ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે પીવાના પાણી માટે કેન્દ્રની ૪૮૦ કરોડની સહાય

 

-ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે

 

-ગુજરાત માટેના કેન્દ્રના લેબર બજેટમાં ૩૦ ટકાનો વધારો થશે ઃ મનરેગા યોજનામાં રોજગારીની મર્યાદા વધારી ૧૫૦ દિવસ કરાશે ઃ જયરામ રમેશ

 

ગાંધીનગર,શુક્રવાર

 

ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિની સમીક્ષા માટે આવેલી બે કેન્દ્રીય મંત્રીઓની ટીમે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે યોજાયેલી બેઠકમાં રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયેલા આવેદન પત્રનો સ્વીકાર કર્યો હતો પરંતુ લાંબા અને ટૂંકાગાળાના આયોજનો એક સાથે આપવાને બદલે કેન્દ્રીય સમિતિને મળેલા મેન્ડેટ મુજબ હાલ માત્ર ટૂંકાગાળાના અને ત્વરિત સહાય માટે જરૃરી આયોજનો અંગેનું આવેદનપત્ર અલગ તારવીને આપવા જણાવ્યું હતું. આ સાથે ગુજરાતમાં ગ્રામીણ પેયજલ યોજના હેઠળ પીવાના પાણીની વ્યવસ્થા માટે ૪૮૦ કરોડ રૃપિયાની સહાય તાત્કાલિક મંજૂર કરવા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે ખાત્રી આપી હતી.

 

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને મંત્રી મંડળના સભ્યો તથા અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી શરદ પવારે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ વર્ષે દેશના અનેક રાજ્યોમાં અપૂરતા વરસાદને કારણે દુષ્કાળની સ્થિતિ ઉદ્ભવી છે ત્યારે ભારત સરકારે આ રાજ્યના લોકોને મદદ કરવા ખાસ કમિટિ બનાવી છે. અમારો ઉદ્દેશ અછતગ્રસ્ત રાજ્યોની મુલાકાત લઈ તેની જરૃરિયાત અને સ્થિતિનો તાગ મેળવી તાત્કાલિક સહાય આપવાનો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક બાદ અમે ગુજરાતની મુલાકાત લઈને મુખ્યમંત્રી અને મંત્રી મંડળ સાથે બેઠક કરી હતી. ગુજરાતની સ્થિતિ જોતાં અહીં ઘણો ઓછો વરસાદ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાવ અપૂરતો વરસાદ પડયો છે. બાકીના વિસ્તારમાં વરસાદ છે પરંતુ તે સંતોષકારક નથી. ગુજરાત સરકાર દ્વારા તેમની જરૃરિયાતો અંગે અમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પરંતુ અમને મળેલા મેન્ડેટ પ્રમાણે હાલ માત્ર પીવાના પાણી, ઘાસચારો અને રોજગારીને લગતાં મુદ્દાઓ જ ધ્યાને લઈ શકાશે. લાંબા ગાળાના આયોજનો અંગેનો પ્લાન અમે કેબિનેટમાં સબમીટ કરીશું.

 

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે કહયું હતું કે, ગુજરાત સરકારે જે મેમોરેન્ડમ આપ્યું છે તેમાં ઘણી બધી બાબતો આવરી લેવામાં આવી છે. અમે તેમને રીસફલ કરી બે ભાગમાં વહેંચવા જણાવાયું છે. એક ભાગમાં ત્વરિત જરૃરિયાતની બાબતો અને બીજામાં લાંબાગાળાની યોજનાઓ સમાવવા કહયું છે. ગુજરાતને અછતની સ્થિતિમાં વોટરશેડ પ્રોજેકટ હેઠળ થોડા દિવસો અગાઉ ૩૨૦ કરોડ રૃપિયા ફાળવી દેવામાં આવ્યા છે. હવે ગ્રામીય પેયજલ યોજના હેઠળ ૪૮૦ કરોડની જરૃરિયાત છે જેના માટે એકાદ મહિનામાં પૂરેપૂરી રકમ આપી દેવાશે. ગુજરાત માટે કેન્દ્રનું વર્ષ ર૦૧૨-૧૩નું લેબર બજેટ ૯૯૩ કરોડ રૃપિયાનું છે. જેની પુન સમિક્ષા કરી તેમાં રપથી ૩૦ ટકાનો વધારો કરવા પણ અમે મુખ્યમંત્રીને ખાતરી આપી છે. મહાત્મા ગાંધી નરેગા યોજનામાં એક પરિવારને ૧૦૦ દિવસની રોજગારીની મર્યાદા વધારીને ૧૫૦ દિવસ કરવાનો પણ અમે નિર્ણય કર્યો છે.