Last Update : 31-July-2012, Tuesday

 

વાર્તા-પ્રેમનો આવિર્ભાવ

તન્મય તન્વીની બાળક જેવી નિર્દોષ આંખોમાં તન્મય થઈ ગયો હતો. તન્વીનો ઈન્ટરવ્યુ લેતી વખતે તેના નેણમાં રહેલી માસૂમિયત, બાળસહજ સ્મિત, દુનિયાદારીની ગેરહાજરી દર્શાવતા ભોળા-સાચુકલા જવાબો સાથે બિઝનેસની ઊંડી સમજ અને પ્રેક્ટિકલ અભિગમ તન્મયના હૃદયને સ્પર્શી ગયાં હતાં. ઈન્ટવ્યુ પૂરો થયા પછી તન્વીને કેબિનની બહાર બેસીને રાહ જોવાનું કહેતી વખતે જ તન્મયે મનમાં ગાંઠ વાળી લીધી હતી કે નોકરી પર તે આ સરળ યુવતીને જ રાખશે. આમ છતાં ઈન્ટરવ્યુ આપવા આવેલા અન્ય ઉમેદવારોનું માન રાખવા તેણે બધાના ઈન્ટરવ્યુની ઔપચારિક્તા પૂરી કરી.
અપોઈન્ટમેન્ટ લેટર હાથમાં આવતાં તન્વીની ખુશીનો પાર નહોતો રહ્યો. તેણે આંખ મીંચી મનોમન ઈશ્વરનો પાડ માન્યો. સારા પગારની નોકરી સાથે બીજો સૌથી મોટો ફાયદો એ હતો કે તેના કામનું સ્થળ ઘરથી ઝાઝું દૂર નહોતું. ઓટોરિક્ષામાં બેઠા પછી દસેક મિનિટમાં તે ઓફિસે પહોંચી શકે તેમ હતી. ન ઘરેથી જલદી નીકળવાની દોડધામ કે ન બસ-ટ્રેન પકડવાની ચંિતા. સાંજે પણ ઘરે આવીને નિરાંતે સિરિયલો જોઈ શકાય કે લેપટોપ લઈને બેસી જઈ શકાય. બીજે દિવસે સવારના તૈયાર થઈ ઓફિસે જવાથી પહેલા તે મંદિરમાં જઈ આવી. તે નાની હતી ત્યારથી મમ્મીના મોઢે સાંભળતી આવતી હતી કે ‘‘દુઃખમાં તો બધાને ભગવાન સાંભરે, પણ સુખમાં ઉપરવાળાનો આભાર સૌથી પહેલાં માનવો. જે સુખ આપણા ભાગ્યમાં લખાયેલું હોય તે બધાના નસીબમાં ન પણ હોય. તેથી પ્રભુનો પાડ માનીને આપણા સુખની કદર અચૂક કરવી. સારા સમયમાં ભગવાનને ભૂલી જાય તેને છકી જતાં વાર ન લાગે.’’ તન્વીએ ભોલેનાથ સામે નતમસ્તક થઈ મૃત માતાપિતાને સંભાર્યાં. તેની આંખોમાં ભીનાશ તરી આવી, પણ આંસુ ટપકી પડે તેનાથી પહેલાં તેણે પોતાની જાતને સંભાળી લીધી. લોકો સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત ન કરવાની, આંસુ પીને ચહેરો હસતો રાખવાની શીખ પણ તેને તેની માતા પાસેથી જ મળી હતી. બચપણથી મમ્મીને આ રીતે રહેતી જોયા પછી તન્વી પણ મનમાં ગમે તેટલી ઉથલપાથલ ચાલતી હોય તોય તે ચહેરા પર વરતાવા ન દેતી. નિયમિત મહાદેવના દર્શન તેને ‘નીલકંઠ’ બનવાની પ્રેરણા આપતાં.
ઑફિસે પહોંચીને તેણે ફાઈલો પર નજર ફેરવી. પછી કમ્પ્યુટર ખોલીને એક એક ફૉલ્ડર ઘ્યાનપૂર્વક જોવા લાગી. પ્યુન આવીને ચા મૂકી ગયો. ચા પીતી વખતે પણ તેણે પોતાનો ‘અભ્યાસ’ જારી રાખ્યો. બાર-સાડાબારના સુમારે તન્મય ઑફિસે આવ્યો ત્યારે એકાગ્રચિત્તે પી.સી.સામે બેઠેલી તન્વીને જોઈને થોડું આશ્ચર્ય અનુભવ્યું. તેને ખલેલ પહોંચાડ્યા વિના તે ચૂપચાપ પોતાની કેબિનમાં ચાલ્યો ગયો. જતાં જતાં પ્યુનને કેબિનમાં આવવાનો ઈશારો કરતો ગયો. ‘‘મેડમ ક્યારે આવ્યા?’’ સામે ઊભેલા પ્યુનને તન્મયે પૂછ્‌યું. ‘‘બરાબર નવના ટકોરે પહોંચી આવ્યાં હતાં અને આવ્યાં ત્યારથી ફાઈલો અને ફૉલ્ડરોમાં ખોવાઈ ગયા છે. પહેલા દિવસે પણ જરાય મુંઝાયા કે ગભરાયા નથી, કે નથી તમારા આવવાની રાહ જોવામાં સમય વેડફ્‌યો.’’ તન્વીથી પ્રભાવિત થયેલા પ્યુને જવાબ આપ્યો અને તે તન્વીથી શા માટે ન અંજાય? આટલાં વર્ષમાં તેણે ક્યારેય કોઈને આટલા મગ્ન થઈને કામ કરતાં નહોતા જોયા, તે પણ ઑફિસના પહેલા દિવસે. કોઈના પણ માર્ગદર્શન વિના તન્વી વર્ષોથી અહીં કામ કરતી હોય એ રીતે કામમાં ડૂબી ગઈ હતી. થોડાં ફોન-કોલ્સ કરવાનું કામ પૂરું કરી તન્મયે ઈન્ટરકૉમ પર જ તન્વીને પોતાની કેબિનમાં આવવાનું કહ્યું. ઈન્ટરકૉમ પર ‘તન્મય છું, મારી કેબિનમાં આવશો?’ સાંભળી તન્વી ચોંકી ઉઠી. ‘સર તમે, તમે ક્યારે આવ્યા? સોરી સર, મને ખબર જ ન પડી.’ તન્વીના સ્વરમાં ભોંઠપ સ્પષ્ટ વરતાતી હતી. ‘ઈટ્‌સ ઓકે તન્વી, તમે આવતાવેંત કામમાં ડૂબી ગયા હતા તે મને ગમ્યું. તન્મયે તન્વીની પ્રશંસા કરી. તન્મયનો પ્રતિભાવ જોઈને તન્વીને હાથકારો થયો. ‘હમણાં આવી સર’, કહી તેણે રિસિવર ક્રેડલ પર મૂક્યું. ખુરશી પરથી ઊભા થઈને તેણે દુપટ્ટો સરખો કર્યો અને તન્મયની કેબિનના દરવાજે ટકોરા માર્યા પછી અંદર પ્રવેશી. તન્મય તન્વીના એટીકેટથી પ્રભાવિત થયો. ‘ગુડ મોર્નંિગ સર’ કહી તન્વી ચૂપચાપ ઊભી રહી ગઈ. ‘ઈટ્‌સ બેટર ટુ સે ગુડ આફ્‌ટરનૂન તન્વી’ તન્મયે તેની ટેવ મુજબ વાતાવરણ હળવું રાખવાનો પ્રયાસ કર્યો. જવાબમાં તન્વીએ ઔપચારિક સ્મિત કર્યું. ‘તન્વી, આ લિસ્ટમાં આપણી કંપનીએ કઈ પાર્ટી સાથે કેટલી લેતી-દેતી કરવાની છે તેની વિગત છે. તે મુજબ જ્યાંથી પેમેન્ટ લેવાનું છે તેમને રિમાઈન્ડર મોકલી આપો અને જેને પેમેન્ટ આપવાનાં છે તેમના ચેક તૈયાર કરી મને મોકલી આપો’ કહી તન્મયે લિસ્ટ સાથે ચેકબુક પણ તન્વી તરફ સરકાવી. ‘ઓકે સર’, કહી તન્વી કેબિનની બહાર નીકળી. એકાદ કલાકની અંદર સઘળું કામ પૂરું કરીને તન્વીએ ચેક પ્યુનના હાથે તન્મયને મોકલી આપ્યાં. તેની કામ કરવાની ઝડપથી અંજાયેલા તન્મયે તન્વીને ફરીથી ઈન્ટરકોમ પર ફોન કરી કહ્યું, ‘વેલ ડન તન્વી, આઈ લાઈક યોર વર્ક સિન્સિયારિટી.’ ‘થેંક્સ સર, હવે શું કરવાનું છે?’ તન્વીએ પૂછ્‌યું. ‘અજય એન્ડ વિજય એસોસિએટ્‌સ સાથે મારી આવતી કાલની મિટંિગ ફિક્સ કરી લો.’ ‘યસ સર’ કહી તન્વીએ ફોન મૂક્યો. ટેબલ પર ગોઠવેલા કાચ નીચે મૂકેલા પાર્ટીઓના નામ અને ફોન નંબરની યાદીમાંથી તન્વીએ અજય એન્ડ વિજય એસોસિએટ્‌સનો નંબર શોધી તન્મયની મિટંિગ ફિક્સ કરી.
સાંજના છના ટકોરે સઘળું કામ આટોપી તન્વી ઘરે જવા તૈયાર થઈ. તેણે તન્મયની કેબિનના દરવાજે ટકોરા માર્યા. ‘કમ ઈન’ અંદરથી તન્મયનો અવાજ આવ્યો. તન્વી અંદર પ્રવેશી, ‘સર હજી કાંઈ કામ બાકી છે?’ તન્વીએ નમ્રતાથી પૂછ્‌યું ત્યારે તન્મયને ખ્યાલ આવ્યો કે છ વાગી ગયા છે અને ઑફિસ આવર્સ પૂરાં થઈ ગયાં છે. ‘નહીં, તમે નીકળો’ તન્મયે જવાબ આપ્યો. ‘ગુડ નાઈટ સર’ કહી તન્વી ઑફિસની બહાર નીકળી. પહેલો દિવસ સારો ગયાનો તેને સંતોષ થયો. રિક્ષામાં બેસી ઘરે ગયા પછી નાહીને તેણે ઘરમંદિરમાં દીવો પ્રગટાવ્યો. પછી કૂકર ગેસ પર મૂકીને તેની ફેવરિટ સિરિયલ જોવા બેઠી.
*****
તન્વીએ બહુ ઝડપથી ઑફિસનું કામ શીખી-સંભાળી લીઘું. અગાઉના જોબનો અનુભવ અને કોઠાસૂઝથી તે દરેક કામ એટલી ચોકસાઈથી કરતી કે તન્મયને તેને ખાસ કાંઈ કહેવાની જરૂર ન પડતી. તેની સૂચનાઓનો અમલ પણ તત્કાળ થતો હોવાથી તન્મય તન્વીથી ખુશ હતો. હવે તેને પોતાના કામ માટે બે-ચાર દિવસ માટે બહાર જવાનું થાય તોય તે નચંિત રહેતો. પરંતુ એક દિવસ તન્મયને તન્વી ઉપર ભારે ક્રોધ ચડ્યો. તેણે ગુસ્સામાં ઑફિસમાં પ્રવેશી પ્યુનને હુકમ કર્યો, ‘તન્વીને મારી કેબિનમાં મોકલ.’ એક મિનિટ બાદ તન્વી તન્મયની સામે ઊભી હતી. ‘તમે અજય એન્ડ વિજય એસોસિએટ્‌સને બિલ મોકલતાં પહેલાં મને પૂછ્‌યું હતું?’ તન્મયે પોતાની જાત પર સંયમ રાખવાનો પ્રયત્ન કર્યો તોય તેના સ્વરમાં રહેલો ક્રોધ સ્પષ્ટ વરતાતો હતો. ‘સર તમારી સૂચના પ્રમાણે અન્ય કંપનીઓની જેમ આ કંપનીને પણ મેં રાબેતા મુજબ બિલ મોકલી દીઘું હતું. ખાસ કરીને તેમને બિલ મોકલવાથી પહેલા તમને પૂછવાનું તમે મને ક્યારેય નથી જણાવ્યું.’ તન્વીના ઉત્તરમાં દ્રઢતા હતી. ‘પરંતુ આ વખતનું તેમનું બિલ રાબેતા મુજબનું નહોતું. તમે તેમાં ડેમરેજની રકમ પણ ઉમેરીને મોકલી. આ કંપનીના માલિકો મારા સારા મિત્રો પણ છે. તેમનું કન્સાઈનમેન્ટ આપણે ઈમ્પોર્ટ કર્યું તે દિવસથી જ તેમના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. આમેય તેઓ રોજ ભારે નુકસાની ભોગવી રહ્યાં છે. એવામાં મિત્રની કંપનીમાંથી ડેમરેજ સાથેનું બિલ જોઈ તેમને ભારે આઘાત લાગ્યો છે.’ તન્મયે આટલું કહી તન્વી સમો ઠપકાભરી નજરે જોયું. પણ તન્વીને તેનાથી લગીરેય ફરક ન પડ્યો. તેણે એટલી જ મક્કમતાથી ઉત્તર વાળ્યો, ‘એક્સક્યુઝ મી સર, જો એમ વાત હતી તો તમારે મને અગાઉથી જણાવી દેવું જોઈતું હતું. અને બીજી મહત્ત્વની વાત, કદાચ તમને નહીં ગમે તોય એમ્પ્લોઈ તરીકેની મારી નૈતિક ફરજ સમજીને કહીશ કે અંગત સંબંધો અને પ્રોફેશનલ રિલેશનશીપની ભેળસેળ કરવાથી કડવાશ જ પેદા થાય. તેમની કંપનીના કર્મચારીઓની હડતાળ સાથે આપણી કંપનીને શું નિસ્બત. તમે તેમના મિત્ર છો તેથી તેઓ તમારી પાસેથી એવી અપેક્ષા રાખે છે કે તેમના કન્સાઈનમેન્ટનું ડેમરેજ તમારી કંપની ભરે. પણ શું તેમની અન્ય પાર્ટીઓ પાસેથી તેઓ આવી આશા રાખે છે? જો તેમની બધી પાર્ટી તેમના હિસ્સાનું નુકસાન વહેંચી લે તો તેમને કોઈ જાતનું નુકસાન ભોગવવાનો વારો જ ન આવે.’ તન્વીનો જવાબ સાંભળીને તન્મય અવાચક થઈ ગયો. ત્યાં જ અચાનક પાછળથી એક અવાજ આવ્યો, ‘બિલકુલ સાચી વાત કહે છે આ છોકરી.’ તન્વીએ ચોંકીને પાછળ જોયું. તેની આંખમાં પ્રશ્નાર્થ જોઈ આગંતુકે કહ્યું, ‘બાપ છું હું તન્મયનો. હું તો એને ઘણીવાર સમજાવતો કે બિઝનેસ દિલથી નહીં, દિમાગથી થાય. આપણે કોઈને છેતરીએ નહીં તે સારી વાત છે, પણ છેતરાઈ ન જવા જેટલા પ્રેક્ટિકલ તો થવું જ જોઈએ. બેટા, શું નામ છે તારું?’ ‘જી, તન્વી.’ તન્વીએ નમ્રતાથી જવાબ આપી સંતોષરાય સામે હાથ જોડ્યા. પિતાને ઓચંિતા પોતાની ઓફિસે આવી ચડેલા જોઈને તન્મયે આશ્ચર્યથી પૂછ્‌યું, ‘પપ્પા તમે અહીં? આમ અચાનક?’ ‘કેમ, મારા પુત્રની ઓફિસે આવવા મને અપોઈન્ટમેન્ટ લેવી પડશે?’ સંતોષરાય હસ્યા. ‘નહીં પપ્પા, મારા કહેવાનો મતલબ એવો નહોતો.....’ તન્મય હજી વાત પૂરી કરે તેનાથી પહેલાં જ સંતોષરાયે તેને અધવચ્ચે અટકાવતાં કહ્યું, ‘તું મને તારો મતલબ સમજાવવાને બદલે આ છોકરી શું કહે છે તેનો અર્થ સમજ.’ ‘જી પપ્પા, તમે બેસો હું ચા મંગાવું છું’ કહી તન્મયે તન્વી સામે જોયું. તન્વીને પણ પિતા-પુત્ર વચ્ચે ઉભા રહેવાનું ઠીક ન લાગતાં તેણે એમ કહીને બહાર જવા પગ ઉપાડ્યા કે ‘હું પ્યુનને ચા લાવવાનું કહું છું.’ પણ તન્વી કેબિનથી બહાર નીકળે તેનાથી પહેલાં સંતોષરાયે તેને રોકી. ‘એક મિનિટ ઉભી રહે બેટા, હમણાં હમણાં તન્મય બિઝનેસનો બોજો માથા પર લઈને ઘરે નથી આવતો. તેના પરથી લાગે છે કે તેં તેનું ઘણું ટેન્શન ઓછું કરી નાખ્યું છે. વળી આજે મેં તારી મક્કમતા અને વહેવારું અભિગમનો પ્રત્યક્ષ પરિચય કર્યો છે.’ પછી તન્મય સામે જોઈ પોતાની વાત આગળ ધપાવતાં કહ્યું, ‘તન્મય મને લાગે છે કે તારે તારી મહત્ત્વની બિઝનેસ મિટંિગ્સમાં તન્વીને સાથે રાખવી જોઈએ.’ સંતોષરાયે સૂચન કર્યું.
*****
ઑફિસની જેમ બહારની મિટંિગોનું પણ મોટાભાગનું કામ તન્વીએ ઝપાટાભેર સંભાળી લીઘું. મિટંિગ પહેલાની બધી તૈયારી તે એકદમ ચોકસાઈથી કરતી. ઈન્ટરેક્શન દરમિયાન તેના તરફથી અપાતા સૂચનો હમેશાં તન્મય માટે ફળદાયી પુરવાર થતાં. મૈત્રીપૂર્ણ સંબંધોમાં સ્પષ્ટ વાત કરતી વખતે તન્મય જ્યાં ખચકાતો ત્યાં તન્વી બાજી સંભાળી લેતી. ધીમે ધીમે તન્મયને તન્વીને સાથે રાખવાની ટેવ પડી ગઈ. ટેક્સ બેનિફિટ માટે ક્યાં રોકાણ કરવું એ બાબતનું તન્વીનું નોલેજ ગજબનું હતું. તન્મયની કંપની ઝડપથી પ્રગતિ કરી રહી હતી. સાથે સાથે અત્યાર સુધી તન્વીની બુઘ્ધિમત્તાથી પ્રભાવિત થયેલો તન્મય તેજ ગતિથી તેના તરફ ઢળી રહ્યો હતો. તન્વીને પૂછ્‌યા વિના એક ડગલુંય ભરવાનું તન્મય માટે મુશ્કેલ બની રહ્યું હતું. તન્વી પણ આ વાત સમજી ગઈ હતી, આમ છતાં તે તન્મયથી ચોક્કસ અંતર જાળવી રાખતી. કામમાં સઘળું ઘ્યાન કેન્દ્રિત કરીને મન-મગજને વધારાના વિચારો કરવાની તક ન આપતી તન્વી સાંજે ઘરે એકલી પડતી ત્યારે દિલનો એક ખૂણો કણસી ઉઠતો. સિરિયલમાં આવતું કોઈક દ્રશ્ય કે કોઈક સંવાદ તેને ભૂતકાળમાં ઘસડી જતું અને તન્વી ધ્રસ્કે ઘુ્રસ્કે રડીને મન હળવું કરી લેતી. પણ વર્કંિગ આવર દરમિયાન પીડાને હૈયાના ખૂણે ભંડારી દેતી.
*****
તન્વી, આપણે કાલે એક મિટંિગ માટે વડોદરા જવાનું છે.’ તન્મયે કહ્યું. ‘ઓકે સર’ કહી તન્વીએ વડોદરાની મિટંિગની તૈયારી કરી લીધી. બીજે દિવસે મિટંિગ પૂરી કરીને બંને ડિનર કરવા ગયા. રાત્રિ ભોજન પછી બંને મુંબઈ પરત ફરવાના હતા ત્યાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. તોફાની પવન સાથે ઘૂળની ડમરીઓ ઉડવા લાગી. વૃક્ષો મૂળસોતા ઉખળી જમીન દોસ્ત થઈ રહ્યાં હતાં. વીજળીના થાંભલા પડવા લાગ્યાં. જોતજોતામાં વિજળી ગુલ થઈ ગઈ. હવે અહીંથી નીકળી શકાય તેમ નહોતું. બંને વાવાઝોડું શમે તેની રાહ જોઈને રેસ્ટોરાંમાં જ બેસી રહ્યાં. પવનનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું હતું, પણ તન્મયનું મન આજે તોફાને ચડ્યું હતું. તેણે તન્વીને કહ્યું, ‘તન્વી ચાલ, નજીકમાં કોઈ હોટેલની રૂમમાં રાતવાસો કરવા સિવાય છૂટકો નથી. સવારના જે વાહન મળશે તે પકડીને મુંબઈ જવા નીકળી જઈશું. બંનેએ આંખમાં ઘૂળ ન ઉડે એટલે ગોગલ્સ પહેરી લીધાં. મોબાઈલની ટોર્ચ ચાલુ કરી રેસ્ટોરાંથી બહાર નીકળ્યા. વાવાઝોડાએ વેરેલો વિનાશ જોઈ સંવેદનશીલ તન્વી વિચલિત થઈ ઉઠી. તન્મયે તન્વીનો હાથ ઝાલી લીધો. તન્મયની હથેળીમાં રહેલી ઉષ્માએ તન્વીને જાણે કે સાંત્વન આપ્યું. બંને એક હોટેલ પર પહોંચ્યા તો તેમની જેમ અચાનક રાતવાસો કરવા આવવાવાળા લોકોની ભીડ જામી હતી. રેલવે સ્ટેશનથી પ્રવાસીઓ પોતાના બેગ-બિસ્તરા લઈને આસપાસની હોટલોમાં રૂમ શોધી રહ્યાં હતાં. આવી સ્થિતિમાં તન્મય માંડ એક રૂમ મેળવી શક્યો. હવે તેની અંદર ઉઠેલું તોફાન વાવાઝોડામાં પરિણમી રહ્યું હતું. બંને રૂમમાં પહોંચ્યા. તન્મયે હળવેથી દરવાજો બંધ કર્યો. ઓરડામાં અંધારાનું સામ્રાજ્ય હતું. તન્મયે ફરી તન્વીનો હાથ પકડ્યો અને તેને અંદર સુધી લઈ ગયો. તન્મયના હાથમાં રહેલી ગરમીએ તન્વીના રોમ રોમમાં ઝણઝણાટી પ્રસરાવી દીધી. આટલા વખતના સંયમનો બંધ જાણે તૂટી રહ્યો હતો. તન્વી પણ પોતાની જાત પરનો કાબૂ ગુમાવી રહી હતી. બંનેના હૈયા જોરથી ધબકી રહ્યાં હતાં. તન્મયે અનાયાસે તન્વીને પોતાના તરફ ખેંચીને હૃદય સરસી ચાંપી દીધી. તેના મજબૂત બાહુ તન્વીને જોરથી ભીંસી રહ્યા. પળભર માટે તન્વીનું કાળજું કંપી ઉઠ્યું, પછી બીજી જ પળે તે તન્મયના આવેગમાં તણાઈ ગઈ. સવાર સુધીમાં બંનેના મનના ઝંઝાવાત શમી ગયા હતા.
*****
મુંબઈ આવ્યા પછી બંને પોતાની ઘરેડમાં ફરીથી ગોઠવાઈ જવાનો સભાન પ્રયત્ન કરી રહ્યાં હતાં. પણ બંનેના ચહેરા પર છવાયેલો આનંદ છૂપો નહોતો રહેતો. અલબત્ત, ઑફિસમાં બેઉ સંયમ જાળવતા. પરંતુ ઑફિસ આવર્સ પછી એકમેકને મળ્યા વિના બેઉને સોરવતું નહીં. જોકે તન્વીની બદનામી ન થાય એટલે તન્મય ક્યારેય તેના ઘરે નહોતો જતો. પણ અઠવાડિયામાં બે-ચાર વખત બંને રેસ્ટોરાંમાં ડિનર કરવા જતાં. પુષ્પાબહેને પુત્રમાં આવેલું પરિવર્તન માપી લીઘું. તેમણે એક રાત્રે સંતોષરાયને પૂછ્‌યું, ‘તન્મયની ઑફિસમાં કામ કરે છે એ તન્વીને તમે જોઈ છે ને? કેવી છે એ છોકરી?’ પત્નીનો પ્રશ્નો સાંભળી સંતોષરાયને આશ્ચર્ય થયું. ‘આજે અચાનક તને તન્વી કેમ સાંભરી આવી?’ તેમણે પત્નીને સામો પ્રશ્ન કર્યો. ‘પહેલા તમે મારા સવાલનો જવાબ આપોને’ પુષ્પાબેન અકળાઈ ઉઠ્યાં. ‘સારી છોકરી છે. હોંશિયાર છે. તેના આવ્યા પછી તન્મયનો ભાર ઘણો હળવો થઈ ગયો છે અને ધંધામાં પણ પ્રગતિ થઈ છે.’ સંતોષરાયે ઉત્તર વાળ્યો. ‘એ તો બઘું મને પણ દેખાય છે. મારો પૂછવાનો અર્થ એ હતો કે તે તન્મયને યોગ્ય છે ખરી?’ પત્નીની વાત સાંભળીને સંતોષરાય ચોંકી ઉઠ્યા. ‘આ તે વળી તું કેવી વાત કરે છે? શું આપણી ન્યાતમાં તન્મય માટે કન્યાઓનો તોટો છે કે તેનાથી ઉંમરમાં મોટી અને પરિવાર વિનાની એકલીઅટૂલી છોકરી તેના ગળે બાંધવાનો વિચાર કરે છે?’ સંતોષરાયે ક્રોધિત સ્વરમાં ઉત્તર વાળ્યો. ‘શું? તન્વી તન્મય કરતાં ઉંમરમાં મોટી છે? તેના ઘરમાં કોઈ નથી? ત્યારે તો જરૂર તે આપણા ભોળાભાળા તન્મયને ફસાવી રહી છે. આવી છોકરીઓ આવા જ ધંધા કરતી હોય છે.’ પુષ્પાબહેનના સ્વરમાં ભય સાથે ગુસ્સો પણ ભળ્યો. પત્નીની વાત સાંભળીને સંતોષરાયને આંચકો લાગ્યો. ‘આ તું કેવી વાત કરે છે? તેં એમ કેમ ધારી લીઘું કે તન્વી તન્મયને ફસાવી રહી છે? શું તન્મયે તારી સાથે એવી કોઈ વાત કરી છે? સંતોષરાયે પ્રશ્નોની ઝડી વરસાવી. ‘ના, તન્મયે મને કાંઈ નથી કહ્યું. પણ તેના વર્તનમાં આવેલું પરિવર્તન તમને નથી દેખાતું? તન્મયના ચહેરા પર કારણ વિના સ્મિત ફરી વળે છે. અગાઉ તમે ક્યારેય તેને આટલા આનંદ-ઉલ્લાસમાં જોયો છે. અઠવાડિયામાં બે-ચાર વખત અચૂક બહારથી જમીને જ આવે છે. તેનું મન કળવા આટલું પૂરતું નથી?’ પુષ્પાબહેને ઉત્તર વાળ્યો. સંતોષરાયને પણ પત્નીની વાતમાં તથ્ય લાગ્યું. બંનેએ પુત્રના હૃદયનો તાગ મેળવવાનું નક્કી કર્યું.
*****
‘તન્મય, હમણાં મામાના ઘરે સત્યનારાયણની પૂજા હતી ત્યારે તારા મામીએ તારા માટે સરસ મઝાની બે-ત્રણ છોકરીઓ વિશે વાત કરી હતી. બધી સારા ઘરની અને ઉચ્ચ શિક્ષિત છોકરીઓ છે. તું તેમને જોઈ લે. પછી જે પસંદ પડે તેની સાથે તારા લગ્ન ગોઠવી દઈએ. આપણી નાતમાં આપણું ખોરડું ખાનદાન ગણાય છે. આમેય તેં ધંધામાં જે પ્રગતિ કરી છે તે જોઈને કોઈ કન્યા કે તેના કુટુંબીજનો તારા માટે ના નહીં પાડે.’ એક રાત્રે ડિનર ટેબલ પર પુષ્પાબહેને વાત મૂકી. ‘મમ્મી, મને હમણાં લગ્ન નથી કરવા’ અચાનક આવેલા પ્રસ્તાવથી મૂંઝાઈ ગયેલા તન્મયે વાત ટાળવાનો પ્રયત્ન કર્યો. ‘જો બેટા, હવે તારી સંસાર માંડવાની ઉંમર થઈ ગઈ છે. બીજી બધી રીતે પણ તું વેલ સેટલ થઈ ગયો છે. તો પછી સમયસર ઘર વસાવી લેવામાં શું વાંધો છે?’ પુષ્પાબહેને દલીલ કરી. ‘ઠીક છે, હું થોડો વિચાર કરીને જવાબ આપીશ.’ તન્મયે તાત્પુરતી વાત ટાળી. બે દિવસ રાહ જોયા પછી પુષ્પાબહેને લાગલું જ પૂછ્‌યું, ‘ક્યારે ગોઠવવું છે છોકરી જોવાનું’ ‘મેં હજી કાંઈ વિચાર નથી કર્યો.’ તન્મયે ફરીથી વાત ઉડાવવાનો પ્રયાસ કર્યો. ‘જો તન્મય, સારા ઠેકાણા હાથમાંથી સરી જાય પછી પસ્તાવાનો વારો આવે. તેથી સમયસર જવાબ આપવામાં જ ભલાઈ છે.’ પુષ્પાબહેને શાંતિથી વાત કરવાનો પ્રયત્ન કર્યો. ‘પણ મમ્મી.....’ તન્મય થોથવાયો. ‘પણ શું બેટા? તને વાંધો શું છે? જો તને કોઈ છોકરી ગમતી હોય તો કહી દે જેથી અમે બીજે ક્યાંય વાતચીત જ ન કરીએ.’ પુષ્પાબહેને તન્મયને સાણસામાં લીધો. ‘મમ્મી’, પળભર ખચકાયા પછી તન્મયે મક્કમતાથી કહી દીઘું, ‘મને મારી ઑફિસમાં કામ કરતી તન્વી ગમે છે અને હું તેના સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરવાનો વિચાર સુઘ્ધાં નથી કરી શકતો.’ ‘શું? પુત્રની વાત સાંભળી સંતોષરાય તાડૂક્યા. તને આખી દુનિયામાં તન્વી સિવાય બીજી કોઈ છોકરી ન મળી?’ ‘કેમ પપ્પા, તમે તો હમેશાં તેની બહુ પ્રશંસા કરો છો. તો પછી તેને તમારી વહુ કેમ ન બનાવી શકાય?’ તન્મયે દલીલ કરી. ‘તું હજીયે એવો જ અક્કલનો ઓથમીર રહ્યો. એ તારી પાસે નોકરી કરે છે. ઉંમરમાં તારા કરતા ઘણી મોટી દેખાય છે. દેખાવમાં પણ ખાસ આકર્ષક નથી. આપણી ન્યાતની પણ નથી. વળી સાવ એકલીઅટૂલી. કોને ખબર કેવાય ગોરખધંધા કરતી હોય. તને ફસાવ્યો એમ બીજા કોઈને પણ ફસાવીને બેઠી નહીં હોય એની શું ખાતરી? આવી છોકરીઓનો પાઈનોય ભરોસો ન કરાય.’ સંતોષરાયે દુનિયાદારી દાખવી. ‘પપ્પા, આ તમે શું બોલો છો? તન્વીના મમ્મી-પપ્પા મૃત્યુ પામ્યા છે એનો અર્થ એવો નથી કે તે અસંસ્કારી છે. અને તમને એવું કોણે કહ્યું કે તે મને ફસાવી રહી છે? હકીકતમાં હું જ સૌથી પહેલા તેના તરફ આકર્ષાયો હતો. તે તો હમેશાં મારી સાથે ચોક્કસ અંતર જાળવી રાખતી.’ પિતાની આમન્યા જાળવી તન્મયે ક્રોધ પર કાબૂ રાખી સંયમપૂર્વક ઉત્તર વાળ્યો. ‘જાળવી રાખતી ને? કેટલો વખત? અંતે તો પોતાની જાત પર આવી ગઈ ને? તારી ઉપર ઉપકાર કરતી હોય એવો દેખાડો કરીને તને આંટામાં લઈ લીધો ને? સંતોષરાયનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. હવે તન્મય માટે પણ સંયમ જાળવવાનું મુશ્કેલ બની રહ્યું હતું. તન્વી વિશે વઘુ એકપણ ગમે તેવી વાત સાંભળવાની તેની તૈયારી નહોતી. તેણે માતાપિતાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીઘું. ‘તન્વી બહુ સારી છોકરી છે. હું લગ્ન કરીશ તો ફક્ત તેની સાથે. બાકી બધી મારી મા-બહેન.’ પુત્રનો જવાબ સાંભળી સંતોષરાય-પુષ્પાબહેન અવાચક્‌ થઈ ગયા. પણ તેમણે તન્વીને ગમે તેમ કરીને પુત્રના જીવનથી દૂર કરવાનો નિર્ધાર કરી લીધો.
*****
એક દિવસ લાગ જોઈને બંને તન્મયની ઑફિસે પહોંચી ગયા. સંતોષરાયે તન્વીની કેબિનનો દરવાજો ખોલ્યો. સંતોષરાયને જોઈને તન્વી બોલી ઉઠી ‘પપ્પા તમે? અંદર આવો ને.’ ‘તે અંદર તો આવીશ જ.’ સંતોષરાયના સ્વરમાં રહેલી સખતાઈથી તન્વી ચોંકી ઉઠી. હજી તે કાંઈ વિચારે તેનાથી પહેલા પુષ્પાબહેન કેબિનમાં દાખલ થયા. તન્વીને પગથી માથા સુધી જોયા પછી સંતોષરાય સામે ફરીને પુષ્પાબહેને પૂછ્‌યું, ‘આજ છે એ છોકરી જેની પાછળ આપણો તન્મય ઘેલો થયો છે?’ ‘હા, આણે જ આપણા દીકરાને ફસાવ્યો છે.’ સંતોષરાયે જવાબ આપ્યો. પતિ-પત્નીની વાતો સાંભળી તન્વીને ભારે આંચકો લાગ્યો. તે પોતાની જાતને સંભાળે તેનાથી પહેલાં ફરીથી પુષ્પાબહેન તન્વી સામે ફરીને બોલ્યા, ‘કેમ આવડી ઢાંઢા જેવડી થઈ ગઈ તોય એકલી રહે છે. તારા જેવડી છોકરી તો પોતાના છોકરાઓને સ્કૂલે લેવા-મૂકવા જતી હોય. એને બદલે તું તારાથી નાના યુવાનોને ફોસલાવવાના ધંધા કરે છે અને તેમાંય તને અમારો તન્મય જ મળ્યો.’
હવે તન્વી વઘુ સાંભળી શકે તેમ નહોતી. ‘તમે તન્મયના માતા-પિતા છો એટલે હું બઘુ સાંભળી રહી છું. પણ હવે બહુ થયું. મેં તન્મયને કે બીજા કોઈને ફસાવવાના ધંધા નથી માંડ્યા.’ ‘તો પછી તન્મય માત્ર તારી સાથે જ લગ્ન કરવાની રઢ લઈને શા માટે બેઠો છે? તેં જ એને તારા મોહપાશમાં બાંધી રાખ્યો છે ને? અરે.... તને ઘર માંડવું હોય તો તારી ઉંમરના પુરૂષ જોડે માંડ ને. મારા તન્મય પાછળ શા માટે પડી છે?’ સંતોષરાય વરસી પડ્યા. ‘અરે, આના જેવી છોકરીને ઘર તો માંડવુ જ નથી હોતું. નહીં તો ક્યારનીય લગ્ન કરીને ઠરીઠામ થઈ ગઈ હોત’ પુષ્પાબહેને ટોણો માર્યો. તેમના વેણે તન્વીની દુખતી નસ દબાવી. તેનું હૈયું ભરાઈ આવ્યું, આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે હાથ જોડી બંનેને વિનંતી કરી, ‘બસ કરો. મેં તન્મયને ક્યારેય મારી સાથે લગ્ન કરવાનું નથી કીઘું. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. પણ આજદિન સુધી લગ્નની વાત નથી કરી. પછી પુષ્પાબહેન સામે ફરીને બોલી, ‘તમે કહો છો ને કે મારા જેવી છોકરીને ઘર નથી વસાવવું હોતું. પણ આ વાત સાચી નથી. મારા લગ્ન થયા હતા, પણ.....’ તેની વાત સાંભળી પુષ્પાબહેન પળભર માટે અવાચક્‌ થઈ ગયા. પછી અચાનક તેના ઉપર ત્રાટક્તા હોય એમ કહ્યું, ‘પણ શું? તેં તારા ભાયડાને છોડી દીધો કે તારા ધણીએ તને ધક્કા મારીને કાઢી?’ તેમનો ટોણો સાંભળી તન્વી ભાંગી પડી. પછી એકદમ ઉદાસ સ્વરે કહ્યું, ‘આવું કાંઈ નહોતું થયું.હું બાળકને જન્મ આપી શકું તેમ નથી તેથી મારી જાતે જ મારા પતિના જીવનમાંથી ખસી જઈને તેમનો માર્ગ મોકળો કરી આપ્યો હતો.’ તેની સંપૂર્ણ ઈમાનદારીથી કહેવાયેલી વાત સાંભળી બંને સ્તબ્ધ બની ગયા. પણ પળવારમાં પુષ્પાબહેનના મગજમાં ઝબકારો થયો. ‘તો પછી તું મારા તન્મયના જીવનમાંથી પણ કેમ નથી ખસી જતી? અમે તન્મયની જિદ્‌ સામે નમી જઈએ તોય અમારો વંશવેલો તો આગળ ન જ વધે ને’ તેઓ શાંતિથી બોલ્યા. ‘ચાલો, આ રીતે પણ તમે કબૂલ તો કર્યું કે મારી સાથે લગ્ન કરવાની હઠ તન્મયની છે. મેં તેને નથી ફસાવ્યો. પણ તમે ચંિતા ન કરો. હું તન્મયને સમજાવીશ કે તે તમારી પસંદગીની કન્યા સાથે લગ્ન કરી તમારો વંશવેલો આગળ ધપાવે. માતાપિતાની ઈચ્છાપૂર્તિની કંિમત કદાચ તન્મય કરતાં હું વધારે સારી રીતે સમજી શકું છું.’ તન્વીએ સંતોષરાય-પુષ્પાબહેનને ભરોસો અપાવ્યો.
*****
‘પણ હું તારી વાત નથી માનવાનો તન્વી.’ અચાનક તન્મયનો અવાજ સાંભળી તન્વી ચોંકી ઉઠી. તેણે પ્રશ્નાર્થ નજરે તન્મય સામે જોયું. તન્મયને જોઈને, તેની વાત સાંભળીને સંતોષરાય-પુષ્પાબહેન ભોંઠા પડી ગયા. તેમનો ચહેરો ચોરી કરતાં પકડાઈ ગયા હોય એવો થઈ ગયો. બંનેએ નજર નીચે ઢાળી દીધી. તન્મય કેબિનમાં દાખલ થયો અને માતાપિતાની હાજરીને અવગણતો હોય તેમ સીધો જ તન્વી સામે જઈને ઊભો રહી ગયો. ‘તન્વી મેં બહાર ઊભા ઊભા તમારી બધી વાતો સાંભળી છે. મા-બાપ બનવા સંતાનને જન્મ આપવાનું ફરજિયાત નથી હોતું. આ દુનિયામાં લાખો અનાથ બાળકો માતા-પિતાના પ્રેમ-હૂંફ માટે તરસતા હોય છે. આપણે એમાંના એક બાળકને દત્તક લઈને સંતાનસુખ મેળવી લઈશું.’ પછી માતા-પિતા સામે ફરીને તેમને એટલું જ પૂછ્‌યું, ‘તમને તમારી કેટલી પેઢીના વડિલોના નામ યાદ છે?’ સંતોષરાય-પુષ્પાબહેન પાસે આનો કોઈ જવાબ નહોતો. તેમના કાપો તો લોહી ન નીકળે એવા ચહેરા સામે જોઈને તન્મયે વેધક પ્રશ્ન પૂછ્‌યો, ‘જે લોકો રાધા-કૃષ્ણના પ્રેમના ગુણગાન ગાતા હોય, તેમને પૂજતા હોય તે લોકો પોતોના સંતાનના પ્રેમને કેમ નહીં સ્વીકારી શકતા હોય?’
તન્મયનો પ્રશ્ન સંતોષરાય-પુષ્પાબહેનના હૈયા સોંસરવો ઉતરી ગયો. બંનેએ એકબીજા સામે જોયું અને આંખો આંખોમાં જ વાત કરી લીધી. પછી સંતોષરાયે તન્મય પાસે જઈને તેનો હાથ ઝાલ્યો. પુષ્પાબહેન આંખમાં ઝળઝળિયા સાથે ઊભેલી તન્વી પાસે ગયા અને તેનો હાથ પકડી તન્મયના હાથમાં મૂકી દીધો.
વૈશાલી ઠક્કર

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved