Last Update : 21-July-2012, Saturday

 

કેપ્ટન લક્ષ્મી સહગલનાં સંભારણાં
રાણી ઝાંસી રેજિમેન્ટની મહિલાઓએ નેતાજીને લોહીથી સહી કરેલું આવેદનપત્ર આપ્યું હતું

નવાજૂની - ઉર્વીશ કોઠારી

ભારતના ઇતિહાસના ‘જો અને તો’માં થોડા સવાલ સુભાષચંદ્ર બોઝને લગતા છે ઃ તેમની આઝાદ હંિદ ફોજ જાપાનના ટેકાથી અંગ્રેજો સામે જીતી ગઇ હોત તો? સુભાષચંદ્ર બોઝ વિમાન અકસ્માતમાં અવસાન પામવાને બદલે જવાહરલાલ નેહરુની જેમ લાંબું જીવ્યા હોત તો? કે પછી કેટલાકની માન્યતા પ્રમાણે એ અકસ્માતમાં મૃત્યુ પામ્યા ન હોય તો, પછીથી સુભાષચંદ્ર તરીકે જ પ્રગટ થયા હોત તો?
સુભાષચંદ્ર બોઝને લગતી આ અને એ સિવાયની ઘણી જિજ્ઞાસાઓ-અટકળોના જવાબ અધિકારથી આપી શકે એવી એક વ્યક્તિ એટલે કેપ્ટન લક્ષ્મી સહગલ. ૨૩ જુલાઇ, ૨૦૧૨ના રોજ થયેલા તેમના અવસાનથી ઘણાં વર્ષો પહેલાં તેમણે ઇતિહાસમાં ગૌરવવંતું સ્થાન મેળવ્યું હતું. જાપાને અંગ્રેજો વતી લડતા ભારતીય સૈનિકોને યુદ્ધકેદી તરીકે પકડ્યા, તેમાંથી આઝાદ હંિદ ફોજની રચના થઇ. જાપાનની કૃપાદૃષ્ટિથી સ્થપાયેલી આ ફોજની આગેવાની જર્મનીથી સંિગાપોર આવીને સુભાષચંદ્ર બોઝે સંભાળી, એટલે ફોજને એક દિશા મળી અને એક ઘ્યેય મળ્યાં. મદ્રાસમાં એમ.બી.બી.એસ. થયા પછી સીંગાપોરમાં કામ કરતાં ડો.લક્ષ્મી સ્વામિનાથન્‌ રાષ્ટ્રવાદની ધગતી લાગણીથી પ્રેરાઇને સુભાષબાબુને મળવા ગયાં અને તેમની સાથે જોડાઇને મહિલાઓની રાણી ઝાંસી રેજિમેન્ટનાં કેપ્ટન બન્યાં. આગળ જતાં (૨૧ ઓક્ટોબર, ૧૯૪૩ના રોજ) સુભાષબાબુએ સીંગાપોરની ધરતી પર ‘આરઝી હકુમતે આઝાદ હંિદ’ (આઝાદ હંિદની કામચલાઉ સરકાર) ની ઘોષણા કરી ત્યારે લક્ષ્મી સ્વામિનાથન્‌ તેનાં એકમાત્ર મહિલા મંત્રી હતાં.
૧૯૯૭માં તેમના નિવાસસ્થાને થયેલી મુલાકાતોના સિલસિલા દરમિયાન ડો.લક્ષ્મી સહગલે કહ્યું હતું કે ‘નેતાજી સીંગાપોર આવવામાં મોડા પડ્યા. તે એકાદ વર્ષ વહેલા આવ્યા હોત તો કદાચ જુદી સ્થિતિ હોત. કારણ કે ત્યારે વિશ્વયુદ્ધમાં જર્મની-જાપાનનું પલ્લું ભારે હતું.’ થયું એવું કે આઝાદ હંિદ ફોજની ગતિવિધી તેજ બની અને યુદ્ધના મોરચે તે બર્મા વટાવીને ઇમ્ફાલ (આસામ) સુધી પહોંચી ત્યારે, આ લડાઇ હારની છે એ નક્કી થઇ ચૂક્યું હતું. રાણી ઝાંસી રેજિમેન્ટની મહિલાઓ એ વખતે સીંગાપોરથી રંગુન આવી પહોંચી. દરમિયાન, નેતાજી રણમેદાને ઉતરવાની મંજૂરી આપે ત્યાં સુધી કેપ્ટન લક્ષ્મી મેમ્યોની એક હોસ્ટિપલમાં ડોક્ટર લક્ષ્મી તરીકે સેવાઓ આપી રહ્યાં હતાં. પરંતુ બ્રિટનની મજબૂત બનેલી સ્થિતિ ઘ્યાનમાં રાખીને નેતાજીએ નક્કી કર્યું કે હવે રાણી ઝાંસી રેજિમેન્ટને મોરચે મોકલવી નહીં. કેપ્ટન લક્ષ્મીએ પોતાના માટે હુકમ માગતાં સુભાષબાબુએ કહ્યું હતું,‘હું નથી ઇચ્છતો કે સ્ત્રીઓ કેદ પકડાય. જેટલી સ્ત્રીઓ આસાનીથી પાછી ફરી શકે એમ હોય, તે જતી રહે.’
કેપ્ટન લક્ષ્મીએ રાણી ઝાંસી રેજિમેન્ટની મહિલાઓને આ હુકમ સંભળાવ્યો ત્યારે ‘સ્ત્રીઓનો જુસ્સો અકલ્પ્ય હતો. એ લોકોએ પોતાની આંગળી પર કાપો મૂકીને, તેમાંથી નીકળેલા લોહીથી સહી કરેલું એક આવેદનપત્ર નેતાજીને આપ્યું. તેમાં એમણે લખ્યું હતું કે અમે પાછાં ફરવાં માગતા નથી.’
સુભાષચંદ્ર બોઝ વિશેની અનેક ઝીણીમોટી જિજ્ઞાસાઓના જવાબ પણ ડો.લક્ષ્મી સાથેની મુલાકાત દરમિયાન મળ્યા. આઝાદ હંિદ ફોજમાં સિગરેટ-શરાબની પાબંદી હતી? એવા સવાલના જવાબમાં ડો.લક્ષ્મીએ કહ્યું હતું,‘પાબંદીનો પ્રશ્ન જ ક્યાં? કારણ કે એ સમયે બઘું ખૂબ મોંધું હતું. ફોજના અફસરો સિગરેટ માટે તલસતા હતા અને એવી ગમ્મત પણ કરતા કે બસ, બીજું કંઇ નહીં, પણ કોઇ સારી બ્રાન્ડની સિગરેટ આપે તો પણ ઘણું. ચા-દૂધ-ખાંડ વિનાની, આછા લીલા રંગની ચાઇનીઝ ગ્રીન ટી પીતા નેતાજી પોતે કેરેવન એ બ્રાન્ડની સિગરેટ પીતા હતા અને મોટા સમારંભ કે ડીનરમાં ઔપચારિકતાના ભાગરૂપે વાઇન લેતા હતા. જાપાનીઓ મોટી પાર્ટીમાં મને પણ હંમેશાં બોલાવતા. એ વખતે નેતાજી યજમાનોને કહી દેતા કે ઇનકો આપ મત પીલાઇયે. એ વખતે હું નેતાજીને કહેતી કે અમસ્તી હું પીતી જ નથી. પીવાથી શું થઇ જાય, કોને ખબર?’
‘અંગત જીવનમાં નેતાજીને વેદાંતમાં બહુ વિશ્વાસ હતો. રોજ પંદર મિનીટ-અડધો કલાક એ ઘ્યાન કરવાની કોશિશ કરતા. બર્મા અને સંિગાપોરના રામકૃષ્ણ મિશનવાળાના સંપર્કમાં એ રહેતા, પરંતુ એને પોતાની અંગત બાબત ગણીને બીજા કોઇને તેમાં સામેલ કરતા નહીં. સીંગાપોરમાં દક્ષિણ ભારતીય ચેટ્ટિયારોનું એક મંદિર હતું. એ લોકોએ કહ્યું કે નેતાજી મંદિરે પધારે તો એ મોટી રકમ દાનમાં આપશે. એ વખતે અમારે નાણાંની બહુ જરૂર હતી. પણ નેતાજીએ કહ્યું કે મારી સાથે ફક્ત હંિદુ અફસરોને જ પ્રવેશ મળવાનો હોય, તો આ નિમંત્રણ મને મંજૂર નથી. રૂપિયા કરતાં એકતા મને વધારે વહાલી છે. ’
ભારતનું કોમી વાતાવરણ સદંતર ડહોળાઇ ચૂક્યું હતું ત્યારે આઝાદ હંિદ ફોજ કોમી એકતાની મિસાલ બની રહી. ‘જય હંિદ’નો આઝાદી પછી પણ રાષ્ટ્રિય દરજ્જો પામેલો નારો આઝાદ હંિદ ફોજની દેન છે. તે નેતાજી સાથે જર્મનીથી સબમરીનમાં આવેલા આબિદ હસને આપ્યો હતો. આઝાદ હંિદના મુખ્ય ત્રણ અફસરો મોરચેથી પકડાયા અને અંગ્રેજોએ તેમની પર લાલ કિલ્લામાં મુકદ્દમો ચલાવ્યો ત્યારે આખા દેશમાં એટલા સમય પૂરતી કોમી એકતાની લહેર ફેલાઇ હતી. કારણ કે પકડાયેલા અફસરો હતાઃ કેપ્ટન શાહનવાઝ ખાન (મુસ્લિમ), કેપ્ટન પ્રેમકુમાર સહગલ (હંિદુ) અને લેફ્‌ટનન્ટ જનરલ ગુરુબક્ષસંિઘ ધિલ્લોં (શીખ). આ બહાદુરો સામે રાજદ્રોહનો કેસ ચાલ્યો ત્યારે, ડો.લક્ષ્મી સહગલના જણાવ્યા પ્રમાણે ‘મહંમદઅલી ઝીણાએ શાહનવાઝ હુસૈનને કહ્યું હતું કે તમે પેલા બન્નેથી અલગ થઇ જાવ, તો હું તમારો બચાવ કરીશ. પણ શાહનવાઝે એ દરખાસ્ત ઠુકરાવી દીધી હતી.’ આ ત્રણે નાયકોના બચાવ માટે ભૂલાભાઇ દેસાઇની આગેવાની હેઠળની ટીમમાં બેરિસ્ટર નેહરુ વર્ષો પછી પોતાનો કાળો કોટ પહેરીને વકીલ તરીકે હાજર રહેતા હતા.
પ્રેમકુમાર સહગલ આઝાદ હંિદ ફોજમાં સુભાષચંદ્ર બોઝના લશ્કરી સચિવ હતા. ‘આઝાદ હંિદ ફોજમાં જુવાન અફસરો અને રેજિમેન્ટની રાણીઓ વચ્ચે પ્રેમના કિસ્સા બનતા હતા?’ એવા સવાલનો જવાબ આપતાં, વાતચીત પછી ખુલી ગયેલાં ડો.લક્ષ્મીએ કહ્યું હતું, ‘મારો જ કિસ્સો લો ને. મારો સહગલ સાથે પરિચય ત્યાં જ થયો હતો ને અમે નજીક આવ્યાં. રેજિમેન્ટ વિખેરાઇ ગયા પછી મેં તેમની સાથે લગ્ન કર્યું. એવી જ રીતે મેડિકલ ઓફિસર ડો.જ્ઞાન કૌર પણ આઝાદ હંિદ ફોજના અફસર સાથે લગ્ન કરીને ડો.જ્ઞાન પુરી બન્યાં હતાં.’ અલબત્ત, આ રોમાન્સ નેતાજીની સામે ખુલ્લો ન પડી જાય એની પૂરતી તકેદારી રખાતી હતી. ‘તેમને બીજો કશો વાંધો ન હતો, પણ મુખ્ય લક્ષ્યમાંથી ઘ્યાન ખસી જાય એ તેમનો મુદ્દો હતો.’
કેપ્ટન લક્ષ્મી સાથે લગ્ન પછી પકડાયેલા સહગલ અને તેમના સાથી શાહનવાઝ-ધિલ્લોંને લાલ કિલ્લાના કેસમાં ગુનેગાર ઠરાવવામાં આવ્યા, પરંતુ લોકલાગણી એટલી પ્રબળ હતી અને યુદ્ધ પછી અંગ્રેજી રાજનાં વળતાં પાણી થયાં હતાં, એટલે એ ત્રણેને નિર્દોષ છોડી મૂકવા પડ્યા. દેશભરમાં તેમનાં વિજય સરઘસ નીકળ્યાં. લોકો તેમને સો-સોની નોટોના હાર પહેરાવતા હતા. (એ રકમ આઝાદ હંિદ ફોજના ફૌજીઓ માટેના ભારત સરકારના ફંડમાં જમા થતી હતી.)
જયજયકાર શમ્યો એટલે વાસ્તવિકતા મોં ફાડીને ઊભી રહી. ડો.લક્ષ્મી દિલ્હી-મુંબઇ-મદ્રાસ નહીં ને કાનપુરમાં શા માટે સ્થાયી થયાં, તેનો જવાબ પણ એમાં જ હતોઃ લાલ કિલ્લાના મુકદ્દમાના હીરો પ્રેમકુમાર સહગલને ક્યાંય સારી નોકરી કે કામની ઓફર ન હતી. એ સમયે કાનપુરની એક મિલમાંથી સારી ઓફર મળતાં સહગલ દંપતિ કાનપુર સ્થાયી થયું. દેશ આઝાદ થયા પછી ડો.લક્ષ્મી સહગલને નવા શાસકોના અનેક હતોત્સાહ કરે એવા અનુભવ થયા. બીજી તરફ સુભાષબાબુએ સ્થાપેલા પક્ષ ફોરવર્ડ બ્લોક સહિતના કેટલાકે ‘સુભાષબાબુ હજુ જીવે છે’ એવી માન્યતા ફેલાવી. પણ ડો.લક્ષ્મીએ નેતાજીનું મૃત્યુ સ્વીકારી લીઘું હતું. ‘વિમાની અકસ્માત અને નેતાજીના મૃત્યુના સમાચારથી પહેલાં અમે રાજી થયાં. કારણ કે એ હંમેશાં કહેતા કે ગમે તે થાય, હું કેદ પકડાવા માગતો નથી. પણ લાલ કિલ્લાના મુકદ્દમા પછી નેતાજીના સાથી અને તેમની સાથે વિમાનમાં સફર કરનાર હબીબુર રહેમાનને મળીને અમને ખાતરી થઇ ગઇ કે નેતાજીનું ખરેખર અવસાન થયું હશે.’
નેતાજી જીવે છે કે નહીં, તેની અટકળો અને તેમાંથી રાજકીય લાભ ખાટવાને બદલે ડો.લક્ષ્મી પોતાનાથી થાય એટલી દેશસેવાના કામમાં લાગ્યાં. સામ્યવાદી પક્ષમાં જોડાયાં. કાનપુરમાં સાવ રાહતદરે ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી. એક કાનપુરવાસી મિત્રે હસતાં હસતાં કહ્યું હતું કે ‘અડઘું કાનપુર એમના દવાખાનામાં જન્મ્યું છે.’ ૧૯૯૭માં અમારી મુલાકાત વખતે એમની ફી રૂ.વીસ હતી અને ગરીબ દર્દીઓ માટે એ પણ નહીં. એમના ઐતિહાસિક મોભાથી પ્રેરાઇને અમીરો પણ તેમના દવાખાને આવતા, પરંતુ ગરીબ-અમીર સૌ દર્દીઓને એકસરખી સારવાર મળતી. સુભાષચંદ્ર બોઝની યાદમાં જેનું નામ સુભાષિની રાખ્યું હતું, તે દીકરી પણ મોટાં થઇને સામ્યવાદી પક્ષમાં સંકળાયાં. ડો.લક્ષ્મીના મૃત્યુ સમયે પ્રગટ થયેલા અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે, હૃદયરોગનો હુમલો આવ્યો તેના આગલા દિવસ સુધી તે ક્લિનિક પર જતાં હતાં.
રેજિમેન્ટ વિખેરાઇ ગયા પછી પણ સેવા, શિસ્ત અને મિજાજની બાબતમાં આજીવન કેપ્ટન રહેલાં ડો.લક્ષ્મી સહગલને છેલ્લી સલામ.

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

હોમાય વ્યારાવાલા સાચી હકીકતોથી શ્રદ્ધાંજલિ
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved