Last Update : 01-August-2012, Wednesday

 

ઓલિમ્પિક્સનું યજમાન લંડન શહેર ૨,૦૦૦ વર્ષનો ઈતિહાસ ધરાવે છે

બ્રિટીશ સામ્રાજ્યની ચડતીપડતીનું સાક્ષી લંડન શહેર દુનિયાનું એકમાત્ર એવું શહેર છે, જ્યાં એક નહીં પણ ત્રણ વખત ઓલિમ્પિક્સની રમતો યોજાઇ છે

૩૦મી ઓલિમ્પિક્સ રમતોનું યજમાન લંડન શહેર ૨,૦૦૦ વર્ષ કરતાં પણ પ્રાચીન ઈતિહાસ ધરાવે છે. લંડન શહેર તેની ભવ્ય ઈમારતો માટે જાણીતું છે. આ શહેરના શાસકો એક વખત અડધી દુનિયા ઉપર રાજ કરતા હતા. પ્રાચીન કાળના ઐતિહાસિક મહેલો અને કિલ્લાઓથી ઘેરાયેલા આ શહેરના ઓલિમ્પિક્સની રમતો કાંઇક અલગ ભાત ઊભી કરે છે.
આધુનિક લંડન શહેરની સ્થાપના ઈસુની પહેલી સદીમાં રોમન સામ્રાજ્યના એક ભાગ તરીકે કરવામાં આવી હતી. આ જગ્યાએ અગાઉ પણ માનવ વસાહતો હતી, પણ રોમન રાજવી લુડે તેને જીતીને તેને શહેરનો દરજ્જો આપ્યો ત્યારથી લંડન તરીકે ઓળખાવા લાગ્યું. જોકે લંડન નામકરણ બાબતમાં પણ વિદ્વાનોનમાં મતભેદ છે. જોન જેક્સન નામનો ઈતિહાસકાર કહે છે કે રોમન ભાષામાં 'ગ્લાઇન'નો અર્થ ખીણ એવો થાય છે અને 'ડીન'નો અર્થ શહેર થાય છે. આ શહેર અગાઉ 'ગ્લાઇનડીન' તરીકે ઓળખાતું હતું, જે અપભ્રંશ થઇને લંડન બન્યું છે. લંડનમાં વસતા યહૂદીઓ એવો દાવો કરે છે કે લંડન શહેર 'ડેન' નામની જાતિએ વસાવ્યું છે. હિબૂ્ર ભાષામાં 'લેન'નો અર્થ અડ્ડો થાય છે. આ કારણે લંડન અગાઉ 'લેન-ડેન'ના નામે ઓળખાતું હતું, જે અપભ્રંશ બનીને આજે લંડન તરીકે ઓળખાય છે.
ઓલિમ્પિક્સની રમતોને કારણે ઐતિહાસિક લંડન શહેરમાં રસપ્રદ દ્રશ્યો સર્જાઇ રહ્યાં છે. બ્રિટનના વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટની નજીક જ બીચ વોલીબોલની સ્પર્ધા યોજાઇ રહી છે, જેમાં બિકિની પહેરેલી યુવતી વોલી-બોલ રમતી જોવા મળી રહી છે. એક સમયે આ લંડન શહેર એટલું રૃઢિચુસ્ત હતું કે પિયાનોના પગ પણ ઢાંકીને રાખવામાં આવતા હતા, ત્યાં આજે સ્વિમ સૂટમાં તરતી યુવતીઓ જોવા મળે છે. ઓલિમ્પિક્સમાં મેરેથોન કરનારા દોડવીરો વેસ્ટમિનિસ્ટર એબેની બાજુમાંથી પસાર થઇ જશે, જ્યાં બ્રિટનની સરકાર કામ કરે છે. જ્યાંથી આખા વિશ્વનો સમય નક્કી થાય છે એ ગ્રીનવીચ વેધશાળાની બાજુમાં ગ્રીનવીચ પાર્કમાં ઘોડેસવારીની સ્પર્ધાઓ ચાલી રહી છે. રોવીંગના સ્પર્ધકો થેમ્સ નદીના કિનારે આવેલા વિન્ડસર કેસલની બાજુમાંથી પસાર થશે, જ્યાં ઈંગ્લેન્ડની રાણીનો વસવાટ છે.
લંડન દુનિયાનું એકમાત્ર શહેર છે, જ્યાં ત્રીજી વખત ઓલિમ્પિક્સની રમતો યોજાઇ રહી છે. ઈ.સ. ૧૯૦૮ની સાલમાં લંડનમાં પહેલી વખત ઓલિમ્પિક્સની રમતો યોજાઇ ત્યારે પહેલી વખત ઓલિમ્પિક્સમાં સ્વિમીંગ પુલ બનાવવામાં આવ્યો હતો. આ રમતોમાં પહેલી વખત ખેલાડીઓ પોતાના દેશ મુજબ મેદાનમાં ઉતર્યા હતા. આ પરંપરા આજે પણ ચાલુ રાખવામાં આવી છે.
ઈ.સ. ૧૯૪૮માં લંડનમાં બીજી વખત ઓલિમ્પિક્સની રમતો યોજવામાં આવી હતી. એ વખતે ઓલિમ્પિક્સની રમતોમાં પહેલી વખત ઈન્ડોર સ્ટેડિયમ જોવા મળ્યું હતું. એ સમયે બ્રિટનમાં ટીવીનો યુગ શરૃ થઇ ગયો હતો. ઈ.સ. ૧૯૪૮ની લંડન ઓલિમ્પિક્સનાં પ્રસારણના હક્કો બીબીસીને મળ્યા હતા. તેણે ૬૦ કલાકનું ટીવી પ્રસારણ લંડન શહેરનાં ૫૦,૦૦૦ ઘરોમાં પહોંચાડયું હતું. આ વખતે ડિજીટલ ટીવીના જમાનામાં પહેલી વખત ઓલિમ્પિક્સની તમામ રમતોનું ૫,૫૩૫ કલાકનું લાઇવ ટેલિકાસ્ટ એનબીસી ચેનલ ઉપર થવાનું છે.
મુંબઇની જેમ લંડનની સ્થાપના પણ થેમ્સ નદીના કિનારે આવેલાં એક કુદરતી બંદર તરીકે ઈ.સ. ૪૭ની સાલમાં થઇ હતી. પહેલી સદીના અંત સુધીમાં તો લંડન રોમન સામ્રાજ્યનું સૌથી મોટું શહેર બની ગયું હતું. બીજી સદીમાં રોમનોએ પોતાની રાજધાની બનાવી હતી. એ વખતે તેની વસતિ આશરે ૪૫ થી ૬૦ હજાર વચ્ચે હતી. રોમનોએ ઈ.સ. ૧૯૦ અને ૨૨૫ વચ્ચે લંડન આસપાસ દિવાલ ચણાવી હતી. આ દિવાલના કેટલાક અંશો આજે પણ લંડનની આજુબાજુમાં સાચવી રાખવામાં આવ્યા છે.
ઈસુની ત્રીજી અને ચોથી સદીમાં શહેર ઉપર વિદેશીઓના હુમલા થયા. રોમન સામ્રાજ્યની પડતી થઇ અને તેને પરિણામે લંડન શહેર લગભગ ખાલી થઇ ગયું. ઈ.સ. ૪૧૦ સુધીમાં તો રોમનો લંડન છોડીને ચાલ્યા ગયા. તેમના સમયમાં જે ભવ્ય ઈમારતો બંધાઇ હતી એ બધી ખંડેર થવા લાગી. જૂનું લંડન લગભગ નાશ પાયું અને તેની વસતિ આજના લંડનના સ્થળે વસી ગઇ.
ઈસુની નવમી સદી સુધીમાં લંડન શહેર ઉપેક્ષિત જ રહ્યું. ઈ.સ. ૮૮૬માં રાજા આલ્ફ્રેડે પોતાના જમાઇને લંડનની ગાદી સોંપી. તેણે બ્રિટનની આધુનિક રાજાશાહીનો પાયો નાંખ્યો. લંડન શહેર વારંવાર આગનો પણ ભોગ બનતું આવ્યું છે. ઈ.સ. ૧૧૨૩ની સાલમાં લંડનમાં મોટી આગ લાગી હતી. ત્યાર બાદ ઈ.સ. ૧૬૬૬માં લાગેલી ભીષણ આગને લોકો આજે પણ યાદ કરે છે.
સોળમી સદીના અંત સુધીમાં લંડન બેન્કો અને નાણાંનું મોટું કેન્દ્ર બની ગયું હતું. ઈ.સ. ૧૫૬૫માં લંડનમાં રોયલ એક્સચેન્જની સ્થાપના કરવામાં આવી હતી. ઈ.સ. ૧૫૭૧માં બ્રિટનના રાજાએ પણ રોયલ એક્સચેન્જને માન્યતા આપી હતી. આજે જોકે રોયલ એક્સચેન્જનો ઉપયોગ થતો નથી; તો પણ તે જે સ્થાને આવ્યું હતું તે સ્થાન આજે લંડનનું આર્થિક થાણું ગણાય છે. ઈ.સ. ૧૭૩૪માં લંડનની વિખ્યાત બેન્ક ઓફ ઈંગ્લેન્ડની ઓફિસને રોયલ એક્સચેન્જના મૂળ મકાનની બાજુમાં ખસેડવામાં આવી હતી.
લંડન શહેરનો ખરો વિકાસ અઢારમી સદીમાં થયો હતો, જ્યારે દુનિયાભરમાં બ્રિટીશ સામ્રાજ્યના વિસ્તરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી અને ભારત જેવા દેશોનું ધન લૂંટીને બ્રિટનભેગું કરવામાં આવ્યું તેનાથી લંડનની સમૃદ્ધિ વધતી ગઇ હતી. ઈ.સ. ૧૭૦૮ની સાલમાં સેન્ટ પોલ કેથેડ્રલ નામનું ચર્ચ બનાવવામાં આવ્યું. જે લંડનનું સૌથી મોટું અને ભવ્ય ચર્ચ છે. અગાઉ આ નામનું ચર્ચ લંડનમાં વિદ્યમાન હતું પણ ઈ.સ. ૧૬૬૬ની આગમાં તેનો નાશ થયો હતો. અઢારમી સદીમાં લંડનના સીમાડાઓનો પણ વિકાસ થતો ગયો.
ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીના પ્રારંભમાં લંડનની વસતિ ઘટવા લાગી, કારણ કે લોકો મુખ્ય શહેર છોડીને પરાઓમાં વસવા લાગ્યા. આ કારણે લંડન શહેરનાં ઘણાં જૂના મકાનો તોડીને તેની જગ્યાએ સરકારી ઈમારતો બાંધવામાં આવી. બીજાં વિશ્વયુદ્ધમાં બોમ્બમારાને કારણે જૂના લંડનની અનેક ઐતિહાસિક ઈમારતો નાશ પામી. સદ્ભાગ્યે સેન્ટ પોલ કેથેડ્રલ આ આક્રમણમાં બચી ગયું. બીજાં વિશ્વયુદ્ધ પછી નવા લંડનનું નિર્માણ ચાલુ થયું. આજની તારીખમાં લંડનની મોટા ભાગની વસતિ બાર્બિકન એસ્ટેટ તરીકે ઓળખાતા વિસ્તારમાં રહે છે. આ વિસ્તારનો વિકાસ ઈ.સ. ૧૯૬૫ અને ૧૯૭૬ વચ્ચે થયો હતો. લંડનનું વિખ્યાત મ્યુઝિયમ પણ આ વિસ્તારમાં આવેલું છે.
ઈંગ્લેન્ડના રાજા-રાણીના સત્તાવાર નિવાસસ્થાન તરીકે વિખ્યાત વિન્ડસર કેસલ નામનો મહેલ ઈસુની ૧૧મી સદીમાં બનેલો છે. થેમ્સ નદીના કિનારે બનેલો આ મહેલ દુનિયાનો જૂનામાં જૂનો મહેલ છે. જેમાં આજે પણ બ્રિટનની મહારાણી પોતાના પરિવાર સાથે વસે છે. આ મહેલ વિલિયમ નામના રાજાએ ઈ.સ. ૧૦૭૬માં બનાવ્યો હતો. વિન્ડસર પેલેસની બાજુમાં જંગલ આવેલું છે, જ્યાં રાજાઓ શિકાર કરવા જતા હતા. ઈ.સ. ૧૮૨૪ની સાલમાં ત્રણ લાખ પાઉન્ડના ખર્ચે વિન્ડસર કેસલનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.
લંડનની અત્યંત મહત્વની ઈમારત વેસ્ટમિનિસ્ટર છે, જ્યાં બ્રિટનની સરકારની કચેરીઓ આવેલી છે. ઈસુની અગિયારમી સદીમાં કિંગ એડવર્ડ નામના રાજાએ આ ભવ્ય ઈમારત બનાવી હતી. અગાઉ આ ઈમારતમાં રાજાઓ દરબાર ભરતા હતા. રાજાના મંત્રીઓ અને સેવકો રાજા જ્યાં જાય ત્યાં તેમની સાથે રહેતા હતા. બારમી સદીમાં રાજાનો કાફલો એટલો મોટો થઇ ગયો કે તેને બેસવા માટે ઓફિસની જરૃરી પડી ત્યારથી વેસ્ટમિનિસ્ટરનો ઉપયોગ બ્રિટનની સરકારની ઓફિસ તરીકે થતો આવ્યો છે.
લંડન શહેર હકીકતમાં બે શહેરોનું બનેલું છે. મુખ્ય શહેર સિટી ઓફ લંડન તરીકે ઓળખાય છે અને રાજધાનીનો વિસ્તાર સિટી ઓફ વેસ્ટમિનિસ્ટર તરીકે ઓળખાય છે. આ બે શહેરો ભેગાં થાય છે ત્યારે ગ્રેટર લંડન બને છે. આજની તારીખમાં લંડનની વસતિ એક કરોડથી વધુ છે. એક સમયે લંડનમાં માત્ર બેઠા ઘાટનાં મકાનો જ હતાં. બીજાં વિશ્વયુદ્ધ દરમિયાન બોમ્બમારામાં અનેક મકાનો નાશ પામ્યા. ઈ.સ. ૧૯૭૦ના દાયકામાં લંડનમાં ગગનચુંબી મકાનો બનવા લાગ્યાં. આજનું લંડન પ્રાચીનતા અને આધુનિકતાના મિશ્રણ જેવું છે.
ક્રિકેટની રમતનો જન્મ પણ લંડનમાં થયો હતો. ક્રિકેટનું મક્કા ગણાતું લોર્ડ્સનું મેદાન પણ લંડનમાં આવેલું છે. ટેનિસની દુનિયાની સૌથી મહત્ત્વની વિમ્બલ્ડન સ્પર્ધા પણ લંડનમાં યોજાય છે, જ્યાં અત્યારે ઓલિમ્પિક્સની મેચો રમાઇ રહી છે. લંડન શહેર એક સમયે દુનિયાનું સૌથી વધુ શક્તિશાળી શહેર ગણાતું હતું. કારણ કે બ્રિટનની સંસદમાં અડધી દુનિયાના દેશોના ભવિષ્યનો ફેંસલો થતો હતો. આજે આ લંડન મંદી સામે અને યુરોપમાં વધી રહેલી બેકારી સામે ઝઝૂમી રહ્યું છે. બ્રિટીશ સલ્તનતના ઈતિહાસની ચડતીપડતીનું સાક્ષી આ લંડન શહેર છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved