મુંબઇના આઝાદ મેદાનમાં હિંસક તોફાનો: બેનાં મોત : સંખ્યાબંધ વાહનો સળગાવ્યા

 

-પોલીસે લાઠીચાર્જ અને ગોળીબાર કર્યા

 

-આસામના તોફાનોના વિરોધમાં યોજાયેલા ધરણાંમાં આ ઘટના બની

 

મુંબઇ, તા.૧૧

 

આસામના રણખાણોનો વિરોધ કરવા દક્ષિણ મુંબઇનાં આઝાદ મેદાન ખાતે એકઠા થયેલા હજારો દેખાવકારો હિંસા પર ઊતરી આવ્યા હતા. તેમણે ભારે પથ્થરમારો કરીને પોલીસના વાહનો, ખાનગી વાહનો તથા ટીવીચેનલોની ત્રણ ઓબી વાનને આગ ચાંપી દેતા પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. આ ઘટનામાં બે જણના મોત થયા હતાં. પથ્થરમારામાં પોલીસ અને પત્રકારો સહિત ૫૦ જણ જખમી થયા હતા. આ રમખાણને પગલે લોકલ ટ્રેનોની અવરજવર પર અસર થઇ હતી. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે હવામાં ગોળીબાર કર્યો હતો.

 

શહેરનાં રઝા એકેડેમી સંગઠને આસામમાં થયેલી હિંસાના વિરોધમાં આઝાદ મેદાનમાં ધરણાનું આયોજન કર્યું હતું. બીજી તરફ કેન્દ્ર સરકારે આ બનાવની ગંભીરતાથી નોંધ લીધી છે અને રાજ્ય સરકાર પાસે અહેવાલ માંગ્યો છે. આ હિંસક બનાવોને પગલે મુંબઇમાં રેડ એલર્ટ જાહેર કરાયો હતો.

 

આસામમાં હિંસા તથા પડોશનાં મ્યાનમારમાં લઘુમતીઓ પર થઇ રહેલા કથિત હુમલાનાં વિરોધમાં રઝા એકેડેમી સંગઠન મારફતે આઝાદ મેદાનમાં ધરણાનું આયોજન કર્યું હતું. જેમાં આજે બપોરે લઘુમતી સમુદાયના હજારો લોકો વિરોધ પ્રદર્શિત કરવા અહીં એકઠા થયા હતાં. એક મૃતકની પોલીસને ઓળખ મળી હતી પણ બીજાને ઓળખી શકાયો નહોતો. જો કે પોલીસે તેની ઓળખ જાહેર કરી નહોતી.

 

દરમિયાન શાંતિથી ચાલી રહેલા ધરણાનું અચાનક હિંસામાં રૃપાંતર થઇ ગયું હતું. ટોળાએ કેટલાય વાહનોને આગ ચાંપી દીધી હતી. જેમાં પોલીસનાં વાહનો, ન્યુઝ ચેનલની ઓબી વાન વગેરેનો સમાવેશ થતો હતો. તે સિવાય તેમણે ભારે પથ્થરમારો કરતા પોલીસો અને પત્રકારો સહિત અંદાજે ૫૦ જણ જખમી થયા હતા, અને બેનાં મોત થયા હતા એમ પોલીસે કહ્યું હતું.

 

બીજીતરફ પરિસ્થિતિ વણસતા પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વેખરવાનો પ્રયાસ કર્યો હતો ઉપરાંત હવામાં ગોળીબાર કર્યો હતો.

 

છત્રપતિ શિવાજી ર ેલવે ટર્મિનસ અને મુંબઇ મહાપાલિકાનાં મુખ્યાલય સામે આવેલા આઝાદ મેદાનમાં દરરોજ કોઇને કોઇ માંગણી સાથે ધરણાના આયોજન થાય છે. આ સ્થળથી પોલીસનું મુખ્યાલય પણ પગપાળા પહોંચતા પાંચેક મિનિટ થાય છે.

 

આ બનાવને પગલે મુંબઇનાં પોલીસ કમિશનર અરૃપ પટનાયક, જોઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) હિમાંશુ રોય સહિત ઊચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતાં.

 

પટનાયકે પત્રકારોને જણાવ્યું હતું કે બપોરે ત્રણ વાગ્યા સુધી ધરણા શાંતિથી ચાલી રહ્યા હતા અને અહીં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હતો પરંતુ અડધા કલાક બાદ અચાનક તેઓ હિંસા પર ઉતરી આવ્યા હતા. જો અમે પોલીસ દળનો વધુ સખ્તાઇથી ઉપયોગ કર્યો હોત તો વધુ હિંસા ભડકી ઉઠી હોત, એમ તેમણે વધુમાં કહ્યું હતું.

 

પટનાયકે આ બનાવની તપાસ જોઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ)ને સોંપી હતી. તેમણે લોકોને શાંતિ જાળવવા તથા અફવાઓ ન ફેલાવવાની વિનંતી કરી હતી.

 

બીજી તરફ આ હિંસક બનાવોને પગલે લોકલ ટ્રેનોની અવરજવર ઉપર પણ અસર પહોંચી હતી. રેલવે કંટ્રોલનાં જણાવ્યા મુજબ લોકલ ટ્રેનો અડધો કલાક મોડી દોડી રહી હતી.

 

આ બનાવમાં વિવિધ ન્યુઝ ચેનલની ત્રણ ઓબીવાન તથા એક પોલીસનાં વાહનને આગ ચાંપવામાં આવી હતી. તે સિવાય પથ્થરમારાને પગલે બેસ્ટની એક બસ, બે કાર તથા પાંચ મોટરસાયકલને નુકસાન થયું હતું.

 

આ બનાવમાં બેનાં મોત સાથે ૧૯ પોલીસ સહિત ૫૦ જણ જખમી થયા હતા. જેમાં આઠ જણને સેંટ જ્યોર્જ હોસ્પિટલ, ચાર જખમીને જી.ટી. હૉસ્પિટલ તથા અન્યોને જે.જે. હૉસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

 

રઝા એકેડેમીનાં જનરલ સેક્રેટરી મોહમ્મદ સઇદના જણાવ્યા મુજબ 'અમે આઝાદ મેદાનમાં ધરણા કરી રહ્યા હતા ત્યારે કેટલાક ઉશ્કેરાયેલા લોકો હિંસા ઉપર ઉતરી આવ્યા હતાં.

 

દરમિયાન રાજ્યના ગૃહ પ્રધાન આરઆર પાટીલે આ સમગ્ર બનાવની તપાસ થશે, એમ જણાવ્યું હતું.