Last Update : 06-August-2012, Monday

 

દુકાળ-કોર્પોરેટ ભાગ-૧

 

દુકાળ કોર્પોરેટ ક્ષેત્રને પણ ભરડામાં લેશે
વરસાદ ખેંચાતા ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારની રોજી રોટી પર અસર થશે જેના પગલે આવક અને ખરીદશક્તિમાં ઘટાડો થશે. જેની સીધી અસર કોર્પોરેટ ક્ષેત્ર પર થશે. કોર્પોરેટ ક્ષેત્રએ હાલ આ વિસ્તાર પર ધ્યાન કેન્દ્રીત કરીને વેચાણમાં થાય તેવા પગલા ભરવા સક્રિય બન્યુ છે.
નબળા ચોમાસાના કારણે ખરીફ પાકના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર બાદ રવી પાકની વાવણી માટે જમીન સૂકી થઈ ગઈ હશે તેમજ પાણીની પણ તંગી સર્જાશે તેથી આગામી સમયમાં પણ પ્રતિકુળતાઓ વધુ ગંભીર બનશે.
આખરે હવામાન ખાતાએ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતા ઓછો રહેશે તેમજ ચાલુ વર્ષે ચોમાસુ અછતવાળું રહેશે તેવી જાહેરાત કરતા ખાદ્યચીજોના નીચા ઉત્પાદન, વીજ ઉત્પાદન તેમજ પીવાના પાણીની તંગીની ચિંતા વધુ ઘેરી બની છે.
દુકાળ આ શબ્દ કાને પડે એટલે આપણને તરત જ કૃષિ ઉત્પાદનમાં ઘટાડો અને ભાવમાં વધારો થશે એવા એંધાણ મળી જતા હોય છે. વાત પણ વાજબી છે. જે વર્ષમાં ઓછો વરસાદ થાય તેના કારણે દુકાળ સર્જાય છે. અને તેની સીધી જ અસર કૃષિ ક્ષેત્ર પર થતી હોય છે. ઓછા વરસાદના કારણે ઉદ્ભવી પ્રતિકુળતાઓના પગલે આ સમયમાં કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે અને તેની સીધી અસર બજાર પર જોવા મળતી હોય છે. એટલે કે ખાદ્યાન્ન ચીજ વસ્તુઓના ભાવમાં ખુબ જ ઝડપથી વધારો થતો હોય છે. જેના કારણે અર્થતંત્ર પર અસર થાય છે. તો બીજીતરફ આ પ્રતિકુળતાને લઈને આમ આદમીનું બજેટ ખોરવાઈ જતું હોય છે. ભાવ વધવાની વાત આવી તો એ પણ ઉલ્લેખનીય રહેશે કે વરસાદની ખેંચતો છેલ્લા બે માસમાં ઉદભવી છે. જો કે ચાલુ વર્ષમાં તો વર્ષની શરૃઆતથી જ વિવિધ ચીજ વસ્તુઓના ભાવમાં સતત અકલ્પનીય ભાવવધારો ચાલુ જ રહ્યો છે. જેના કારણે ફુગાવો પણ ઊંચી સપાટીએ જ રહ્યા કરે છે.
આમ, જ્યારે પણ વરસાદની ખેંચ ઊભી થાય ત્યારે અનેક હાડમારીઓ ઉદભવતી હોય છે. આ હાડમારીઓનું રૌદ્ર સ્વરૃપ એટલે દુકાળ. ચાલુ વર્ષે દેશના અડધાથી વધારે વિસ્તારોમાં ચોમાસુ ખેચાઈ જવા પામ્યુ છે. જેના કારણે આ વિસ્તારો દુકાળની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક સ્તરની અને સ્થાનિક સ્તરની કેટલાક પ્રતિકુળતાઓને લઈને આમ પણ આપણું અર્થતંત્ર નબળું પડી જ ગયું છે. ત્યાં વળી આ નવી પ્રતિકુળતાને પગલે અર્થતંત્રમાં રહ્યો સહ્યો પાવર પણ ગુલ થવાની તૈયારીમાં છે. દેશના કેટલાક ભાગોમાં ચોમાસું ખેંચાઈ જવાના કારણે દુકાળના ડાકલા વાગવાની શરૃઆત થઈ તે સાથે જ કેન્દ્ર સરકારે દુકાળગ્રસ્ત રાજ્યો માટે રૃા. ૨૦૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી દેવાઈ છે. આ ઉપરાંત ખેડૂતોને ઊભા ખરીફ પાક બચાવવા માટે ડિઝલમાં ૫૦ ટકા સબસિડીની જાહેરાત પણ કરાઈ છે. આ ઉપરાંત ખરીફ, પાકોના દાણા પર સબસિડી વધારવાના અને ઢોરઢાખર માટે ઘાસચારો વધારવા ખોળની આયાત ડયૂટી નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશના દુકાળગ્રસ્ત રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. સરકારે જાહેર કરેલા રૃા. ૨૦૦૦ કરોડના રાહત પેકેજમાંથી ગુજરાતને રૃા. ૩૨૦ કરોડની મદદ મળશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશના ૬૨૭ જિલ્લાઓમાંથી ૬૪ ટકા જિલ્લાઓમાં અપૂરતો વરસાદ થયો છે. જેના પગલે ૨૦૦૯ કરતા પણ વધુ ગંભીર સ્થિતિનું નિર્માણ થવા પામ્યુ છે. અપૂરતા વરસાદના કારણે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વિવિધ ખરીફ પાકના વાવણી વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થશે. જેના પગલે આગામી સમયમાં ભાવવધારાનો ભોરિંગ વધુ આક્રમક બનશે તેમ કહેવું જરા પણ અસ્થાને નથી.
દુકાળના ડાકલા વાગતા સરકારે રાહત પેકેજની જાહેરાત કરી તેની બીજી તરફ રિઝર્વ બેંકે પણ ઓછા વરસાદ અને ઊંચા ફુગાવાની ગંભીર નોંધ લીધી છે. વરસાદ ખેંચાવાના કારણે સર્જાનારી વિકટ પરિસ્થિતિના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં ફુગાવામાં વધારો થવાની તેમજ આર્થિક વિકાસદરમાં વધુ ઘટાડો થવાની ભીતિ રિઝર્વ બેંકે વ્યક્ત કરી છે. મધ્યસ્થ બેંકે ચાલુ નાણાંકીય વર્ષ માટે અગાઉ ફુગાવો ૬.૫ ટકા રહેવાની આગાહી કરી હાલ તેને વધારીને ૭ ટકા કરી છે. તો બીજી તરફ ૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષ માટેનો આર્થિક વિકાસ દર જે અગાઉ ૭.૩૦ ટકા અંદાભર્યા હતો તેને ઘટાડીને ૬.૫૦ ટકા કરાયો છે. આ ઉપરાંત મધ્યસ્થ બેંકે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ વિકટ પરિસ્થિતિમાં જો નીતિ વિષયક દરોમાં છુટછાટ અપાશે તો સ્થિતિ વધુ ફુગાવાજન્ય બનશે અને તેની ગંભીર અસરો પણ જોવા મળશે.
આમ આદમી, કૃષિ ઉત્પાદન સહિતના અન્ય પરિબળોની સાથોસાથ ભારતીય કોર્પોરેટ ક્ષેત્રનું ભાવિ પણ વરસાદ પર નિર્ભર હોય છે. ભારતીય કોર્પોરેટ ક્ષેત્ર હાલ ઊંચા વ્યાજદર, ફુગાવાનું દબાણ, વૈશ્વિક પ્રતિકૂળતા અને ઘરઆંગણે રાજકીય અનિશ્ચિતતાનો સામનો કરી જ રહ્યું છે. ત્યાં જ બળતામાં ઘી હોમાય તેમ કોર્પોરેટ ક્ષેત્રના માથે વધુ એક મુસીબત આવી પડી છે. આ મુસીબત છે વરસાદની ખેંચ. જુલાઈ માસના અંત સુધીમાં વરસાદમાં ૨૨ ટકા જેટલી ખાદ્ય નોંધાઈ છે. જેના કારણે દેશના ઘણા બધા ભાગોમાં દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ચોમાસુ ખેંચાઈ જવાના કારણે ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારો પર ગંભીર અસર જોવા મળશે તેવી દહેશત જાણકાર વર્તુળે વ્યક્ત કરી રહ્યા છે. આ વાસ્તવિકતાની બીજી બાજુ જોઈએ તો આગામી સમયમાં દુકાળની અસર કોર્પોરેટ ક્ષેત્ર પર પણ જોવા મળશે.
છેલ્લા એક દાયકામાં ભારત ત્રણ દુકાળ જોઈ ચૂક્યુ છે. અને હવે ચોથા દુકાળના ડાકલા વાગી ચૂક્યા છે. દુકાળના વર્ષોમાં દેશના જીડીપી વૃધ્ધિદરમાં નોંધપાત્ર સંકોચન થવા પામ્યું છે. જે અર્થતંત્રની નબળાઈ વ્યક્ત કરે છે. ચોમાસા એટલે કે વરસાદની ખેંચના કારણે કૃષિ ઉત્પાદન પર અસર થતી હોય છે. અને આ મુદ્દાની અર્થતંત્ર પર અસર થતી હોય છે. વરસાદની ખેંચની સૌથી વધુ પ્રતિકૂળ અસર ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં જોવા મળતી હોય છે. નબળા વરસાદના કારણે આ વિસ્તારની રોજીરોટી પર અસર થશે. આવકનું પ્રમાણ ઘટતા ખરીદ શક્તિમાં પણ ઘટાડો થશે. જેની સીધી અસર કોર્પોરેટ ક્ષેત્રના નાણાંકીય પરિમાણો પર જોવા મળશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય-અર્ધશહેરી વિસ્તારોનું આવક ધોરણ ઊંચુ આવતા આ વર્ગ પણ હવે બ્રાન્ડેડ વસ્તુઓ તરફ વળ્યો છે. જેના પગલે એટલે કે ગ્રામ્ય-અર્ધશહેરી વિસ્તારોની માંગ વધતા કોર્પોરેટ ક્ષેત્રનું વેચાણ વધ્યું છે. ખુદ, કોર્પોરેટ ક્ષેત્રએ તેની નોંધ લીધી છે. પરંતુ, ચાલુ વર્ષે વરસાદ ખેંચાઈ જવાના કારણે આ વિસ્તારની માંગમાં ઘટાડો થશે. જેના પગલે કોર્પોરેટ ક્ષેત્રનું વેચાણ ઘટશે અને તેની અસર કંપનીની નાણાંકીય ક્ષમતા પર જોવા મળશે.
***************
દુકાળ-કોર્પોરેટ ભાગ-૨
ચોમાસુ ખેંચાઈ જવાના કારણે કોર્પોરેટ ક્ષેત્રે ખાસ કરીને ફર્ટીલાઈઝર્સ, ઓટોમોબઈલ્સ, ફાઇનાન્સ અને કન્ઝયુમર ગુડઝ ક્ષેત્ર પર પ્રતિકૂળ અસર જોવા મળશે. વિવિધ પ્રતિકૂળતાઓના પગલે ગ્રામ્ય વિસ્તારના નાગરિકો દ્વારા આગામી સમયમાં ખર્ચમાં મોટા કાપ મૂકવામાં આવશે. જેના પગલે આ વિસ્તારની માંગમાં મોટો ઘટાડો જોવા મળશે. નબળા ચોમાસાની સીધી અસર કૃષિ ક્ષેત્ર પર થતી હોય છે. વરસાદ ખેંચાઈ જવાના કારણે ખેડૂત વર્ગ ચાલુ વર્ષે ટ્રેકટર, પોતાના અન્ય સાધનો, પમ્પ સેટ સહીતના અન્ય કૃષિ સાધનોની નવી ખરીદી ટાળશે. બીજી તરફ આ કારણને લઈને નવા ખાતરની ખરીદી પણ ટાળવામાં આવશે. આ બધા મુદ્દાને લઈને આગામી સમયમાં ફર્ટીલાઇઝર, ઓટો, ઓટો એન્જીનિયરીંગ ક્ષેત્રની કંપનીઓના વેચાણ પર પ્રતિકૂળ અસર જોવા મળશે.
અપૂરતા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારની આવકનું પ્રમાણ ઘટશે જેના પગલે આ વિસ્તારની ખરીદ શક્તિમાં પણ ઘટાડો થશે. અને માંગ પણ ઘટશે. અત્રે એ નોંધનીય રહેશે કે એફએમસીજી ક્ષેત્રની કંપનીઓની કુલ આવકમાં ગ્રામીણ બજારનો હિસ્સો આશરે ૫૦ ટકા જેટલો છે. જો આ વિસ્તારની માંગ ઘટશે તો તેનાથી કંપનીઓના વેચાણમાં પણ મોટાપાયે ઘટાડો થશે. ખર્ચમાં કાપ મૂકવાના કારણે ગ્રામ્ય ગ્રાહકો સસ્તી બ્રાન્ડ તરફ વળી જશે. આ મુદ્દે ઊદ્ભવનારી પ્રતિકૂળતા લાંબા સમય સુધી જોવા મળશે.
સર્જાયેલી આ વિકટ પરિસ્થિતિની સૌથી વધુ ગંભીર અસર બેકિંગ ક્ષેત્ર પર જોવા મળે તેવી વકી છે. કેન્દ્રીય નિયમનો મુજબ બેંકોની લોન બુકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો અંદાજે ૨૦ ટકા આસપાસ હોય છે. વરસાદની ખેંચના કારણે કૃષિ ઉત્પાદન પર પ્રતિકૂળ અસર જવાના પગલે કૃષિ લોન ડિફોલ્ટના બનાવોમાં વધારો થશે. જેના પગલે બેંકોની નોન પર્ફોમન્સ એસેટસમાં (એનપીએ) પણ વધારો થશે. દેશભરના ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર ક્ષેત્રની બેંકો ખૂણે ખૂણે પથરાયેલી છે. આ બેંકો કૃષિ ક્ષેત્રે મોટાપાયે ધિરાણ કરતી હોઈ આ બેંકોની એનપીએમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. બેંકોની સાથોસાથ નોન-બેકિંગ ફાઈનાન્સ કંપનીઓ પણ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સ્તરે કાર્યરત હોય છે. વરસાદની ખેંચના કારણે સર્જાનારી વિકટ પરિસ્થિતિના કારણે આ કંપનીઓનું નાણાંકીય ચિત્ર ખરડાય તેવી સંપૂર્ણ શક્યતા છે. આમ, દુકાળના ડાકલાની કોર્પોરેટ ક્ષેત્ર પર પણ પ્રતિકૂળ અસર થશે.
વરસાદની ખેંચના કારણે વિપરીત પરિસ્થિતિનુ ં નિર્માણ થયેલું છે. તે બાબતને હવે હવામાન ખાતાએ પણ પુષ્ટિ આપી દીધી છે. વિતેલા સપ્તાહમાં હવામાન ખાતાએ ચાલુ વર્ષે ચોમાસુ અછતવાળું રહેવાની તેમજ ચાલુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં વરસાદ સામાન્ય કરતા પણ ઓછો રહેશે તેવી જાહેરાત કરી દીધી છે, જેના પગલે આગામી સમયમાં ખાદ્યાન્ન, વીજ ઉત્પાદન, પાણી પુરવઠા અંગેની સમસ્યામાં પણ વધારો થશે.
ટૂંકમાં ૨૦૧૨નું વર્ષ દેશ માટે નબળું પૂરવાર થાય તેવી શક્યતા છે. વૈશ્વિક સ્તરની તેમજ સ્થાનિક સ્તરની પ્રતિકૂળતાઓ વચ્ચે ઘેરાયેલા અર્થતંત્ર પર વધુ એક પ્રતિકૂળતાનો વધારો થયો છે. આમ, આગામી સમય અર્થતંત્ર માટે વધુ કપરો પૂરવાર થશે એમ કહેવું જરા પણ અસ્થાને નથી.

 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved