UPA-2 કરોડો રૂપિયા ખર્ચીને બચાવાયેલી ગેરકાયદે સરકાર ઃઅડવાણી, સોનિયા ભડક્યા

 

-અડવાણીએ શબ્દો પાછા ખેંચ્યા

 

-સંસદનો પ્રથમ દિવસ તોફાની રહ્યો

 

નવી દિલ્હી, તા.8 ઓગસ્ટ, 2012

 

સંસદનાં ચોમાસુ સત્રના પ્રથમ દિવસે અસમ હિંસાનાં ચર્ચા ઉપર ભાજપનાં વરિષ્ઠ નેતા, એલ.કે.અડવાણીએ જણાવ્યું યુપીએ-2 સરકારને ગેરકાયદે ગણાવી અને આ સરકારને બચાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

 

આટલા નિવેદન બાદ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે ઉભા થઇ ગયા હતા અને કંઇક કહેતા નજરે પડ્યા હતા. જ્યારે ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેએ અડવાણીને પોતાનાં શબ્દો પાછા ખેંચવા જણાવ્યું હતું. ત્યારબાદ લોકસભા અધ્યક્ષ મીરાકુમારે પણ અડવાણીને શબ્દો પાછા ખેંચવા જણાવ્યું ત્યારે અડવાણીએ પોતાનાં શબ્દો પાછા ખેંચ્યાની ઘોષણા કરી હતી.

 

અસમ હિંસા અંગે ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મનમોહન સિંહ ખુદ અસમનું પ્રતિનિધિત્વ કરે છે અને અને તેઓ આમાંથી બચી ન શકે.

 

અડવાણીએ કહ્યું કે, સમસ્યાના મૂળમાં એ છે કે ભારતવાસી કોણ છે અને બહારથી આવનારા લોકો કોણ છે. અસમમાં મુસ્લિમો પહેલાંથી જ વસે છે, તેમનાથી કોઇ સમસ્યા નથી. ઘૂસણખોરો પોતાની ભાષા અસમિયા લખાવે છે પણ તેમને એક શબ્દ પણ અસમિયા નથી આવડતો.

 

 

આ મુદ્દે અને અસમ હિંસાનાં મુદ્દે સંસદ સ્થગિત રહી હતી. રાજ્યસભામાં પણ આ મુદ્દે હોબાળો થયો હતો અને તે પણ સ્થગિત કરવામાં આવી હતી.