Last Update : 03-August-2012, Thursday

 

ત્રાસવાદીઓએ નવા ગૃહપ્રધાનને ચેતવવા માટે પૂણેમાં ધડાકાઓ કરાવ્યા હતા

કેન્દ્રના નવા ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદે દેશની આંતરિક સુરક્ષાના મુદ્દે આતંકવાદ, કોમવાદ અને નક્સલવાદના ગંભીર પડકારોનો સામનો કરી રહ્યાં છે

આપણા દેશના રાજકારણમાં ચિત્ર-વિચિત્ર ઘટનાઓ આકાર ધારણ કરી રહી છે. જે દિવસે તત્કાલીન ઊર્જા પ્રધાન સુશીલકુમાર શિંદેની વહીવટી અકુશળતાના કારણે દેશની ૬૦ કરોડની જનતા અંધકારમા ડૂબી ગઈ હતી તે દિવસે ઉર્જાપ્રધાનને પાણીચું આપવાને બદલે તેમને પ્રમોશન આપીને કેન્દ્રના ગૃહપ્રધાન બનાવવામાં આવ્યા હતા. ગૃહપ્રધાન બનવા શિંદેની સૌથી મોટી લાયકાત એ હતી કે તેઓ નેહરુ- ગાંધી પરિવારના અત્યંત વફાદાર ગણાય છે. આખો દેશ જ્યારે નકસલવાદ, આતંકવાદ અને કોમવાદની જ્વાળાઓમાં લપટાયેલો છે ત્યારે દેશને કડક હાથે કામ લઈ શકે તેવા લોખંડી પુરુષની ગૃહપ્રધાન તરીકે જરૃરત હતી. તેને બદલે અત્યંત સૌમ્ય અને વિનમ્ર વ્યક્તિત્વ ધરાવતા સુશીલકુમાર શિંદેને આ પોર્ટફોલિયો સોંપીને યુપીએ સરકારે બતાવી આપ્યું છે કે તેને મન કુશળતા કરતા વફાદારી વધુ મહત્ત્વની છે. નવા ગૃહપ્રધાનનું સ્વાગત કરતા હોય તેમ ત્રાસવાદીઓએ પૂણેમાં બોમ્બ ધડાકાઓ કરાવીને બતાવી આપ્યું છે કે શિંદે સામે કેવા ગંભીર પડકારો ઉભા થયા છે.
કોંગ્રેસના રાજકારણની ખાસિયત એ રહી છે કે જે મંત્રાલય પાસે વધુ પાવર હોય ત્યાં સૌથી વધુ નબળી વ્યક્તિની નિમણૂક કરવી, જેથી તેઓ કેન્દ્રમાં રહેલા મુખ્ય પાવર સેન્ટર સામે કદી પડકાર ઉભો કરી શકે નહીં. ભારતને સ્વતત્રતા મળી તે પછી લોખંડી પુરુષ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના ગૃહપ્રધાન બનાવાયા હતા. આવા અમુક અપવાદો બાદ કરતા નિસ્તેજ રાજકારણીઓ જ દેશના ગૃહપ્રધાનનો હોદ્દો સંભાળતા આવ્યા છે. પી.વી. નરસિંહરાવ જ્યારે વડાપ્રધાન હતા ત્યાં તેમણે પોતાના વિશ્વાસુ અને વફાદાર સાથી શંકરરાવ ચવ્હાણને દેશના ગૃહપ્રધાન બનાવ્યા હતા. ઇ.સ. ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યામાં જ્યારે બાબરી મસ્જિદ તૂટી રહી હતી ત્યારે શંકરરાવ ચવ્હાણ પોતાના ડ્રોઇંગરૃમમાં બેસીને આ ઘટનાનું લાઇવ ટેલિકાસ્ટ જોતા રહ્યા હતા. ઇ.સ. ૨૦૦૮માં મુંબઈ ઉપર ત્રાસવાદી હુમલો થયો ત્યારે નેહરુ ગાંધી ખાનદાનના વફાદાર શિવરાજ પાટિલ કેન્દ્રમાં ગૃહપ્રધાન હતા. આતંકવાદી હુમલાનો જવાબ આપવામાં શિવરાજ પાટિલે જે શિથિલતા બતાવી તેની સજા તરીકે તેમને ગૃહપ્રધાન તરીકે પાણીચું આપીને પી. ચિદમ્બરમને ગૃહપ્રધાન બનાવવામાં આવ્યા હતા.
ઇ.સ. ૨૦૧૨ની ૩૦- ૩૧ જુલાઈએ જે વિદ્યુત દુર્ઘટના બની એ કોઈ રીતે ૨૦૦૮ના આતંકવાદી હુમલા કરતા ઓછી ગંભીર ઘટના નહોતી. કોઈ ત્રાસવાદીઓ ભારતની વિદ્યુત પુરવઠા યંત્રણા પર ત્રાટકીને જે ખાનાખરાબી ન કરી શકે એવી ખાનાખરાબી ઊર્જા મંત્રાલયના ગેરવહીવટના કારણે થઈ હતી. જેને પરિણામે દેશના ૬૦ કરોડ લોકો કલાકો સુધી પરેશાન થયા હતા. ફરક એટલો છે કે ઇ.સ. ૨૦૦૮ના આતંકવાદી હુમલા પછી તત્કાલીન ગૃહપ્રધાન શિવરાજ પાટિલને પાણીચું આપવામાં આવ્યું હતું પણ ૩૧/૭ની ઘટના પછી તત્કાલીન ઉર્જા પ્રધાન સુશીલકુમાર શિંદેને પ્રમોશન આપીને તેમને આતંકવાદીઓ સામે લડવાની જવાબદારી સોંપવામાં આવી છે.
સુશીલકુમાર શિંદે આશરે ૪૦ વર્ષની દીર્ઘ રાજકીય કારકિર્દીમાં ખાસ કાંઈ ઉકાળી શક્યા નથી. મહારાષ્ટ્રના સોલાપુર શહેરના રહેવાસી શિંદે અગાઉ પોલીસ તંત્રમાં સબ-ઇન્સ્પેક્ટરની નોકરી કરતા હતા અને દલિત એક્ટિવિસ્ટ તરીકે જાણીતા હતા. મહારાષ્ટ્રના મરાઠા નેતા શરદ પવારની પ્રેરણાથી તેઓ ઇ.સ. ૧૯૭૧માં રાજકારણમાં જોડાયા ઇ.સ. ૧૯૭૪માં વિધાનસભાની ચૂંટણી જીતીને તેઓ વિધાનસભ્ય બન્યા અને વસંતરાવ નાઇકના પ્રધાનમંડળમાં જુનિયર પ્રધાન બન્યા. પાછળથી વસંતદાદા પાટિલની સરકારમાં જોડાઈને તેઓ મહારાષ્ટ્રના નાણાંપ્રધાન પણ બન્યા હતા. સુશીલકુમાર શિંદેનું નસીબ હમેશા તેમને સાથ આપતું રહ્યું છે. આ નસીબના જોરે તેઓ ઇ.સ. ૧૯૭૮, ૧૯૮૦, ૧૯૮૫ અને ૧૯૯૦માં વિધાનસભામાં ચૂંટાતા રહ્યા. ઇ.સ. ૧૯૯૯માં શ્રીમતી સોનિયા ગાંધીએ ઉત્તરપ્રદેશના અમેઠી ખાતેથી લોકસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો ત્યારે સુશીલકુમાર શિંદે તેમના મુખ્ય પ્રચારક બન્યા હતા. સોનિયા ગાંધી આ ચૂંટણી જીતીને લોકસભામાં પ્રવેશ્યા ત્યારથી સુશીલકુમાર શિંદે તેમના વફાદાર સાથી બની ગયા હતા. ઇ.સ. ૧૯૯૯માં તેઓ પોતે પણ સોલાપુરની બેઠક પરથી લોકસભાની ચૂંટણીઓ લડીને સંસદમાં પ્રવેશ્યા હતા.
કોંગ્રેસના મોવડી મંડળને જ્યારે પણ દેશમાં કોઈ પણ મહત્ત્વના હોદ્દા માટે વફાદાર રાજકારણીની જરૃર પડે ત્યારે તેઓ આ કામ માટે સુશીલકુમાર શિંદે પર પસંદગીનો કળશ ઢોળે છે. ઇ.સ. ૨૦૦૨માં કેન્દ્રમાં એન.ડી.એ.ની સરકાર હતી ત્યારે રાષ્ટ્રપતિ- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજાઈ હતી. કોંગ્રેસે પોતાના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે શિંદેને પસંદ કર્યા હતા. તેમની હાર નિશ્ચિત હતી, તો પણ શિંદેએ મોવડીમંડળના આદેશને માથે ચડાવીને સંસદસભ્ય તરીકે રાજીનામું આપીને ચૂંટણીમાં ઝંપલાવ્યું અને શેખાવત સામે હારી ગયા.
ઇ.સ. ૨૦૦૩માં વિલાસરાવ દેશમુખ સાથે કોગ્રેસના મોવડી મંડળને વાંકુ પડયું એટલે તેમને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી. આ ખાલી પડેલી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનની ખુરશી સુશીલકુમાર શિંદેને શિરપાવ તરીકે ઇ.સ. ૨૦૦૩ની ૧૮મી જાન્યુઆરીએ સોંપવામાં આવી. આ સત્તાકાળ દરમિયાન 'આદર્શ'ની ફાઇલ તેમની પાસે આવી અને તેમણે 'આદર્શ' સોસાયટીનેે લેટર ઓફ ઇન્ટેન્ટ આપવાની ભૂલ કરી. જો કે હવે તેઓ પોતાના બચાવમાં કહે છે કે 'આદર્શ'ને લેટ ઓફ એપ્રુવલ તો તેમના પુરોગામી વિલાસરાવ દેશમુખે આપ્યો હતો. 'આદર્શ' કૌભાંડની ભુતાવળથી હજી સુધી શિંદે પૂરેપૂરા મુક્ત થયા નથી.
ઇ.સ. ૨૦૦૪માં આંધ્રપ્રદેશના રાજકારણમાં પ્રવાહી પરિસ્થિતિ પેદા થઈ એ વખતે અકાલી દળના સુરજીતસિંહ બરનાલા આંધ્ર પ્રદેશના ગવર્નર હતા, જેમની નિમણૂંક એનડીએના શાસનકાળમાં કરવામાં આવી હતી. કોંગ્રેસ મોવડી મંડળ સુરજીતસિંહ બરનાલાના સ્થાને કોઈ વફાદાર નેતાની નિમણૂક આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે કરવા માગતી હતી. તેમણે સુશીલકુમાર શિંદેને આ જવાબદારી સ્વીકારી લેવા જણાવ્યું અને તેઓ તૈયાર થઈ ગયા. સુરજીતસિંહ બરનાલાને તમિલનાડુના રાજ્યપાલ બનાવવામાં આવ્યા અને શિંદેને આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકેની જવાબદારી સોંપવામાં આવી. આ દરમિયાન વિલાસરાવ દેશમુખ પાછા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બની ગયા હતા. સુશીલકુમાર શિંદે આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે એક વર્ષ કરતા વધુ સમય રહ્યા અને ઇ.સ. ૨૦૦૬ની ૨૯મી જાન્યુઆરીએ તેઓ ગવર્નરપદેથી છૂટા થયા.
કોઈ રાજકારણીને નિવૃત્ત કરવો હોય ત્યારે તેને રાજ્યપાલ બનાવવામાં આવે છે. આ બાબતમાં પણ સુશીલકુમાર શિંદે અપવાદ હતા. આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે નિવૃત્ત થઈને તેઓ પાછા સક્રિય રાજકારણમાં જોડાઈ ગયા. ઇ.સ. ૨૦૦૬માં તેમને મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા ઇ.સ. ૨૦૦૭માં ફરીથી રાષ્ટ્રપતિ- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ આવી આ વખતે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી અને તેમના ઉમેદવારની જીત નક્કી હતી. આ વખતે સુશીલકુમાર શિંદેને ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવવાને બદલે આ ઉમેદવારી હમીદ અનસારીને સોંપવામાં આવી હતી. જેઓ ઉપરાષ્ટ્રપતિ બની ગયા. સુશીલકુમાર શિંદને તેમની વફાદારીના ફળ તરીકે કેન્દ્રમા ઉર્જા મંત્રાલય સોંપવામાં આવ્યું. આ ખાતામાં તેમનો દેકાવ નિસ્તેજ હતો તો પણ તેમને ગૃહ મંત્રાલયની અત્યંત મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
તાજેતરમાં પ્રણવ મુખરજી દેશના રાષ્ટ્રપતિ બન્યા એટલે કેન્દ્રમાં નાણાં ખાતું ખાલી પડયું હતું. નાણાં ખાતા ઉપર તત્કાલીન ગૃહપ્રધાન પી. ચિદમ્બરમનો દાવો હતો. વડાપ્રધાન મનમોહનસિંહ પણ નાણાંકીય બાબતોના નિષ્ણાત ગણાતા પી. ચિદમ્બરમને નાણાં ખાતું સોંપવા માગતા હતા ત્યારે મુંઝવણ એ ઉભી થઈ કે જો પી. ચિદમ્બરમ નાણાંપ્રધાન બને તો ગૃહ ખાતું કોને સોંપવું ? એક તબક્કે દિલ્હીના મુખ્યપ્રધાન શીલા દીક્ષિતને કેન્દ્ર સરકારમાં સામેલ કરીને તેમને ગૃહપ્રધાન બનાવવાની વિચારણા પણ ચાલી હતી, પણ જો શીલા દીક્ષિતને કેન્દ્રમાં લાવવામાં આવે તો તેમની દિલ્હીની ગાદી ઉપર કોને બેસાડવા ? એ સવાલનો જવાબ ન મળવાથી એ વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો છેવટે જૂના, જાણીતા અને મોવડી મંડળના માનીતા સુશીલકુમાર શિંદેને એ મહત્ત્વની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કહેવાય છે કે, સુશીલકુમાર શિંદેની ઇચ્છા હોટબેડ જેવા ગૃહપ્રધાનની ગાદી ઉપર બિરાજવાની નહોતી પણ તેઓ ઓછું ટેન્શન ધરાવતા વિદેશ ખાતાના પ્રધાન બનવા માગતા હતા, પણ મોવડી મંડળની આજ્ઞાાને શિરોધાર્ય કરીને તેમણે ગૃહપ્રધાનની જવાબદારી સ્વીકારી છે. સુશીલકુમાર શિંદે ગૃહપ્રધાન બન્યા ત્યારે આસામની કોમી હિંસાનો અગ્નિ હજી ઘૂંઘવાઈ રહ્યો છે. કાશ્મીરમાં ઉગ્રવાદીઓ ફરીથી માથું ઉંચકી રહ્યા છે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં નકસલવાદીઓ ફરીથી સક્રિય બની રહ્યા છે.
ચિદમ્બરમની નેશનલ કાઉન્ટર ટેરરીઝમ સેન્ટરની યોજના રાજ્યોના વિરોધના કારણે ખોરંભે પડી છે. ત્યારે ગૃહપ્રધાન તરીકે સુશીલકુમાર શિંદે ગંભીર પડકારોનો સામનો કરી રહ્યા છે. આ પડકારો વચ્ચે પુણેમાં ત્રાસવાદીઓએ બોમ્બ ધડાકાઓ કરાવી શિંદેને અપશુકન કરાવ્યા છે ત્યારે તેઓ આ અગ્નિ પરીક્ષા કેવી રીતે પસાર કરશે એ જોવાનું રહે છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved