ભૂતપૂર્વ પ્રેમિકા પૂજા બત્રાનો પૂર્વ પતિ અક્ષય કુમારને મળતાં બોલીવુડમાં ચર્ચા

 

-અંદાજે દોઢ કલાક સાથે પસાર કર્યાં

 

-પૂજા અને અહલુવાલિયાનાં 1 વર્ષ પૂર્વે લગ્નનો અંત આવ્યો હતો

 

મુંબઈ, તા. ૮

 

અશ્વિની યાર્ડી સાથે ભાગીદારીમાં શરૃ કરેલા પ્રોડકશન હાઉસ ગ્રેઝિંગ ગોટની પહેલી ફિલ્મ 'ઓએમજી-ઓ માય ગોડ'ના એક પ્રમોશનલ ગીતના મંગળવારના શૂટિંગ દરમિયાન અક્ષય કુમારને મળવા એક એવો મુલાકાતી આવ્યો હતો જેના આગમનને કારણે અફવા બજારના લોકોને વાત કરવાનો એક નવો વિષય મળી ગયો હતો.

 

અક્ષયની મુલાકાતે આવનાર વ્યક્તિ તેની ભૂતપૂર્વ પ્રેમિકા પૂજા બત્રાનો ભૂતપૂર્વ પતિ ડો. સોનુ અહલુવાલિયા હતો. સોનુ એક ઓર્થોપેેડિક સર્જન છે અને તે અંદાજે સાંજે ૪.૩૦ વાગ્યે અક્ષયને મળવા ફિલ્મસિટીમાં આવ્યો હતો. અક્ષય અને સોનુએ લાંબા સમય સુધી વાતચીત કરી હતી અને ૪.૩૦ વાગ્યે આવેલા સોનુએ છેક સાંજે છ વાગ્યે ત્યાંથી અક્ષય સાથે તેની કારમાં વિદાય લીધી હતી. આ દરમિયાન અક્ષયે તેના ગીતનું શૂટિંગ ખૂબ જ ઓછા રિટેક આપીને પતાવ્યું હતું.

 

સૂત્રે જણાવ્યા પ્રમાણે, ''અક્ષય અને ડો. સોનુને એકબીજા સાથે વાતચીત કરતા જોઈને ઘણી નવાઈ લાગી હતી.'' જોકે સેટ પર હાજર અક્ષયના એક મિત્રે જણાવ્યા પ્રમાણે, ''અક્ષય અને ડો. અહલુવાલિયા વચ્ચે થોડા સમયથી પરિચય છે. આ બન્ને એકબીજાના સંપર્કમાં રહે છે. આ વાત અત્યાર સુધી કોઈને ખબર નહોતી. આ બન્ને જાહેરમાં ક્યારે પણ સાથે દેખાયા નથી.''

 

ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા પૂજા બત્રા મોડેલિંગમાં કારકિર્દી બનાવવા માટે પૂણેથી મુંબઈ આવી હતી. અક્ષય સાથે પરિચય થતા પૂર્વે તેણે ફિલ્મોમાં પ્રવેશવાનો વિચાર કર્યો નહોતો. ત્યાં સુધી બોલીવુડમાં નામ મેળવવાની પૂજાની મહત્વાકાંક્ષી વધી ગઈ હતી. 'હસીના માન જાયેંગી', 'વિરાસત' જેવી કેટલીક ફિલ્મો તેણે કરી હતી, પરંતુ તે સફળતા મેળવી શકી નહીં. આ પછી ૨૦૦૩ના ફેબુ્રઆરી મહિનામાં લોસ એન્જલસ સ્થિત ડો. અહલુવાલિયા સાથે લગ્ન કરીને તે લોસ એન્જલસ રહેવા જતી રહી હતી. ગયે વર્ષે તેના લગ્નનો અંત આવ્યો હતો.