રંગીન કાચવાળી કારો ફરશે તો રાજ્ય ના પોલીસ વડા જવાબદાર

 

અમલ નહીં કરનારને પોલીસ અધિકારીઓ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી કરાશે

 

નવી દિલ્હી, તા. ૩

 

સુપ્રીમ કોર્ટે આજે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ(ડીજીપી) અને કમિશનર ઓફ પોલીસ(સીપી)ને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તેઓ વાહનોમાં રંગીન કાચનો ઉપયોગ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો તેમની વિરુદ્ધ કોર્ટનો અનાદર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

 

ન્યાયમૂર્તિ બી. એસ. ચૌહાણ અને ન્યાયમૂર્તિ સ્વતંત્ર કુમારે પોલીસ દળને આદેશ આપ્યો છે કે તે માત્ર દંડ વસુલ ન કરે પરંતુ તેની સાથે જ વાહનોનાં સેફ્ટી ગ્લાસ પર ચોંટાડવામાં આવેલ પર્દાથોને તાત્કાલિક દૂર કરવા માટેનાં પગલા ભરે. ન્યાયમૂર્તિ કુમારે જણાવ્યું હતું કે સેફ્ટી ગ્લાસ પર કોઇ પર્દાથ ચોટાડવા જોઇએ. કાચ પર વિવિધ પદાર્થ લગાવીને વાહનચાલકો કાયદાનો ભંગ કરી રહ્યા છે. આ કાયદાનો કડક અમલ થવો જ જોઇએ. હાલનાં તબક્કે અમે ડીજીપી અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરી રહ્યા નથી પરંતુ સ્પષ્ટ ચેતવણી આપી રહ્યા છે કે જો આ આદેશનો સ્વીકાર કરવામાં નહી આવે તો કોઇ પણ પ્રકારની નોટીસ આપ્યા વગર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ્સ એક્ટ હેઠળ તેમની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી શરૃ કરી દેવામાં આવશે. આ અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હીમાં કારોની બારીઓ પર નક્કી કરવામાં આવેલ મર્યાદાથી વધારે પ્રમાણમા રંગનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાનાં નિર્દેશ આપવામાં આવ્યા હતાં. આ નિર્દેશનાં અમલીકરણ અંગે ૨૨ જુલાઇએ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ખંડપીઠે જણાવ્યું હતું કે દેશનાં પાટનગરમાં આજે પણ ઘણી એવી કારો દોડી રહી છે જેની બારીઓનાં કાચ પર મોટા પ્રમાણમાં રંગ જોઇ શકાય છે.

 

આ રંગીન કાચને કારણે આવી કારો ઘણી વખત અકસ્માતનો ભોગ બને છે. અદાલતે એ વાતની પણ નોંધ લીધી હતી કે આવા પ્રકારનાં મોટા ભાગનાં વાહનોનો ઉપયોગ વીઆઇપી અને ઝેડ કેટેગરીની સિક્યોરિટી મેળવતા લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ખંડપીઠે જણાવ્યું હતું કે નક્કી કરેલ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ વીઆઇપીઓને અમુક મર્યાદામાં જ કારોનાં કાચ પર રંગ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.