ડિઝાઈનર અંજુ માટે ધક-ધક ગર્લ, માધુરી દીક્ષિતે રેમ્પ ઉપર વોક કર્યુ

 

 

- દિલ્હી કોચર વીકમાં માધુરીનો દેવી લૂક

 

- ઝલક દિખલા જાની ડિઝાઇનર અંજુ મોદી

 

 

મુંબઇ, તા. ૧૧ ઑગસ્ટ, ૨૦૧૨

 

બોલિવુડ એક્ટ્રેસ માધુરી દિક્ષીતે દિલ્હી ખાતે ચાલી રહેલા દિલ્હી કોચર વીકમાં ડિઝાઈનર અંજુ મોદી માટે દેવીનો લૂક ધારણ કરીને રેમ્પ પર વોક કર્યું હતું. બંગાળી સંસ્કૃતિ પરથી પ્રેરણા લઇને ડિઝાઈન કરવામાં આવેલા પહેરવેશના અનુસંધાનમાં માધુરીએ ક્રીમ કલરનો એમ્બ્રોઇડરીવાળો લહેંગો, બ્લેક કલરનો બ્લાઉઝ અને લાલ રંગનો દુપટ્ટો ઓઢ્યો હતો.

 

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની કવિતા વંચાયા બાદ માધુરીએ રેમ્પ પર એન્ટ્રી મારી હતી. તેનો લૂક દેવદાસની ચંદ્રમુખીને મળતો આવતો હતો. મોહક સ્મિત સાથે માધુરી જ્યારે ચાલી રહી ત્યારે બેકગ્રાઉન્ડમાં કહાની ફિલ્મનું અમિતાભ બચ્ચને જેમાં તેમનો અવાજ આપ્યો છે એ જોડી તોર ડાક શુને કેઉ ના આશા... ગીત વાગી રહ્યું હતું.

 

અંજુ મોદીએ તેમના કલેક્શન માહિતી આપતાં કહ્યું, મારું કલેક્શન બંગાળી સાહિત્ય અને તેના પરથી બનેલી ફિલ્મો ચારુલતા, દેવદાસ, પરિણીતા અને દેવી પર આધારિત છે. બંગાળમાં લાલ રંગનું ખૂબ મહત્ત્વ છે. મેં મારા કલેક્શનમાં સ્ત્રી શક્તિને ધ્યાનમાં રાખી છે. તેઓ પ્રેમાળ અને ઊર્જાવંત હોય છે. મેં બંગાળની ભૂમિ પરથી પ્રેરણા લઇને તેને ફશન સ્ટેટમેન્ટમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે.

 

માધુરીને દેવીના લૂક માટે પસંદ કરવા પાછળનું કારણ આપતા મોદીએ કહ્યું, માધુરીમાં લાવણ્ય છે, તે બુદ્ધિશાળી અને ઉત્સાહી છે. એ મારા કલેક્શનમાં દેવી છે.

 

માધુરીના ટીવી શો ઝલક દિખલા જા માટે અંજુ મોદીએ આઉટફિટ્સ ડિઝાઈન કર્યા છે.