તુર્કીના માર્ડિન શહેરના એક કેફેને બોલીવુડનાં સલમાન ખાનનું નામ આપવામાં આવ્યું

 

-સલમાને આ કેફેને રિનોવેટ કરવામાં સહાય કરી હતી

 

- 'કેફે ડેલ-માર હવે સલમાન ખાન કેફે તરીકે ઓળખાય છે

 

મુંબઈ, તા. ૮

 

તુર્કીના માર્ડિન શહેરના કેફ ડેલ-મારને હવે બોલીવૂડના એક કલાકારનું નામ મળ્યું છે અને આ કલાકાર બીજો કોઈ નહીં પરંતુ આજનો લોકપ્રિય કલાકાર સલમાન ખાન છે.

 

'એક થા ટાઈગર'નું માર્ડિનમાં શૂટિંગ કરતી વખતે સલમાન ખાન અને ફિલ્મની યુનિટના બધા જ સભ્યો તેમના શૂટિંગના સ્થળની નજીક આવેલી કેફે ડેલ-મારની અવારનવાર મુલાકાત લેતા હતા.

 

આ કેફેને નવેસરથી સજાવવાની જરૃર હોવાનું સલમાનને લાગતા તેણે તેના માલિકોને કેટલાક ફેરફાર સૂચવ્યા હતા.

 

''સલમાને કેફેની સજાવટથી શરૃઆત કરીને તેના મ્યુઝિક, આહાર અને પીણાના મેન્યૂ સુધી ફેરફાર કરાવ્યા હતા. ત્યાંનું તેમનું શૂટિંગ પૂરું થયું ત્યાં સુધીમાં તો કેફે એક નવા અવતારમાં તૈયાર થઈ ગઈ હતી. છેવટે એને સલમાન ખાન કેફે નામ અપાયું હતું,'' એમ સૂત્રે કહ્યું હતું.

 

આ વાતને યશરાજ ફિલ્મસના પ્રવકતાએ સમર્થન આપતા કહ્યું હતું કે, 'કેફ ડેલ-માર હવે સલમાન ખાન કેફે તરીકે ઓળખાય છે. હવે આ કેફેની પૂરેપૂરી ઓળખ જ બદલાઈ ગઈ છે. સલમાન અને તેના સાથીઓના આગમનની તેઓ રોજ જ રાહ જોતા હતા.''

 

ફિલ્મના દિગ્દર્શક કબિર ખાને જણાવ્યા પ્રમાણે માર્ડિનમાં માત્ર આ જ કેફેમાં અમે જતા હતા. ત્યાંની મ્યુઝિક સિસ્ટમ સારી નહોતી. આથી સલમાને કોઈ પાસે સારી મ્યુઝિક સિસ્ટમ મગાવી હતી. અને તેને કેફેમાં બેસાડી હતી. આ મ્યુઝિક સિસ્ટમમાં નવા ગીતો વગાડવામાં આવતા હતા અને શૂટિંગ પછી આ સિસ્ટમ અમે ત્યાં જ મૂકી આવ્યા હતા.''