Last Update : 04-August-2012, Saturday

 

કરોડો રૃપિયાની દોલત કેમ રાજ ટ્રાવેલ્સના માલિકનો જીવ ન બચાવી શકી?

રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠના માથે આશરે ૧૦૦ કરોડ રૃપિયાનું દેવું ચડી ગયું હતું અને તેઓ લેણદારોને આપેલા વાયદાઓમાં પાળવામાં નિષ્ફળ ગયા હતા

સંસ્કૃતમાં એક સુભાષિતો અર્થ થાય છે કે ''સર્વે ગુણો કાંચનમાં રહેલા છે.'' જેની પાસે સુવર્ણ, એટલે કે સંપત્તિ હોય છે, તેને જ સમાજ ગુણવાના માને છે. લક્ષ્મી દેખીને મુનિવર પણ ચલાયમાન થઈ જાય છે. સાધુ-બાવાઓને પણ શ્રીમંત ભક્તો જેટલા પ્રિય હોય છે, એટલા ગરીબ ભક્તો ગમતા નથી. 'નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ', એવી કહેવત અમથી નથી પડી. આજનું શિક્ષણ પણ ધન કમાવવા માટે છે. તેમાં સાદગી, સંતોષ અને સદાચારના પાઠો ભણાવવામાં જ આવતા નથી. સરસ્વતીના ધામમાં પણ આજે લક્ષ્મીની બોલબાલા છે. માબાપો વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ લખલૂટ ખર્ચો કરીને તેમને વિદ્વાન નહીં પણ ધનવાન બનાવવા ચાહતા હોય છે. જેઓ ગુણવાન છે, પણ ધનવાન નથી, તેમની સમાજમાં ઉપેક્ષા થાય છે અને ક્યારેક તેમનો તિરસ્કાર પણ થાય છે. જેઓ ધનવાન છે, પણ ગુણવાન નથી, તેમના વખાણ કરતા લોકો પણ થાકતા નથી. આ કારણે નવી પેઢીમાં પણ ગુણવાન બનવાને બદલે ધનવાન બનાવાની હોડ જામી છે. તાજેતરમાં રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠે સી લીન્ક ઉપરથી દરિયામાં છલાંગ મારી તે ઘટના ઉપર ચિંતન કરીએ તો ખ્યાલ આવે છે કે માણસ પાસે કરોડો રૃપિયાની દોલત હોય, ગાડી-બંગલા અને નોકરચાકર હોય, તો પણ જો દિલમાં સંતોષ ન હોય અને હૈયે હામ ન હોય તો તેને કોઈ બચાવી શકતું નથી.
રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠ પોતાના બે ભાઈઓ સાથે કોલકાતાથી મુંબઈ આવ્યા ત્યારે તેમની પાસે કાંઈ નહોતું, પણ હૈયામાં હામ હતી અને કંઈક કરી છૂટવાનો અદમ્ય ઉત્સાહ હતો. ઈ.સ. ૧૯૭૬માં તેમણે રાજ ટ્રાવેલ્સ નામની કંપની સ્થાપી ત્યારે તેઓ મસ્જિદ બંદરની ખજૂરવાલા ચેમ્બર્સમાં આવેલી નાનકડી ઓફિસમાંથી પોતાના ધંધાનું સંચાલન કરતા હતા. તેમણે કારકિર્દીની શરૃઆત કાશ્મીરની ટૂરથી કરી. એ દિવસોમાં કાશ્મીરમાં ક્યાંય વેજ ફૂડ કે જૈન ફૂડ મળતું નહોતું. લલિત શેઠ કાશ્મીરની ટુરમાં મુંબઈના રસોઈયાને લઈ જતા. તેઓ શ્રીનગરના દાલ સરોવરમાં હાઉસ બોટ ભાડે રાખતા અને સહેલાણીઓને તેમાં ઉતારો આપતા. શ્રીનગરમાં તેઓ ગુજરાતીઓને પૂરણપોળી જમાડતા. આ કારણે કાશ્મીરની ટુરો દ્વારા રાજ ટ્રાવેલ્સ મુંબઈના ગુજરાતીઓમાં જાણીતી થયું. જાહેરાતો પાછળ તેઓ ચિક્કાર ખર્ચો કરતા. તેમના ધંધાનો ઝડપથી વિકાસ થવા લાગ્યો. કાશ્મીરની ટુરો કરતાં કરતાં લલિત શેઠ એક કાશ્મીરી કન્યાના પ્રેમમાં પડયા અને તેના પતિ પણ બન્યા.
કાશ્મીરની ટુરની સફળતાને પગલે ઈ.સ. ૧૯૭૯માં રાજ ટ્રાવેલ્સે વિદેશની ટુરો પણ શરૃ કરી. તેનો પ્રારંભ તેમણે મુંબઈ-સિંગાપોર- બેંગકોક-મુંબઈની ટુરથી કર્યો. લલિત શેઠ ગુજરાતીઓની નાડ બરાબર પારખી ગયા હતા. ગુજરાતીઓને વિદેશનાં સ્થળો જોવા કરતાં વધુ રસ ખાવા-પીવામાં અને શોપીંગમાં હતો. લલિત શેઠ તેમને સિંગાપોરમાં પણ ગુજરાતી થાળી ખવડાવતા. પછી તેમણે યુરોપની ટુરો શરૃ કરી. 'પેરીસમાં પાતરા અને રોમમાં રસપૂરી'નું તેમનું સૂત્ર બહુ ક્લિક થયું. રાજ ટ્રાવેલ્સનો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો. ઘણી વખત યુરોપ જતી આખી ફ્લાઈટ રાજ ટ્રાવેલ્સના નામે બૂક કરી લેવામાં આવતી હતી. જેમ કમાણી વધતી ગઈ તેમ લલિત શેઠની મહત્ત્વાકાંક્ષાઓ પણ વધતી ગઈ.
રાજ ટ્રાવેલ્સની ઓફિસ હવે મુંબઈના પોશ ગણાતા ઓપેરા હાઉસ બિલ્ડીંગમાં ખસેડવામાં આવી હતી. મુંબઈના ગર્ભશ્રીમંતો અને નવશ્રીમંતો ટુરના બૂકીંગ માટે પંચરત્ન એપાર્ટમેન્ટમાં આવેલી રાજ ટ્રાવેલ્સની ઓફિસમાં ભીડ કરતા હતા. રાજ ટ્રાવેલ્સની ઓફિસો ભારતનાં અનેક શહેરોમાં ખૂલી ગઈ હતી. હવે લલિત શેઠે ધંધાના વિકાસ માટે એર લાઈન્સના બિઝનેસમાં ઝૂકાવવાનું વિચાર્યું. ઈ.સ. ૧૯૯૦ના દાયકામાં તેમણે રાજ એરલાઈન્સની સ્થાપના કરી. ભારત સરકારે એવિયેશન ક્ષેત્ર ખાનગી ઓપરેટરો માટે ખુલ્લું મૂક્યું તેનો પ્રારંભિક લાભ ઉઠાવનારાઓમાં રાજ ટ્રાવેલ્સનું પણ નામ હતું. બેન્કો પાસેથી લોન લઈને અને વિમાનો ભાડે લઈને તેમણે પોતાની ખાનગી એર લાઈન્સ શરૃ કરી. કોઈપણ ધંધામાં બધી ગણતરીઓ ક્યારેય સાચી નથી પડતી. લલિત શેઠ રાજ એરલાઈન્સની ગણતરીમાં થાપ ખાઈ ગયા. અપેક્ષા મુજબનો ધંધો ન મળ્યો અને તેઓ ખોટના ખાડામાં ઉતરી ગયા. તેમણે રાજ એરલાઈન્સ બંધ કરવી પડી. આ સાહસમાં કરોડો રૃપિયાની ખોટ ગઈ, પણ લલિત શેઠ હિંમત હાર્યા નહીં. આ ખોટ તેમણે ભરપાઈ કરી દીધી, પણ તેમની કંપનીની આર્થિક હાલત સતત કથળતી જતી હતી.
ફોર્બ્સના લિસ્ટમાં સફળ ઉદ્યોગપતિઓની અને અબજોપતિઓની યાદી આપવામાં આવે છે. આ યાદી જોઈને બધાને અબજોપતિ બનવાની ઇચ્છા પેદા થાય છે. આવી ઈચ્છા સેવનારાઓ એ વાત ભૂલી જાય છે કે અબજોપતિ બનવાની ઈચ્છા ધરાવનારા એક કરોડ પૈકી એકાદ મનુષ્ય જ હકીકતમાં અબજપતિ બની શકતો હોય છે.
જેટલા લોકો અબજોપતિ બને છે, તેઓ પોતાની જિંદગીમાં સંઘર્ષ કરીને જ આગળ આવ્યા હોય છે; પણ સંઘર્ષ કરનારા બધા અબજોપતિ બની શકતા નથી. તેમાંના કેટલાકને આપઘાત કરવાની પણ ફરજ પડતી હોય છે.
રાજ એરલાઈન્સની નિષ્ફળતામાંથી બોધપાઠ લીધા વિના લલિત શેઠે આજથી પાંચ વર્ષ અગાઉ રાજ ટુરિસ્ટ બસ સર્વિસ શરૃ કરી. આ માટે તેમણે ૯૦ લાખ રૃપિયાની એક એવી આશરે ૭૫ વોલ્વો બસો ખરીદી અને ભારતનાં અનેક શહેરોમાં લક્ઝરી બસસેવાઓ શરૃ કરી. રાજ ટ્રાવેલ્સ ભારતભરમાં ૭૯ ઓફિસો હતી અને આશરે ૧,૦૦૦ જેટલા એજન્ટોનું નેટવર્ક હતું. લલિત શેઠની યોજના વિદેશમાં જે રીતે લક્ઝરી બસોની સુવિધાયુક્ત ટુરો ચાલે છે, તેવી ટુરો ભારતમાં પણ શરૃ કરવાની હતી. આ મોડેલ પણ ક્લિક ન થયું. બીજી બાજુ લલિત શેઠના માથે દેવું વધી રહ્યું હતું. તેમના ચેકો બાઉન્સ થતા હતા અને તેમણે આપેલા વાયદાઓ તૂટી રહ્યા હતા. એક અંદાજ મુજબ બેન્કો અને ખાનગી પાર્ટીઓ પાસેથી લલિત શેઠે આશરે ૧૦૦ કરોડ રૃપિયા વ્યાજે લીધા હતા, જેની ચૂકવણી કરવામાં તેઓ નિષ્ફળ ગયા હતા.
કોઈ પણ શ્રીમંત વ્યક્તિ પાસે આજની તારીખમાં ૧૦૦ કરોડની પ્રોપર્ટી થઈ જાય તો તેણે એશોઆરામની જિંદગી જીવવા માટે વધુ સંપત્તિની કોઈ જરૃર નથી રહેતી. તેમ છતાં લોભને કોઈ થોભ નથી હોતો, માટે તેઓ ૧૦૦ કરોડના ૧,૦૦૦ કરોડ અને તેના ૧૦,૦૦૦ કરોડ કરવા આકાશ પાતાળ એક કરતા હોય છે. આ વધારાના મીંડાંઓથી તેમની લાઈફ સ્ટાઈલમાં કોઈ ફરક પડવાનો નથી હોતો; તો પણ તેઓ તેના માટે ખોટા ધંધાઓ કરવાનું અને નાહકના ટેન્શનો લેવાનું ચાલુ રાખે છે. આ ટેન્શનો ક્યારેક જીવલેણ પુરવાર થાય છે.
રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠે આપઘાત કરવો પડયો તે માટે તેમનું બદલાયેલું નસીબ અને આર્થિક મંદી પણ જવાબદાર હતા. રાજ ટ્રાવેલ્સે પોતાની ઘણી ટુરો માટે કિંગફીશર એર લાઈન્સમાં મોટા પાયે બૂકીંગ કરાવી રાખ્યું હતું. કિંગફીશરે આડેધડ ફ્લાઈટો કેન્સલ કરતાં રાજ ટ્રાવેલ્સે ઘણી ટુરો કેન્સલ કરવી પડી હતી અને એડવાન્સ લીધેલા રૃપિયા પાછા આપવા પડયા હતા.
આ ભાંજગડમાં તેમને ભારે ફટકો પડયો હતો. લલિત શેઠે વ્યાજે રૃપિયો લઈને આ નાણાંભીડમાંથી બહાર આવવાનો પ્રયાસો કર્યા હતા, પણ આર્થિક મંદીને કારણે અને બગડેલી શાખને કારણે કોઈ તેમને વ્યાજે રૃપિયા ધીરવા પણ તૈયાર નહોતું. આ કારણે તેઓ હતાશ થઈ ગયા હતા.
રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠે મટકા કિંગ સુરેશ ભગતના ભાઈ વિનોદ ભગત પાસેથી ઈ.સ. ૧૯૮૧માં ગિરગામ ખાતે ઓફિસની જગ્યા ભાડે લીધી હતી. ૩,૫૦૦ ચોરસફીટ જગ્યાનું ભાડું છેલ્લે મહિને બે લાખ મુજબ નક્કી કરવામાં આવ્યું હતું.
આ ભાડા પેટે ૩૦ લાખ રૃપિયા ચૂકવવામાં પણ લલિત શેઠ નિષ્ફળ ગયા હતા. તેમણે વિનોદ ભગતને બાંયધારી આપી હતી કે તેઓ ભાડંુ નહીં ચૂકવી શકે તો જગ્યા ખાલી કરી આપશે. આ વાયદો નિભાવવામાં પણ તેઓ નિષ્ફળ ગયા એટલે વિનોદ ભગતે કોર્ટમાંથી ઓફિસ ખાલી કરવાની નોટિસ તૈયાર કરાવીને ઓફિસની બહાર ચોંટાડી દીધી હતી. આ નોટિસને કારણે રાજ ટ્રાવેલ્સ ભીડમાં છે એ વાત જાહેર થઈ ગઈ હતી. લલિત શેઠને એક ટ્રાવેલ એજન્ટ છેતરી ગયો હતો, જેની સાથે પણ તેમનો સંઘર્ષ ચાલતો હતો. કહેવાય છે કે આર્થિક ભીડને કારણે તેઓ બે મહિનાથી પોતાના સ્ટાફને પગાર પણ ચૂકવી નહોતા શકતા, જેને કારણે સમાજમાં થઈ રહેલી બદનામીથી પણ તેઓ વ્યગ્ર રહેતા હતા.
દુનિયામાં ઘણા એવા શ્રીમંતો છે, જેઓ દેવું બહુ વધી જાય તો પોતાની બધી પ્રોપર્ટી વેચીને દેવું ચૂકવી આપે છે અને ફરીથી બે રૃમની ખોલીમાં રહેવા ચાલ્યા જાય છે. બીજા એવા શ્રીમંતો પણ છે કે જેઓ અબજો રૃપિયાનું દેવું માથે હોય તો પણ નફ્ફટ બનીને જલસા કરે છે અને દેવું ચૂકવવા માટે પ્રયાસ પણ કરતા નથી.
કોર્ટના કેસો લડવા માટે તેમણે વકીલોની ફોજ રાખી હોય છે અને સમાજમાં બદનામીની તેઓ જરાય ચિંતા કરતા નથી. લલિત શેઠમાં એટલી હિંમત નહોતી કે પોતાની બધી સંપત્તિ વેચીને પાછા ભાડાંની જગ્યામાં રહેવા ચાલ્યા જાય. માણસ જ્યારે પોતાના સ્ટેટસનો અને પોતાની લાઈફ સ્ટાઈલનો ગુલામ બની જાય છે ત્યારે આવું બને છે. તેમનામાં એટલી નફ્ફટાઈ પણ નહોતી કે ગામના રૃપિયાથી જલસા કરે અને દેવું ભરપાઈ કરવાની કોશિષ પણ ન કરે. આ કારણે તેમની સમક્ષ આપઘાતનો જ વિકલ્પ બચ્યો હતો. આ દુર્ઘટનામાંથી આપણે એટલો જ બોધપાઠ લેવા જેવો છે કે પછેડી કરતાં મોટી સોડ કદી તાણવી જોઈએ નહીં.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved