૧૨૧.૯૨ મીટરે ઓવરફલો શરૃ નર્મદા ડેમનો નઝારો જોવા પ્રવાસીઓ ઉમટયા

 

-સંખ્યાબંધ ગામો સાવધ

 

-હાલ પ્રતિ કલાકદશ થી પંદર સેમી સપાટી વધી રહી છે.

 

કેવડીયા કોલોની,તા.૮

 

ગુજરાતના ૧૫૨ તાલુકામાં દુકાળના ડાકલા વાગી રહ્યાં છે. જ્યારે બીજી બાજુ મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી પુર આવ્યા છે. ગુજરાતમાં વિના વરસાદે નર્મદા નદીમાં પૂર ઉમટયા છે. મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં પાણી છોડાતા નર્મદા બંધ ગઇ મોડી રાતે ૧૨.૧૫ કલાકે છલકાઇ ગયો હતો. એ પછી પણ ઉપરવાસમાંથી પાણીની ધોધમાર આવક ચાલુ રહેતા ડેમ રાતે ૯વાગ્યે ૧૨૮.૭૧ મીટરે ઓવરફલો થઇ રહ્યો હતો. ડેમની સપાટી ૧૨૧.૯૨ મીટર છે. તે જોતા હાલ ૬.૭૯ મીટરનો ઓવરફલો ચાલુ છે. હાલ પ્રતિ કલાકદશ થી પંદર સેમી સપાટી વધી રહી છે. જે ગઇકાલની સરખામણીએ ઓછી છે. ૭.૬૮ લાખ ક્યુસેક પાણી ડેૈમમાંથી વહી રહ્યું છે.

 

નર્મદામાંપૂરથી વડોદરા, ભરૃચ અને નર્મદા જિલ્લાના કાંઠાના સંખ્યાબંધ ગામો સાવધ કરાયા છે. ૧૨૮.૬૩ મીટરે ઓવરફલો ચાલુ હતો. ત્યારે પાણીની આવક ૧૧.૩૭ લાખ ક્યુસેકસની અને જાવક ૮.૮૯ લાખ ક્યુસેકસની હતી.

 

ગઇરાત્રે ૧૨.૧૫ કલાકે ડેમ છલકાયો હતો. અને ૧૨૧.૯૨ મીટરની સપાટી વટાવી દીધી હતી. આજે સવારે ૮ વાગે બંધ ખાતે પાણીની સપાટી ૧૨૫.૯૮ મીટર નોંધાઇ હતી. જયારે બપોરે બે વાગે સપાટી ૧૨૭.૭૧ મીટરે પહોંચી ગઇ હતી. ત્રણ વાગે તે વધીને ૧૨૭.૯૧ મીટર હતી. બંધ ખાતે ક્રોક્રીટ કામ ૧૨૧.૯૨ મીટર થયેલુ છે. જેથી બપોરે ત્રણ વાગે પાંચ મીટનો પાણીના ધોધનો નઝારો જોવાનો પ્રવાસીઓએ લાભ લીધો હતો. બપોર પહેલા ૨૪ થી ૨૫ સેમીનો દર કલાકે વધારો નોંધાયો હતો. હાલની સ્થિતિ જોતાં લગભગ વધુમાં વધુ ૧૩૦ મીટર પાણીની સપાટી નોંધાય તેવી શક્યતા છે. બંધ ખાતે પાણીની કુલ આવક બપોરે બે વાગ્યે ૧૨૩૫૩૦૬ ક્યુસેકસ નોંધાઇ હતી. જ્યારે બંધ ઉપરથી પાણીની જાવક ૬૩૩૨૨૭ ક્યુસેકસ હતી. બપોર પછી પાણીની આવક ૨૦ સેમી દર કલાકે નોંધાઇ હતી. આજે ઉપરવાસમાં વરસાદના કોઇ હેવાલ નથી.

 

૫મીએ એપ્રિલ ૧૯૬૧ ના રોજ સ્વ. પંડિત જવાહરલાલ નહેરૃએ ખાતમુર્હુત કરી પાયાનો પથ્થર મુક્યો હતો. માનવ સર્જન અવરોધો વચ્ચે આ યોજનાને લગભગ ૫૧ વર્ષ થયા છતાં પૂર્ણ થઇ નથી. તા.૩૦-૬-૨૦૦૬ સુધીમાં ૧૨૧.૯૨ મીટરનું કોક્રીટ કામ પૂર્ણ થયુ છે. પરંતુ ૩૦ દરવાજા માટે મંજુરી મળતી નથી. ગેટની કામગીરી પૂર્ણ થાય તો ૧૩૮.૬૮ મીટર સુધી પાણીનો સંગ્રહ કરી શકાય. અને વીજ ઉત્પાદન કાયમી ધોરણે કરી શકાય તેમ છે.