ગત સપ્તાહમાં ચર્ચા ચાલી હતી કે બાપુ અને બાપા એક થાય તો? જવાબ આ ફોટા પરથી મળે છે. ૧૯૯૫માં ભાજપને પ્રથમવાર ગુજરાતમાં બહુમતિ મળી હતી. ત્યારે શંકરસિંહ અને કેશુભાઇ પટેલ બંને મુખ્યમંત્રીપદના દાવેદાર હતા. છેલ્લે શંકરસિંહ રેસમાંથી ખસી ગયા અને તા. ૧૪ માર્ચ ૧૯૯૫ના રોજ કેશુભાઇ પટેલની મુખ્યમંત્રીપદે વરણી થઇ હતી. એજ દિવસે ગાંધીનગર ટાઉનહોલ ખાતે વિજય સંમેલન થયું હતું જ્યારે નરેન્દ્ર મોદી ભાષણ કરી રહ્યા હતા ત્યારે કેશુભાઇના પગ પાસે શંકરસિંહ વાઘેલા અને કાશીરામ રાણા ભાષણના જ કોઇ મુદ્દા પર કોમેન્ટ કરીને કેશુભાઇને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ૧૯૯૫ થી ૨૦૧૨ સુધીમાં હસાવનારાઓએ જ તેમને રડાવ્યા પણ છે. ૧૯૯૫ના સપ્ટેમ્બર માસમાં શંકરસિંહ વાઘેલાએ કેશુભાઇને ખુરશી ખાલી કરાવી હતી. ૨૦૦૧માં કાશીરામ રાણા પણ કેશુભાઇની સામેની છાવણીમાં હતા. આજે શંકરસિંહને કેશુભાઇ માટે લાગણી જન્મી છે અને કાશીરામ રાણાએ કેશુભાઇની આંગળી પકડી છે. આ આંગળી અને લાગણી વધુ તેજ બને તો ફરી ડિસેમ્બર ૨૦૧૨માં આવું દ્રશ્ય સર્જાઇ શકે છે.(ફાઇલ તસ્વીર)