સુશીલકુમાર ગોલ્ડ સહેજ માટે ચૂક્યો, સિલ્વર મેડલ મળતાં ભારતમાં ખુશીનો માહોલ

 

-ઓલિમ્પિકનાં ઇતિહાસમાં ભારતનો સૌથી શ્રેષ્ઠ દેખાવ

 

-66 કિલોગ્રામ વર્ગની ફ્રિ સ્ટાઇલ કુસ્તી સ્પર્ધા

 

 

લંડન, તા.12 ઓગસ્ટ, 2012

 

લંડન-ઓલિમ્પિકમાં ભારતનાં કુસ્તીબાજ સુશીલકુમાર 66 કિલોગ્રામ વર્ગમાં રવિવારે ગોલ્ડ મેડલથી સહેજમાં ચૂકી ગયો હતો. છતાં પણ સિલ્વર મેડલ મળતાં ભારતમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. કેમકે ભારતે તેના અત્યાર સુધીનાં તમામ ઓલિમ્પિક દેખાવનો રેકોર્ડ તોડતા સ્પર્ધા પૂરી કરી છે. ભારતે આ ઓલિમ્પિકમાં બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

 

ઉલ્લેખનીય છે કે, આ સાથે સુશીલકુમાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો છે, જેણે સતત બે ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા હોય. કેમકે 2008નાં બીજીંગ ઓલિમ્પિકમાં તેણે કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

 

રસપ્રદ વાત એ છે કે ભારતને ઓલિમ્પિકનાં આખરી દિવસે પૂર્ણાહુતિ સમારંભનાં થોડા કલાકો પહેલાં જ આ સિલ્વર મેડલ મળ્યો હતો.

 

આ ફાઇનલ મુકાબલામાં જાપાની પહેલવાને સુશીલકુમારને હરાવ્યો. અગાઉ સુશીલકુમારે સેમિફાઇનલમાં કઝાકીસ્તાનનાં પહેલવાનને 6-3 હરાવ્યો હતો. જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં ઉઝબેકિસ્તાનનાં પહેલવાનને 3-1થી હરાવ્યો હતો. આ રીતે સુશીલકુમારે, ઓલિમ્પિકમાં કુસ્તીમાં સિલ્વર મેડલ મેળવીને પણ ભારતીયોનો દિલ જીતી લીધા હતા.