લોકો અમારી મિત્રતાને વખોડે છે શા માટે? ઃ ફરાહ ખાન

 

- લડાઇ તો દરેક જગ્યાએ થતી રહે છે

 

- શાહરૃખ ખાન છે હેપ્પી ન્યૂ યરનો હીરો

 

મુંબઇ, તા. ૩૧ જુલાઇ, ૨૦૧૨

 

લડવુ-ઝઘડવું અને ફરી એક થઇ જવું એ તો દુનિયાનો અને મિત્રતાનો દસ્તૂર છે તો પછી જ્યારે કોઇ બે સેલિબ્રિટી વચ્ચે ફાઇટ થાય તો તેને શા માટે ચર્ચાના ચગડોળે ચડાવવામાં આવે છે એ મને સમજાતું નથી - આ શબ્દો છે ફરાહ ખાનના. કોરિયોગ્રાફર, ડિરેક્ટર ટર્ન એક્ટર ફરાહ ખાન તેના અને શાહરૃખ ખાન વચ્ચે થયેલા વિવાદ અને સુલેહને લઇને જે વિવેચન થઇ રહ્યું છે તેને લઇને ભારે આક્રોશિત છે.

 

કરણ જોહરે અગ્નિપથની સફળતા માટે આપેલી પાર્ટીમાં શાહરૃખ ખાન અને ફરાહ ખાનના પતિ શિરીષ કુંદેર વચ્ચે લડાઇ થઇ હતી જે ટૉક ઓફ ધ ટાઉન બની હતી. ત્યારબાદ ફરાહ અને શાહરૃખના સંબંધમાં તિરાડ પડી હતી.

 

જોકે સમય જતાં હવે બંને વચ્ચે સુલેહ થઇ ગઇ છે અને જૂની મિત્રતા ફરી તાજી થઇ ગઇ છે. ફરાહ તેની આગામી ફિલ્મ હેપ્પી ન્યૂ યરમાં શાહરૃખને કાસ્ટ કરી રહી છે.

 

ફરાહ કહે છે, અમે ફિલ્મ લાઇનમાં છીએ તેથી નાની અમથી ઘટના પણ બહુ મોટી હોય એ રીતે છાપવામાં આવે છે. સામાન્ય બાબતોને બહુ મોટા પાયે ફેરવી તોળીને રજૂ કરવામાં આવે છે. પણ હકીકત એ છે કે આપણે બધાં જ એકબીજા સાથે ક્યારેક ને ક્યારેક નાની મોટી વાતો પર લડતા જ હોઇએ છીએ.

 

મિત્રોની વાત જવા દો લોકો તેમના પરિવાર સાથે લડે છે. તેઓ એકબીજાથી અલગ થાય છે અને ફરી પાછા એક થઇ જાય છે. જો કોઇ વ્યક્તિને ખ્યાલ આવે કે ક્યાં, શું ભૂલ થઈ છે અને એ સુધારી લેવામાં આવે તો તેનાથી રૃડું બીજું કાંઇ હોઇ જ ન શકે! મને તો એ નથી સમજાતું કે હવે જ્યારે મારી અને શાહરૃખની વચ્ચે ફરી દોસ્તી થઈ ગઈ છે, એમ એક થઇ ગયા છીએ તો લોકો એને વખોડે છે શા માટે?