મહિલાઓ પુરુષો કરતાં લાંબું જીવન જીવતી હોવાનું રહસ્ય

 

માઇટોકોન્ડ્રિયલ ડીએનએમાં સર્જાતી વિકૃતિના કારણે પુરુષો ઓછું જીવે છે

 

લંડન, તા. ૩

 

પુરુષો કરતાં મહિલાઓ શા માટે વધુ જીવે છે અથવા તો મહિલાઓની સરેરાશ ઉંમર પુરુષો કરતાં વધારે હોવાના મુદ્દે વૈજ્ઞાાનિકો વર્ષોથી સંશોધનો કરી રહ્યા છે. બ્રિટનના વૈજ્ઞાાનિકોએ તાજેતરમાં જ દાવો કર્યો છે કે તેમણે 'ફળમક્ષિકા'ના અભ્યાસ દ્વારા આ રહસ્યનો ઉકેલ મેળવી લીધો છે. બીજી બાજુ કેટલાક વૈજ્ઞાાનિકો એવું પણ માને છે કે પુરુષ અને સ્ત્રીના હોર્મોન જુદા જુદા હોવાથી જ આવું થાય છે.

 

આ સંશોધન સાથે જોડાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ સંશોધનમાં માઇટોક્રોન્ડ્રિયલ ડીએનએમાં સર્જાતી વિકૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. માઇટોક્રોન્ડ્રિયલ દરેક સજીવના સેલમાં હોય છે અને તે ખોરાકને શરીરને શક્તિ પૂરી પાડતી ઉર્જામાં પરિવર્તિત કરે છે.માઈટોક્રોન્ડ્રિઆ માત્ર માતામાંથી આવે છે અને તે કયારેય પિતા તરફથી મળતું નથી. તેથી પુરુષમાં થતાં પરિવર્તનને ધીમું કરવું શક્ય નથી. ઉંમરને લગતી પ્રક્રિયાના નિષ્ણાતે જણાવ્યું હતું કે પુરુષ અને સ્ત્રીની વયમાં જોવા મળતા તફાવત પાછળ અનેક કારણો જવાબદાર છે. સંશોધનમાં જોડાયેલા ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટી અને યુકેની લાન્સેસ્ટર યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકોએ પુરુષો અને સ્ત્રીઓના વિવિધ ૧૩ જૂથોના માઇટોક્રોન્ડ્રિઆનું પૃથ્થકરણ કર્યું હતું.

 

મોનાશ યુનિ.ના સંશોધક ડામિયને જણાવ્યું હતું કે સંશોધનનું પરિણામ માઇટોક્રોન્ડ્રિઅલ ડીએનએમાં થતાં અનેક પ્રકારના પરિવર્તન પર ધ્યાન દોરે છે. આ પરિવર્તન પુરુષ કેટલું જીવશે અને તે કેટલી ઝડપે વૃદ્ધ થશે તેના પર અસર કરે છે. બીજી બાજુ આ વિકૃતિ મહિલાઓમાં ઉંમર વધવા પર કોઇ અસર કરતું નથી. તમામ પ્રાણીઓમાં માઇટોક્રોન્ડ્રિઆ હોય છે અને નર કરતાં માદા વધુ જીવે તેવું પણ અનેક પ્રજાતિઓમાં જોવા મળે છે.

 

મોનાશ યુનિ.ના સંશોધકે જણાવ્યું હતું કે તેમની ટુકડીએ કરેલા સંશોધન મુજબ માઇટોક્રોન્ડ્રિઅલ વિકૃતિ સજીવોમાં પુરુષો અથવા નરની ઉંમર ઝડપથી વધવા પાછળ કારણભૂત હોવાનું સૂચવે છે. ડામિયને જણાવ્યું હતું કે હજારો પેઢીઓમાં આથી અનેક વિકૃતિઓ સર્જાય છે જે માત્ર પુરુષોને જ નુકસાન કરે છે અને મહિલાઓને જરા પણ અસર કરતી નથી.

 

બીજી બાજુ માઇટોક્રોન્ડ્રિઅલ પરિવર્તનના કારણે મહિલાઓ પુરુષો કરતાં વધારે જીવતી હોવાનું સ્વીકારતા ન હોય તેવા વૈજ્ઞાાનિકો પણ છે. તેઓ માને છે કે મહલાઓ અને પુરુષોના હોર્મોન તદ્ન જુદા જુદા હોય છે અને બંનેની ઉંમરનો આધાર જીવનશૈલી, સામાજિક અને વર્તનને લગતી બાબતો પર પણ રહેલો છે.