીટ

બોલ્ટે ચોથા ક્રમના શ્રેષ્ઠ સમય ૧૯.૩૨ સેકન્ડ સાથે ગોલ્ડ જીત્યો

કાર્લ લુઇસ ૧૯૮૮માં ઐતિહાસિક ડબલની સિધ્ધિ ચુક્યો હતો

હવે ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં લોંગ જમ્પમાં ભાગ્ય અજમાવવાની બોલ્ટની ઇચ્છા

લંડન,તા.૧૦
જમૈકાના સુપર એથ્લીટ યુસૈન બોલ્ટે લંડન ઓલિમ્પિકમાં ૧૦૦ બાદ ૨૦૦ મીટરની રેસમાં પણ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થનો ખિતાબ ધરાવતા બોલ્ટે સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટર એમ બંને રેસમાં ગોલ્ડ જીતીને ગોલ્ડન ડબલની અનોખી સિધ્ધિ મેળવનારા સૌપ્રથમ ઓલિમ્પિયન તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું હતુ. બોલ્ટે અપેક્ષા મુજબ જ પ્રભુત્વ સભર દેખાવ કરતાં ૧૯.૩૨ સેકન્ડના સમય સાથે ગોલ્ડ જીત્યો હતો. બોલ્ટની રેસ જોવા માટે સ્ટેડિયમમાં આશરે ૮૦,૦૦૦ ચાહકો ઉમટી પડયા હતા. જમૈકાએ પણ ભારે જોશ સાથે બોલ્ટની સિધ્ધિની ઉજવણી કરી હતી.

કાર્લ લુઇસથી આગળ
૨૫ વર્ષીય જમૈકન રેસર બોલ્ટના નામે ૧૦૦ અને ૨૦૦ મીટરનો વર્લ્ડ રેકોર્ડ છે અને હવે સતત બે ઓલિમ્પિકમાં આ બંને ઇવેન્ટનો ગોલ્ડ જીતીને તે લેજન્ડરી એથ્લીટ કાર્લ લુઇસ કરતાં ચડિયાતો સાબિત થયો છે. લુઇસ ૧૯૮૪ના ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમા ગોલ્ડ જીત્યો હતો. જો કે ચાર વર્ષ બાદના ઓલિમ્પિકમાં તે ૧૦૦ મીટરમાં ચેમ્પિયન બન્યો હતો પણ ૨૦૦ મીટરમાં સિલ્વર જીત્યો હતો. બોલ્ટે આ સાથે તેને ઓવરટેક કરી લીધો છે.
જમૈકાની ક્લિન સ્વિપ
મેન્સ ૨૦૦ મીટરમાં જમૈકાએ ક્લીન સ્વિપ કરતાં ત્રણેય મેડલ જીત્યા હતા. બોલ્ટ બાદ બીજા ક્રમે જમૈકાનો જ યોહાન બ્લેક રહ્યો હતો, જે ૧૯.૪૪ સેકન્ડ સાથે સિલ્વર જીત્યો હતો. જ્યારે તેના જ દેશનો વોરેન વેઇર ૧૯.૮૪ સેકન્ડનાસમય સાથે બ્રોન્ઝ જીતવામાં સફળ રહ્યો હતો. ગોલ્ડ જીત્યા બાદ બોલ્ટે કહ્યું કે, હું હવે ખરેખર લેજન્ડ બન્યો છું. હું આ જ કરવાની ઇચ્છા સાથે અંહી આવ્યો હતો. ગત વખતની જેમ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી શક્યો નથી પણ મેં ફોર્મ જાળવતા ગોલ્ડ જીત્યો હતો. મને શરૃઆતમાં પીઠના ભાગમાં થોડું ખેંચાણ અનુભવાતું હતુ. રેસ દરમિયાન મેં જોયું કે આ વખતે હું વર્લ્ડ રેકોર્ડ તોડી શકું તેમ નથી તો મેં મારી ગતિ ઓછી કરી નાંખી.

૨૦૧૬માં લોંગ જમ્પમાં ભાગ્ય અજમાવવું છે
બોલ્ટે સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં બેવડા ગોલ્ડ મેડલ જીતવાનો અનોખો કિર્તિમાન સ્થાપિત કર્યા બાદ કહ્યું કે, હવે ૨૦૧૬માં રિયો ડી જેનેરો ખાતે યોજાનારા ઓલિમ્પિકમાં આ સિધ્ધિનું પુનરાવર્તન કરવું ખુબ જ મુશ્કેલ છે. જો કે હું હવે લોંગ જમ્પમાં ભાગ્ય અજમાવવા વિશે વિચારું છું. નોંધપાત્ર છે કે અમેરિકાના લેજન્ડરી એથ્લીટ કાર્લ લુઇસે સતત ૧૯૮૪ થી ૧૯૯૬ના ઓલિમ્પિકમાં સતત ચાર લોંગ જમ્પ ઇવેન્ટના ગોલ્ડ જીત્યા હતા.
૩૬ વર્ષ બાદ એથ્લેટિક્સમાં ડબલ-ગોલ્ડ
લંડન ગેમ્સમાં બોલ્ટે ૧૦૦ બાદ ૨૦૦ મીટરમાં પણ ગોલ્ડ જીતતા નવો ઇતિહાસ રચી દીધો હતો. આ સાથે ઓલિમ્પિક એથ્લેટિક્સમાં ૩૬ વર્ષ બાદ એથ્લેટિક્સની વ્યક્તિગત ઇવેન્ટમાં કોઇ એથ્લીટ સતત બે ગેમ્સમાં બે ગોલ્ડ જીત્યો હતો. અગાઉ આવી સિધ્ધિ લોંગ ડિસ્ટન્સ રનર ફિનલેન્ડના લેસે વીરેને નોંધાવી હતી. તેણે ૧૯૭૨ની મ્યુનિચ અને ૧૯૭૬ની મોન્ટ્રીયલ ગેમ્સમાં ૫,૦૦૦ મીટર અને ૧૦,૦૦૦ મીટરના ટાઇટલ જીત્યા હતા.

૨૦૦ મીટરના ફાસ્ટસ્ટ સમય