ગુજરાતની આગામી ચૂંટણીમાં અમેરિકા પણ રસ દાખવી રહ્યું છે

 

-કોન્સ્યુલેટ જનરલની ટીમે ગુજરાતની મુલાકાત લીધી

 

 

-વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ,ભાજપના આગેવાનો સાથે બેઠક યોજી

 

 

આપણે જેને જગત જમાદાર કહીએ છીએ એ અમેરિકા દરેક દેશમાં યોજાતી ચૂંટણીઓનું બારિક નિરિક્ષણ કરતું હોય છે. ભારતમાં દરેક રાજ્યોમાં યોજાતી ચૂંટણીમાં પણ તેઓ સમીક્ષા કરીને કોણ સત્તામાં આવશે અને કેવા પરિમાણો સર્જાશે તેનો અહેવાલ તૈયાર કરે છે. ગુજરાતની ચૂંટણીના સંદર્ભમાં અમેરિકન કોન્સ્યુલેટ જનરલના સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાતનો પ્રવાસ કરીને આજે રવાના થયું છે. તેમણે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સાથે બેઠકો યોજી હતી.

 

વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ તથા ભાજપના આગેવાનો સાથે બેઠક યોજી

 

અમેરિકન કોન્સોલટ ફોર પોલીટીકલ એન્ડ ઈકોનોમિક અફેર્સ રોબર્ટ કાર્લસન, વાઈસ કોન્સોલેટ ફોર પોલીટીકલ અફેર્સ બ્રાફુસ કાલુન્દર તથા પોલીટીકલ એડવાઈઝર અરૃન્ધતી મુન્ડલે એ ગાંધીનગર વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ સાથે એક કલાક ચર્ચા કરી હતી. આ કર્ટસી વિઝીટમાં તેમની મુખ્ય ચર્ચા આગામી વિધાનસભાની ચૂંટણી, ગુજરાતના પ્રશ્નો, ગુજરાતની આર્થિક સામાજિક પરિસ્થિતિ તથા વર્ષા ઋતુના સંદર્ભમાં રહી હતી. પરંતુ આ ચર્ચાના કેન્દ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણી અને અન્ય પરિબળો મુખ્ય હતા.

 

શક્તિસિંહ ગોહિલ સાથે ચર્ચા કર્યા બાદ આ પ્રતિનિધિમંડળે અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો આઈ.કે. જાડેજા, સુરેન્દ્ર પટેલ, પરિન્દુ ભગત, યમલ વ્યાસ, દેવાંગ નાણાવટી વગેરે સાથે દોઢ કલાક ચર્ચા કરી હતી. જેમાં ગુજરાતમાં વિકાસના મુદ્દો, સામાજિક પરિસ્થિતિ તથા દુષ્કાળની પરિસ્થિતિ વગેરે મુદ્દાઓ આધારિત ચર્ચા દ્વારા આગામી ચૂંટણીનું વિશ્લેષણ કર્યું હતું.

 

આ પ્રતિનિધિમંડળે આજે વડોદરા ખાતે પણ કેટલાક આગેવાનો સાથે ચર્ચા કરી હતી.

 

ગુજરાતની આગામી ચૂંટણીમાં મહત્વનું પરિબળ બની ચુકેલા કેશુભાઈ પટેલને તેઓ મળ્યા ન હતા. પરંતુ આ પરિબળને લગતી ચર્ચા તેમણે શક્તિસિંહ ગોહિલ સાથે કરી હતી.