Last Update : 09-August-2012, Thursday

 

શ્રીકૃષ્ણ વિના ગોપી અઘૂરી છે, તો ગોપી વિના શ્રીકૃષ્ણ પણ અઘૂરા છે !

- વિચાર વીથિકા

 

એકવાર ભગવાન શ્રીકૃષ્ણની પટરાણીઓએ ભગવાનને પૂછ્‌યું- ‘તમારા ગુરુ કોણ છે ?’ ભગવાન શ્રીકૃષ્ણે ઘણા બઘા નામ આપવા માંડ્યા. પરંતુ એમને અધવચ્ચે અટકાવીને પટરાણીઓએ પૂછ્‌યું- ‘પણ આ બધામાં તમારી દ્રષ્ટિએ જે સર્વશ્રેષ્ઠ હોય તે એકનું જ નામ આપો ને ?’ જવાબ આપતાં ભગવાન શ્રીકૃષણનું હૃદય ભરાઈ આવ્યું, કંઠ રુંધાઈ ગયો, આંખમાં આંસુ આવી ગયા અને ગળગળા સાદે એટલું જ બોલી શક્યા- ‘ગો...’ પટરાણીઓને કંઈ સમજ પડી નહીં એટલે પૂછ્‌યું- ‘આખું નામ બોલો તો અમને કંઈ ખબર પડે ને ?’ ભગવાન શ્રીકૃષ્ણ માંડ માંડ આગળ બોલી શક્યા. તેમણે પુનઃ ઉત્તર આપ્યો- ‘ગોપીઓ’ આ સાંભળી પટરાણીઓને અપાર આશ્ચર્ય થયું અને બોલી ઉઠી- ‘હે ત્રિભુવનનાથા ! વ્રજની ગોપીઓને તમે સર્વશ્રેષ્ઠ ગુરુ કહો છો ?’ અમારા સાંભળવામાં કંઈ ભૂલ તો નથી થતી ને ? ભગવાન શ્રીકૃષ્ણે ભાવાવેશની સ્થિતિમાં જ કહ્યું- ‘ના, તમારી ભૂલ નથી થતી. તમે બરાબર જ સાંભળ્યું છે. વ્રજની ગોપીઓની બરાબરી કરી શકે એવું આખા બ્રહ્માંડમાં કોઈ નથી. દુનિયાના તમામ જપ-તપ-વ્રત-જ્ઞાન-કર્મનો સાર પ્રેમમાં છે. ગોપી પ્રેમનું સાકાર રૂપ છે. કશાય બદલાની આશા વગરનો, સર્વાત્મ નિવેદન કરનારો આ પ્રેમ એ જ સાચી ભક્તિ છે. ગોપીકાઓએ આ પ્રેમને પોતાના જીવનમાં ઉતારીને જગતને પ્રેમનો બોધ કરાવ્યો છે એટલે એમને હું મારા સર્વશ્રેષ્ઠ ગુરુ કહું છું.’
નારદ ભક્તિસૂત્રમાં પરમભગવદ્‌ ભક્ત નારદજી પણ ગોપીઓને ‘પરમ પ્રેમનો આદર્શ’ ગણાવે છે. ભક્ત સૂરદાસજી પણ ‘ગોપી પ્રેમકી ઘજા’ કહીને ગોપીઓને પ્રેમની પતાકાનું સૌથી ઊંચું બિરુદ આપે છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ પણ ગોપીજનોને ‘પુષ્ટિમાર્ગના ગુરુ’ કહ્યા છે. એમણે સ્વયં એ રીતે ભક્તિ કરી જગતને ‘પ્રીતની રીત’ બતાવી છે એટલે જ કહેવાયું છે- ‘સેવા રીત પ્રીત વ્રજજનકી જગહિત જગ પ્રગટાઈ.’ ગોપીના પ્રેમનો મહિમા કોણે નથી ગાયો ? શ્રીમદ્‌ ભાગવત કહે છે- ‘વન્દે નંદવ્રજસ્ત્રીણાં પાદરેણુમભીક્ષ્ણશઃ ! યાસાં હરિકથોક્ષીતં પુનાતિ ભુવનત્રયમ્‌ !! અમે ગોકુળની એ વ્રજાગનાઓની ચરણરજને વારંવાર શ્રદ્ધાપૂર્વક મસ્તક પર ચડાવીએ છીએ જેમની ભગવત્સંબંધિની કથાઓ ત્રણેય લોકને પાવન કરનારી છે.’
જ્ઞાનનો ઘમંડ લઈને વ્રજમાં આવેલા ઉદ્ધ જ્યારે થોડો સમય ગોપીઓ સાથે રહીને વ્રજમાંથી પાછા ફરતા હતા ત્યારે ગોપીઓના ભક્ત બની ગયા હતા અને પ્રભુને પ્રાર્થના કરી હતી- ‘આસામહો ચરણરેણુજુષામહં સ્યાં વૃંદાવને કિમપિ ગુલ્મલતૌષધીનામ્‌- હે પ્રભુ, હું એવી આશા રાખું છું કે ક્યારેક તમે મને વ્રજની લતા, વનસ્પતિ કે ઘાસ બનાવજો કે જેથી ગોપીઓના પરમ પાવનકારી ચરણોની રજ ક્યારેક મારા પર પડે ! ઉદ્ધવજી તો શું જગતના સર્જનહાર બ્રહ્માજીએ પણ ગોપીના ચરણની રજ મેળવવા આવી પ્રાર્થના કરી હતી એવો ઉલ્લેખ આપણા પુરાણોમાં છે ! બ્રહ્માજી સ્વયં કહે છે- ‘ષષ્ઠિ વર્ષ સહસ્ત્રાણિ મયા તપ્તં પરં તપઃ’ મેં સાઈઠ હજાર વર્ષ સુધી કઠોર તપ કર્યું પણ મને ગોપીની ચરણરજ માથે પધરાવવાનો અધિકાર ન મળ્યો !’
કોઈક કબીરના વખાણ કરતું હતું તો કબીરે કહ્યું- ‘કબીરા કબીરા ક્યા કરે, જા જમના કે તીર । એક ગોપી સે પ્રેમ મેં બહ ગયે કોટિ કબીર ।। કબીર, કબીર શું કરે છે ? જમના (યમુના)ના કિનારે જઈને જો. એક ગોપી જેવો પ્રેમ ધારણ કરવામાં મારા જેવા કરોડો કબીર યમુનાના જળમાં વહી ગયા !’ જ્ઞાનનું પર્યવસાન પ્રેમમાં જ છે એટલે કબીરે પણ કહ્યું- ‘પોથી પઢિ પઢિ જગ મુઆ, પંડિત ભયા ન કોઈ । ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોઈ ।।’
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનો પૂર્ણ આનંદ રસ પ્રાપ્ત કરવા રામાવતારના ૠષિઓ કૃષ્ણાવતારમાં ગોપીઓ બન્યા. ‘રસો વૈઃ સઃ’ની ઉદ્ધોષણા કરનારી વેદની ૠચાઓ પણ ગોપીઓ બની ! અષ્ટછાપ કવિ છીતસ્વામી કહે છે- ‘જો વે ગોપવઘુ યા વર્જમેં સોઈ અબ વેદ ૠચા ભઈ તેહ ।’ ગોપી શબ્દની વ્યાખ્યા થાય છે- ‘ગોભિઃ ઈન્દ્રિયૈઃ પ્રેમભક્તિરસં પીબતિ ઈતિ ગોપીઃ ઈન્દ્રિયોથી જે નિરંતર પ્રેમભક્તિ રસનું પાન કરે છે તેનું નામ ગોપી.’ સંત તુલસીદાસજી કહે છે- ‘સબહું નચાવત રામ ગુસૉંઈ- ભગવાન જગતના બધા લોકોને કઠપૂતળીની જેમ નચાવે છે.’ પણ વ્રજની વાત અનેરી છે. અહીં ભગવાન એક પડીયો છાશ પીવા ગોપીઓના કહેવાથી સ્વયં નાચે છે ! કૃષ્ણભક્ત કવિ રસખાન કહે છે- ‘શેષ મહેશ દિનેશ સુરેશ હું જાહિ નિરંતર ગાવે, જાકો અનાદિ અખંડ અછેદ અભેદ સુવેદ બતાવે, નારદ સે શુકવ્યાસ રટે પચિહારી તઉં પુનિ પાર ન પાવે, તાકો આહિરકી છોહરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે । આ કેવળ ગોપીઓના નિર્વ્યાજ, નિઃસ્વાર્થ, નિર્મળ પ્રેમથી જ શક્ય બન્યું છે. એકવાર કોઈકે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્‌યુ- ‘તમે કદી કોઈથી હાર્યા છો ?’ ભગવાને જવાબ આપ્યો- ‘ના, કદી નહીં.’ પણ પછી થોડું વિચારીને કહેવા લાગ્યા- ‘હા, હાર્યો તો છું... ગોપીઓ આગળ તો હું જીવનભર હારેલો જ છું !’ ગોપીઓનો પ્રેમ એવો છે જેની આગળ ભગવાનને પણ હારવું ગમે છે. શ્રીકૃષ્ણ ગોપીજન વલ્લભ છે. શ્રીકૃષ્ણ વિના ગોપી અઘૂરી છે, તો ગોપી વિના શ્રીકૃષ્ણ પણ અઘૂરા છે !
-દેવેશ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved