Last Update : 02-August-2012, Wednesday

 

પાવર ગ્રીડના ધબડકાને કારણે પ્રજાને વીજળીનો ઝાટકો લાગ્યો છે

આ બ્રેક ડાઉન માટે જેટલી રાજ્ય સરકારો જવાબદાર છે, એટલી જ કેન્દ્ર સરકાર પણ જવાબદાર છે, કારણ કે તે અસંયમિત રીતે વીજળી વાપરતાં રાજ્યો ઉપર લગામ તાણવામાં નિષ્ફળ ગઈ છે

એક બાજુ દુષ્કાળ અને બીજી બાજુ મંદ અર્થતંત્ર સામે ઝઝૂમી રહેલી મનમોહન સરકાર સામે એકાએક વીજળીનો પુરવઠો ટકાવી રાખવાનો મોટો પડકાર ઊભો થયો છે. માત્ર ૩૬ કલાકના ગાળામાં દેશની બે મુખ્ય પાવર ગ્રીડ પડી ભાંગતા દેશના ૬૦ કરોડ લોકો અંધકાર યુગમાં સરી પડયા હતા. વિશ્વના અનેક દેશોમાં અને ભારતમાં પણ પાવર ગ્રીડ ભાંગી પડવાની ઘટનાઓ બની છે, પણ આ વખતે ભારતમાં બનેલી ઘટના વિશ્વવિક્રમ સર્જી શકે એવી જોરદાર હતી. આ ઘટનાને કારણે કેન્દ્ર સરકારની વિશ્વસનીયતા જ અંધકારમય બની ગઈ છે.
વીજળી વેરણ થઈ તેને પગલે તત્કાલીન ઊર્જા મંત્રી સુશીલ કુમાર શિંદેએ એવું નિવેદન કર્યું હતું કે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોએ પોતાના ક્વોટા કરતાં વધુ વીજળી ખેંચી હોવાને કારણે ગ્રીડ ફેઈલ થઈ ગઈ છે. હકીકતમાં આ અર્ધસત્ય હતું. કોઈ દર્દી સાજોસારો હોય અને હાર્ટ એટેકથી મરી જાય એને દુર્ઘટના કહેવાય, પણ તે અપોષણ અને ભૂખમરાથી મરી જાય તેને ધીમું મોત કહેવાય. ભારતના પાવર સેક્ટરના હાલ પણ તેવા છે. સોમવારે અને મંગળવારે અડધા દેશે વીજળી ગુલ થવાને કારણે જે આંચકાઓ અનુભવ્યા તે હાર્ટ એટેક નહોતો પણ વીજળીના ક્ષેત્રમાં યોગ્ય નીતિઓના અમલીકરણના ભૂખમરાનું અને સાધનોના અપોષણનું પરિણામ હતું. ઊર્જાના ક્ષેત્રમાં વર્ષોથી જે ગેરવહીવટ ચાલી રહ્યો છે તેને કારણે પાવર ગ્રીડની સહનશક્તિનો જ્યારે અંત આવી ગયો ત્યારે તેણે ઠપ થઈને પોતાની બીમારી જાહેર કરી દીધી હતી.
ભારતમાં સોમવારે અને મંગળવારે વીજળી શા માટે વેરણ થઈ એ સમજવા માટે આખા ભારતમાં વીજળીના પુરવઠાનું માળખું કેવી રીતે ગોઠવાયેલું છે એ જાણવું જરૃરી બની રહે છે. દેશના વિવિધ ભાગોમાં જે પાવર ગ્રીડ આવેલી છે તેને રાજ્ય સરકારો દ્વારા સંચાલિત ગ્રીડ સાથે જોડી દેવામાં આવી છે. દરેક રાજ્યમાં રિજીયનલ લોડ ડિસ્પેચ સેન્ટરો આવેલાં છે. આ સેન્ટરો રાષ્ટ્રીય સ્તરે પાવર ગ્રીડ કોર્પોરેશન નામની કંપની સાથે જોડાયેલા છે, જેની જવાબદારી દરેક રાજ્યમાં વીજળીનો અસ્ખલિત પુરવઠો મળતો રહે તે જોવાની છે. આ પુરવઠો ત્યારે જ જળવાઈ રહે કે જ્યારે દરેક રાજ્યને જે ક્વોટા આપવામાં આવ્યો છે તે મુજબની વીજળી તેઓ વાપરે. દરેક રાજ્યમાં વીજળીનો જે પુરવઠો છે તેના કરતાં વધુ ડિમાન્ડ છે. આ કારણે દરેક રાજ્ય તેને ફાળવવામાં આવેલા ક્વોટા કરતાં વધુ વીજળી વાપરવાની કોશિશ કરે છે. કેન્દ્ર સરકાર હસ્તકના પાવર ગ્રીડ કોર્પોરેશનનું કામ આ રાજ્યોના વપરાશ ઉપર અંકુશ રાખવાનું છે. જો પાવર ગ્રીડ કોર્પોરેશન રાજ્યોની વપરાશને અંકુશમાં રાખવામાં નિષ્ફળ જાય તો સોમવારે અને મંગળવારે જેવી પરિસ્થિતિ પેદા થઈ તેવી પરિસ્થિતિ જોવા મળે છે. આ બ્રેક ડાઉન માટે જેટલી રાજ્ય સરકારો જવાબદાર છે, એટલી જ કેન્દ્ર સરકાર પણ જવાબદાર છે, કારણ કે તે અસંયમિત રીતે વીજળી વાપરતાં રાજ્યો ઉપર લગામ તાણવામાં નિષ્ફળ ગઈ છે.
પાવર ગ્રીડના બ્રેકડાઉન માટે ઊર્જાની અછત જવાબદાર છે અને ઊર્જાની કટોકટી માટે મતબેન્કનું રાજકારણ જવાબદાર છે. ભારતના કિસાનો રોકડિયા પાકો માટે ભૂગર્ભના જળભંડારો ખાલી કરવા માંગે છે. આ માટે તેમને ૨૪ કલાક વીજળીની જરૃર રહે છે. સરકાર ખેડૂતોને રીઝવવા માટે તેમને મફતમાં અથવા તદ્દન સસ્તામાં વીજળી આપે છે. પાવર કંપનીઓ જે કિંમતે વીજળીનું ઉત્પાદન કરે છે, તેના કરતાં પણ કિસાનોને અને ઉદ્યોગપતિઓને પણ સસ્તામાં વીજળી આપવામાં આવે છે. તેને કારણે ઊર્જાનો બેફામ વપરાશ અને વેડફાટ થઈ રહ્યો છે.
પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા દરેક રાજ્ય માટે ક્વોટા નક્કી કરવામાં આવ્યા છે. આ ક્વોટા કરતાં તેઓ વધુ વીજળી ખેંચે તો એ માટે પેનલ્ટી પણ નક્કી કરવામાં આવી છે. જે રાજ્યોમાં વીજળીની ઘટ હોય તેમની પાસે બે વિકલ્પો હોય છે ઃ ક્યાં ખાનગી ક્ષેત્ર પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદવી અને ક્યાં પાવર ગ્રીડમાંથી વધુ વીજળી ખેંચીને પેનલ્ટી ભરી દેવી. આ બે પૈકી પેનલ્ટી ભરવાનો વિકલ્પ રાજ્યોને ઓછો ખર્ચાળ લાગે છે. તેની સરખામણીએ ખાનગી ક્ષેત્રમાંથી વીજળી ખરીદવી તેમને મોંઘી પડે છે. આ કારણે તેઓ પોતાના ક્વોટાને પણ અતિક્રમીને વીજળી વાપરે છે. એક રાજ્ય વધુ વીજળી વાપરતું હોય ત્યારે બીજાં રાજ્યમાં ઓછી વીજળી વપરાતી હોય તો સમતુલા જળવાઈ રહે છે, પણ એક સાથે બધાં રાજ્યો વધુ પ્રમાણમાં વીજળી ખેંચવા લાગે ત્યારે સોમવારે અને મંગળવારે બની તેવી દુર્ઘટના આકાર ધારણ કરે છે.
૩૧ જુલાઈએ લંડનમાં ઓલિમ્પિક્સ રમાઈ રહી હતી અને દુનિયાના અનેક દેશોના રમતવીરો નવા વિક્રમો સ્થાપવામાં વ્યસ્ત હતા ત્યારે ભારતના ઊર્જા ક્ષેત્રમાં પણ એક નવો વિક્રમ સ્થાપાયો હતો. દુનિયાના દેશોમાં અત્યાર સુધી પાવર ગ્રીડ ફેઈલ્યોરના જેટલા પણ કિસ્સાઓ બન્યા છે. એ તમામ કિસ્સાઓને ટપી જાય તેવો મંગળવારનો કિસ્સો હતો. આ કિસ્સામાં ભારતનાં ૨૧ રાજ્યોના ૬૦ કરોડ લોકો અંધકારમાં ડૂબી ગયા હતા અને પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. અગાઉ ઈન્ડોનેશિયામાં ઈ.સ. ૨૦૦૫માં ગ્રીડ બ્રેકડાઉનનો જે કિસ્સો બન્યો હતો તેમાં ૧૦ કરોડ લોકોના ઘરોમાં વીજળી વેરણ થઈ હતી. ઈ.સ.૨૦૦૮માં ચીનમાં ગ્રીડ બ્રેકડાઉન થયું તેની અસર ૪૦ લાખ લોકોને થઈ હતી. ઈ.સ. ૨૦૦૯માં બ્રાઝિલ અને પેરાગ્વેની સરદહ ઉપર આવેલું જળઊર્જા મથક કુદરતી આપત્તિને કારણે ખોટકાઈ જતાં છ કરોડ લોકો વીજળીવિહોણા બની ગયા હતા. ભારતે સોમવારે ૩૦ કરોડ લોકોને વીજળીવિહોણા કરવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો અને મંગળવારે તેને તોડી નાંખ્યો હતો.
ભારતનું વીજળીનું જે નેટવર્ક છે તે દુનિયાનું મોટામાં મોટું નેટવર્ક છે, પણ તેના વહીવટ તદ્દન ખાડે ગયો છે. ભારતની ક્ષમતા બે લાખ મેગાટન વિદ્યુત ઉત્પન્ન કરવાની છે. ભારતનાં શહેરીકરણ અને ઉદ્યોગીકરણને કારણે વીજળીનો વપરાશ સતત વધી રહ્યો છે અને સાથે ખાદ્ય પણ વધી રહી છે. ભારતમાં પીક અવર્સમાં વીજળીની આશરે ૧૦ ટકા જેવી ખાદ્ય રહે છે. ભારતના વડા પ્રધાન મનમોહન સિંહની યોજના ઈ.સ. ૨૦૧૭ની સાલમાં ૭૬,૦૦૦ મેગાવોટ વધુ વીજળી પેદા કરવાની છે, પણ તે માટે ૪૦૦ અબજ ડોલરના રોકાણની જરૃર છે. ભારતના પૂર્વ ભાગમાં વીજળીનું ઉત્પાદન કરવાની મહત્તમ ક્ષમતા છે. આ વિભાગમાં કોલસાના વિપુલ ભંડારો આવેલા હોવાથી ત્યાં થર્મલ પાવર વધુ પેદા થાય છે. તેમ છતાં મંગળવારે પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યમાં પણ વીજળી વેરણ થઈ ગઈ હતી.
જે દિવસે ભારતમાં વીજળી વેરણ થઈ એ જ દિવસે વડા પ્રધાન મનમોહન સિંહનું પ્રધાનમંડળમાં ફેરબદલ કરવાનું મુહૂર્ત આવ્યું હતું. આ ફેરબદલમાં કેન્દ્રના તત્કાલીન ઊર્ર્જા પ્રધાન સુશીલકુમાર શિંદેનું પણ નામ હતું. જે દિવસે સુશીલકુમારે ઊર્જા પ્રધાન તરીકેની તેમની કારકિર્દીનો સૌથી મોટો ધબડકો કર્યો તે દિવસે તેની સજા આપવાને બદલે તેમને પ્રમોશન આપીને દેશના ગૃહ પ્રધાન બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. શિંદેને ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા એટલે તેમનું ઊર્જા મંત્રાલય નધણિયાતું બની ગયું હતું. આ ખાતાં માટે કોઈ ખાસ પ્રધાનની નિમણુક કરવાને બદલે તેનો વધારાનો ભાર કોર્પોરેટ બાબતોના પ્રધાન વીરપ્પા મોઈલીને સોંપવામાં આવ્યો હતો. વડા પ્રધાન મન મોહન સિંહ ઊર્જા મંત્રાલયને અને દેશના ઊર્જા વિભાગને કેટલું મહત્વ આપે છે તેનો ખ્યાલ આ પાર્ટ ટાઈમ પ્રધાનની નિમણુક ઉપરથી આવતો હતો.
પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્યોને ક્વોટાની ફાળવણી કરવામાં આવી છે તેના કરતાં કોઈ રાજ્ય વધુ પાવર ખેંચે તો તેનો ઉપાય પણ પાવર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં રાખવામાં આવ્યો છે, પરંતુ આ માટે ઈજનેરોએ સતત સતર્ક અને સાવધાન રહેવું જરૃરી છે. જે રીતે આગ લાગે ત્યારે કુવો ખોદવા ન જવાય તે રીતે ગ્રીડમાં ટ્રીપીંગ થાય ત્યારે તેનો ઉપાય ખોળવાનો કોઈ ફાયદો નથી. આ માટે જ્યારે અશિસ્ત દેખાય ત્યારે તેને ડામવાના ઉપાયો કરવા જોઈએ. ઊર્જાના ક્ષેત્રમાં જો યોગ્ય રીતે વહીવટ કરવામાં આવે, વીજળીની ચોરીને રોકવામાં આવે તો દેશનાં તમામ ગામડાંઓને અને શહેરોને પણ ૨૪/૭ વીજળી પુરવઠો આપી શકાય તેમ છે, પણ તે માટે કાર્યક્ષમ વહીવટની જરૃર છે.
ભારતનો જેમ આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ ઊર્જાનો વપરાશ પણ દિનપ્રતિદિન વધી રહ્યો છે. જોકે આર્થિક વિકાસ અને વેડફાટ વચ્ચે ફરક છે. આપણા શહેરી જીવનમાં બિનજરૃરી રીતે જે વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે તેને રોકવાની જરૃર છે. જો કપડાં તડકામાં સૂકવી શકાતાં હોય તો તેના માટે વોશીંગ મશીનના ડ્રાયરની શી જરૃર છે ? જો મટકાંથી પાણી ઠંડું કરી શકાતું હોય તો ફ્રીજ શા માટે વાપરવું જોઈએ ? જો કૂંડી-ધોકા વડે ચટણી વાટી શકાતી હોય તો મિક્સર શા માટે વાપરવું જોઈએ ? આ પ્રકારે મૂળગામી વિચારણાઓ કરીને વીજળી બચાવવી જરૃર છે. શહેરોની સ્ટ્રીટલાઈટો આખી રાત ચાલુ રહેતી હોય તેને રાત્રિના ૧૨ વાગ્યા પછી વિરામ આપવામાં આવે અથવા અડધી જ લાઈટો ચાલુ રાખવામાં આવે તો પણ હજારો મેગાવોટ વીજળીની બચત થઈ શકે છે. એક બાજુ વપરાશમાં સંયમ રાખવાના ઉપાયો જરૃરી છે તો બીજી બાજુ ઉત્પાદન પણ વધારવાની આવશ્યકતા છે. આ માટે સૌર ઊર્જા અને પવન ઊર્જાના સ્ત્રોતો કામે લગાડવાની જરૃર છે. આ બધું ત્યારે જ થઈ શકે કે જ્યારે ઊર્જા મંત્રાલયમાં ફુલ ટાઈમ અને પાવરફુલ પ્રધાનની હાજરી હોય. પાર્ટ ટાઈમ પ્રધાન ભારતની ઊર્જા સમસ્યા હલ કરી શકે એ સંભવિત નથી.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved