હિમાચલપ્રદેશમાં બસ ખીણમાં પડી જતા બાવનનાં મોત ઃ ૪૬ ઘાયલ

 

-ટાયર ફાટતાં ડ્રાઇવરે અંકુશ ગુમાવ્યો

 

-મૃતકોનાં પરિવારજનોને ૧ લાખ રૃપિયાની સહાયની જાહેરાત

 

શિમલા, તા. ૧૧

 

હિમાચલ પ્રદેશનાં ચંબા જિલ્લામાં ખીચોખીચ ભરેલી ખાનગી બસ ખીણમાં પડી જતા ૧૮ મહિલાઓ અને બે બાળકો સહિત ઓછામાં ઓછા બાવન લોકોનાં મોત થયા હતા અને ૪૬ લોકો ઘાયલ થયા હતાં.

 

પોલીસે જણાવ્યું હતું કે ચંબા જિલ્લાનાં મુખ્યમથકથી ૮ કિમી દૂર આવેલા રાજેરા પાસે ટાયર ફાટી જતાં ડ્રાઇવરે અંકુશ ગુમાવી દેતા બસ ૨૫૦ ફૂટ ઉંડી ખીણમાં પડી ગઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે ૪૨ સીટો ધરાવતી આ બસ દુલેરાથી ચંબા જઇ રહી હતી. આ બસમાં ૧૦૦ જેટલા મુસાફરો યાત્રા કરી રહ્યા હતા. આ દુર્ઘટના વખતે કેટલાક યાત્રીઓ બસની છત પર બેઠા હતા.

 

ડ્રાઇવર સહિત ૩૯ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા જ્યારે ૧૩ યાત્રીઓનાં હોસ્પિટલમાં મોત થયા હતા.ચંબાનાં ડેપ્યુટી કમિશનર સુનીલ ચૌધરીએ જણાવ્યું હતું કે તમામ મૃતદહો મળી આવ્યા છે. ઘાયલોને ચંબાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અન તેમાંથા ૧૨ લોકોની સ્થિતિ ગંભીર છે.

 

હિમાચલ પ્રદેશ વિધાનસભાનાં અધ્યક્ષ તુલસી રામ અને સ્થાનિક ધારાસભ્ય બી. કે. ચૌહાણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમણે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. મોતને ભેટનાર વ્યકિતનાં પરિવાર માટે ૧ લાખ રૃપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પિડીતોનાં પરિવારજનોને તાત્કાલિક ધોરણે ૧૦,૦૦૦ રૃપિયાની સહાય કરવામા આવી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા યાત્રીઓને મેડીકલ સહાય અને ૫૦૦૦ રૃપિયા આપવામાં આવ્યા હતાં.

 

સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે અક્સમાતનું કારણ શોધવા માટે મેજિસ્ટેરિયલ તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન પી. કે. ધુમલે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને પિડીતોને મદદ કરવા સ્થાનિક વહીવટીતંત્રને આદેશ આપ્યા હતાં.