ફિલ્મનાં પ્રમોશન માટે રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા દેશભરમાં સ્ટેજ શો કરશે

 

-પ્રીતમ પણ સાથે જોડાશે

 

- ફિલ્મમાં ગીતો આ બન્ને કલાકારો પોતે ગાશે

 

મુંબઈ, તા. ૩૦

 

પ્રિયંકા ચોપરાને ગાવાનો શોખ છે એ વાત જગ જાહેર છે અને તે એક આંતરરાષ્ટ્રીય આલ્બમ પર કામ કરી રહી હોવાનું પણ સૌ જાણે છે. ‘બ્લફ માસ્ટર’ની એકાદ-બે પંક્તિ સિવાય દર્શકોને પ્રિયંકાના મધુર કંઠનો પરિચય થયો નથી અને સંજોગો જોતાં તેનું આલ્બમ બહાર પડે એ માટે તેમણે થોડી વઘુ રાહ જોવી પડશે.

 

જોકે અનુરાગ બાસુએ પ્રિયંકાને સ્ટેજ પર તેની ફિલ્મ ‘બર્ફી’ના ગીતો પ્રેક્ષકો સામે ગાવા માટે મનાવી લીધી છે. આટલું જ નહીં પણ તેની સાથે રણબીર કપૂર પણ ગાવાનો છે.

 

આ ફિલ્મની નજીકના એક સૂત્રે જણાવ્યા પ્રમાણે ‘અનુરાગે પ્રિયંકા સાથે વાતચીત કરીને તેને પ્રેક્ષકો સામે તેની ફિલ્મના ગીતો ગાવા માટે કોઈ અસુવિધાનો અનુભવ થશે ખરો એમ પૂછ્‌યું હતું. કેટલાક દિવસો વિચાર કર્યાં પછી પ્રિયંકાએ આ માટે તૈયારી દેખાડી હતી. રણબીરને પણ આ વિનંતી કરવામાં આવી ત્યારે તેણે પણ ખેલદિલી દાખવી તરત જ સંમતી આપી દીધી હતી.’’

 

ફિલ્મના પ્રમોશન દરમિયાન માત્ર રણબીર અને પ્રિયંકા પાસે ગવડાવવાનો વિચાર અપૂર્ણ લાગતા અનુરાગે પ્રીતમને પણ આ કાર્યકમમાં હાજરી આપવાની વિનંતી કરી હતી.

 

‘‘અનુરાગે પ્રીતમને તેના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને આ બન્ને કલાકારો સાથે સ્ટેજ પર કાર્યક્રમ આપવા માટે કહ્યું હતું. આ શો ઑગસ્ટ મહિનાના અંતમાં વિવિધ શહેરોમાં યોજાશે.

 

પ્રીતમે તેના સમયપત્રકમાં ફેરફાર કરીને તરત જ આ માટે હા પાડી દીધી હતી,’’ એમ સૂત્રે ઉમેર્યું હતું.

 

સૂત્રે વઘુમાં જણાવ્યા પ્રમાણે, હવે અનુરાગની બધી ચંિતા દૂર થઈ ગઈ છે. પ્રિયંકા અને રણબીરને સાથે ગાતા જોવાની તેની ઇચ્છા હવે પૂરી થઈ ગઈ છે.