Last Update : 07-August-2012, Tuesday

 

લોકસભાની ચૂંટણી એકલા લડીને પાવર અજમાવવા માગતા પવાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષના બળવાના મુખ્ય કારણો તેમની ઊંઘ હરામ કરી નાખનારા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ, રાહુલ ગાંધી અને નવનિયુક્ત ગૃહપ્રધાન સુશિલકુમાર શિંદે

બ્યુગલ વાગી ચૂક્યું છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ સતારાના દુષ્કાળપિડીત ખેત-મજૂરો સાથે બેસીને ભાખરી-ઠેચા(લાલ મરચાંની ચટણી)નું ભોજન લેતા હોય એવી તસવીરો અને વિડિયો મહારાષ્ટ્રના મીડિયામાં ઉત્સાહથી પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે, પણ એક માણસ જરાય પ્રભાવિત થયો નથી. એ છે રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ અને કેન્દ્રીય કૃષિપ્રધાન શરદ પવાર. તેમણે આ વિશે ટિપ્પણી કરી હતી કે 'ભાખરી-ઠેચા (લાલ મરચાંની ચટણી) ખાવાથી ખેડૂતોની સમસ્યા દૂર થવાની નથી.'
આ ઘટનાનાના ત્રણ મહીના બાદ એનસીપી અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનમાં ગાંઠ પડી અને કેન્દ્ર અને રાજ્યમાં કોંગ્રેસ સાથે યુતિ સરકાર રચનારા પવારે ગઠબંધન તોડી નાખવાની ધમકી આપી. મહારાષ્ટ્રના ૭૨ વર્ષના આ સશક્ત રાજકારણીએ કોંગ્રેસ સાથે છેડો તો ન ફાડયો, પરંતુ એનો અર્થ એ નથી કે એનો ગુસ્સો ઠંડો પડી ગયો છે. તેઓ સમસમીને બેસી ગયા છે અને લાગ મળવાની રાહ જોઈ રહ્યા છે. પવાર રાહ જોવે છે અને કોંગ્રેસે તો સુશિલ કુમાર શિન્દેને વડા પ્રધાન બનાવીને નંબર ટુ માટે કુદાકુદ કરતા પવારને લપડાક લાગવી પણ દીધી છે. પવાર ૨૦૧૪ની ચૂંટણી એકલાહાથે લડવાની તૈયારી કરી રહ્યા છે એ પણ એટલી જ દેખીતી વાત છે.
કોંગ્રેસના એક પદાધિકારીએ કહ્યું હતું કે 'એનસીપી(નેશનલાઇઝ્ડ કોંગ્રેસ પાર્ટી) મહારાષ્ટ્રમાં સિંચાઈ મંત્રાલયનો હવાલો ધરાવે છે અને તેમાં પુષ્કળ કૌભાંડો થયા છે. આ મામલે કોંગ્રેસ અને એનસીપીને વાકુ પડેલું છે.'
પવારનો આક્ષેપ હતો કે કોંગ્રેસ તેમના સાથી પક્ષોને ભાજીમૂળા સમજે છે. તેમને વિશ્વાસમાં લીધા વિના કે તેમની સાથે ચર્ચા-વિચારણા કર્યા વિના જ બધા નિર્ણયો લઇ લે છે. તેમની આ નારાજગી દૂર કરવા માટે યુપીએ સરકારે એક સંકલન સમિતિની રચના કરી. આ સમિતિમાં ચર્ચા-વિચારણા કર્યા બાદ જ કોઇ મુદ્દાને કેબિનેટમાં લઈ જવો એવી ગોઠવણ કરવામાં આવી. સરકારના આ પગલાંથી એનસીપી ખુશ હોવાનું એનસીપીના પ્રવક્તા અને થાણેના ધારાસભ્ય જિતેન્દ્ર અવહદ જણાવે છે, પરંતુ કોંગ્રેસના સુત્રોનું કહેવું છે કે પવાર કોંગ્રેસથી ખુશ નથી. તેની મહત્વાકાંક્ષા વધુ છે. તેમને તેમની સાંસદ પુત્રી સુપ્રિયા સુળે માટે કેન્દ્રીય મંત્રીનું પદ જોઇએ છે. તેમની આ ઇચ્છા તો અધુરી રહી ગઈ, કેમ કે ૩૧ જુલાઇએ જ કેબિનેટ વિસ્તરણ થઈ ગયું અને તેમાં સુપ્રિયાને કઇ જ આપવામાં આવ્યું નથી. પ્રણવ મુખરજીના રાજીનામા પછી શરદ પવાર માનતા હતા કે તેઓ યુપીએ(યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)માં નંબર ટું છે. કેન્દ્ર સરકારની વેબસાઇટ પર વડા પ્રધાન મનમોહન સિંહ બાદ બીજા નંબરે સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીનું નામ લખવામાં આવતા તેમને પેટમાં અસહ્ય દુઃખાવો ઉપડયો હતો. તેમની નંબર ટુ બનવાની ઇચ્છા તો અધૂરી રહી. પવારને ચિંતા હતી કે તેમના કટ્ટર પ્રતિસ્પર્ધી સુશિલકુમાર શિન્દેને ઊર્જાપ્રધાનમાંથી નાણાંપ્રધાન બનાવી દેવાશે તો? એવું તો ન થયું, પણ સોનિયા ગાંધીએ હુકમનું પત્તુ ફેંક્યું અને પી. ચિદમબરમને ફાઇનેન્સ મિનિસ્ટરી આપીને શિન્દેને ગૃહપ્રધાન બનાવી દીધા તથા પવારના દુઃખતા પેટ પર પાટુ માર્યું. પવાર પોતે નાણાંપ્રધાન કે ગૃહપ્રધાન બનવા માગતા હતા. પવારની એક ડિમાન્ડ એ પણ હતી કે એનસીપીના એક પીઢ નેતાને ગવર્નરનું પદ આપવામાં આવે. તેઓ એનસીપીના સંસદસભ્ય તારિક અનવરને રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન પણ બનાવવા માગે છે.
આથી હવે પવાર આગામી સામાન્ય ચૂંટણીઓમાં પોતાનો અલગ ચોકો બનાવે તો નવાઈ નહીં લાગે. એક નેતા તરીકે શરદ પવાર ઝળહળતી કારકિર્દી ધરાવે છે. માત્ર ૨૭ વર્ષની ઉંમરે તેઓ બારામતીમાંથી વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ૩૮ વર્ષે તેઓ મહારાષ્ટ્રના સૌથી યુવાન મુખ્ય પ્રધાન હતા. ૧૯૬૭માં પ્રથમ ચૂંટણી લડયા ત્યારથી જ તેમણે બારામતીને પોતાનો પારિવારીક ગઢ બનાવી દીધો હતો. તેમણે બારામતીનો જેરીતે વિકાસ કર્યો છે તે દ્રષ્ટાંતરૃપ છે. બારામતીને ગુણવત્તાપ્રદ શિક્ષણનું કેન્દ્ર બનાવી દીધું છે. ત્યાં દૂધની સહકારી ડેરીની સ્થાપના કરી છે. ખાંડની મીલો, ફેક્ટરીઓ, ર્દ્રાક્ષની ખેતી, દારુ બનાવવા માટેનો પ્રોસેસિંગ પ્લાન્ટ અને હાઇટેક ટેક્સ્ટાઇલ પાર્ક ઊભા કરીને આ શહેરની સુરત બદલી નાખી છે.
બારામતીને પ્રોમોટ કરવાનો ચાન્સ તેઓ ક્યારેક જ ચૂકે છે. ૨૦૦૯માં શરદ પવાર માઢમાંથી સંસદસભ્ય બન્યા. તેમના સ્થાને હાલ તેમની પુત્રી સુપ્રિયા સુળે બારામતીની સાંસદ છે. ભત્રીજો અજીત પવાર બારમતીનો વિધાનસભ્ય છે. મહારાષ્ટ્ર પર પવારની પાવરફુલ પક્કડ છે. આથી કોંગ્રેસના આ ભૂતપૂર્વ નેતાથી ગાંધી પરિવાર પણ સાવચેત રહે છે.૧૯૭૮માં પવારે મહારાષ્ટ્રમાં વસંતદાદા પાટીલની સરકાર પાડી હતી. ત્યારથી તેમને શંકાની નજરથી જોવામાં આવે છે. તેઓ તેમના સમર્થકો સાથે વોક આઉટ કરી ગયા હતા અને પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક ફ્રન્ટની સરકાર કડડભૂસ થઈ ગઈ હતી. આ સરકાર માત્ર બે વર્ષ પુરા કરી શકી હતી.
'શરદ પવારઃ મેકિંગ ઓફ ધ મોડર્ન મરાઠા'ના લેખક તથા શરદ પવારના ભૂતપૂર્વ પ્રેસ સેક્રેટરી પી. કે. રવિન્દ્રનાથ જણાવે છે કે '૧૯૮૦થી ૧૯૮૬ સુધી પવારે રાજકીય વનવાસ ભોગવ્યો હતો અને ઇંદીરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીએ કોંગ્રેસની કમાન પોતાના હાથમાં લીધા પછી તેઓ પાછા ફર્યા હતા.'
રાજીવ ગાંધીએ શંકરરાવ ચવાણને કેન્દ્રીય નાણાંપ્રધાન બનવા માટે આમંત્રીત કર્યા ત્યારે ૧૯૮૮માં શરદ પવાર બીજી વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા હતા.
આ બધી તો વિતેલી વાતો છે, પરંતુ હાલ શરદ પવારના બળવાનું મહત્વપૂર્ણ કારણ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ છે. વિલાસરાવ દેશમુખ અને અશોક ચવ્હાણની મુખ્ય પ્રધાનપદ પરથી હકાલપટ્ટી થયા બાદ તેમના સ્થાને મૂકવામાં આવેલા પૃથ્વીરાજ ચવ્હાણે પવારની ઉંઘ હરામ કરી નાખી છે.
કોંગ્રેસના સુત્રો જણાવે છે કે 'કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વડા પ્રધાન મનમોહન સિંહે પૃથ્વીરાજ ચવ્હાણને મહારાષ્ટ્ર રાજ્ય સરકારમાં વ્યાપેલી ગંદકી સાફ કરવા મોકલ્યા છે. તેમને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે કોંગ્રેસનો કોઇ માણસ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો હોય તો તેને પણ છોડવો નહીં.'
પૃથ્વીરાજ ચવ્હાણે રાજ્યનો કાર્યભાર સંભાળતાની સાથે જ આદર્શ કૌભાંડના આરોપી અશોક ચવ્હાણની કેટલીક યોજનાઓને કચરા ટોપલીમાં ફેંકી દીધી હતી. આ ઉપરાંત તેમણે શક્તિશાળી બિલ્ડર લોબીને અખરે એવા કાયદાઓ અમલી બનાવ્યા.
શરદ પવારના માનીતા પ્રોજેક્ટ 'લવાસા' બાબતે તેમણે થોડું ધીરજથી કામ લીધું. એનસીપીના નેતા તથા સિંચાઈ પ્રધાન સુનિલ તટકરે દ્વારા સિંચાઈ યોજનાઓમાં આચરવામાં આવેલી કરોડો રૃપિયાની કથિત ગેરરીતિઓ મામલે તેમણે શ્વેતપત્ર માગ્યું.
એનસીપીના બીજા વરિષ્ઠ નેતા છગન ભુજબળ પર નવી દિલ્હીમાં નવું મહારાષ્ટ્ર સદન બાંધવા માટેનો કોન્ટ્રેક્ટ આપવામાં કરોડો રૃપિયા ચાઉં કરી જવાનો આક્ષેપ છે. મહારાષ્ટ્ર ભાજપના નેતા કિરીટ સોમૈયાએ શરદ પવાર પર કટાક્ષ કર્યો હતો કે 'આ બે નંબરનું પદ મેળવવા માટેની લડાઈ નથી, પરંતુ બે નંબરનો ધંધો કરીને ગેરકાયદેસર રૃપિયા રળવા માટેની લડત છે.'
જોકે પૃથ્વીરાજ ચવ્હાણ કડક પગલાં લઇને મુંબઈના સભ્ય સમાજની પ્રશંસા મેળવી શક્યા નથી. તેના બદલે તેમણે એનસીપી અને કોંગ્રેસમાં દુશ્મનો ઊભા કરવાનું કામ કર્યું છે. મહારાષ્ટ્રના વિધાનસભ્યોએ સોનિયા ગાંધીને ફરિયાદ કરી છે કે પૃથ્વીરાજ ચવ્હાણ વધુ પડતા ઉત્સાહી છે અને જો તેમને હટાવવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં કોંગ્રેસે હારવાની તૈયારી રાખવી પડશે.
સુશિલકુમાર શિન્દે અને પૃથ્વીરાજ ચવાણ બાદ શરદ પવારની ત્રીજી સમસ્યા છે, રાહુલ ગાંધી. રાહુલ ગાંધીને કેન્દ્ર સરકારમાં મહત્વની જવાબદારી સોંપવાનો સૂર કોંગ્રેસના નેતાઓમાં વધુ તીવ્ર બન્યો છે. તેના કારણે શરદ પવારના કાનમાં ધાક પડી ગઈ છે! ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને વડા પ્રધાનપદના ઉમેદવાર પ્રોજેક્ટ કરવામાં આવી શકે છે, જે પવારથી સહન થાય એમ નથી. પવાર માને છે કે રાહુલના નેતૃત્વ હેઠળ લડવું એના કરતા તો સારું છે કે એકલેહાથે લડવું. એક સમયે ઇન્દીરા ગાંધીના હાથ નીચે કામ કરનારા પવાર રાહુલ ગાંધીના હાથ નીચે કામ કરીને પોતાના અહમને ઇજાગ્રસ્ત થવા દેવા માગતા નથી. કદાચ રાહુલ ગાંધી પણ આ વાત સમજે છે અને એટલે જ હજી સુધી તેમણે કોઇ મોટી જવાબદારી ઉપાડી નથી(સિવાય કે ઉત્તર પ્રદેશની ચૂંટણીની જવાબદારી, જેમાં કોંગ્રેસ ઊંધે કાન જમીન પર પટકાઈ). રાજકીય મોરચા પર રાહુલ ગાંધી બહુ દેખા ન દેતા હોવા પાછળ ઉત્તર પ્રદેશની ચૂંટણી સિવાયનું બીજું કારણ પવારનો પાવર પણ હોઈ શકે છે. ૨૦૧૪ની ચૂંટણી પવારને કોંગ્રેસનો સાથ લીધા વિના લડવાની ઇચ્છા થાય એ માટે એક બીજુ પ્રેરકબળ પણ જવાબદાર છે. ઓડિશામાં નવીન પટનાઇક, બિહારમાં નિતિષ કુમાર, તામિલનાડુમાં જે. જયલલિતા, ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ યાદવ અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ માથુ કાઢ્યું છે. આ જોતા એવું લાગે છે કે ૨૦૧૪ની ચૂંટણીમાં આ બધા પક્ષોનું પ્રભૂત્વ વધશે. એનસીપીના એક નેતાનું કહેવું છે કે 'જો આ બધા નેતાઓ તેમનું સ્થાન સશક્ત બનાવી શકે તો શરદ પવાર પણ મહારાષ્ટ્રના સૌથી અનુભવી નેતા છે. તેઓ કેમ તેમનું પ્રભૂત્વ ન વધારે?'
ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડમાં તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એમ. કરુણાનિધિની પુત્રી તથા સંસદસભ્ય કનિમોઝી તથા ડીએમકેના નેતા અને ભૂતપૂર્વ ટેલિકોમપ્રધાન એ. રાજાની ધરપકડ બાદ કોંગ્રેસ અને ડીએમકેના સંબંધો વણસ્યા છે. આ તકનો લાભ લઈ તાજેતરમાં શરદ પવાર એક સમારોહમાં ડીએમકે(દ્રવિડ મુનેત્ર કઝઘમ)ના નેતા ટી. આર. બાલુ સાથે જોવા મળ્યા હતા. આ બાબત સૂચવે છે કે કોંગ્રેસ સાથે છેડો ફાડવા માટે તેઓ ડીએમકે સાથે નિકટતા વધારી રહ્યા છે.

- કાંતિલાલ

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved