Last Update : 21-July-2012, Saturday

 

લાઈટહાઉસ પ્રકરણ

- ધૈવત ત્રિવેદી

ગત રવિવારે આપણે જોયું...
રસ્તામાં ડિઝલ પૂરાવતી વખતે સુમરાએ મરાઠીમાં વાત કરી એથી અભિમન્યુને તાજુબી થઈ આવી. તે જાણતો ન હતો કે સુમરાએ જંિદગીના પાંચ વરસ કોંકણના દરિયાકાંઠે શસ્ત્રોની હેરાફેરીમાં કાઢ્‌યા હતા. કોંકણના નિર્જન દરિયાકાંઠાના ભેંકાર ખડકો પર સુમરાની વેરાન જંિદગીની ફૂટપ્રિન્ટ હજુ ય સચવાયેલી પડી હતી. પ્હેણ ગામેથી અભિએ ડ્રાઈવંિગ શરૂ કર્યું અને રાવીએ પોતાની વાત આગળ ધપાવી. તે શિકારગાહ કોઠી પર પહોંચી ત્યારે મેજર બિહોલા વરંડામાં બેસીને કશોક નકશો નિહાળી રહ્યા હતા. રાવીએ તેમની સામે ગન અને ગ્રેનેડ્‌સ ધરી દીધા. મેજરે તેનાંથી સ્હેજપણ ચકિત થયા વગર સહજતાથી જ સ્વીકારી લીઘું કે, હા અમે આર્મી ડેપોમાંથી જ આ હથિયારો ઊઠાવીએ છીએ અને દેશના ગદ્દારો સામે ઈસ્તમાલ કરીએ છીએ. અલબત્ત, દેશ અને ગદ્દાર શબ્દની વ્યાખ્યા તેમની પોતાની છે. મેજરે પોતાનો ઉગ્ર રાષ્ટ્રવાદ વ્યક્ત કરતાં સ્વીકારી લીઘું કે, દેશના ગૌરવ સાથે ચેડા કરતો અને થવા દેતો દરેક વ્યક્તિ, કાયદો કે બંધારણ તેમના દુશ્મન છે. હવે વાંચો આગળ...

 

- હવામાં તરતી ભેજથી તરબતર સિકરો પર બાઝેલી સવાર ઊઘડવા મથતી હતી. કાળમીંઢ ખડકોનો ઢાળ ઉતરતી ઝરણાની કિલકારી પર ઓવારી જતી ખુશહાલ લીલોતરી વહીને સડક પર આવી જતી હતી.

 

‘સૈયાં બૈયાં છોડ ના... કચ્ચી કલિયાં તોડ ના...’
હોન્ડા સીઆરવીની આલિશાન પાછલી સીટમાં આડો પડીને એલસીડી પર મૂવી જોઈ રહેલો રાજાવત ઘોઘરા સાદે બેસુરા અવાજે લલકારી રહ્યો હતો. ‘આ લડકી શું નાચતી હતી, યાર...’ ગીતના તાલે મુંડી હલાવતો રાજાવત બોલ્યે જતો હતો, ‘યુ વોન્ટ બિલિવ, રાજકમલમાં મેં આ મૂવી સળંગ એક મહિના સુધી દરરોજ જોયું હતું. હોસ્ટેલની દિવાલ કૂદીને અમે થિયેટરમાં પહોંચી જતા ને પછી આખી રાત સપનામાં માઘુરીને ભીંસી રાખતા...’ રિઅર વ્યૂ મિરરમાંથી તેને તાકી રહેલા હરામીની સામે આંખ મંિચકારીને તેણે કહ્યું, ‘સાલી માઘુરીને હી કમ ઉમ્રમેં જવાન કર કે સબ આદત ખરાબ કર દી... આજે પણ રાત પડે કોઈક તો જોઈએ જ છે!’ તેણે શરીર વાંકુચૂંકું કરીને આળસ મરડી અને ગંદા અવાજે ઠહાકો માર્યો.
નીકળ્યા ત્યારથી રાજાવત જાણે પિકનિક પર જતો હોય તેમ ખુશમિજાજ હતો.
સેવંતીલાલે ગાડી મંગાવી એ જાણ્યા પછી રાજાવત સિકંદર સાનીના પાઠમાં આવી ગયો હતો. બહુ ઝીણવટપૂર્વક તેણે રાજિયા હરામીને લિસ્ટ લખાવડાવ્યું અને પછી બંગલાનું આઉટહાઉસ ખોલ્યું ત્યારે તો રાજિયાને ય પોતાનું હરામીપણું લાજતું હોવાનો અહેસાસ થઈ આવ્યો. થ્રી સ્ટાર આઈપીએસ ઓફિસર તરીકે રાજાવતે રૂપિયા તો મબલખ બનાવ્યા જ હોય, તેમાં રાજિયાને જરાય શંકા ન હતી. પરંતુ અહીં તો એકે-૫૬ જેવી રાઈફલ, હાઈપાવર્ડ ટેલિસ્કોપિક એટેચમેન્ટ, ઈલેક્ટ્રોનિક્સ સર્કિટ જડેલા જાતભાતના ઈન્ટેલિજન્સ ટ્રાન્સમીટર્સ અને ખોખા ભરીને કારટ્રિજના હારડા જોઈને રાજિયો રીતસર હેબતાઈ ગયો.
‘પોલીસ રેડ પાડે ત્યારે બઘું નથી પકડાઈ જતું...’ હરામીના ચહેરા પર પથરાયેલું અચરજ પારખીને તેણે શેખી મારી લીધી, ‘જે નથી પકડાતું એ પોલીસ ઓફિસરના ઘરમાં પહોંચી જાય છે... પછી સંઘરવામાં તો જેવો જેનો શોખ..’ તેણે ત્રણ-ચાર ખોખાં ઉથલાવીને કેટલીક ચીજો, વેપન્સ અલગ તારવ્યા. હાઈરેન્જ ઓટોમેટિક ગનનો નોબ ખેંચીને તેણે બે-ત્રણ વખત મેગેઝિન અંદર-બહાર કરીને ચકાસણી કરી લીધી. પસંદ કરેલી ગન્સના ગેજ મુજબ કારતૂસના હારડા તેણે અલગ અલગ મેગેઝિન્સમાં ઠાંસ્યા. ટેલિસ્કોપના એટેચમેન્ટ પણ ચકાસી લીધા.
‘આ તારી પાસે રાખ...’ તેણે કેટલીક નાનકડી ચીજો રાજિયાના હાથમાં થમાવી. ‘સેવંતીલાલને જે ગાડી મોકલે તેમાં ડિકીના અંદરના પડખે આ ચિપકાવી દેજે’
‘પણ આ શું છે?’ હરામીને રાજાવતના બદલાયેલા તેવર સમજાતા ન હતા.
‘ટ્રાન્સમીટર છે... જર્મન મેડ. દમણના હરિનારાયણ મુખિયાનું નામ સાંભળ્યું છે?’ રાજિયો ય આ ધંધાનો જૂનો ખેલાડી હતો. દાણચોરીના ધંધામાં મુખિયાની હાક અને ધાકથી તે અજાણ્યો ન હતો. ‘તેને ત્યાં રેડ પાડી ત્યારે નકામું બઘું જ પકડી પાડ્યું. કેસ લૂલો કરી નાંખવા મુખિયાને ખંખેર્યો પણ ખરો અને કામની આ બધી ચીજો ઘરભેગી કરી દીધી... આ ટ્રાન્સમીટરથી એ બંને ગાડી ૨ કિલોમીટરની રેડિયસમાં આપણા રિસિવર પર ઝીલાઈ જશે’
બીજા દિવસે સવારે હોન્ડા સીઆરવી ગાડી તેણે બંગલાના કમ્પાઉન્ડમાં દાખલ કરી ત્યારે રાજાવત તૈયાર જ હતો. હરામી તેના ઠાઠ એકીટશે નિહાળી રહ્યો. પોલ્કા ડોટની પ્રિન્ટવાળુ ઓફવ્હાઈટ શર્ટ, કોણી સુધી વાળેલી સ્લિવ, ડાર્ક બ્લ્યૂ જીન્સ, ગૂ્રવંિગ સોલના સ્પાર્ટન શૂઝ અને આંખો પર ડાર્ક બ્લેક ગ્લેર્સ. ગાડી પૂરપાટ ઝડપે બાવાપીરની દરગાહની દિશામાં આગળ વધી ત્યારે સિગારેટ ફૂંકી રહેલા રાજાવતના સોહામણા અને પ્રભાવશાળી ચહેરા પર નરી બેફિકરાઈ હતી અને હાઈ-વે પર ગાડી પહોંચી એ સાથે માઘુરીના ડાન્સ સોંગ્સ પર તેની ખુશમિજાજી ડોલવા લાગી હતી.
સાથે લીધેલા આઈસ બકેટમાંથી તેણે પાંચ-સાત ક્યૂબ્સ ગ્લાસમાં નાંખ્યા અને ઓલ્ડ મોન્કની બેઠા ઘાટની નકશીદાર બોટલ પર હાથ પસવાર્યો. માઘુરીને નાચતી જોયા પછી તેને રમની બોટલનો સ્પર્શ પણ માઘુરીની વળ ખાતી કમરની સુંવાળપ જેવો ઉન્માદ જગાવતો હતો. બોટલમાંથી તેણે રમની ધાર કરી અને માઘુરીના વળાંકોના તાલે ક્યાંય સુધી ગ્લાસ હલાવ્યા પછી તેણે રમનો મોટો ધૂંટ ભર્યો. ઓલ્ડ મોન્કનો કડવો, તેજ નશો હોજરી વાટે તેના દિમાગ પર હાવી થઈને વરસાદી ભીનાશમાં આહ્‌લાદનો અહેસાસ ભેળવતો હતો. પણ ત્યારે રાજિયા હરામીના પેટમાં ફડકાના સાપોલિયા ગૂંચવાઈ રહ્યા હતા. હજારો કરોડના આ ખજાનાની વાતમાં દમ તો હશે ને?
એવો જ ફડકો ખરેખર તો રાજાવતને ય હોવો જોઈતો હતો પણ અવિચારી અને જડપણું ક્યારેક વરદાન પણ બની જાય. રાજાવતના કિસ્સામાં એવું જ હતું. વિરમ અને હોમ મિનિસ્ટર દયાલ સાહા સાથે મળીને કશાક ભેદી કુંડાળા ચિતરી રહ્યા છે એવી ગંધ આવ્યા પછી રાજાવતે સતત તેની ખબર રાખી હતી. વિરમ લાપતા થયો એ જ અરસામાં તેને માહિતી મળી હતી કે હજારો કરોડનો આંકડો ય ટૂંકો પડે તેવા કોઈ ખજાનાની તલાશમાં વિરમ લાગ્યો છે. પણ એ ખજાનો શું છે, ક્યાં છે, વિરમને કેવી રીતે ખબર પડી એ વિશે એ કશું જ જાણતો ન હતો અને તેના જાડા દિમાગને એવા કોઈ સવાલ કનડતા પણ ન હતા.
સવાલો ઊભા કરીને તેમાં જ અટવાઈ જવું તેના કરતાં સામે આવતાં દરેક સવાલોને જ મૂળસોતાં ઉખેડીને રસ્તો કરી લેવો એ રાજાવતને વઘુ ફાવતી બાબત હતી.
એલસીડી સ્ક્રિનને રોશન કરતા માઘુરીના કામણમાં પરોવાઈ ગયેલો રાજાવત લોલૂપ આંખે ડોકું ઘૂણાવતો ગાઈ રહ્યો હતો... ‘યે કિસ કી હૈ આહટ, યે કિસ કા હૈ સાયા...’ એ વખતે તેને ય ખબર ન હતી કે તેની કિસ્મતમાં કેવું તોફાન આહટ માંડી રહ્યું હતું.
હ હ હ
‘ચાલો, એક પાર્ટી તો બાવાપીર દરગાહેથી આગળ નીકળી ચૂકી છે...’ ડિપ બેકસીટ પર આળસ મરડી રહેલા સુમરાએ ઘેનભર્યા સ્વરે કહ્યું.
‘યુ મીન...’ અભિમન્યુ સમજી ન શક્યો.
રાતભર આખા રસ્તે એકધારો પડેલો વરસાદ મોંસૂઝણે વાદળની કાખમાં બેસીને પહાડની ટોચે જંપી રહ્યો હતો. હવામાં તરતી ભેજથી તરબતર સિકરો પર બાઝેલી સવાર ઊઘડવા મથતી હતી. કાળમીંઢ ખડકોનો ઢાળ ઉતરતી ઝરણાની કિલકારી પર ઓવારી જતી ખુશહાલ લીલોતરી વહીને સડક પર આવી જતી હતી. તોતંિગ ચટ્ટાનોની બાંહોમાં રાતભર થીજેલું અડાબીડ ઘુમ્મસ શરમાતી નવોઢાની માફક ગોટ-ગોટ થઈને નાળિયેરીના ઝૂંડ વચ્ચે લપાઈ રહ્યું હતું. કોંકણના નિસર્ગને મંત્રમુગ્ધપણે નિહાળી રહેલા અભિએ નાછૂટકે ફોર્ચ્યુનર ખડી કરી દીધી.
‘મેં મુંજાવરને ફોન કર્યો હતો.’ ફોર્ચ્યુનરના બોનેટને અઢેલીને ઊભેલા સુમરાએ સિગાર જલાવી હવામાં ઘૂમાડાનો ગોટો છોડ્યો. ‘રાજાવતને તેણે આ દિશામાં મોકલી દીધો છે. આપણાથી ચોવીશ કલાક પાછળ છે એ. જોકે મને રાહ છે દયાલ સાહાની...’ પહાડ પરથી ઉતરતા ઝરણાનો પ્રવાહ સડકની સમાંતરે મોટો ધોરિયો બનીને ઢાળ ઉતરતો જતો હતો. સુમરાએ કમરમાંથી ઝૂકીને ખોબામાં પાણી ભર્યું અને મોં પર છાલક મારી. ઠંડાગાર સ્પર્શથી વરસાદી પાણીની તાજગી તેના ચહેરા પર તરી આવી. બોનેટ પર ટેકવેલી સિગાર તેણે ફરી દાંત વચ્ચે ભીંસી અને ઊંડા કશ લીધા.
‘પ્લાન કુછ ઐસા હૈ..’ ગાડીના કાચ લૂછીને ત્રણેય અંદર ગોઠવાયા એટલે સુમરાએ કહ્યું. ‘મુંજાવરને મેં પઢાવી રાખ્યો છે. રાજાવત પછી એ સાહાને પણ એટલી જ સરળતાથી બરખોલનો રસ્તો ચંિધી દેશે પણ આપણે સીધા બરખોલ નહિ જઈએ...’
‘બટ, વિરમ નીડ્‌સ સમ મેડિકલ ટ્રિટમેન્ટ. આપણે...’
‘હા મને બરાબર ખ્યાલ છે...’ રાવીનું વાક્ય સુમરાએ અધવચ્ચે જ કાપ્યું. ‘એટલા માટે જ પહેલાં આપણે વિરમની સારવારની વ્યવસ્થા ગોઠવશું. એ દરમિયાન, બરખોલની દિવાદાંડીએ થતી દરેક ગતિવિધિ પર નજર રાખવાનો ઈન્તઝામ પણ હું કરી દઈશ.’
‘એ કેવી રીતે?’ અભિની ઉત્સુકતાના જવાબમાં સુમરો ફક્ત હસ્યો. ‘તેનું નામ છે સિસ્કો ડેલગાડો...’ એ હવામાં તાકીને હળવુ મરક્યો. તેની નજર સામે પહાડના ખડકો પર અટવાતા વાદળો વચ્ચે સિસ્કો સાંગોપાંગ ખડો થઈ રહ્યો હતો. ‘પાસપોર્ટ પર તો એ ગોવાના બમ્બોલિમનો વતની અને જાતનો એંગ્લો ઈન્ડિયન છે પણ કઠણાઈ એ છે કે તેની પાસે એક બ્રિફકેસ ભરાય તેટલા પાસપોર્ટ છે’ સુમરાના અવાજમાં ગરમાવો અને ચહેરા પર અહોભાવ હતો. ‘પણ સિસ્કોને આમાં નાંખતાં પહેલાં મારે કેટલીક નક્કર વિગતો જાણવી પડશે...’ તેણે રાવીની સામે જોયું, ‘હું પણ આ કિસ્સામાં કેટલીક ખૂટતી કડીઓથી વાકેફ નથી...’
‘એટલે??’ રાવીને સુમરાનો ઈશારો તો સમજાયો હતો પરંતુ તે હજુય ખચકાતી હતી, ‘યુ મિન...?’
‘મેં પણ ખજાના વિશેની વાયકા સાંભળી છે પરંતુ હવે બહુ થયું રાવી...’ સુમરાએ રાવીને ભીડવવાની શરૂઆત કરી એથી અભિ મનોમન હરખાતો હતો.
‘એટલે તારે શું જાણવું છે? આઈ મિન, કેટલી વિગતો તને નથી ખબર એ તું...’
‘દરેક... હવે દરેક વિગત તારે કહેવી જ પડશે.’ પહાડની તળેટીમાં નાળિયેરીના પાનની છાજલી બાંધીને ખડી કરેલી હારબંધ હાટડીઓ પાસે સુમરાએ ફોર્ચ્યુનર ધીમી પાડી. રસ્તાને સમાંતર આછકલા ઢોળાવ પર પાથરેલા ટેબલ-ખુરશી પર છુટાછવાયા આઠ-દસ લોકો બેઠા હતા. બે હાટની વચ્ચે બાંધેલા નાનકડા ઓટલા પર રેંકડો ફેરવીને ચૂલામાં હવા ફેંકતો એક આદમી તપેલામાં ચા ઉકાળી રહ્યો હતો. દોરી પર નાસ્તાના પડીકાના હારડા લટકતા હતા. અંદરની તરફ દેહાતી કોંકણી ઢબના ધોતીકછોટો પહેરેલી એક ઔરત મોટા તવા પર પાથરેલી જાળી પાસે બેસીને જંિગા, પાપલેટ માછલીમાં છરી વડે સફાઈપૂર્વક ઊભા કાપા પાડીને અંદર મસાલો ભરી રહી હતી અને ભૂંજાતી માછલીની ઊંચા ઘૂમાડિયા વાટે ફેંકાતી સોડમ હવામાં ભૂખનો અહેસાસ ધૂમરાવતી હતી. ‘આપણે અહીં ફ્રેશ થઈએ. નાસ્તો કરીએ. હવે આ રૂટ પર આવી જ હોટલ મળશે.’ પછી તેણે રાવીની આંખમાં આંખ પરોવી, ‘આશા રાખું કે, બઘુ જ કહી દેવા માટે મારે બીજી વાર હવે તને કહેવું નહિ પડે...’
હ હ હ
સુમરાની તાકિદ પછી હવે રાવીનો આરો ન હતો. આ હાલતમાં જો અભરામ સુમરા તેની પડખે ન ઊભો હોય તો પોતે ક્યારની ફસકાઈ પડી હોત તેની રાવીને બરાબર સમજણ હતી. આગળનો રસ્તો પણ સુમરા વગર ખૂલવાનો ન હતો તેની પણ તેને ખાતરી હતી. સુમરાનો ઉદ્દેશ ગમે તે હોય પણ રાવી અને વિરમ પ્રત્યેની તેની લાગણી સ્પષ્ટ હતી. માનસંિહ મહાલમાં ભેટો થયા પછી તેને શરૂઆતમાં અભિમન્યુ પ્રત્યે શંકા હતી. એક પત્રકાર આવા માથાફોડિયા અને જીવલેણ કમઠાણમાં સામે ચાલીને સપડાઈ જાય એ વાત જ તેને ગળે ઉતરતી ન હતી. મટિયાવાડમાં અભિએ તેના મોબાઈલ જોડે અળવીતરાં કર્યા ત્યારે તેને એ સનકી બદતમીઝ લાગતો હતો. એ વખતે સુમરો વચ્ચે ન પડ્યો હોત તો રાવીએ તેના કપાળની વચ્ચોવચ ગોળી મારી દીધી હોત.
પરંતુ મટિયાવાડના રવેશમાંથી ભોંયસરસા લપાઈને ફાયરંિગ કરી રહેલા અભિને, હરામીના ફાર્મહાઉસમાં વિરમને ખભા પર નાંખીને ઝૂનનભેર ભાગતા અભિને તેણે જોયો એ ક્ષણથી તેને ખાતરી થઈ ગઈ હતી, ના, એ ખરેખર કિસ્મતના ખોટા વળાંક પર ભેરવાઈ ગયેલો સાચો આદમી છે. એ ઉગ્રતાપૂર્વક દલીલ પર ચડી જતો ત્યારે તેના અવાજમાં નાના બાળક જેવો ઉશ્કેરાટ અને તેની આંખોમાં વ્હાલ ઉપજાવે તેવો ઝબકારો થઈ જતો. તેના અવાજમાં કશોક રણકો હોવાનું રાવીને સતત અનુભવાતું હતું. એ સોહામણો કહેવાય તેવો હેન્ડસમ કે વિરમ જેવો સ્નાયુબદ્ધ ન હતો પણ શી ખબર, તેના ચહેરા પર કશીક આભા રાવીને વર્તાતી હતી. એ ચમક, એ આભા તેની સાફદિલીની હતી? આંખોની એવી રોનક, ચહેરાનું એવું ઓજસ, અવાજનો એવો રણકો તેનો પોતાનો, સુમરાનો કે વિરમનો કેમ ન હતો? અભિમાં એવું શું હતું? રાવીને એ સમજાતું ન હતું પણ હવે તેને અભિ ગમવા લાગ્યો હતો.
‘મેજર અંકલને મળીને આવ્યા પછી હું હળવાશ અનુભવતી હતી. તેઓ ડ્યૂટી પર ગયા તેના ચારેક મહિના સુધી અમારી વચ્ચે ખાસ કોઈ સંપર્ક ન હતો. તેમના દ્વારા મોકલાતા સંપેતરા લઈને કેટલાંક જવાનો ક્યારેક આવતા. પ્યારેલાલ બઘુ ભોંયરામાં મૂકાવતો. હવે મને બધી ખબર હતી એટલે પ્યારેલાલને ય ખાસ ફિકર ન હતી. એ જ અરસામાં કાશ્મીરના મિનિસ્ટરની દીકરીનું અપહરણ થયું અને તેનાં બદલામાં કેટલાંક આતંકવાદીઓને છોડી મૂકાયા. એ આતંકવાદીઓમાં અબ્દુલ મજિદ પણ હતો, જેને ઝબ્બે કરવામાં મારા બાપે જીવ ગુમાવ્યો હતો.’ રાવીના ચેહરા પર તીવ્ર કડવાશભર્યો ઉશ્કેરાટ છવાઈ રહ્યો.
‘ઈટ વોઝ ટર્નંિગ પોઈન્ટ ઓફ માય લાઈફ... બસ, એ પછી ઉન્માદ વલોવતા વમળોમાં ફંગોળાયેલી જંિદગી આજ સુધી સ્થિર નથી થઈ...’ અભિ એકીટશે રાવીના ચહેરાના બદલાતા ભાવોને જોતો રહ્યો. ‘એ વખતે મેં ઊઠાવેલી ગન...’ તેણે બેરેટાના લિસ્સા બેરલ પર આંગળી પસવારી અને ભાવસભર આંખે તાક્યા કર્યું, ‘હું, આ ગન, ખભા પર આ હેવરસેક અને ખાનાબદોશ જેવી આ જંિદગી... અભિ, આજે પહેલીવાર હું કોઈ ત્રાહિત પાસે કબૂલાત કરું છું...’ તેણે અભિના ખભા પર હુંફ નીતરતો હાથ મૂક્યો, ‘તને યાદ છે, ચાર વર્ષ પહેલાં પાકિસ્તાનના અંકૂશ હેઠળના ડેરા કોતવાલમાં લશ્કર-એ-તૈયબાની છાવણીઓમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને તેમાં ૩૫ આતંકવાદીઓ માર્યા ગયા હતા?’ અભિ ફાટી આંખે રાવીને જોઈ રહ્યો હતો. વિરમના ખુલ્લા બદન પર હોટલમાંથી લીધેલા ગરમ પાણીનું સ્પોન્જ ફેરવતી રાવી ઘડીભર ચૂપ થઈ ગઈ. અભિની આંખોમાંથી પૂછાતો સવાલ પારખીને તેણે વાક્ય પૂરું કર્યું, ‘ઈટ વોઝ માય ફર્સ્ટ એસાઈનમેન્ટ... વેરી ફર્સ્ટ એન્ડ એક્સ્ટ્રીમલી સક્સેસફૂલ...’
‘સુમરાને એ યાદ હોવું જોઈએ... આરડીએક્સનો બંદોબસ્ત તેણે કર્યો હતો...’ જવાબમાં સુમરાએ હળવા સ્મિત સાથે હકારમાં ડોકું ઘૂણાવ્યું. ‘આખો ય પ્લાન વિરમનો હતો. મેજર અંકલે જ ગુલમર્ગમાં અમારી મુલાકાત કરાવી હતી. હું તદ્દન અણઘડ હતી એટલે વિરમે એક તબક્કે મને આ જોખમી ઓપરેશનમાં સાથે લેવાની ઘસીને ના પાડી દીધી હતી...’ તે અલ્લડ સ્મિત સાથે વિરમના ઘાયલ, બેહોશ ચહેરા સામે આર્જવપૂર્વક જોઈ રહી. તેની કથ્થાઈ આંખોમાં કંઈક ચંચળ તોફાન પ્રગટતું અભિને લાગ્યું. આ છોકરી વિરમના પ્રેમમાં હતી?
‘દયાલ સાહા એ વખતે મેજર અંકલના ગુ્રપનો ફંડ મેનેજર હતો. કોઈપણ ઓપરેશન માટે જરૂરી ફંડ તે ગણતરીના કલાકોમાં ઊભુ કરી દેતો. વિરમ શરૂઆતમાં સાહાનો વિશ્વાસુ હતો પરંતુ તેણે બહુ ઝડપભેર મોટા ઓપરેશન પાર પાડીને બધાનો વિશ્વાસ જીતી લીધો હતો.’
‘મોટા ઓપરેશન એટલે?’
‘પાકિસ્તાનના અન્ડરવર્લ્ડ સાથે ઘરોબો કેળવીને વિરમ વેપન્સ મંગાવતો. એ વેપન્સ મણિપુરના અલગતાવાદીઓ, નક્સલાઈટ્‌સને વેચતો. એ આખી કડી...’
‘એક મિનિટ... એક મિનિટ...’ અભિમન્યુ બોલ્યા વગર ન રહી શક્યો, ‘એકતરફ તમે તમારી જાતને રાષ્ટ્રવાદી કહેવડાવો છો અને બીજી તરફ તમારા સંબંધ દેશના દુશ્મનો અને અલગતાવાદીઓ સાથે હોય એ વળી કેવું?’
‘મેજર અંકલની થિયરી જ કંઈક એવી હતી. ડેરા કોતવાલમાં અમે જે બોમ્બ ફોડ્યા એ આરડીએક્સ મુલતાનથી જ આવ્યો હતો. આરડીએક્સના બદલામાં અમે ઈન્ડિયન આર્મીના સ્ટ્રેટેજીક પોઈન્ટ્‌સના કેટલાંક નકશા મુલતાન મોકલ્યા હતા. એ બધા જ નકશા ખોટા અથવા અઘૂરા હતા. મેજરની સ્ટાઈલ કંઈક એવી હતી કે, દુશ્મનના હથિયાર વડે દુશ્મનનો કાંટો કાઢવો અને દેશની અંદરના દુશ્મનોને ય નશ્યત કરતાં જવા. લોકશાહી પદ્ધતિથી મિલિટરી કે કોઈ એક જૂથ સંપૂર્ણ ભારતની સર્વસત્તા હસ્તગત કરી શકે એ નામુમકિન છે એ સંજોગોમાં જો પૂરતું ફન્ડ અને પૂરતો સ્ટ્રેટેજિક પાવર હોય તો પડદા પાછળ રહીને પણ ધાર્યું કરી શકતું શક્તિશાળી જૂથ બનાવી શકાય એવી મેજરની નેમ હતી.’
‘નો વે’ અભિ છળી ઊઠ્યો, ‘એ રીતે તમે દેશના કાયદા અને બંધારણથી ય ઉપર જવા ધારતા હતા, એમ? રીઢા રાજકારણીઓને, ચૂંટણીમાં થતી ગોલમાલ અને વહીવટમાં ખુલ્લેઆમ થતી ખાયકીને તમે કઈ રીતે રોકવાના હતા? એ શું તમારી દૃષ્ટિએ દેશદ્રોહ ન હતો?’
‘હતો જ... અમે કેટલાંય રાજકારણીઓને પાઠ ભણાવ્યો છે. ઝારખંડનો મુખ્યમંત્રી આભાસ મ્હાતો મેજરની ધમકીને ગાંઠતો ન હતો તો રહસ્યમય હેલિકોપ્ટર અકસ્માતમાં મોતને ભેટ્યો, બિહારનો શહેરીવિકાસ મંત્રી બ્રિજનારાયણ પાંડે પોતાના ભ્રષ્ટાચારને છાવરવા મેજરને મસમોટી ખંડણી ચૂકવતો હતો છેવટે તેને ય રાજીનામુ આપવાની અને સરકારને થયેલી ખોટ ભરપાઈ કરવાની ફરજ પડી.’
‘ઉત્તરપ્રદેશ વિકાસ પરિષદનો અઘ્યક્ષ ટંડન, કર્ણાટકનો નિજલંિગપ્પા... આ સૌએ, તું શું માને છે, અબજો રૂપિયાની ખાયકી ખૂલ્યા પછી કાયદાના ડરથી રાજીનામા ધરી દીધા હતા? રાતોરાત એમની એવી કઈ નૈતિકતા જાગી ગઈ હતી કે એમણે અબજો રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવીને પોતાનો ગુનો કબૂલી લીધો હતો? ઓસ્વાલ ગુ્રપને મઘ્યપ્રદેશમાં ફાળવાયેલી જમીનનો આઠ વર્ષથી વિવાદ ચાલતો હતો. સરકાર કે ઓસ્વાલ કોઈ, પબ્લિકની લાગણીને કે અદાલતના આદેશને ગાંઠતા ન હતા. આઠ વર્ષ પછી રાતોરાત એવું શું થઈ ગયું કે રમાકાન્ત ઓસ્વાલે જાતે જ અબજો રૂપિયાનો ફાયદો કરાવતો એ પ્લાન્ટ અને સરકારી જમીનની એ ફાળવણી સ્વેચ્છાએ જતી કરી દીધી? તું શું માને છે, પાંચ-પચ્ચીશ વ્યક્તિના આંદોલનથી એ ડરી ગયો હતો? અદાલતના બે-ચાર મનાઈહુકમને લીધે એ ખસી ગયો હતો? ચાર રેલી કે પાંચ સૂત્રથી એ કોઈનું રૂંવાડું ય ન ફરકે એ તને નથી ખબર?’
‘એ દરેક ઘટનાની પાછળ ગરજેલી બંદૂકનું લ્હાય લગાડતું નાળચું કારણભૂત હતું. ક્યાંક બ્લેકમેઈલંિગ, ક્યાંક ધમકી અને છેવટે ઊંધા હાથની અડબોથ... મેજર બિહોલાના, જાતે જ ન્યાય કરવાના સિદ્ધાંત પર વિરમને પાક્કો ભરોસો બેસી ચૂક્યો હતો અને વિરમના ચાલબાજ ઝનૂનનો મેજરને ય ખપ હતો. પાંચ વર્ષમાં એક પછી એક સફળતા મળતી ગઈ. સરહદ પારના દુશ્મનો અને દેશની અંદરના ગદ્દારો બંને પર અમે મક્કમ રીતે હાવી થઈ રહ્યા હતા. એમ છતાંય સાવ છાની રીતે ઓછામાં ઓછા રિસોર્સિઝમાં લીકપ્રુફ ઓપરેશન્સ પાર પાડવા માટે ફંડની તીવ્ર જરૂર હતી.’
‘મેજર ભાગ્યે જ, અત્યંત જરૂરી હોય ત્યાં જ પોતાની જાતને ખુલ્લી કરતાં. બાકી તો દરેક ઓપરેશન્સ અને ડિલંિગમાં ઓપન ફ્રન્ટ પર વિરમની જવાબદારી રહેતી. મારો રોલ વિરમને સપોર્ટ આપવાનો રહેતો. એકાદ વરસ થયું હશે, વિરમે મને તાકિદે મેજરને લોકેટ કરીને મિટંિગ ગોઠવવા કહ્યું. મેં મેજરને મેસેજ પાસ કર્યો. ઉત્તરપ્રદેશ અને મઘ્યપ્રદેશની સરહદ પર જિગ્ની ગામે એક ખેતરમાં અમે મળ્યા ત્યારે વિરમે જે ધડાકો કરીને મેજરને ચોંકાવી દીધા એ મને કદીય નહિ ભૂલાય.’ રાવીએ વિરમના તપ્ત ચહેરા પર હાથ ફેરવ્યો. તેના વાળ પસવાર્યા અને તેની બેહોશ આંખોની ભીતર ઝાંખતી રહી.
‘વિરમે દોઢસો વર્ષ પહેલાના પત્રો, દસ્તાવેજો ટેબલ પર પાથરીને અમને સ્તબ્ધ કરી દીધા હતા. એ નાનાસાહેબ પેશ્વાના પત્રો હતા. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજોથી પરાસ્ત થયા પછી પેશ્વાનું શું થયું, તેમની પાસે રહેલો મરાઠા સામ્રાજ્યનો અને મુઘલ સલ્તનતનો બેશકિમતી ખજાનો ક્યાં ગયો તેના વિશે આજ સુધી ઠોસ પૂરાવા નથી મળ્યા. દોઢસો વર્ષથી વિસરાઈ ગયેલા, સમયના ગર્ભમાં દટાઈ ગયેલા એ ઈતિહાસની ખૂટતી કડી આ પત્રોમાંથી નીકળતી હતી. ૧૮૫૮માં કાનપુર પાસેના બિઠુરથી લાપતા થયેલા ઈતિહાસનું અનુસંધાન ભાવનગર પાસેના સિહોરમાં નીકળતું હતું અને નાનાસાહેબના આખરી દિવસોના એ પીળા પડી ગયેલા જર્જરિત દસ્તાવેજમાં સ્પષ્ટ કહેવાયું હતું, આપલ્યા ખજાના બદનૂર મધે મોડીરામચ્યા હાતિ સલામત આહે... આપણો ખજાનો બદનૂર ગામે મોડીરામને ત્યાં સલામત છે...’
તદ્દન અજાણપણે સુમરાનો પગ બ્રેક સાથે જડાઈ ગયો અને પૂરપાટ વેગે દોડી જતી ફોર્ચ્યુનર ચિચિયારી સાથે રસ્તાની ધાર ભણી ઘસડાઈ ગઈ. ગાડીના એન્જિનની ઘરઘરાટી એ વખતે ધીમી પડી ગઈ હતી અને બંધ દરવાજા વચ્ચેની સ્તબ્ધતામાં કશુંક જોરથી થડકી રહ્યું હતું.
ફાટી આંખે રાવીને સાંભળી રહેલા અભિ અને સુમરાના હૈયાનો એ ધબકાર હતો.
(ક્રમશઃ)

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved