Last Update : 01-August-2012, Wednesday

 

કવિતા અને હું ઃ પેનથી પગભર થતા શીખું છું...

ઓફબીટ - અંકિત ત્રિવેદી

કવિતા મારી તરસનું જળ છે. મારા હોવાનું અન્નજળ છે. કવિતા શું છે મારા માટે ? - એવું મને કોઈ પૂછે છે ત્યારે હસવું આવે છે... કારણ કે જેના લીધે હું છું એ મારા માટે શું છે એ કેવી રીતે દેખાડી શકાય ? હાથની રેખાઓમાં બીજા ચીરાઓ પાડવાથી નસીબ ભુંસાઈ કે નવું નસીબ ઉપસવાનું નથી ! એ તો જીવનનો સરંજામ છે જેને નસીબનું નામ મળ્યું છે. કવિતા મારા માટે ઘેરાયેલા આકાશમાંથી વરસવા આતુર એવો મેઘ છે. જે એની મરજીની માલિકી છે. એક એવી ક્ષણ છે જે મને કયા વગર મારામાં શ્વસે છે. એના રાજમાં મારું અક્ષરપણું ધૂંટાય છે. ભાઈબંધને તમે કઈ વ્યાખ્યામાં ફિટ બેસાડશો ? કવિતા સ્વયમ્‌ વ્યાખ્યા છે.
કવિતા લખું છું ત્યારે કોઈ નિશ્ચિત સમય કે વાર કે પચાંગ જોઈને નથી લખતો ! એ એટલો સમય આપવામાં માને છે જ ક્યાં ? એ તો રાતોરાતના ઉજાગરા છે. માહ્યલાનું મનોમંથન છે. પ્રવાસનો સહવાસ છે. વિચારોની હૈયાવરાળ નથી, શાંતિમંત્રની પૂર્વભૂમિકા છે. કવિતા લખીને જ કવિ થવાય એ વાત સાથે જરા અસંમંત થવાય છે. કવિતા જીવવાની હોય છે. કવિમાં ઘેલછા હોઈ શકે. કવિતામાં ઘેલછા અનિવાર્ય નથી. કવિ વિસ્મયના પ્રદેશનો વાસી છે. પ્રાસનો પ્રવાસી છે. લયના પ્રણયનો આશક છે. જ્યાં કવિ પોતાનો સાથ છોડી દેવા માંગે છે. ત્યારે ઉંઘતાને ઝડપે એવી સ્થિતિમાં કવિતા કવિને લખાવડાવે છે. કવિતાની રેસિપીમાં ઉદાસી જ હોય એવું જરૂરી નથી. કવિતા આનંદના પ્રવાસે નીકળેલી લયયાત્રા છે.
પ્રવાસોને કારણે, કાર્યક્રમોને કારણે ચીક્કાર લોકોનો સંગ થયો છે. અનેક લોકો આશ્ચર્યથી જુએ છે, મળે છે, પ્રશ્નોના સંવાદ થાય છે ત્યારે કવિતાનો શબ્દ કેવા છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે એની ખબર મળે છે. શબ્દની તાકાત મૌનના મંદિરમાં પ્રગટ થાય છે. કાર્યક્રમો પછીના કાર્યક્રમો, પ્રવાસો પછીના પ્રવાસો આ બધાની વચ્ચે એક નવી કવિતા મારા માટે સવારના કૂણા તડકાની ગરજ સારે છે. કવિતા ન હોત તો કુદરત અને દુનિયા વચ્ચેનું રહ્યુંસહ્યું બેલેન્સ પણ આપણે ગુમાવી ચૂક્યા હોત ! કવિની ભૂગોળમાં માનવતાનું આંતરવિશ્વ છે. કવિની અહીંસા દેખાવડી નથી. ખુમારીનો ઢોળ ચડાવીને આવેલી સર્જકતા છે. પૃથ્વી પર બચેલા આશ્વાસનોમાં કવિનું પ્રભુત્વ છે. કવિતા સૌના માટે જે છે એ મારા માટે પણ છે. ફરક એટલો જ છે કે એની ખબર પડી જાય છે ત્યારે એનું ‘હોવું’ આપણાથી સિસાઈ જાય છે. હું ચોવીસ કલાકનો કવિ નથી પણ પચ્ચીસ કલાકનો માણસ જરૂર છું. મને કશું જોઈતું નથી, સિવાય કે હું અને મારી ભલમનસાઈ ! કવિતાઓએ મને પેનથી પગભર થતા શીખવાડ્યું છે આ અહમ્‌ નથી આ મારી ઠોકરો ખાઈને ઉપજેલી સભાનતા છે. કવિતાની વેદનાનું તરન્નુમ છે જેને લોહીના લયથી ગાવું પડે છે.
પ્રત્યેક માણસ માટે કવિતા છે એ જીવે છે અને જીવનને માણે છે એ સૌથી મોટી શક્યતા છે. આધારવશ માહિતી કરતા કવિતા લાગણીવશ પ્રગતિમાં વધારે માને છે. મને જીવનમાં રસ છે. જીવન જીવતા સાચ્ચા માણસોમાં રસ છે. એમને સાભળું છું, વાંચુ છું, અનુભવું છું એ મને ડાળીને પાંદડાની જગ્યાએ અક્ષર ફૂટ્યાની વેળાનો સત્સંગ કરાવે છે. કવિતા મારું એવું અવલંબન છે જ્યાં બહારની જરૂરિયાતો નામની કે ખપ પૂરતી જ રહી જાય છે. અંદરનું વિશ્વ મને નિર્લેપ બનાવીને શબ્દોમાં જીવતા શીખવાડે છે. જે રસ્તા ઉપર મારી ઓળખ વધારે મજબૂત થઈ છે એનાથી જુદા ફંટાતા રસ્તા ઉપર કવિતાએ મારું ઘર બાંઘ્યું છે. એની આસપાસ ધબકારાની વસ્તી રહેવા આવી છે. અણસારાએ અજવાળું કરી આપ્યું છે. લખતી વખતે મારી પીડા નરસંિહ મહેતા કરતા ઓછી નથી હોતી, કોઈ પણ કવિ માટે આમ જ હોય છે... કારણ કે નરસિહની ભક્તિમાં હરી મિલનની બળકટતા હતી. મીરાની તાલાવેલીમાં કૃષ્ણ છે. કવિના શબ્દોમાં રહસ્યને રમમાણ રાખવાની કારીગરી છે. સ્ફૂટ થઈ જાય તે કવિ નથી પરંતુ જે તાર તાર થઈને તૂટવાની અણી ઉપર કવિતાથી જીવતરના કાપડને વણી આપે તેનામાં કબીર પણાનો ઉન્મેશ ફૂટે છે. કવિતાને ‘ફ્રેઇમ’ની જરૂર નથી. કવિતા વળતા જવાબની પ્રતિક્રિયામાં નથી. કવિતા ઠંડુયુદ્ધ નથી. કવિતા તો કાગળનો પુરુષોત્તમ માસ છે. કવિતા કવિ માટે લેણદેણનો નહીં, પોતાનાથી ભૂલા પડીને કવિતાને જડી જવાનો સંબંધ છે.
એવું બને છે કે, ક્યારેક કવિને મળીએ ત્યારે નિરાશ થઈ જઈએ અને એની કવિતાને સાંભળીએ ત્યારે એને મળવાનું થાય ત્યારે યાદ એ રાખવું જોઈએ કે આપણને એની કવિતા સાથે નિસ્બત છે. કવિ તો કવિતાના કારણે આવ્યો છે. કવિતામાં રસ પડે એ અગત્યનું છે ! કવિનું સ્પંદન જેટલું તાજું એટલલું કવિતાનું મનોબળ મક્કમ બનવાનું ! ‘મેજર પોએટ’ કે ‘સારો કવિ’ એટલે જ દુનિયાથી અલિપ્ત અને અતડો લાગે છે. આ વાતને આપણે એના અહંકારીપણા સાથે જોડી- જોતરી દઈએ છીએ. એમ તો ઇશ્વર પણ મંદિરમાંથી બહાર નથી નીકળતા ! એમ તો ઇશ્વર પણ આપણી બધી જ વાતો નથી સાંભળતા ! તો ઇશ્વરને આપણે કેમ વારંવાર વંદીએ છીએ ? ત્યાં કદાચ ભયની પ્રીત પણ હોઈ શકે છે. કવિ એ વર્તુળમાંથી બહાર નીકળીને વર્તુળાકાર બનાવ્યા વગર પોતાની ત્રિજયા તરફ આગળ વધે છે. કવિ એકલો પડીને સાથે હોય છે. અને સાથે રહીને એકલો હોય છે. જૂની લોલકવાળી ઘડિયાળમાં ચાવી ભરવી પડે છે એમ કવિ પોતાને તાવીજોવાની ચાવી ભરીને પ્રત્યેક ક્ષણની પીડાને આનંદે છે. એને બાહ્ય જગત કે ઉપરના જગતની ચંિતા કે ખેવના હોઈ શકે છે. પણ લાલસા નથી હોતી ! એની પીડા અને પ્રશ્નો અલગ હોવાના ! વરસાદનો વિરહ એ ના છૂટકે સહન કરે છે. એટલે જ આંખોના આંસુને તાજા અને ડૂમાને તરોતાજા રાખે છે. આવું કહું છું ત્યારે કવિ રડતો જ હોય એ જરૂરી નથી. એ દુનિયાના રડવાને પોતાનું ગણે છે તેથી વધારે પડતો ગળગળો થઈને જીવ છે ! કવિતા પોતાના આનંદમાં મશગુલ છે...એની નદીનો ધસમસતો પ્રવાહ દરિયાના ઉછળવાની મોજમાં રમમાણ હોય છે... એના બગીચામાં ઝાકળ ઉપર ફૂલો બેસે છે ! કવિ ઇશ્વરનો જાસૂસ છે, એની ચેતના ડંફાસ મારતા વેદિયાની પંડિતાઈ નથી. જાસૂસ પકડાઈ જાય છે અને કવિ તો ઇશ્વરનો જાસૂસ છે... ઉમાશંકર જોશીએ કાવ્ય પંક્તિઓમાં લખ્યું છે... બધા જ કવિઓ વતી...
‘‘ઇશ્વરે મને પકડ્યો’તો એક વાર
સંઘ્યાના રંગથી વૃક્ષના થડ ચીતરતો હતો...’’
જુઓ, એક જ વાર પકડાય છે બાહોશ જાસુસ ! વારંવાર પકડાય એ કવિ નહીં ! પણ, જાસૂસ તો પકડાયા પછી પણ જાસુસી ચાલુ જ રાખે છે. માટે ઉમાશંકર જોશી કહે છે કે મને પકડ્યો ત્યારે ઇશ્વર સંઘ્યાના રંગથી વૃક્ષના થડ ચીતરતો હતો ! કવિ પાસે કલ્પના છે પણ એ કલ્પના મોક્ષનું બારણું નથી ઉઘાડતી ! વિરહનો મોક્ષ કરી આપે છે. કવિતા શું છે મારા માટે ? એવું કોઈ પૂછે છે તો એટલું જ કહેવાનું મન થાય છે.. હું કવિતા માટે કશું જ નથી...! તરતા આવડતું હોય તો પણ ડૂબી જવાય એવો ઘાટ છે...! આજુબાજુના ઘોંઘાટની વચ્ચે ! બધા જ સાહસો દુનિયાને દેખાડવાના નથી હોતા, આપણા પૂરતા સીમિત હોય છે..
ઓન ધ બીટ્‌સ
‘જીંદગી દીધી નાશવંત મને
પણ ગઝલ રાખતી જીવંત મને.’
- મનોજ ખંડેરીયા
- અંક્તિ ત્રિવેદી

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved