'ગુજરાતનાં મુખ્યમંત્રી મોદીની પ્રશંસા કરનારો મર્યો સમજો'

 


-આ તો વોટબેંકનું પોલિટિક્સ છેઃ ભાજપ

 

 

-ગુજરાતનો મુદ્દો વળગણ રૂપ બની ગયો

 

નવી દિલ્હી, તા.31 જુલાઇ, 2012

 

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરનારો મર્યો સમજો એવું જણાવી ભાજપે સોમવારે કહ્યું હતું કે આ તો અત્યંત નિમ્ન કક્ષાનું વોટ-બેંક પોલિટિક્સ છે.

 

ભાજપે સતત ગુજરાત અને મોદીની ટીકા કરનારા તમામને આડે હાથે લીધા હતા કે તેઓ આસામના હંિસાચાર અંગે કેમ મૌન સેવે છે. ‘એક વિચિત્ર કહી શકાય એવી અસ્પૃશ્યતા ગુજરાત અને મોદીના મુદ્દે સર્જવામાં આવી રહી છે જે અત્યંત હીન કક્ષાનું વોટ-બેક પોલિટિક્સ છે. ભાજપ એ પ્રકારના પોલિટિક્સની આકરી ટીકી કરે છે’ એમ ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું હતું.

 

આ સંદર્ભમાં તેમણે સમાજવાદી પક્ષે હાંકી કાઢેલા શાહિદ સિદ્દીક અને કોંગ્રેસના સાંસદ વિજય દર્ડા જેમણે ગુજરાતના સુચારુ વહીવટની પ્રશંસા કરી હતી અને હાલ જેમની કોંગ્રેસ પક્ષ દ્વારા ઊલટતપાસ લેવાઇ રહી છે એ દાખલા ટાંક્યા હતા. ‘જે નેતાઓ ગુજરાતના સુચારુ વહીવટની અને વિકાસની પ્રશંસા કરે છે એમને તરત શિકાર બનાવવામાં આવે છે’ એમ તેમણે કહ્યું હતું.