
મુંબઇ તા.૭
અક્ષય કુમાર તેની પરગ્રહવાસી પર આધારિત ફિલ્મ 'જોકર'ના કેટલાક ભાગનું ફરી ડબિંગ કરવાનો છે ફિલ્મ નિર્માણના શિરિષ કુંદરના 'રિયાલિસ્ટિક' અભિગમ વિશે વધુ વિવાદ ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે.
'જોકર' ફિલ્મ 'પગલાપૂર' નામના એક કાલ્પનિક સ્થાન પર આકાર લે છે પરંતુ, મૂળ સ્ક્રિપ્ટ પ્રમાણે, આ સ્થાન કાલ્પનિક નથી ફિલ્મમાં બે વાર અક્ષય રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની વચ્ચે આવેલા જમીનના એક ટુકડા પ્રત્યે સરકારની ઉપેક્ષા બદલ ફરિયાદ કરે છે.
ફિલ્મ સર્જક વાસ્તવિકતા પર ફિલ્મ બનાવવાનું સાહસ કરે છે પરંતુ પાછળથી તેઓ મુશ્કેલીમાં સપડાય છે. આથી અક્ષય અને શિરિષે અગમચેતી વાપરીને પોતાની જાતને સલામત રાખવાનો નિર્ણય કર્યો છે.
કેટલાક દિવસો પૂર્વે ફિલ્મના અંતિમ ડ્રાફટ પર નજર ફેરવતા અક્ષયને લાગ્યું હતું કે રાજ્યના સાચા નામ વાપરવાને કારણે ભવિષ્યમાં વિવાદ ઉત્પન્ન થઇ શકે છે આથી તેણે શિરિષને એ નામ બદલવાની સુચના આપી હતી.
આ ફિલ્મની નજીકના એક સૂત્રે જણાવ્યા પ્રમાણે, 'આ માટે શિરિષ આસાનીથી તૈયાર થયો નહોતો. તે તેની મૂળ સ્ક્રિપ્ટને વળગી, રહેવા માગતો હતો પરંતુ, આમિર ખાને પણ 'પીપલી લાઇવ'માં કાલ્પનિક નામ વાપર્યા હોવાની દલીલ કરીને તેને સમજાવ્યો હતો.'
આ ભાગનું હવે અક્ષય ફરીથી ડબિંગ કરશે. મધ્ય પ્રદેશને બદલે મુખ્ય પ્રદેશ, યુપીને બદલે ઉત્તમ પ્રદેશ અને રાજસ્થાનને બદલે પ્રજાસ્થાન નામ વપરાશે.
આ સમાચારને સમર્થન આપતા શિરિષે કહ્યું હતું કે, સલામતીના પગલા રૃપે તેમણે આ ફેરફાર કર્યો હતો. 'આ અમારો સહિયારો નિર્ણય હતો. અમે રાજસ્થાન, એમપી અને યુપીના નામ હવે બદલ્યા છે. આ ફિલ્મની વાર્તા કાલ્પનિક છે. આથી સાચા નામ વાપરવાની શું જરૃર છે ?' એમ તેણે ઉમેર્યું હતું.