ETT-ફિલ્મમાં દર્શકોને જકડી રાખવાની પૂરેપૂરી ક્ષમતા છે ઃ કબીર ખાન

 

-કન્ટેન્ટ-ડિરેક્શન તેના પ્લસપોઇન્ટ્સ

 

- સલમાન ખાનની હાજરી ફિલ્મની સફળતા માટે મહત્ત્વની

 

મુંબઇ,તા. ૯ ઑગસ્ટ, ૨૦૧૨

 

ફિલ્મમેકર કબીર ખાનનું કહેવું છે કે એક થા ટાઇગરમાં સલમાન ખાનની હાજરીને લીધે મહત્ત્વની ફિલ્મ તો છે જ પણ સાથે સાથે આ ફિલ્મની પટકથા અને ડિરેક્શન પણ ફિલ્મને સફળતા અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

 

ફિલ્મના ડિરેક્ટર કબીર ખાનનું કહેવું છે, મને એમ લાગે છે કે આ ફિલ્મમાં દર્શકોને જકડી રાખવાની શક્તિ છે. હું આશા રાખું છું કે ફિલ્મને સારું ઓપનિંગ મળશે કારણકે તેમાં સલમાન ખાન છે, ત્યારબાદ હું છું અને એ ફિલ્મ છે જે મેં બનાવી છે. બોક્સ ઓફિસ પર લાંબો સમય ટકી રહેવાની ક્ષમતા આ ફિલ્મમાં છે એવું મારું માનવું છે.

 

ફિલ્મના પહેલા લૂકને સારી એવી સરાહના મળી છે. ફિલ્મની રિલીઝ પૂર્વે જ તેને મળી રહેલાં પ્રતિસાદને કેશ કરવા માટે કેટલાંક મલ્ટિપ્લેક્સ દ્વારા ફિલ્મની ટિકિટમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

 

ટિકીટના દરમાં થયેલાં વધારા અંગે કબીરનું કહેવું છે, મારે મલ્ટિપ્લેક્સિસ માલિકો સાથે વાત થઇ ત્યારે તેમણે કહ્યું કે આ સ્ટાન્ડર્ડ પોલિસી છે. રજાના દિવસોમાં, તહેવારમાં કે એમ લાગે કે આ ફિલ્મને જોરદાર ઓપનિંગ મળશે ત્યારે ટિકીટના ભાવમાં વધારો કરવાની પોલિસીને અનુસરતા હોય છે. વેલ, જોકે સરવાળે બધું સરખું જ છે કારણકે થોડાં મહિનાઓ બાદ ફિલ્મની ટિકીટના ભાવ જે હોય તેના કરતાં પણ નીચા આવી જતા હોય છે.

 

યશરાજ પ્રોડક્શનની સલમાન ખાન અને કેટરિના કૈફ અભિનીત એક થા ટાઇગર ૧૫ ઑગસ્ટે રિલીઝ થવાની છે.