અમદાવાદ ઃ પગારને મુદ્દે સમાધાનના મામલે આશિમાના કામદારોની બગાવત

 

-માસિક ૨૦૦૦નો નેટ વધારો આપો

 

-સમાન કામ માટે સમાન પગાર આપો

અમદાવાદ,મંગળવાર

 

સમાન શ્રમ, સમાન વેતનના ગાંધીજીએ સૂચવેલા સિદ્ધાંતનો સદંતર ભંગ કરીને મજૂર મહાજનના સત્તાવાળાઓએ દરેક મિલ સાથે અલગ અલગ મંત્રણાઓ કરીને પગારને મામલે સમાધાન કરવા શરૃ કરવામાં આવેલી મંત્રણા સામે સવાલ ઊઠાવ -વામાં આવ્યા છે. આ મંત્રણા પછી આશીમા મિલના કામદારોને ૧૭૫૦ રૃપિયાના માસિક પગાર વધારાની દરખાસ્તને મજૂરોએ ફગાવી દીધી છે. આ મુદ્દે લેબર કમિશનરની કચેરીમાં ફરિયાદ પણ થઈ છે. પરિણામે મજૂરોવતીથી સમાધાન કરનાર મજૂર મહાજન પણ કફોડી સ્થિતિમાં મૂકાઈ ગયું છે.

 

આશીમા મિલના કામદારોને ૧૭૫૦ ઉપરાંત પ્રોવિડન્ટ ફંડ અને રજા પગારના લાભ પણ જોઈએ છે. આ લાભ ન મળતા હોવાથી તેમણે આશીમાના માલિકો સાથે કરવામાં આવેલા સમાધાનનો વિરોધ કર્યો છે. અમદાવાદ ટેક્સટાઈલ મિલ ઓનર્સ એસોસિયેશન સાથેની વાટાઘાટો ફળદાયી ન બનતા મિલવાર અલગ અલગ બાર્ગેઇનિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે તેની સામે અમદાવાદ મિલ મજૂર યુનિયનના પ્રમુખે વાંધો લીધો છે અને આ પ્રકારે મિલદીઠ સમાધાન કરવાની ફોર્મ્યુલાથી કામાદારોને અન્યાય થતો હોવાનું અને મહાત્મા ગાંધીએ પ્રસ્થાપિત કરેલા ઇક્વલ વર્ક, ઇક્વલ વેજ (સમાન કામ માટે સમાન વેતન)ના સિદ્ધાંતની સદંતર અવહેલના થતી હોવાની ફરિયાદ કરાઈ છે.

 

મજૂર મહાજનના નેતાઓને કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ૧૯૭૨માં વેરિએબલ ડિયરનેસ એલાવન્સ (મોંઘવારી ભથ્થા) અને પગારમાં કરવામાં આવેલા વધારા સમયે સમગ્ર ગુજરાત અને અમદાવાદમાં એક સમાન વધારો આપવામાં આવ્યો હતો. જોકે લેબર કમિશનરની કચેરીના સૂત્રોનું કહેવું છે કે સમાન કામ માટે સમાન વેતનનો નિયમ જ ઉચિત છે. મિલ કામદારોના પગારને મુદ્દે સમાધાન કરવામાં આ સિદ્ધાંતનું વ્યવસ્થિત પાલન કરવામાં આવે તેની તકેદારી અમે રાખીશું.

 

બી.આઈ.આર. એક્ટ હેઠળ માત્ર ને માત્ર મજૂર મહાજનને જ કામદારોના પગાર વધારા માટે વાટાઘાટો કરવાનો અધિકાર મળતો હોવાથી મજૂર મહાજન તેમને મળેલી આ સત્તાનો દુરુપયોગ ન કરે ત જોવા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. દરેક મિલના મજૂરો માટે અલગ અલગ સમાધાન કરવાનું મજૂર મહાજનનું વલણ ઉચિત ન હોવાનું તેની સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

 

મિલ કામદારોએ ગયા મહિને આંદોલન કરીને આપેલા ભોગનો અનાદર કરીને મિલમાલિકો સાથે સમાધાન કરવા માટે નવા કરારો કરવાની પેરવી કરાઈ રહી હોવાનું પણ પત્રમાં જણાવવામાં આવ્યું છે. એક મિલમાં જે પગાર ધોરણ માટે સમાધાન કરાયું હોય તે જ પગાર દર પ્રમાણે અન્ય મિલના કામદારોને વેતન અપાવું જરૃરી છે.

 

અલગ અલગ પગાર વધારા સામે મિલમજૂરોનો વિરોધ

 

મિલનું નામ

સંભવિત વધારો

અરવિન્દ મિલ

રૃા.૧૯૩૫ માસિક

અસારવા મિલ

રૃા.૧૭૫૦ માસિક

આશીમા મિલ

રૃા. ૧૭૫૦ માસિક

સોમા ટેક્સટાઈલ મિલ

રૃા.૧૬૩૫ માસિક