Last Update : 01-August-2012, Wednesday

 

છળ

ડાર્ક સિક્રેટ્‌સ - રાજ ભાસ્કર

- ઘેલાણી હચમચી ગયા. એ બોલી ના શક્યા કે બોલનારનો બેટો હવે ક્યારેય પાછો ઘરે નહોતો આવવાનો

'મને તો આ છોકરી બહુ ગમે છે. હવે મલ્હારને ગમી જાય એટલે બસ! એવાં લગ્ન કરીશું કે શહેર આખું જોતું રહી જાય!' અનસુયાબહેને છોકરીના ફોટા પર આંખોથી વ્હાલ ઠાલવતા કહ્યું અને ફોટો નગીનદાસને આપ્યો. નગીનદાસ પણ થનારી પુત્રવધુન જોઈ હરખાઈ ગયા. એમણે વાતગડિયાને કહ્યું, 'ભાઈ, મલ્હાર એના મિત્રને મળવા ગયો છે. બસ આવતો જ હશે. એકવાર એ તસવીર જોઈ લે એટલે હા જ પાડી દેશે. પછી કાલે ને કાલે જ છોકરા છોકરીને જોવાની વિધી પતાવી દો. હવે... મારે રાહ નથી જોવી. મલ્હારને પરણાવી દેવો છે. પછી એયને નિરાંતે વહુના હાથની રસોઈ ખાવી છે. પિસ્તાલીસ વર્ષથી એકના એક હાથની રસોઈ ખાઈ હું તો ઉબી ગયો છું ભાઈસાહેબ!'
'તે જોઉં છું પુત્રવધુ કેવીક રસોઈ ખવરાવે છે!' અનસુયાબહેને ડોળા કાઢતા કહ્યું. વાતગડિયાએ વચ્ચે ટપકું મુક્યું, 'તમેય ખરા છો. હજુ તો ખેતર લીધું નથી અને શેરડીનો રસ મીઠો હશે કે ખાટો એની ચર્ચામાં પડયા છો. પહેલા મલ્હારને છોકરી જોવા દો. વાત નક્કી થવા દો અને લગ્ન થવા દો. પછી આ બધી બબાલ કરજો. અને હા, નગીનદાસ મારે થાય છે મોડું. તમે ફટાફટ મલ્હારને ફોન કરો. એ જલ્દી આવી જાય.'
નગીનદાસે મલ્હારને કોલ કર્યો. ક્યાંય સુધી રીંગ વાગતી રહી પણ મલ્હારે રિસીવ ના કર્યો.
* * *
કાળું ભમ્મર અંધારું કાળી ડિબાંગ સડકો પર ધીમે ધીમે ઢળી રહ્યું હતું. જાણે કોઈ હબસી એની હબસણ પર ઝુકી રહ્યો હોય એવું લાગતું હતું. ઈન્સપેક્ટર ઘેલાણી અને નાથુ કમિશ્નર સાહેબના કામ સબબ અમદાવાદથી ગાંધીનગર જઈ રહ્યા હતા. ઝરમર ઝરમર વરસાદ ચાલુ હતો. ભીની સડકોને પાર કરતી જીપ આગળ વધી રહી હતી. વિસ્તાર સાવ નિર્જન હતો. મોટાં વાહનો સડસડાટ કરતાં આગળ ધપી રહ્યાં હતાં. અને એકલદોકલ નાનાં વાહનો લપસી જવાની બીકે ધીમે ધીમે સડકના કિનારે ચાલી રહ્યાં હતાં.
નાથુએ ગાડી સડકના કિનારે ઉભી રાખી. ઘેલાણીએ પ્રશ્ન કર્યો, 'અલ્યા, ગાડી કેમ ઊભી રાખી?' નાથુએ ટચલી આંગળી ઊંચી કરતા કહ્યું, 'બારીસકા સીઝન. યુ નો, પ્રોબ્લેમ હૈ સર! જ્યાદા જાના પડતા હૈ...!!'
નાથુ કુદકો મારીને નીચે ઉતર્યો અને દોડીને સડકને કિનારે આવેલા એક ઝાડ પાછળ જઈને ઊભો રહી ગયો. એ હાશકારો અનુભવી રહ્યો હતો ત્યાં જ એના કાને દૂરથી વાગતી મોબાઈલની રીંગ સંભળાઈ. એણે સહજતાથી આસપાસ જોયું. એને એમ કે એના જેવું જ કોઈ વખાનું માર્યું અહીં આવ્યું હશે. પણ એના આશ્ચર્ય વચ્ચે દૂર માટીમાં એક મોબાઈલ પડયો હતો. એની રીંગ વાગી રહી હતી અને એની સ્ક્રિનનો પ્રકાશ ઊડીને આંખે વળગતો હતો. નાથુ એ દિશા તરફ આગળ વધ્યો. એણે મોબાઈલ હાથમાં લીધો અને આસપાસ નજર ધુમાવી. ત્યાંજ ભડકી ઊઠયો. પાસે જ ઝાડના થડ પાસે એક યુવક ઊંઘે કાંઘ પડયો હતો. એણે બૂમ પાડી, 'સર...ખૂન...ખૂન અહીં ખૂન થઈ ગયું છે!'
જીપમાં પડેલી હેન્ડ ટોર્ચ લઈને ઘેલાણી નાથુ તરફ દોડયા. જમીન પર પડેલા યુવક પર પ્રકાશ ફેંક્યો, એના ડાબા લમણામાં કોઈએ ગોળી મારી દીધી હતી. લોહી અને માંસના લોચા સાથે સાથે એનો જીવ પણ બહાર નીકળી ગયો હતો.
મોબાઈલમાં રીંગ હજુ ચાલુ જ હતી. સ્ક્રિન પર 'પપ્પા' લખેલું આવતું હતું. મોબાઈલ રીસીવ કરતા જ સામેનો અવાજ તાડુકી ઉઠયો, 'બેટા, ક્યાં છે તું? કલાકથી ફોન કરું છું. ફોન કેમ નથી ઉપાડતો? તારી મમ્મી તો ચિંતા કરે છે. બહુ જરૃરી કામ છે. જલ્દી ઘેર આવી જા. અમે તારી રાહ જોઈએ છીએ.'
ઘેલાણી થોડીવાર માટે હચમચી ગયા. એ બોલી ના શક્યા કે બોલનારનો બેટો હવે ક્યારેય પાછો ઘરે નહોતો આવવાનો. એ લોકો ભલે રાહ જોઈ રહ્યાં પણ દીકરાએ રાહ બદલી લીધી હતી.
'બેટા, તું બોલતો કેમ નથી? કોઈ પ્રોબ્લેમ છે?' સામેથી પાછો અવાજ આવ્યો. આખરે ઘેલાણીએ કહેવું પડયું. 'વડીલ, હું ઈન્સપેક્ટર ઘેલાણી બોલું છું. તમારા દીકરાને એક નાનકડો એક્સીડેન્ટ થયો છે. તમે મને તમારું એડ્રેસ લખાવો અને ફટાફ્ટ સિવિલ હોસ્પિટલ પહોંચો. એને સારવાર માટે ત્યાં લઈ જવો પડશે.'
એ વખતે તો અકસ્માતનું બહાનું કરીને ઘેણાણીએ એના મા-બાપને પડી ભાંગતા બચાવી લીધા પણ સિવિલમાં દીકરાની લાશ જોયા પછી એમને પડી ભાંગતા રોકવાનું એમનું ગજુ નહોતું. આખે આખી સિવિલ ધણધણી ઊઠે એવું આક્રંદ બંનેના હૈયામાંથી ઠલવાઈ ઊઠયું હતું. એકના એક દીકરાના મોતનું આક્રંદ હતુ. સિવિલ શું પૃથ્વી પણ ધણધણી ઊઠે.
* * *
'નગીનદાસભાઈ, જે થવાનું હતું એ થઈ ગયું. હવે આપણે સૌ રડીને મરી જઈએ તો પણ જનારો પાછો આવવાનો નથી. તમે હવે મને એના હત્યારાને શોધવામાં મદદ કરશો તો એના આત્માને શાંતિ મળશે.'
ઘટનાને પંદર દિવસ વિતી ગયા હતા. મલ્હારના પોસ્ટમોર્ટમથી માંડીને ક્રિયા કરમ અને બારમા-તેરમાની બધી જ વિધિઓ પતી ગઈ હતી. અત્યાર સુધી ઘેલાણી એમની રીતે તપાસ કરતા હતા. આજે નગીનદાસ પાસે આવ્યા હતા.
નગીનદાસે ભીની આંખો લૂંછી, 'સાહેબ, પૂછો જે પૂછવું હોય એ. અમે તમને પૂરેપૂરો સહકાર આપીશું. પણ એનો હત્યારો મળે તો એને ફાંસીએ જરૃર લટકાવજો. તો જ અમારા આત્માને પણ શાંતિ થશે.'
'ચોક્કસ!' ઘેલાણીએ કહ્યું અને પછી પૂછ્યું, 'નગીનદાસભાઈ, તમારા દીકરા વિશેની રજેરજ વિગતો અમને કહો. એની કોલેજ, એની જોબ, એના મિત્રો, એના દુશ્મનો અને હત્યાના દિવસે એ ક્યાં ગયો હતો?'
'સાહેબ, મલ્હારે નવયુગ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પુરુ કર્યું હતું. નોકરી નહોતો કરતો. અમારી પાસે ઘણી પ્રોપર્ટીઝ છે એટલે અમને પણ ચિંતા નહોતી. એના ત્રણ ગાઢ મિત્રો છે. નયન, આશુતોષ અને મિહિર. ફરવા જવાનું હોય, પિક્ચર જોવા જવાનું હોય કે પછી બીજે ક્યાંય, મલ્હાર હંમેશા આ ત્રણ મિત્રો સાથે જ રહેતો.'
'એ દિવસે એ ક્યાં ગયો હતો?'
'એ તો સાહેબ, અમને ખબર નથી. જવાન દીકરો ક્યાં ફરે છે એની પૂછપરછ કરવાનું પણ અમને યોગ્ય નહોતું લાગતું એટલે અમે પૂછ્યું નહોતું. એ બપોરે ત્રણ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો અને સાંજે સાત સુધીમાં આવવાનું કહીને ગયો હતો. પણ આઠ સુધી પાછો ન આવ્યો એટલે મેં એને ફોન કર્યો હતો.'
'નગીનદાસભાઈ, મેં તપાસ કરી છે ત્યાં સુધી એની ઉંમર સત્યાવીસ વર્ષની હતી. અત્યાર સુધી એનાં લગ્ન કેમ નથી કર્યા?'
'સાહેબ, એ સાહેબજાદો ક્યાંય છોકરી જ નહોતો પસંદ કરતો. અમે તો એને છોકરીઓ બતાવી બતાવીને થાકી ગયા. એની હત્યાના દિવસે જ એક સરસ છોકરીનું માગું આવ્યું હતું. એટલા માટે જ મેં એને ઝડપથી ઘરે આવી જવા માટે ફોન કર્યો હતો. પણ ભગવાને કંઈ બીજું જ ધાર્યું હતું.'
'ઓકે. એ કહો કે એના ત્રણેય મિત્રો પરણેલા છે કે કુંવારા?'
'નયન અને આશુતોષ પરણેલા છે અને મિહિર કુંવારો છે.'
'મને એમના એડ્રેસ આપો. મારે એમને પણ થોડી પૂછપરછ કરવી પડશે.'
ત્રણેય મિત્રોનું સરનામું લઈને ઘેલાણી નીક ળી ગયા. સૌથી પહેલાં એમણે નયનની મુલાકાત લીધી. એ નયનના ઘરે પહોંચ્યા ત્યારે નયન અને એની પત્ની ધરતી ઘરે જ હતા. બંનેના ચહેરા પર મિત્રના મૃત્યુનો શોક દેખાઈ રહ્યો હતો. નયન તો વાત કરતા કરતા જ રડી પડતો હતો. ઘેલાણીએ એને સાંત્વના આપી અને કહ્યું, 'નયન! મને એક વાતનો જવાબ આપે કે એક વ્યક્તિ તરીકે મલ્હાર કેવો હતો? એ અપરણિત હતો અને પૈસાદાર પણ હતો એટલે સ્વાભાવિક જ થોડો દિલફેંક હશે. કોઈ છોકરી સાથે એના રીલેશન હતા ખરા?'
'હા, સાહેબ! એના ત્રણ-ત્રણ છોકરીઓ સાથે અફેર્સ ચાલતા હતા. એક તો એની સોસાયટીમાં જ રહે છે. પ્રાંજલ નામ છે એનું. બીજી એક સેટેલાઈટમાં રહે છે. એક વાર ચોમાસામાં મલ્હારે એને લીફટ આપી ત્યારથી એમનો સંબંધ શરૃ થયેલો. ત્રીજી છોકરી પણ એ જ રીતે અમે સૌ એક ફિલ્મ જોવા ગયેલા ત્યારે ભટકાઈ ગયેલી. એ એની સાથે પણ પ્રેમમાં પડયો હતો.'
'એટલે એવું કહી શકાય કે મલ્હાર સાવ ચાલુ કીસમનો આદમી હતો?' ઘેલાણીએ આશુતોષનું મન જાણવા પૂછ્યું.
'ના, સાહેબ, તમે જે ગણો એ. પણ હું એવું નહીં કહું. હા, એને એક કરતા વધારે છોકરીઓ સાથે ફરવાનો શોખ હતો. એ સિવાય એનામાં એક પણ એબ નહોતો. અમારા પાંચ-સાત વર્ષ જૂના સંબંધો છે. પણ ક્યારેય મલ્હાર તરફથી અમને કોઈ ફરિયાદ નથી રહી. ગમે તેવો હતો પણ અમારા માટે તો એ અમારી જાન હતો. એના જવાથી અમારી જિંદગી ખાલી થઈ ગઈ છે, સાહેબ!'
નયનને મળી લીધા પછી ઈન્સપેક્ટર ઘેલાણી બીજા બે મિત્રો આશુતોષ અને મિહિરને પણ મળ્યા. બંનેએ એ જ કહ્યું, જે નયને કહ્યું હતું. હત્યાના દિવસે એ ત્રણેય ક્યાં હતા એ તપાસ પણ ઘેલાણી કરી લીધી હતી. એ દિવસે નયન એની ઓફિસમાં જ હતો, આશુતોષ અને એની પત્ની નિર્મલા સાંજના શોમાં ફિલ્મ જોવા ગયા હતા. અને મિહિર સાંજે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી એના વિસ્તારના જીમમાં હતો.
નયને જે ત્રણ છોકરીઓ સાથે મલ્હારના અફેરની વાત કરી હતી એ ત્રણ છોકરીઓને પણ ઘેલાણીએ વારાફરતી પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરી જોઈ હતી. ત્રણે છોકરીઓ એક જ વાત કરી રહી હતી કે મલ્હાર બહુ સારો માણસ હતો અને એમની સાથે જ લગ્ન કરવાનો હતો. ઘેલાણીએ પ્રાથમિક પૂછપરછ કરીને ત્રણેને જવા દીધો અને એમના પર નજર રાખવા માટે એક-બે હવાલદારોને ગોઠવી દીધા.
* * *
બપોરના સાડા ત્રણ થયા હતા. ઘેલાણી અને નાથુ અમદાવાદ ગાંધીનગર હાઈવે પર જઈ રહ્યા હતા. મલ્હારનું મૃત્યું થયું હતું એનાથી થોડે દૂર બે કિલોમીટર દૂર જમણી બાજુ એક કેડી પડતી હતી. ગાડી એ કેડી તરફ વળી.
'સાહેબ, આપણે ક્યાં જઈ રહ્યાં છે?'
'ખીમજીના ઘરે!'
'નાથુ, મલ્હારનું મર્ડર થયુ એ પછી મેં મલ્હારની તસવીર લઈને આ વિસ્તારની આસપાસના લોકોની પૂછપરછ માટે બે ત્રણ લોકોને કામે લગાડયા હતા. ઘણા બધા લોકોની પૂછપરછ કરી પણ મલ્હારનું મર્ડર થતા કોઈએ જોયું નહોતું. પણ ઘટના સ્થળથી બે કિલોમીટર દૂર અહીં ખેતરમાં રહેતા ખીમજી નામના એક ખેડૂતે એવી માહિતી આપી કે એ દિવસે એ અમદાવાદ તરફથી એની લ્યુના લઈને આવી રહ્યો હતો ત્યારે એણે રોડની સાઈડમાં મલ્હારને એક છોકરી સાથે બેઠેલો જોયો હતો. આ હાઈવે પર આવા કેટલાંયે લવરીયા બેઠા હોય છે એટલે એણે બહુ ધ્યાન ના આપ્યું અને ત્યાંથી ચાલી નીકળ્યો. મલ્હાર સાથે છોકરી હતી એને પણ એ જોયે ઓળખી જાય એવું એ કહેતો હતો. કારણ કે એણે એમને જોયા ત્યારે અજવાળું હતું. સાંજના સાડા પાંચ વાગી રહ્યા હતા. આપણી પાસે મલ્હારની ત્રણ લવરોની તસવીર છે. એ આપણે એને બતાવીશું એટલે એ ઓળખી કાઢશે કે એમાંથી કોણે મલ્હારનું ખૂન કર્યું છે.'
ઘેલાણી એક પછી એક તસવીરો ખીમજીને બતાવી રહ્યા હતા. ત્રણે ત્રણ છોકરીઓની તસવીરો ઘેલાણીએ બતાવી પણ ખીમજીએ કહ્યું કે એમાંથી એક પણ છોકરી નહોતી. પછી ઘેલાણીએ બીજી બે તસવીરો કાઢી. પહેલી તસવીરની છોકરી પણ એની સાથે નહોતી. પણ બીજી તસવીરની છોકરી જોતા ખીમજી બોલી ઉઠયો, 'હા, સાયેબ! આ જ છોડી હતી. એ છોકરો આની હારે જ બેઠો હતો અને...'
ઘેલાણી હસ્યા અને નાથુ ચોંક્યો. એ તસવીર હતી. આશુતોષની પત્ની નિર્મલાની. નાથુ બોલ્યો, 'ઓહ, આ તો ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર! મલ્હારે ઘરની થાળીમાં જ છેદ પાડયો હતો એટલે લમણે છેદ પડે એમાં નવાઈ નથી. સાહેબ, મને લાગે છે કે આશુતોષને એની પત્ની નિર્મલા અને મલ્હારના અફેરની વાત ખબર પડી ગઈ હશે એટલે એણે જ એને પતાવી દીધી હશે.'
'યેસ, થિયરી તો આજ કહે છે. કેસ દિવા જેવો સાફ છે. આપણે અત્યારે જ જઈએ અને સૌથી પહેલા નિર્મળાની ધરપકડ કરીએ. એ પકડાશે પછી ગુંચ આપોઆપ ઉકેલાઈ જશે.'
નાથુએ ડોરબોલ વગાડયો એ સાથે જ નિર્મળાએ બારણું ખોલ્યું. ઈન્સપેક્ટર ઘેલાણી અને નાથુને જોઈને એણે પ્રશ્ન કર્યો, 'યેસ, ઈન્સપેક્ટર કોનું કામ છે?
'તમારું જ કામ છે.બોલો કેમ છો?'
'હું તમને ઓળખતી નથી! બોલો શું કામ છે?' નિર્મળાએ કહ્યું. ઘેલાણીને આંચકો લાગ્યો. એ બોલ્યા, 'કેવી વાત કરો છો!' આપણે નગીનદાસના ઘરે મળ્યા હતા. મલ્હારના પપ્પા નગીનદાસ, યાદ આવ્યું કે નહીં? હું ઈન્સપેક્ટર ઘેલાણી અને આ નાથુ.'
'કેવી વાત કરો છો? હું કોઈ નગીનદાસ બગીનદાસને નથી ઓળખતી. કોણ છો તમે? ઘેલાણી અને નાથુને સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે. એ બંને એક વાર નહીં પણ ત્રણ-ત્રણ વાર નિર્મળાને મળ્યા હતા અને છતાં નિર્મળા કહી રહી હતી કે એ એમને ઓળખતી નથી.
ઘેલાણીના મગજનો પારો છટકવાની તૈયારીમાં જ હતો ત્યાં જ કમરામાંથી અવાજ આવ્યો, 'મેક્સીઈઈ... કોણ આવ્યું છે? કોની સાથે રકઝક કરી રહી છે તું?' અને એ અવાજ ધીમે-ધીમે બહાર આવ્યો. ઘેલાણી અને નાથુએ અવાજની દિશામાં જોયું. ત્યાં નિર્મળા ઊભી હતી. ઘેલાણી અને નાથુ ચોંકી ગયા. એમનું આશ્ચર્ય પારખી જઈ તરત જ સામે ઊભેલી નિર્મળાએ કહ્યું, 'ઓહ, ઈન્સપેક્ટર ઘેલાણીસાહેબ તમે? પધારો પધારો. એક્ચ્યુઅલી તમારી સાથે ગરબડ થઈ ગઈ છે. એ નિર્મળા નથી. મારી જુડવા બહેન મિનાક્ષી છે. અમે બંને ચહેરે મહોરે સરખા જ છીએ એટલે બધા થાપ ખાઈ જાય છે. એ હમણાં જ સ્વિત્ઝરલેન્ડથી અહીં ફરવા માટે આવી છે.' વાત કરતી કરતી નિર્મળા એકદમ પાસે આવી અને સોફા પર બેસતા બોલી, 'બોલો બોલો, ઈન્સપેક્ટરસાહેબ, શું સેવા કરું આપની?'
પણ ઘેલાણી અને નાથુ કંઈ બોલી શકે એમ નહોતા. બંનેની બોલતી બંધ થઈ ગઈ હતી અને આંખો ફાટી ગઈ હતી. સરખો જ ચહેરો મહોરો ધરાવતી બે જુડવા બહેનો ઘેલાણી સામે તાકી રહી હતી. ઘેલાણી માટે મહાપ્રશ્ન ખડો થઈ ગયો હતો કે આ બંનેમાંથી મલ્હાર સાથે કોણ હતું?
આજે પહેલીવાર એ ગેં ગેં ફેં ફેં કરીને નિર્મળાના ઘરમાંથી બહાર નીકળી ગયા.
(ક્રમશઃ)
(ઘેલાણીએ સૌથી સહેલો લાગતો આ કેસ હવે ભયંકર ગુંચવાડામાં પડી ગયો છે. પહેલા તો એમણે એ શોધવાનું છે કે મલ્હાર સાથે મિનાક્ષી હતી કે નિર્મળા? બંનેનો ચહેરો સમાન છે. જો સ્હેજ પણ ગફલત થઈ જાય તો ગુનેગાર છટકી જાય અને નિર્દોષને સજા થઈ જાય. ઘેલાણી અને નાથુની જોડી કઈ રીતે આ અટપટા કેસના તાણાવાણા ઉકેલે છે અને કઈ રીતે અસલી ગુનેગારને શોધે છે એ જોઈશું આવતા અઠવાડિયે)

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved