Last Update : 21-July-2012, Saturday

 

... ઔર આપ હૈ મેરે નાજાયઝ બાપ!

વિવર્તન - શાંડિલ્ય ત્રિવેદી

- આખરે એક વખતના ‘મહામહિમ’ રાજ્યપાલ અને બબ્બે રાજ્યોના ચચ્ચાર વાર મુખ્યમંત્રી છેવટે તો ઝલાઈ જ ગયા. કહેવાય છે કે પાપ છાપરે ચડીને પોકારે પરંતુ એન.ડી.તિવારી મહાશયનો કિસ્સો એવો છે કે બાપ ડીએનએ ટેસ્ટના રિપોર્ટ પર ચડીને પોકારે! રોહિત શેખર નામના યુવકે એન.ડી.તિવારી પોતાના પિતા હોવાનું સાબિત કરવા લગભગ એક દાયકાથી અદાલતમાં ધા નાંખી હતી. રીઢા રાજકારણીને છાજે એ રીતે છેવટ સુધી પોતાનું કર્તૃત્વ નકારી રહેલા નારાયણદત્ત તિવારીએ છેવટે ડી.એન.એ. રિપોર્ટ સામે હથિયાર હેઠા મૂકવા પડ્યા. બે ઘડીની ગેલ-ગમ્મત ગણીને કરેલું સહશયન ક્યારેક વસમું પડી જાય અને ત્યારે કદાચ કાયદાની આંટીધૂંટીમાંથી છટકી શકાય પરંતુ પિતૃત્વની નૈતિક જવાબદારીમાંથી તો કઈ રીતે નાસી શકાય? ફિલ્મ ‘ત્રિશુલ’માં અમિતાભનો લોકપ્રિય નીવડેલો સંવાદ આજકાલ રોહિત શેખર બોલી રહ્યો છે...

આશરે અઢી દાયકા પહેલાં ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં એન.ડી.તિવારીના વિરોધીઓએ એક સૂત્ર વહેતું મૂક્યું હતું, ‘નહિ નર હૈ, નહિ નારી હૈ... યહ નારાયણદત્ત તિવારી હૈ!’ એ વખતે તિવારીના સમર્થકો રોષે ભરાયા હતા પણ સ્વયં એન.ડી.તિવારી મૂછમાં મલકતા હશે. કારણ કે, એ વખતે તિવારીની રંગીનની તબિયત કોઈથી અજાણી ન હતી. સચિવાલયથી માંડીને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પણ તિવારીસાહેબની આ ફૂલગુલાબી તબિયત હંમેશા ચર્ચાનો વિષય રહી.
નસીબજોગે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાંચલ એવા બબ્બે રાજ્યોના મુખ્યમંત્રી બનવા સદ્‌ભાગી નીવડેલા તિવારી હંમેશા પાવર એન્ડ પોલિટિક્સના કેન્દ્રમાં જ રહ્યા છે અને દરેક તબક્કે તેમની તબિયતની રંગીનીએ બિન્દાસ્ત મેઘધનૂષ ખિલવ્યા છે. છેલ્લે આંધ્રપ્રદેશના રાજ્યપાલ જેવા ગરિમાભર્યા હોદ્દે એંશીની વયે પણ સખણા ન રહેલા તિવારી રંગેહાથ ઝલાઈ ગયા પછી તેમની પનોતી ફેવિકોલ ચોંટાડીને બેસી ગઈ. અત્યાર સુધી નંિભર નનૈયો ભણ્યા પછી છેવટે અદાલતે ડી.એન.એ. રિપોર્ટ જાહેર કરીને રોહિત શેખર નારાયણ ‘દત્ત’ હોવાનું સાબિત કર્યું ત્યારે તિવારી માટે (જો શરમ હોય તો) મોં છૂપાવવા જોગ ક્યાંય જગ્યા બચી નથી.
સ્વ. હરિન્દ્ર દવેની યાદગાર કવિતા છે, ‘જાણી બૂઝીને અમે અળગા ચાલ્યા ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે... સાવ રે સફાળા તમે ચોંકી ઊઠ્યા ને પછી હળવેથી પૂછ્‌યું કે કેમ છે’ એન. ડી.તિવારીનો કિસ્સો આ મઘૂરા પ્રણય કાવ્યથી તદ્દન સામા છેડાનો છે. જાણીબૂઝીને પાલવને અડકી આવવાની ટેવ ધરાવતા તિવારી સાહેબ પાલવને અડકી લીધા પછી અળગા ચાલવામાં માહેર હતા અને પછી જ્યારે સત્ય સામે આવે ત્યારે ચોંકીને ‘ઘોર જુઠાણું’ એવી ત્રાડ નાંખવામાં ય હોશિયાર હતા પરંતુ આખરે ૮૫ વર્ષની વયે તેમની બધી હોશિયારી અદાલતે ડી.એન.એ. રિપોર્ટ સ્વરુપે હાથમાં આપી દીધી. તિવારી જેવા કિસ્સાઓની ભરમાર છે. કેટલાંકે તિવારીની માફક પાલવ અડક્યા પછી જાણીબૂઝીને અળગા ચાલવાનું પસંદ કર્યું છે પરંતુ કેટલાંકે સત્ય સામે આવ્યા પછી તેનો સ્વીકાર કરીને સંબંધનું ગૌરવ સાચવી પણ લીઘું છે તો કેટલાંક કિસ્સામાં મોજમસ્તી ધારીને બાંધેલા સંબંધ જંિદગીભરની કાળી ટીલી પણ બની રહ્યા છે.
આક્રમક બોલંિગ માટે પંકાયેલો પાકિસ્તાની ક્રિકેટર ઈમરાન ખાન રંગીન તબિયત માટે ય એટલો જ જાણીતો હતો. ભારતીય અભિનેત્રી ઝિન્નત અમાનથી માંડીને હરિયાણાના ઉદ્યોગઘરાણાની પુત્રવઘુ સુધીના જાજરમાન શિકાર પોતાની યાદીમાં ધરાવતો ઈમરાન હંમેશા ‘નહિ માફ નીચું નિશાન’ના સૂત્રને જ અનુસરવા ટેવાયેલો હતો. બ્રિટનના અબજોપતિ સર જેમ્સ ગોલ્ડસ્મિથની એકમાત્ર સંતાન જેમિમાને પરણ્યો એ પહેલાં ૧૯૯૦ આસપાસ તે અન્ય એક માલેતુજાર અંગ્રેજ સર રિચાર્ડ વ્હાઈટની દીકરી સિટા વ્હાઈટ સાથે અંગત સંબંધ ધરાવતો હતો. ઈમરાનના દરેક સંબંધની માફક આ સંબંધ પણ આઠ-દસ મહિના પછી તૂટ્યો પરંતુ ત્યાં સુધીમાં સિટા ગર્ભવતી બની ચૂકી હતી.
અબજોની વારસાદાર સિટાને એકલપંડે સંતાનને ઉછેરવાનો વાંધો ન હતો પરંતુ એ સંતાનનો પિતા પોતે હોવાનું ઈમરાન સ્વીકારે એટલો જ તેનો આગ્રહ હતો. હાલ પાકિસ્તાનમાં ‘તહેરિકે ઈન્સાફ’ નામની રાજકીય પાર્ટી ધરાવતા ઈમરાનમંિયા એ વખતે આ તહેરિક સ્વીકારવામાં નામક્કર ગયા. છેવટે પુત્રીને જન્મ આપ્યા પછી સિટાએ ઈમરાનને કોર્ટમાં ઢસડી જવાની ધમકી આપી ત્યારે ઈમરાને પોતાનું પરાક્રમ કબૂલવું પડ્યું. અલબત્ત, ૧૯૯૭માં સિટા વ્હાઈટનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું ત્યારે બ્રિટિશ અદાલતે તેમની અનૌરસ પુત્રી ટાયેરિયનની દેખભાળનો ખર્ચ ઈમરાને ઊઠાવવો એવો આદેશ કરવો પડ્યો હતો.
નાજાયઝ ઔલાદ એ એક જમાનામાં હિન્દી ફિલ્મોનો માનીતો વિષય રહ્યો છે. અમિતાભની બાયોગ્રાફી લખનારાઓએ ક્યાંક નોંધવા જેવું એ છે કે, પડદા પર સૌથી વઘુ વખત અનૌરસ સંતાન બનવાનો વિક્રમ કદાચ અમિતાભનો જ હશે. પરંતુ રીલ લાઈફની માફક હિન્દી ફિલ્મોના આરંભની અભિનેત્રીઓ પણ રિયલ લાઈફમાં તવાયફોની દીકરી તરીકે અનૌરસ સંતાનો જ હતી. નરગીસની માતા જદ્દનબાઈ તવાયફ હતી અને મોહનબાબુ નામના શાહુકાર સાથેના જદ્દનબાઈના સંસર્ગથી નરગીસનો જન્મ થયો હતો. નરગીસના જન્મના પાંચ વર્ષ પછી મોહનબાબુએ ઈસ્લામ અંગિકાર કરીને જદ્દનબાઈ સાથે લગ્ન કર્યા હતા. આજે સની લિયોન કે શર્લિન ચોપ્રાની બોલબાલા છે ત્યારે આજના દરેક સેક્સ બોમ્બની પૂર્વજ કહી શકાય તેવી સુલોચના ઉર્ફે રુબી માયર્સ પણ ભારતીય માતા અને યહુદી પિતાનું અનૌરસ સંતાન જ હતી.
જોકે, લગ્નેતર સંબંધોના મામલે બોલિવૂડનું ગૌરવશાળી ઉદાહરણ નીના ગુપ્તા અને ક્રિકેટર વિવ રિચાડ્‌ર્સનું કહી શકાય. નીના ગર્ભવતી બની ત્યારે તેણે લગ્ન કર્યા ન હતા પરિણામે તેના આવનાર બાળકના પિતા તરીકે નીના ખાસ મિત્રો નસીરુદ્દિન શાહ અથવા ઓમપુરીનું નામ ચર્ચાઈ રહ્યું હતું. એ બંને બિચારા નવાણિયા કૂટાઈ રહ્યા હતા ત્યારે નીના કોઈ ફોડ પાડતી ન હતી. છેવટે કુંવારી માતા તરીકે દીકરીને જન્મ આપ્યા પછી નીનાએ વિવ રિચાડ્‌ર્સના નામનો ઘટસ્ફોટ કર્યો હતો. આજે જવાન થઈ ચૂકેલી રિચાડ્‌ર્સ-નીનાની દીકરી મસાબા ફેશન ડિઝાઈનર છે અને રિચાડ્‌ર્સ પણ અવારનવાર પુત્રીની દેખભાળ માટે મુંબઈ આવતો રહે છે. હજુ ગત મહિને જ દીકરી મસાબાના બુટિકના ઉદ્‌ઘાટન પ્રસંગે હાથમાં હાથ પરોવીને હાજર રહેલા નીના-રિચડ્‌ર્સે ‘તિવારીછાપ’ ભાગેડુઓને પ્રેરક ઉદાહરણ આપ્યું હતું.
બોલિવૂડમાં આટલા ઉદાહરણો હોય ત્યારે સ્વાભાવિક રીતે જ હોલિવૂડ તેમાં પાછળ ન જ હોય. હોલિવૂડમાં તો કુંવારી માતા બનવાની જાણે હોડ ચાલતી હોય તેવો સિનારિયો છે. સૌથી વઘુ ચર્ચાસ્પદ કિસ્સો લિઝ હર્લીનો છે. ભારતીય ઉદ્યોગપતિ અરુણ નાયરને પરણીને છુટાછેડા લીધા પછી હાલ ક્રિકેટર શેન વોર્ન સાથે ઈશ્ક ફરમાવી રહેલી લિઝ હર્લી દોઢ દાયકા પહેલાં ફિલ્મ નિર્માતા સ્ટિવ બંિગના પ્રેમમાં હતી. લગ્ન કર્યા વગર જ બંને લાંબો સમય સાથે રહ્યા. એ અરસામાં લિઝ ગર્ભવતી બની અને બંને છૂટા પડ્યા. એ પછી લિઝે દીકરીને જન્મ આપ્યો અને કોઈ જ જવાબદારી કે વળતરની અપેક્ષા વગર બાળકી ડેમિયનના પિતા તરીકે સ્ટિવ બંિગનું નામ જાહેર કર્યું. લિઝે ત્યારે જ સ્પષ્ટતા કરી હતી કે બાળકને જન્મ આપવાનો નિર્ણય મારો છે એટલે સ્ટિવ પાસેથી તેના નામ સિવાય હું કશુંજ ઈચ્છતી નથી. આમ છતાં સ્ટિવ બંિગ સાવ નામક્કર ગયો ત્યારે લિઝ તેને અદાલતમાં ઘસડી ગઈ અને કાયદેસર ૧૦ લાખ ડોલરની પેનલ્ટી સ્ટિવના ખાતે લખાવી. એ પછી એ રકમ ચેરિટીમાં જાહેર કરતાં તેણે એવો હુંકાર કર્યો હતો કે, ‘દીકરીને ઉછેરવાની મારી ત્રેવડ છે જ. સ્ટિવના નાણાની હું જરાય મોહતાજ નથી પરંતુ જો તે પોતાની જવાબદારીમાંથી છટકતો હોય તો તેને પાઠ ભણાવવા માટે જ હું અદાલતમાં ગઈ હતી.’
પોપ ગાયિકા મેડોનાનું પ્રથમ સંતાન અનૌરસ છે. દીકરી લોર્ડેસનો પિતા અભિનેતા એન્ડી રાફેલ છે કે સંગીતકાર વેઈન લાન્સર એ વિશે સ્વયં મેડોના સ્પષ્ટ નથી ! એ જ રીતે રિધમ એન્ડ બ્લ્યૂ બેન્ડનો શ્યામવર્ણી ગાયક બોલી બ્રાઉન તો અનૌરસ સંતાનો અંગે ભારે કુશળતા ધરાવે છે. તે એક નહિ, ત્રણ-ત્રણ અનૌરસ સંતાનોનો પિતા છે અને ત્રણેય બાળકોની માતા ત્રણ અલગ સ્ત્રીઓ છે. આ જ બોબી બ્રાઉનની પત્ની વ્હિટની હ્યુસ્ટન પોતે જ પાછું કોઈકનું અનૌરસ સંતાન છે!
હોલિવૂડમાં જો ‘ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા’ જેવું લાગતું હોય તો સ્પોટ્‌ર્સ ફિલ્ડ પણ તેમાંથી બાકાત નથી. નેવુના દાયકામાં ટેનિસ ક્ષેત્રે ‘બૂમ બૂમ બેકર’ તરીકે જાણીતો જર્મન ખેલાડી બોરિસ બેકર આઉટ ઓફ ધ ફિલ્ડ લવ ગેમમાં પણ નિષ્ણાત હોવાનું વખતોવખત સાબિત કરતો રહ્યો છે. તે એકવાર પેરિસની કોઈ હોટેલમાં જમવા ગયો અને જમતાં જમતાં કોઈ રશિયન વેઈટર સાથે આંખ મળી ગઈ. છેવટે પુત્રી અન્નાની આંગળી ઝાલીને એક વરસ પછી એ રશિયન વેઈટર અદાલતમાં મળી ત્યારે બેકરને ખબર પડી કે તે દિવસે લીધે ડિનરનું બિલ ધારણા કરતાં ક્યાંય વધારે આવ્યું હતું.
આમ જુઓ તો પુખ્ત ઉંમરના બંને પાત્રો સંબંધોનું ગૌરવ જાળવીને સમજી વિચારીને ક્યાંક પાલવ અડકાડી બેસે તો તેનાંથી કંઈ આભ તૂટી પડતું નથી. લગ્ન કે લગ્નેતર સંબંધ એ સમય અને સંજોગ પ્રમાણે સમાજે ઘડેલા શિસ્તના ચોકઠા છે. ક્યારેક શિસ્તનું એ બંધન હાથકડી જેવું લાગે તો સમજદારીથી કોઈ એ ફગાવી પણ શકે. પરંતુ ફગાવ્યા પછી આવતાં પરિણામને સ્વીકારવાની જવાબદારી પણ હોવી ઘટે. એ જવાબદારી ન હોય ત્યારે તિવારી જેવો ફજેતો નિશ્ચિત હોય છે.

બ્લડ ઈઝ ઓલ્વેઝ થિકર ધેન વોટર ઃ એક રસપ્રદ કિસ્સો

જુલિયસ ઈરવંિગ.
સિત્તેરના દશકમાં બાસ્કેટબોલમાં અમેરિકાનું એ લોકપ્રિય નામ. છ ફૂટ આઠ ઈંચની પહાડ જેવી ઊંચાઈ અને મજબૂત બાંધાનો જુલિયસ હરીફ ખેલાડીના હાથમાંથી બોલ ઝૂંટવીને બાસ્કેટ ભણી છલાંગ (ડન્ક) લગાવવામાં એવો એક્કો હતો કે એ જમાનામાં ‘જુલિયસ ડન્ક’ જાતભાતની પ્રોડક્ટ્‌સ સાથે સંકળાવા લાગ્યું હતું. અંગત જંિદગીમાં પૂરા છેલબટાઉ જુલિયસના બાસ્કેટબોલ ઘેલી અનેક છોકરીઓ સાથે રોમાન્સ ચાલતા. એવો જ એક રોમાન્સ છેવટે જુલિયસને સંબંધોનું મહત્ત્વ સમજાવી ગયો.
અમેરિકાના વિખ્યાત નેશનલ બાસ્કેટબોલ એસો.ના સ્ટાર ખેલાડી તરીકે જુલિયસનો ઈન્ટરવ્યૂ લેવા સામન્થા નામની એક નવી-સવી રિપોર્ટર તેને શિકાગોની એક મેચ દરમિયાન મળી. છોકરી માત્રને ઉપભોગનું સાધન ગણતાં જુલિયસે તરત આંખ મિચકારીને કહી દીઘું, ‘વૂડ વી મીટ એટ માય પ્લેસ?’
- બસ, પછી તો જે થવાનું હતું એ જ થયું. હોટેલમાં જુલિયસના કમરામાંથી સામન્થા સ્ટિવન્સન બીજા દિવસે સવારે નીકળી ત્યારે તેની આંખોમાં સુપરસ્ટાર પ્લેયર સાથે રાત વિતાવ્યાનો ઉન્માદ હતો અને જુલિયસના ચહેરા પર વઘુ એક ગોલ કર્યાનો આનંદ હતો. એ વખતે બંનેમાંથી કોઈને ખબર ન હતી કે, આ સંબંધ એક દિવસ જુદી જ રીતે તેમને સામે લાવી દેશે.
જુલિયસ સાથે વિતાવેલી એ રાત પછી બંને છુટા તો પડી ગયા પરંતુ પછી તરત સામન્થાને ખબર પડી કે તે પ્રેગનન્ટ છે. જુલિયસનો સંપર્ક કરવાની તેણે ભરચક કોશિશ કરી. પરંતુ એ વખતે જુલિયસ યુરોપની ટૂર પર હતો. પાછા ફર્યા પછી તેને સામન્થાની પ્રેગનન્સી અંગે જાણવા મળ્યું પરંતુ ત્યાં સુધીમાં ગર્ભપાત માટે ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને સામન્થા પણ કુંવારી માતા બનવા મક્કમ હતી. એ પછી જુલિયસ અને સામન્થા વચ્ચેનો સંપર્ક તદ્દન કપાઈ ગયો. દાયકાઓ સુધી બંને એકબીજાથી દૂર રહ્યા. બાસ્કેટબોલની કારકિર્દી પૂરી થયા પછી તો સામન્થાને પણ જુલિયસ વિશેની કોઈ માહિતી મળતી ન હતી.
સ્પોટ્‌ર્સમાંથી નિવૃત્તિ પછી તબીબી ડિસ્પેન્સરી ચલાવતો ડો. જુલિયસ બાસ્કેટબોલ એકેડેમીમાં કોચંિગ પણ આપતો હતો. એક દિવસ બાસ્કેટબોલ એકેડેમીમાં વિમ્બલ્ડનની કશીક ચર્ચા ચાલતી હતી. જુલિયસના કોઈ દોસ્તે એ વખતે વિમ્બલ્ડનમાં એક પછી એક જીત મેળવી રહેલી નવીસવી છોકરીના વખાણ કર્યા અને જુલિયસને એ દિવસની મેચ જોવા રોકાઈ જવા કહ્યું. જુલિયસને ટેનિસમાં ખાસ રસ નહિ. તેણે એ છોકરીનું નામ સુદ્ધાં ન પૂછ્‌યું પણ મિત્રના આગ્રહથી રોકાઈ ગયો. મેચ શરૂ થઈ અને ટીવી સ્ક્રિન પર તેનું નામ ચમક્યું, એલેક્ઝાન્ડ્રા સ્ટિવન્સન. જુલિયસે નામને ખાસ ઘ્યાન પર ન લીઘું. હવે સ્ક્રિન પર તેનો ફોટો અને શોર્ટ બાયોડેટા મૂકાયા. ઓ માય ગોડ, આ છોકરી તો કંઈક જાણીતી લાગે છે. તેણે ઘ્યાનથી ચહેરો જોયો. યસ, આ છોકરીને તેણે જોઈ છે. ટેનિસ જોવાનો તેને કોઈ શોખ નથી તો પછી તે આ છોકરીને કેવી રીતે ઓળખતો હતો? તેણે બાયોડેટા ભણી નજર ફેરવી. આર્કાન્સાસ સ્ટેટમાં એ રહેતી હતી. એ વખતે જુલિયસને જરાક ચમકારો થયો. આર્કાન્સાસ સ્ટેટની જ સામન્થા સ્ટિવન્સન... ઓહ, આ છોકરી સામન્થા જેવી જ દેખાય છે. થોડીવારમાં એલેક્ઝાન્ડ્રા પ્રિ-મેચ કમેન્ટ્‌સ માટે સ્ક્રિન પર આવી. તેનો અવાજ, બોલવાની ઢબ, ઉચ્ચારો, હસતી વખતે વંકાતા હોઠ... બઘુ જ જુલિયસને બે દાયકા પાછળ લઈ ગયું.
તેણે વિમ્બલ્ડનની સેમિ ફાઈનલ પૂર્વે એ છોકરીને ફોન કર્યો અને પોતાની ઓળખાણ આપી. જેવું તેણે કહ્યું કે હું એક્સ એનબીએ પ્લેયર જુલિયસ ઈરવંિગ બોલું છું.. એ સાથે જ સામેથી ફોન કટ થઈ ગયો. તેને સાચે જ આઘાત લાગ્યો. વિમ્બલ્ડનની ૧૯૯૯ની સ્પર્ધાની સેમિ ફાઈનલમાં એલેક્ઝાન્ડ્રા હારીને ઘરે પરત આવી રહી હતી ત્યારે એરપોર્ટ પર જ જુલિયસ તેની રાહ જોતો હતો.
દિવસો સુધી માફી માંગ્યા પછી એલેક્ઝાન્ડ્રાએ તેને માફ કરી દીધો. હા, એ જુલિયસ અને સામન્થાના એક રાતના સહશયન થકી જન્મેલી તેમની દીકરી જ હતી. બાળપણથી જ પોતાના પિતા વિશે જાણી ચૂકેલી એલેક્ઝાન્ડ્રાના મનમાં પિતા પ્રત્યે ભારોભાર તિરસ્કાર જન્મ્યો હતો અને તે સ્કૂલનું ફોર્મ ભરતી વખતે પણ પિતાના ખાનામાં ‘નન ઓફ યોર બિઝનેસ’ લખીને એ તિરસ્કાર વ્યક્ત કરી દેતી હતી. પરંતુ વીસ વર્ષ પછી જુલિયસે તેની ખરા દિલથી માફી માંગી ત્યારે એ પીગળી ગઈ અને પોતાના બાપનો સ્વીકાર કર્યો. આજે જુલિયસના સાચા હૃદયના પસ્તાવાને લીધે સામન્થા અને એલેક્ઝાન્ડ્રા સાથે જુલિયસ તંદુરસ્ત સંબંધો ધરાવે છે.
પુરાણકથાઓમાં અનૌરસ સંતાનોની ભરમાર
પ્રાચીન ભારતીય વૈદિક સાહિત્ય અને પુરાણોમાં જાતીય સંબંધો પ્રત્યે જે ગરિમાપૂર્ણ અભિગમ જોવા મળે છે તેની સામે ‘મનમાં ભાવે અને મૂંડી હલાવે’ એવો કહેવાતો આઘુનિક સમાજ દંભી, પાખંડી અને ડરપોક જણાય. મહાભારતના કર્તા કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસ પોતે મુનિ પરાશર અને મત્સ્યગંધાના હોડીમાં થયેલા સંસર્ગથી પેદા થયેલા અનૌરસ સંતાન હતા. મહારથી કર્ણને જન્મ આપતી વખતે કુંતી પણ અપરિણિત હતી. પાંચેય પાંડવોનો ઓન ધ રેકોર્ડ પિતા પાંડુરાજા હોવા છતાં તેઓ દરેક ‘મંત્રપુત્ર’ જ ગણાયા હતા. ૠષિઓનો તપોભંગ કરવા જતી અપ્સરાઓ મિશન પૂરું કર્યા પછી ગર્ભવતી બની હોય તેવા ઉદાહરણોની તો હારમાળા છે. આપણો દેશ જેના થકી ‘ભારત’ તરીકે ઓળખાયો એ ચક્રવર્તી સમ્રાટ ભરતની માતા શકુંતલા પણ વિશ્વામિત્ર અને મેનકાના લગ્નેતર સંબંધ થકી જન્મેલી હતી અને સ્વયં ભરતને જન્મ આપનાર દુષ્યંત પણ પોતાનું કર્તૃત્વ વિસરી ગયો હતો.

જ્હોન એડવર્ડ ઃ અમેરિકન તિવારી

નારાયણ દત્ત તિવારી પર માછલા ધોવાય તે સ્વાભાવિક છે પરંતુ એ વખતે વાતવાતમાં અમેરિકા, યુરોપના વખાણ કરવા ટેવાયેલા ‘લાભુ મેરાઈ’ (ટાઈટલ કર્ટસી શાહબુદ્દિન રાઠોડ) જો એવું કહી દે કે, ‘આવામાં તો અમેરિકનો જ નિખાલસ હોય..’ તો ડંકે કી ચૌટ પર વિરોધ કરી દેજો. કારણ કે અમેરિકામાં એક રાજકારણી એવા છે જેમણે તિવાર જેવું જ, કહો કે તિવારીને ય બે લેસન વધારે શીખવે તેવું નંિભર વર્તન દાખવીને બદનામી વ્હોરી હતી.
એમનું નામ જ્હોન એડવર્ડ. અમેરિકન સેનેટના સિનિયર સેનેટર તરીકે દેશની અનેક ટોચની કમિટીના સભ્ય રહી ચૂકેલા જ્હોન એડવર્ડ આપણા તિવારીના માફક પગના જરાક છૂટા હતા. તેમની સેક્રેટરી તરીકે કામ કરી ચૂકેલી રાયેલ હન્ટર સાથે સંબંધો ધરાવતા જ્હોન એડવર્ડ જ્યારે રાયેલ ગર્ભવતી બની ત્યારે તેનાંથી અંતર રાખવા માંડ્યા. કારણ કે પોતે બાળકને જન્મ આપશે જ એ અંગે રાયેલ મક્કમ હતી. આઘાતજનક વાત એ છે કે, રાયેલ સાથે જ્યારે જ્હોન એડવર્ડ રંગરેલિયા મનાવતા હતા એ જ અરસામાં તેમની પત્ની કેન્સરની સારવાર લઈ રહી હતી.
એ પછી પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા રહેલા જ્હોન એડવર્ડ સામે રાયેલના થનાર સંતાનના પિતા હોવાના આક્ષેપો થયા ત્યારે તેમણે નંિભર ઈન્કાર તો કર્યો જ. આટલું ઓછું હોય તેમ તેમણે હરીફ ઉમેદવાર એન્ડ્રુ યંગને જ રાયેલના ગર્ભવતી થવા માટે જવાબદાર ગણાવી દીધા કારણ કે રાયેલ એક તબક્કે એન્ડ્રુ યંગની સેક્રેટરી પણ હતી. જોકે, બાળકના જન્મ પછી ય જાડી ચામડીના એડવર્ડે પિતૃત્વનો ઈન્કાર કર્યો ત્યારે રાયેલ તેમને અદાલતમાં ઢસડી ગઈ અને ભલું થજો ડીએનએ ટેસ્ટ શોધનારાનું કે, છેવટે એડવર્ડે જવાબદારી સ્વીકારવી પડી.

આલ્બર્ટ આઈનસ્ટાઈન પણ ‘સાપેક્ષ’ છે !

સાપેક્ષવાદની થિયરીના જનક આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ લગ્નેતર સંબંધો થકી એક બાળકને જન્મ આપવામાં નિમિત્ત બન્યા હોવાની ચર્ચા છેક તેમના મૃત્યુ પછી ય ચાલતી રહી હતી. સ્વયં તેમના પુત્રે જ પોતાના વિખ્યાત પિતા અનૌરસ સંતાનના પિતા બન્યા હોવાનું આડકતરી રીતે સ્વીકારી ચૂક્યા હતા.
આઈન્સ્ટાઈન જ્યારે વિશ્વવિખ્યાત વિજ્ઞાની તરીકેની નામના કમાઈ ચૂક્યા હતા ત્યારે પ્રિન્સટન ખાતે તેઓ એક ક્લબમાં બેલે ડાન્સ જોવા રોજ જતાં. ત્યાં બેલે ડાન્સર મેરિલિન કોર્મા સાથે તેમને સારી એવી ઘનિષ્ઠતા હતી અને ડાન્સ પૂરો થયા પછી બંને અનેક વખત જોડે ડિનર પણ લેતાં. એ પછી અચાનક મેરિલિન ક્લબ સાથેનો કોન્ટ્રાક્ટ અઘૂરો છોડીને લાપતા થઈ ગઈ. એ ઘટનાના સાત વર્ષ પછી આઈન્સ્ટાઈનના દીકરા હાન્સે એ જ મેરિલિનની દીકરી ઈવલિનને દત્તક લીધી હતી.
હાન્સ એ સમયે પોતાના બે સંતાનોનો પિતા હતો જ. તેમ છતાં તેણે ઈવલિનને દત્તક લીધી એથી શંકા વઘુ મજબૂત બની હતી. જોકે આઈન્સ્ટાઈનના મૃત્યુ (૧૯૫૫) સુધી આ વિશે ફક્ત કાનફૂસીના સ્તરે ચર્ચાઓ થતી રહી અને એ રીતે વિશ્વવિખ્યાત વિજ્ઞાનીની મરજાદ પાળવામાં આવી. પરંતુ તેમના મૃત્યુ પછી એક ઈઝરાયેલી પત્રકાર સાથેની મુલાકાતમાં હાન્સ આઈન્સ્ટાઈનને ઈવલિનના પિતા આલ્બર્ટ હોવાનું પૂછાયું ત્યારે જવાબ ટાળીને હાન્સે એટલું કહી દીઘું હતું કે, હું એટલું જ કહી શકું કે, મારા પિતા ભૌતિક વિજ્ઞાન ઉપરાંત ભૌૈતિક સુંદરતામાં પણ રસ લેતાં હતાં.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved