Last Update : 01-August-2012, Wednesday

 

હવે નવાં નકોર ગુજરાતી ગીત-સંગીત ગુંજતા કરવાની જરૃર છે

એક બે ને સાડા ત્રણ- તુશાર શુકલ

 

નિશાળમાં વર્ગખંડમાં શિક્ષકો પાઠયપુસ્તકમાંની કવિતાઓ-ગીતો મોટેથી બોલે ને બોલાવે. રચનાનો ઢાળ કે એનો છંદ એના પઠનની મજા વધારે. અને એ રીતે બોલવાથી યાદ રહી જતી એ રચનાઓ આજે પણ જ્યારે જ્યાં વાતાવરણ મળે ત્યાં એ જ સ્વરૃપે હોઠેથી સર છે. મનેય યાદ પણ ન હોય કે એ રચના આટલા વર્ષોથી મને યાદ છે આ અનુભવ આપણા સહુનો છે. સંસ્કૃત શ્લોક, પ્રાર્થના, મંત્રો, સ્તુતિ વગેરે કેટ કેટલું આમ યાદ રહી જાય છે. અર્થ પણ ન સમજાયો હોય છતાં એ કડકડાટ બોલાતું જાય છે. છંદ-લયમાં ગવાતું જાય છે. આમ થવાના પ્રાથમિક કારણમાં એના છંદ અને લય જવાબદાર છે. ઢાળ જવાબદાર છે. આ છંદ, ઢાળ ને લય જે તે રચનાનુ સ્વરાંકન છે. એને એ રીતે ગાવાથી એ યાદ રહી ગઈ છે. યાદ રહી જાય છે. આ માટે કોઈ વિશેષ જ્ઞાાન કે સભાન પ્રયત્નની ય જરૃર નથી પડતી.
અર્થાત્ શબ્દને સ્મૃતિસ્થ કરવામાં સ્વર ઉપયોગી થાય છે. પરંપરાથી આમ થતું આવ્યું છે. છાપખાનાની શોધ સુધી આ જ થયું છે. આપણા સાહિત્ય વારસાને આપણે માટે સાચવી રાખવામાં સંગીતનો સાથ અમૂલ્ય છે. નરસિંહ મહેતાના પ્રભાતિયા ગાતા અને દયારામની ગરવીએ ધૂમતી અને પ્રેમાનંદના વ્યાખ્યાન સાંભળતી ગુજરાતી પ્રજાએ આ સઘળું સાંભળ્યું, ગાયું ને સાચવ્યું છે. એણે કવિતા અને ગીત, ગરબા ને ભજન વચ્ચે ભેદ કર્યો નથી. એણે નાટકનાં ગીત, સિનેમાનાં ગીત ને ય ગાયાં ને યાદ રાખ્યાં છે. રચનાની ગુણવત્તાનો ભેદ વિવેચના માટે રાખીને, સંગીતે આ સઘળાંને પ્રજાના હૈયે ને હોઠે ગૂંજતા ને ગાજતાં રાખ્યાં છે. પ્રજાએ નરસિંહ મહેતાની કવિતા જ યાદ રાખવી જોઈએ અને નાટયગીતથી આઘાં રહેવું જોઈએ એવું ધોરણ જન સામાન્ય સ્વીકાર્યું નથી. અરે, નરસિંહ મહેતાના જ્ઞાાનમાર્ગી પદોના ઉચ્ચ કાવ્ય-તત્ત્વને જ યાદ રાખવું જોઈએ ને શૃંગારના પદથી પરહેજ પાળવો જોઈએ એવું પ્રજાએ નથી માન્યું. પ્રજાએ તો જે ગમ્યું તે ગાયું છે.
પણ, પછીથી એક ચર્ચા ચાલી કે જેમાં જે ગવાય છે એનાં કાવ્યતત્ત્વ વિષે આગ્રહ રાખવાનો વિચાર સાહિત્યકારો અને બૌદ્ધિકોએ વહેતો મુક્યો. વાત ખોટી નથી. ગવાતી રચનાનો ગુણવત્તા ન સચવાય ત્યારે, સંગીતની પ્રભાવક્તાના બળે, સામાન્યથી સ્તરહીન કે અર્થહીનથી અશ્લિલ સુધીના ગીતો પણ લોકપ્રિય બની શકે છે. લોકભોગ્યતા અને લોકપ્રિયતાના ઢાળ લપસણા છે. ત્યાં વિવેક સાચવીને ટકી રહેવું મુશ્કેલ પણ છે જ.
ગવાતા ગીતમાં કાવ્યતત્ત્વ હોવાના આગ્રહનીય પૂર્વે એક વિચાર એવોય વહેતો થયેલો કે કવિતા ગાવાની ચીજ જ નથી. વિચાર પ્રધાન કવિતાને સંગીતની કાળઘોડીની જરૃર જ નથી. સ્વરબદ્ધ રચનામાં સ્વરનું આકર્ણ હોય છે અને એવા આકર્ષણનું સંમોહન વિચાર તરફ બેધ્યાન બનાવે છે. ગવાતાં ગીતનાં ગળી જવામાં સંગીત જ વધુ જવાબદાર છે. જ્યારે સર્જકનું લક્ષ્ય તો 'બ્રહ્માનંદ'ના ઉચ્ચ અનુભવ સુધી પહોંચવા પહોંચાડવાનું છે. એ માટે કોઈ ઉચ્ચ વિચારનું સબળ આલેખન જ ઉપયોગી થાય. આવી વિચારસૃષ્ટિને સંગીત ખલેલ પહોંચાડે! લક્ષ્યથી દૂર કરે! ભ્રમિત કરે! માટે લખવી તો વિચારપ્રધાન કવિતા જ, અને એને સંગીતથી અળગી જ રાખવી તથા એને એના 'અધિકારી ભાવક' માટે અનામત રાખવી.
સંગીતની જન સંમોહિતી અસરનો અહીં ઈન્કાર નથી, ભારોભાર સ્વીકાર છે. ડર છે તો માત્ર નિશાનચૂકનો! સંગીતના સથવારે વહેતા અને જનસાધારણની સ્વીકૃતિ પામતા ગીતોમાં ગેયતા, માધુર્ય અને સુગમતા હોય પણ ઉચ્ચ વિચારભારથી ઉન્નત એવું કાવ્યતત્ત્વ ન હોય એવી સમજનો તો નરસિંહ મહેતાની કવિતા જ છેદ ઉડાડી દે છે. 'ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે' કહેનારી કવિતા આજ પર્યંત સમજીને કે સમજ્યા વગર પણ ગવાતી રહી છે! અર્થાત્ સંગીત કવિતાનું વિરોધી નથી કે એણે કાવ્યતત્ત્વને અવરોધ્યું નથી. સ્વરબદ્ધ થઈને ગવાતી અનેક રચનાઓમાં તો એણે કાવ્યતત્ત્વને સાચવીને અર્થ ઉઘાડવામાં અસાધારણ સહાય કરી છે. શિવતાંડવસ્તોત્ર કે શસ્ત્રાદયના પઠનમાં લય-છંદનું આ સામર્થ્ય અનુભવાય છે. તો ભૂપેન્દ્રસિંહના કંઠે ગવાતા 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા'માં (સ્વરકારઃ અજીત શેઠ) પણ એનો અનુભવ થાય છે.
કવિતા અને ગીત, કવિ અને ગીતકાર એવા ભેદ ઓળખની સ્પષ્ટતા માટે જ છે, કેવળ આ બંને એક સાથે અને એકમેક હોઈ શકે તે હોય પણ છે. આપણા અનેક સિદ્ધ કવિજનોની આજે ય સ્વરબદ્ધરૃપે ગવાતી કવિતાનું ઉદાહરણ આપીને એ સિદ્ધ કરી શકાય તેમ છે. આથી જ કવિતા અને કવિ એ ગીત અને ગીતકાર વચ્ચે ઊંચ-નીચનો ભાવ હોય તો એ અણસમજ છે. બંનેનું સહઅસ્તિત્ત્વ શક્ય છે, હોય છે, અને પોત પોતાના લક્ષ્ય ભેદનમાં એમની સફળતા એ એમનું સામર્થ્ય છે. કવિ બાલમુકુન્દ દવે, વેણીભાઈ પુરોહિત, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, જગદીશ જોશી, વિનોદ જોશી જેવા અનેક કવિઓ અને એમની કવિતાઓ આના ઉદાહરણ રૃપે ટાંકી શકાય તેમ છે. ગીત માટે ગયતા એમ ગઝલ માટે મોસિકી એનાં આવશ્યક લક્ષણ છે. ઉત્તમોત્તમ શયરોની ગઝલો મહેફિલોની જાન અને શાન બની છે ને સાહિત્ય જગતમાં માટે શાયરને માટે માન અર્જીત કરી શકી છે.
આજે પણ કલા પ્રવૃત્તિને સ્વરબદ્ધ થઈને ગવાતા ગીતને યાદ કરવાનું સવિશેષ કારણ છે. અવિનાશ વ્યાસના શતાબ્દિ વર્ષનું સમાપન. અવિનાશભાઈ (૧૯૧૨થી ૧૯૮૪)ના ગીત સ્વરબદ્ધ થઈને ગવાયા અને આજે ય ગવાય છે. અંગ્રેજી ભણનારી પેઢી પણ એને આનંદે છે. અલબત્ત, એના કારણોમાં આ ગીતોની આજ પર્યન્ત થતી રહેલી રજૂઆત, શબ્દ, સ્વર અને વિચારની સુગમતા અને એના સંગીતની પકડ જવાબદાર છે. આ ગીતો આકાશવાણી પરથી વાગતા જ રહ્યા છે. તે ઉપરાંત, આજે જે યુવા ગાયકો આ ક્ષેત્રમાં આવ્યા છે એમના દ્વારા પણ એની વારંવાર રજૂઆત થતી રહી છે. આથી આ ગીતોનો પરિચય નવી પેઢીના શ્રોતાને ય, પુનરાવર્તનથી દૃઢ થતો રહે છે. અંગ્રેજી માધ્યમમાં ભણનારા કે ગુજરાતી ભાષાના શરમ અનુભવનારા યુવાનો પણ અવિનાશ વ્યાસની રચનાઓથી અજાણ નથી. આ યુવાનો અવિનાશભાઈનાં સ્વરાંકન સાથે ઝૂમે છે. અવિનાશભાઈ તો સાદો શબ્દ પણ કદાચ એ ન સમજતા હોય છતાં એનાં સ્વરાંકને એમને ડોલાવ્યા છે. અત્યન્ત આધૂનિક સમાજનું યૌવન પણ ગુજરાતી ગરબાના ગીત સાથે ઘૂમે છે. એમાં સંગીતનું સામર્થ્ય સ્પષ્ટ થાય છે. આપણું આશ્વાસન એ છેક, સંગીતના સથવારે વહેતો શબ્દ ગુજરાતી છે. અને એ જ આશા બંધાવે છે કે જો આ રીતે પ્રયત્ન થાય તો હજી ય ગુજરાતી ગીત, સંગીતની મદદથી ગૂંજતું રાખી શકાય. ભાષાના વિરોધને સંગીતના સ્વીકારની મદદથી ગાળી શકાય. અને એ પડકાર છે આપણા આજના કવિઓ-સ્વરકારો અને ગાયકો સામે.
અવિનાશ વ્યાસ શતાબ્દિ વર્ષનું સમાપન થશે ત્યારે આ વાત સૌ એ વિચારવા જેવી છે. અવિનાશભાઈના ગીતોને આજે ય પ્રચારમાં રાખનારા યુવાન ગાયકોએ વધારે સુસજ્જ થઈને આ પડકાર ઝીલવો પડશે. એ તેમના વ્યાવસાયિક લાભમાં પણ છે. અવિનાશ વ્યાસના ગીતોની રજૂઆતો આજે ય અનેકના ઘર ભરે છે. આનાથી મોટું યોગદાન શું હોઈ શકે? પણ, આવા કેટલાક જાણીતા ગુજરાતી ગીતોની જ વારંવારની રજૂઆત દ્વારા ઘર ચલાવી શકાય, કલાકાર તરીકેની ઓળખમાં ઊણા સાબિત થવાય એ તેમણે ય સમજવું જરૃરી છે.
જાણીતાા ગુજરાતી ગીતો તો સોનામ્હોર જેવાં છે જ ને સોનાને લાગે ક્યાંથી કાટ? એ તો સદાય ચલણમાં રહેવાના જ. પણ, હવે એ પણ એટલું જ જરૃરી છે કે નવી નોટો બજારમાં ફરતી મૂકીએ. અલબત્ત, નોટો છાપવાનું કામ પણ એના અધિકારી કરે છે ત્યારે જ એ ચલણી બને છે. નવી હોય પણ ખોટી હોય તો એની છેતરપીંડી લાંબી નહિ ચાલે. પણ હમણાં સાચી-ખોટીના ભેદ ભૂલીને નવી નોટોને બજારમાં લાવવા જેવી છે. ભાવકોનું ભાવજગત જ એ નક્કી કરશે કે કઈ રાખવી છે ને કઈ દૂર કરવી છે. આજે યાદ રહેલા ગુજરાતી ગીતો અન્ય અનેક ગીતોમાંથી ટક્યા છે. એમાં ગુણવત્તા ઉપરાંત પુનરાવર્તન અને પ્રચાર-પ્રસારનો સાથ પણ જવાબદાર છે જ, છતાં ય, જે ટક્યા છે એ ગમી જાય એવાં જ છે. અને એટલે જ આજે ત્રીજી પેઢીને ય એ ગમે છે. 'તારી આંખનો અફીણી'ની લોકપ્રિયતા એનું જ ઉદાહરણ છે. અવિનાશ વ્યાસના જ સમયમાં વેણીભાઈ પુરોહિતનું દિલીપ ધોળકિયાના સ્વરાંકનમાં વહેતું થયેલું આ ગીત છેલ્લા દશકમાં પુનઃ લોકપ્રિયતાના શિખરે જઈ બેઠું છે. એનો અર્થ એ જ કે, ગમી જાય એ ટકશે જ, પછી એ કોઈની ય સર્જક્તાનું પરિણામ કેમ ન હોય? કલાના ક્ષેત્રમાં પ્રવેશ કદાચ પરિચય પત્રથી મળે, પણ સ્વીકાર તો પ્રતિભાથી જ મળે છે. લાકડાની તલવારથી નાટકમાં તાળીઓ પડે, યુદ્ધમાં તો માથું જ કપાય!
અવિનાશ વ્યાસની સર્જક્તાને આપણી સાચી અંજલિ તો જ ગણાય જો આપણે આવનારા વર્ષોમાં નવા નકોર ગુજરાતી ગીત-સંગીત ગૂંજતા કરીએ. ગુજરાતી ભાષા પ્રત્યેના વર્તમાન વલણને જોતાં આ સામા વહેતો તરવા જેવું છે, પણ, આ પડકાર ઝીલવો એ કલાકારોની જવાબદારી છે. જે સ્વીકૃત છે એ ગાયું છે ને ગાવ, પણ હવે એમાં કૈંક નવું ય ઉમેરો. એના ટકવા વિષે તો સમય પોતે નિર્ણય કરશે, પણ ગુજરાતી ભાષાને જીવતી રાખવાની આપણી જવાબદારીમાં આપણે ય કૈંક યોગદાન આપ્યાનો તો સંતોષ રહેશે જ. હિન્દી સિનેમાના ગીતોની અપાર લોકપ્રિયતા વચ્ચે ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષામાં ગીત-સંગીતને આજ લગી ગૂંજતા રાખનારા અવિનાશ વ્યાસની સર્જકતાને આ જ સાચી સલામ હશે!
પણ, આ વાત આટલેથી જ અટકતી નથી. આ પડકાર કેવળ કવિઓ, સંગીતકારો અને ગાયકો પૂરતો સીમિત નથી. અહીં એક અગત્યનો પક્ષ છે. કાર્યક્રમ આયોજકો ઘણીવાર આ આયોજકોનો જ આગ્રહ હોય છે કે જાણીતા ગીતો ગાવ! આયોજકનું ધ્યાન કાર્યક્રમની સફળતા પર હોય છે. સફળતામાં શ્રોતાઓની દાદ અને વેચાતી ટીકીટ બંને આવે છે. આયોજકને પૈસા કમાવા હોય એ સહજ છે. એ પૈસા રોકે છે. સાહસ ખેડે છે એટલે એને એના પૈસા પાછા મેળવવા હોય એ સમજાય એવું છે. વધારે મળે એ એનું લક્ષ્ય હોય, અને ખર્ચ્યા છે એટલા મળી જાય એ એનો આગ્રહ હોય. આવા સમયે એ કલાકાર પાસે પણ નીવડેલો માલ જ માંગે છે. પરિણામે ગળા બદલાય છે પણ ગીતો એના એજ હોય છે. લોકપ્રિય હોય એવા ૫૦ ગીતોની યાદી બને એમ છે, પણ એમાંથી ચલણમાં માત્ર ૨૫ ગીતો રહે છે. અને એમાં પણ પાંચ ગીતો પુરુષ ગાયકના, પાંચ સ્ત્રી ગાયકના અને પાંચ યુગલગીત એમ પંદર ગીત આવડે એટલે એ કલાકારોનો બેડો પાર! વળી આવડવાનો અર્થ સાચા શબ્દો અને સાચું સ્વરાંકન એવો ય નથી રહેતો. માત્ર એમને જે આવડે એ ગીત અને એ સ્વરાંકન... આથી આયોજકોનો આગ્રહ એમને ય અનુકૂળ!
એક વધુ મહત્ત્વનો પક્ષ તે છે શ્રોતાઓનો. શ્રોતાઓ પણ ગમતાં ગીતોનો જ આગ્રહ રાખે છે. ગમે તે કાર્યક્રમમાં પોતાને ખબર હોય એવાં પેલા ૨૫ ગીતોમાંથી જ ફરમાઈશ કરે! ફરમાઈશમાંય સાવ ખોટાં જ શબ્દો લખે. કોઈકવાર અજાણ્યું ગીત આવે પણ એ ગાયકને ન ખબર હોય. કેટલાક વળી હજી સ્વરબદ્ધ ન થયા હોય એવા ગીતો ય સૂચવે, ન જાણે એમણે ક્યાં ને કોની પાસેથી આવા સંજોગોમાં કલાકારો પોતાની પાસેના મર્યાદિત માલને જ વેચે ને! શ્રોતાઓ સાભળેલું જ સાંભળવાનો આગ્રહ રાખે છે અને નવું કે અજાણ્યું સાંભળવા તરફ અણગમો વ્યક્ત કરે છે એ અવલોકન સુપ્રસિદ્ધ ગાયકોનું ય છે. એમણે પણ એ જ અનુભવ્યું હોય છે. એમના અવાજમાં ધ્વનિમુદ્રિત રચનાઓને જીવંતુ રજૂઆત સમયે પણ સાંભળવાનો આગ્રહ રખાય છે. આવી ફરમાઈશ કરનારા શ્રોતા એને પોતાની જાણકારી ગણી એનું અભિમાન કરે છે. જે ગાયકો નવી રચના તૈયાર કરીને આવે છે એમને એ ગાવાની તક જ નથી મળતી. પરિણામે એનું એ જ ગાઈને રૃપિયા ગણીને કલાકાર પાછા વળે છે. આયોજકનો કાર્યક્મ સફળ થાય છે, શ્રોતાઓ રાજી થાય છે, પણ સાચા કલાકારોને અસંતોષ અકળાવી જાય છે. એને પોતાના જ જાણીતા ગીત-ગઝલના વારંવાર ગાનનો ગુસ્સો આવે છે. પણ એ લાચાર છે. લોકપ્રિયતાનો દંડ ચૂકવવો પડ છે. સિદ્ધ ગાયકોની આ મૂંઝવણ છે ત્યાં યુવાન ગાયકો માટે તો આ મામલો ઓર મુશ્કેલ છે. જાણીતા ગીતો વચ્ચે નવું, અજાણ્યું ગીત રમવા મૂકવું એ કલા છે. જીવડેલા ખેલાડી વચ્ચેે નવો ખેલાડી પોતાની ક્ષમતાનો પરિચય આપે એટલો એછો છે. એન ી સરખામણી તો પેલા નીવડેલા સાથે જ થવાની. પણ, એથી નિરાશ થવાને બદલે કલાકારોએ નવા ગીત-ગઝલની રજૂઆતનું બીડું ઉપાડવું જોઈએ. હા, કલાકારની સૂઝ, સમજ અને એની સજ્જતાનો ભરપૂર લાભ એ નવા ગીતની રજૂઆતને મળવાં જોઈએ. તો એ ગીતને યોગ્ય વાતાવરણ મળે. નવી નવી ઓળખાણ હોય ત્યારે એ ઓળખાણ કરાવનારની જવાબદારી ઘણી વધી જાય છે. ગીતની નોંધ પણ ન લેવાય એવી રીતે કલાકાર દ્વારા એને ફેંકી દેવાય ત્યારે શ્રોતાનો વાંક ન ગણાય. નવા ગીતને તો વધારે સરસ રીતે રજૂ કરવું જરૃરી છે. તો શ્રોતાઓનું ધ્યાન ખેંચાય, એ સાંભળે અને ગમી જાય તો નોંધ લેવાય ને ભવિષ્યમાં ફરમાઈશ થાય. આજના તમામ લોકપ્રિય ગીતોની યાત્રા આ જ રહી છે.
તમામ કલાકારો સામે પોતાના ક્ષેત્રના સફળ કલાકારોનું ઉદાહરણ હોય છે. અને અસફળ કે ઓછા સફળનો દાખલો પણ હોય છે. સજ્જતાએ આંતરિક ક્ષમતા છે, પણ સફળતાએ પ્રગટ સ્વીકૃતિ છે. સૂઝ અને સાધનાની સાથે કૌશલ પણ ભળવું ઘટે. સફળતાએ ગુન્હો નથી. સફળતાએ સજ્જતાની વિરોધી નથી. સફળ થવું સહેલું નથી. એમાં પ્રચાર-પ્રસારની કુશળતા અને અનુકૂળ સંજોગ પણ આવે છે, પણ એકલા એનાથી જ સફળ થવાતું નથી. તટસ્થ ભાવે, દ્વેષ રહિત દૃષ્ટિએ જોવાથી જણાય છે કે સફળતા પાછળ પણ સાધના હોય છે, પ્રતિભા હોય છે. સૂંઠને ગાંગડે ગાંધી થનારની હાટડી હાટડીની જ ઓળખ પામે છે. સફળ થાય એ જ સાચો કલાકાર એવું નથી જ, પણ સાચો કલાકાર સફળ થાય જ નહિ એવું પણ નથી.
અવિનાશ વ્યાસ શતાબ્દિ વર્ષની ચિરંજીવ સ્મૃતિ સર્જે એવાં કોઈ જ ઉજવણી ેકે આયોજન વગર જ વર્ષ પૂરું થઈ ગયું એ આપણી વિશેષતા! પણ ગુજરાતી ગીત-સંગીતની અવિનાશી-મંજૂષામાં કૈંક નવું ન ઉમેરીએ તો આપણા દંભને આવતીકાલ કહેશેઃ એક બે ને સાડા ત્રણ.

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved