Last Update : 21-July-2012, Saturday

 

પરગ્રહવાસીઓના સતત સંપર્કમાં રહેનાર એક પૃથ્વીવાસીના રોમાંચક અનુભવો

અગોચર વિશ્વ - દેવેશ મહેતા
- હોવાર્ડ મેન્જર બાળપણથી જ પરગ્રહવાસીઓના સંપર્કમાં રહેતો હતો. મેન્જર જણાવે છે કે આ પરગ્રહવાસીઓ માન્યામાં ના આવે એવી વૈજ્ઞાનિક સિદ્ધિઓ ધરાવે છે!

સતત વિસ્તરતા વિરાટ બ્રહ્માંડના રહસ્યો અતાગ છે. વર્તમાન સમયના અગ્રગણ્ય ખગોળશાસ્ત્રીઓ માને છે કે બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજા ગ્રહો પર જીવન સંભવ છે. આપણી તથા અન્ય અગણિત આકાશગંગાઓના અબજો તારાઓના ગ્રહોમાં એવા અનેક ગ્રહો હશે જ્યાં લોકો વસતા હશે. આ માન્યતાને પુરવાર કરે તેવી સેંકડો ઘટનાઓ બની છે જેમાંની મોટા ભાગની ઊડતી રકાબી જોવાને લગતી છે. કેટલીક ઘટનાઓ ઊડતી રકાબીમાંથી ઊતરીને પરગ્રહવાસીઓને જોવાને લગતી પણ છે. અમુક ઘટનાઓ તો એવી પણ બની છે જેમાં પરગ્રહવાસીઓએ પૃથ્વીવાસીઓનું અપહરણ કરી એમને થોડો સમય પોતાની પાસે રાખી પાછા પૃથ્વી પર મૂકી દીધા હતા. અમેરિકા, બ્રિટન અને રશિયા જેવા અનેક દેશોમાં તો આવી ઘટનાઓની ઢગલાબંધ ફાઈલો સંગ્રહવામાં આવી છે જે મોટેભાગે ગુપ્ત રાખવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ જીમી કાર્ટરે પોતે ૧૯૬૮માં ઊડતી રકાબી જોઈ હતી. એ પછી તત્કાલીન સરકારે એમના અનુરોધથી આ અંગે ઊંડુ સંશોધન કરવા અનેક પ્રોજેક્ટસ હાથ ધર્યા હતા. થોડા મહિના પહેલા બ્રિટિશ સરકારે ઊડતી રકાબી અને પરગ્રહવાસીઓના અનુભવોની સત્ય ઘટનાઓને લગતી ‘ગુપ્ત રાખેલી ફાઈલો’ દુનિયા સમક્ષ પહેલી વાર ખુલ્લી મૂકી હતી.
અર્વાચીન સમયમાં ‘ઊડતી રકાબી’ને ‘યુફો’ કહેવામાં આવે છે. યુફો શબ્દ અંગ્રેજી ભાષાના ‘યુ.એફ.ઓ.’ એ ત્રણ અક્ષર ભેગા બોલવાથી થાય છે. ‘અનઆઈડેન્ટીફાઈડ ફલાઈંગ ઓબ્જેક્ટસ’ એ ત્રણ શબ્દોનું એ સંક્ષિપ્ત રૂપ છે. એનું ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો કહેવાય - ‘વણઓળખ્યા ઊડતા પદાર્થો.’
૧૯૨૨ની ૧૭ ફેબુ્રઆરીએ બુ્રકલિનમાં જન્મેલો હોવાર્ડ મેન્જર ‘અનભિજ્ઞ ઉડ્ડયનયાન’ને લગતી ઘટનાઓમાં એક મહત્વપૂર્ણ સંશોધનનો વિષય બની રહ્યો. પરગ્રહવાસીઓ સાથે પોતાને થયેલા રોમાંચક અને અચરજભર્યા અનુભવોનું બયાન તેણે પોતાના પુસ્તક ‘ફ્રોમ આઉટર સ્પેસ’માં કર્યું છે. દૂરના કોઈ અજાણ્યા ગ્રહની મુલાકાતે જઈ આવનાર હોવાર્ડ મેન્જરે આ અંગેના અનેક પુરાવાઓ આપ્યા છે અને પોતે પાડેલા ફોટાઓ પણ રજૂ કર્યા છે. તેણે સેંકડો પ્રવચનો, રેડિયો, ટેલિવિઝન મુલાકાતો અને યુફો સંશોધન સમિતિના સંશોધકોના પ્રયોગોમાં હાજરી આપી પોતાની સચ્ચાઈ પુરવાર કરી છે.
મેન્જર દસ વર્ષની ઉંમરનો હતો ત્યારે એક વિચિત્ર વાત બની. તેને બાળપણથી જંગલમાં અને ખુલ્લા પ્રદેશમાં ફરવાનું ગમે. એક દિવસ તેણે અવકાશમાંથી ખૂબ નીચે ઊતરેલો એક ઊડતી રકાબી જેવો આકાર જોયો. તેને બહુ કુતૂહલ થયું. તેના મનમાં ઇચ્છા થઈ ઃ મને આવા અવકાશયાનમાં બેસવાનું મળે તો કેવું સારું! પછી તો તે જ્યારે જંગલમાં કે ખુલ્લા પ્રદેશમાં લટાર મારવા નીકળ્યો હોય ત્યારે તેને પેલું અવકાશયાન જોવા મળે. તેણે તેના ભાઈને પોતે ઊડતી રકાબી જેવું યાન જોયાની વાત કરી પણ તે એની વાત માનવા તૈયાર ન થયો તેથી મેન્જર એક દિવસ તેને પોતાની સાથે જંગલમાં ફરવા લઈ ગયો. તે જંગલની વચ્ચે પહોંચ્યા હશે ત્યાં એક ખુલ્લી જગ્યામાં તેમણે દસ-બાર ફૂટનો વ્યાસ ધરાવતું કોઈ ગોળાકાર યંત્ર જોયું. ત્યાં જ એકાએક જાતજાતના પ્રકાશના લીસોટાઓ છોડતું લગભગ ત્રીસ-ચાલીસ ફૂટનો વ્યાસ ધરાવતું બીજું એક મોટું ગોળાકાર રકાબી આકારનું અવકાશયાન તેમના માથા ઉપર ચકરાવા લેવા માંડ્યું હતું એમ તેમ તેમણે જોયું. તેમને પાસે આવતા જોઈ પેલું નાનુ યાન પણ જમીન પરથી અદ્ધર થઈ પેલા મોટા યાન સાથે આકાશમાં ઊડી ગયું.
થોડા દિવસ બાદ મેન્જરને એની જંિદગીનો અદ્‌ભુત અને આહ્‌લાદક અનુભવ થયો. તે સંધ્યાકાળના સમયે દરિયા કિનારે લટાર મારી રહ્યો હતો. થોડીવાર પહેલા તેણે તેના માથા પર ઊંચે ઊડતી રકાબી જેવું પેલું અવકાશયાન ઊડતું જોયું હતું એટલે તે વિચારી રહ્યો હતો કે તે અવારનવાર તેની આજુબાજુ જ કેમ ઊડયા કરે છે? સમુદ્ર કિનારે ચાલતા ચાલતા મેન્જરના પગ અચાનક અટકી ગયા. તેણે એક વિરલ દૃશ્ય જોયું. કિનારે આવેલા એક ખડગ પર રૂપ રૂપના અંબાર ભરેલી સ્વર્ગની અપ્સરા જેવી સુંદર સ્ત્રીને બેઠેલી જોઈ. તેની કમનીય કાયા પર દિવ્ય તેજ ઝળકી રહ્યું હતું. તેણે મેન્જર તરફ નજર કરી અને સ્મિત કર્યું. એની મોહિની એવી અજબ હતી કે જેમ લોખંડ લોહચુંબક તરફ ખેંચાય તેમ મેન્જર તેના તરફ ખેંચાવા લાગ્યો. ચાલતો ચાલતો તે ફરકતા સોનેરી વાળવાળી એ અપ્સરા જેવી સ્ત્રી પાસે જઈને ઊભો રહ્યો. થોડા દિવસ પહેલા જોયેલા ઊડતી રકાબી જેવા અવકાશયાનને નજીક ઊભેલું જોઈ તેને ખ્યાલ આવી ગયો કે તે સ્ત્રી એ યાનમાંથી જ ઊતરીને ત્યાં બેઠી છે. પેલી અપ્સરા જેવી સ્ત્રીએ ચાંદીની ઘંટડી રણકતી હોય એવા મઘુર અવાજે પ્રેમાળ સૂરમાં તેને કહ્યું, ‘અમારે તારી ખાસ જરૂર છે. અમે કરોડો-અબજો માઈલ દૂર આવેલા એ અજાણ્યા ગ્રહ પરથી આવીએ છીએ. અમે તને અવારનવાર મળતા રહીશું. તું ડરીશ નહીં. અમે તને અથવા પૃથ્વીના માણસોને જરા પણ હાનિ પહોંચાડવા માંગતા નથી.’ તેણે મેન્જરના માથા પર હાથ મૂક્યો. મેન્જરને લાગ્યું કે જાણે તેના આખા શરીરમાં વીજળી ફરી વળી હતી! સમય આવ્યે હું તને ફરી મળવા આવીશ એમ કહી તેણે પ્રેમાળ સ્મિત કર્યું અને જાણે હવામાં ઊડતી હોય તેમ પેલા અવકાશયાન તરફ દોડી ગઈ. પેલું અવકાશયાન પણ ઝડપથી ઊડયું અને દૃષ્ટિથી ઓઝલ થઈ ગયું.
અઢાર વર્ષની વયે હોવાર્ડ મેન્જર લશ્કરમાં જોડાયો અને ઊંચા હોદ્દાએ પહોંચ્યો. એકવાર મોરચા પર બોંબ ફૂટતા તે ઘવાયો અને તેમાં લગભગ આંધળા જેવો બની ગયો. સારવાર દરમિયાન તે હોસ્પિટલની પથારી પર દર્દથી કણસી રહ્યો હતો ત્યારે તેને લાગ્યું કે કોઈ તેની પાસે ઊભું રહ્યું છે. વાતાવરણમાં માદક સુગંધ પથરાઈ ગઈ છે. ત્યાં એના કાને રૂપેરી ઘંટડી રણકતી હોય એવો મીઠો અવાજ પડ્યો ‘ચંિતા કરીશ નહીં. તારી આંખો સારી થઈ જશે. તું ફરી દેખતો થઈ જશે. અમારે તારી ખૂબ જરૂર છે.’ ચમત્કાર થયો હોય તેમ તેની આંખોની સ્થિતિ સુધરવા લાગી અને થોડા દિવસોમાં તો મેન્જર દેખતો થઈ ગયો હતો. મેન્જરને ખ્યાલ આવી ગયો કે એ અવાજ પેલા અવકાશયાનમાં આવેલી અપ્સરા જેવી સુંદર સ્ત્રીનો જ હતો!
એ પછી અજાણ્યા ગ્રહવાસીઓ એના વઘુ ને વઘુ સંપર્કમાં રહેવા લાગ્યા. છેવટે એકવાર તે મેન્જરને એમના અવકાશયાનમાં બેસાડી એમના ગ્રહ પર લઈ ગયા. હોવાર્ડ મેન્જરે તેના પુસ્તકમાં પોતાના અનુભવોનું રોમાંચક વર્ણન કર્યું છે. આ વર્ણન કોઈ સ્વપ્નકથા વાંચતા હોઈએ એવો અનુભવ કરાવે છે. પરગ્રહવાસી માનવીઓની રહેણીકરણી, ખાસિયતો અને માન્યામાં ના આવે તેવી વૈજ્ઞાનિક સિદ્ધિઓની વાત મેન્જરે દર્શાવી છે.
પરગ્રહની મુલાકાત દરમિયાન પોતે જે જોયું-જાણ્યું તેના આધારે હોવાર્ડ મેન્જર કહે છે કે પરગ્રહવાસીઓ પૃથ્વીવાસીઓ સાથે માનસિક કક્ષાએ સંપર્ક ધરાવે છે. પસંદ કરાયેલા માણસો સાથે તેમણે સીધો સંબંધ પણ બાંઘ્યો છે. જેમાં હું પણ આવી જઉં છું. પરગ્રહવાસીઓ કહે છે-‘પૃથ્વીવાસીઓએ હજુ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઘણો વિકાસ કરવાનો બાકી છે. ઘ્વનિના તરંગોને પ્રકાશમાં પરિવર્તિત કરી શકે અને દૃશ્યોને ટી.વી. પર વિદ્યુતકીય તરંગો રૂપે રજૂ કરી શકે એવી સિદ્ધિ તો પૃથ્વીવાસીઓએ મેળવી છે, પણ આવી રીતે માનવદેહને કે પદાર્થને પણ અબજો માઈલ દૂર મોકલી શકવાની સિદ્ધિ હજુ વિકસાવી નથી. શરીરના અણુઓને કે ઘનપદાર્થના પરમાણુઓને છૂટા પાડી વિદ્યુત રૂપે તેને બ્રહ્માંડના ગમે તે સ્થળે વહાવી ફરીથી તેને મૂળ રૂપે લાવવાની સિદ્ધિ પૃથ્વીવાસીઓ અમારી જેમ જરૂર વિકસાવશે. પછી તે અમારી જેમ બ્રહ્માંડના ગમે તેટલા દૂરના સ્થળે આંખનો પલકારો વાગે તેટલા સમયમાં આવનજાવન કરી શકશે! અમારા ગ્રહ પરથી સૌ પૃથ્વી પરના લોકોને પ્રેમ અને શાંતિનો સંદશે આપવા જ આવે છે. વૈજ્ઞાનિક વિકાસ માટે પણ અમે પૃથ્વીવાસીઓને સહયોગ આપવા તત્પર છીએ!’

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved