Last Update : 29-July-2012, Sunday

 

ભારત રત્ન ઃ મિલ ભી જાયે તો ક્યા હૈ?

વિવર્તન - શાંડિલ્ય ત્રિવેદી

- સચીનને તો દેશનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન મળતાં મળશે પણ હવે તો સચીનને મળે છે તો મને કેમ નહિ એવી દલીલ સાથે અડધી ઉઘાડી થઈને વોલપેપરમાં ચમકતી અને હવે પ્લેબોય મેગેઝિનના કવર પર પૂરી ઉઘાડી થઈ ચૂકેલી શર્લિન ચોપ્રા પણ દાવો કરે છે કે હું પણ ભારત રત્ન થવાને લાયક છું!

એવોર્ડ આપવાની કે જાહેર કરવાની સિઝન નથી પણ એમ છતાં ય ભારત રત્ન જેવું દેશનું સૌથી વધુ પ્રતિષ્ઠિત સન્માન ફરીથી એકવાર ત્રણ સમાચારોને લીધે ચર્ચામાં છે.

 

સમાચાર ૧ઃ દેશનું આ સર્વોચ્ચ સન્માન સચીન તેંડુલકરને આપવાની લોકલાગણી પ્રચંડ બની રહી હોવાનું પ્રતીત થયા પછી ભારતરત્ન મેળવવાપાત્ર સૂચિમાં અત્યાર સુધી 'ના-લાયક' ગણાતા સ્પોર્ટ્સમેનને પણ ઉમેરવામાં આવ્યા. ગત વર્ષે ડિસેમ્બરમાં થયેલા આ સુધારાને ગેરવાજબી ગણાવતા કોલકાતાના ડો. બિમોલ ચૌધરીએ અદાલતમાં વાંધા અરજી કરી છે. ડો. ચૌધરીના મતે, જો આવી રીતે સરકાર લોકલાગણીના નામે ભારત રત્ન મળવાપાત્રોની સૂચિમાં ઉમેરો કરતી રહેશે તો કાલે ઊઠીને કોઈપણ ટોમ-ડીક એન્ડ હેરી પણ આ સન્માન મેળવી જશે (કેટલાકના મતે તો, ઓલરેડી એ મેળવી જ ગયા છે!).
ડો. ચૌધરીએ ઊઠાવેલો એક સવાલ રસપ્રદ છે. તેઓ કહે છે કે, આ સન્માન ભૂતકાળમાં સરદાર પટેલને ય અપાયું છે અને આજે સચીન તેંડુલકરને ય ધારો કે આપી દેવાય તો કમ સે કમ ભારત રત્નના મંચ પૂરતાં સરદાર પટેલથી માંડીને નહેરુ અને પં.ભીમસેનથી માંડીને સચીન સુધીના બધા જ 'રત્નો' એકસમાન થયા. શું એ શક્ય છે ખરું? સરદારે કરેલું હિન્દનું એકીકરણ અને સચીને ફટકારેલી ૧૦૦ સદીનું મૂલ્ય એકસરખું?
વાહ ડોક્ટર, લાયા હો બાકી!

 

સમાચાર ૨ઃ આવા નાગરિક સન્માન વડે સરકાર સમર્થકો બનાવે છે અને તેનાંથી બંધારણની 'દરેક નાગરિક એકસમાન'ની ભાવનાનો ભંગ થાય છે એવી માન્યતા સાથે ભારત રત્ન જેવા સરકારી પુરસ્કારો, ખિતાબો, એવોર્ડ્સ બંધ કરવા માટે ૧૯૯૨માં સર્વોચ્ચ અદાલતમાં અરજી થઈ હતી. એ વખતે સુપ્રીમ કોર્ટ દ્વારા એવી ટિપ્પણી સાથે આ અરજી કાઢી નાંખવામાં આવી હતી કે, આવા એવોર્ડ્સ આપીને સરકાર વૈશ્વિક ખ્યાતિ ધરાવતા નાગરિકોની કદર કરે છે. દુનિયાના અન્ય દેશોમાં પણ આવો ધારો છે જ અને યોગ્ય નાગરિકોનું સન્માન કરવું એ સરકારની ફરજ પણ છે.
તાજેતરમાં સર્વોચ્ચ અદાલતના એ ચૂકાદા પર પુનઃવિચાર કરવા માટે નવેસરથી અરજી કરવા માટે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ (જેમાં હાલ બહુ ગાજી રહેલા અરવિંદ કેજરીવાલ અને પ્રશાંતભૂષણ પણ સામેલ છે) તૈયાર થઈ રહી છે. તેમનો દાવો છે કે, ભારત રત્ન વિજેતા મહાનુભાવ આમ નાગરિક હોવા છતાં સત્તાવાર રીતે તેમનો રાષ્ટ્રીય દરજ્જો કેન્દ્રીય પ્રધાન પછીનો ગણાય છે.
સરકારી કાર્યક્રમોમાં ભારત રત્ન વિજેતા નાગરિકને પ્રોટોકોલ મુજબ રાજ્યોના મુખ્યમંત્રી પહેલાં અને કેન્દ્રના કેબિનેટ પ્રધાન પછીની ખુરશી ઓફર થાય છે. ટોલનાકા પર તેમણે ટેક્સ ભરવો પડતો નથી. સરકારી કચેરીની લાઈનોથી માંડીને રેલવે રિઝર્વેશન સહિતની બાબતોમાં તેમને ટોપ પ્રાયોરિટી મળે છે. સરકારમાં કોઈ જ હોદ્દો કે જવાબદારી ન ધરાવતા, એક સાધારણ નાગરિકને ફક્ત તે 'ભારત રત્ન' હોવાના કારણે સ-વિશેષ ગણવામાં આવે તો દરેક નાગરિક એકસમાન છે એવી બંધારણિય ભાવના અને તમને-મને સૌને બંધારણે આપેલા અધિકારોનો ભંગ થાય છે.

 

સમાચાર ૩ઃ ત્રીજા સમાચાર સૌથી રસપ્રદ અને એટલાં જ આઘાતજનક છે. પહેલાં આ સમાચારની રસપ્રદ બાબત જોઈએ. બી અને સી ગ્રેડની ફિલ્મોમાં અર્ધા-પોણા ઊઘાડા અંગે ચમકી ચૂકેલી હિન્દી ફિલ્મોની અભિનેત્રી શર્લિન ચોપ્રાએ તાજેતરમાં જગવિખ્યાત પોર્નમેગેઝિન પ્લેબોયના કવર પર ચમકીને જે બાકી હતું એ પૂરું કર્યું છે. મતલબ કે દિશાઓના વસ્ત્રો ઓઢીને પોઝ આપ્યો છે. ઓકે, એ એમનો અંગત મામલો છે અને જમાનાની પોતાની પસંદ છે.
પરંતુ આ સમાચારની આઘાતજનક બાબત એ છે કે, પ્લેબોય જેવા મેગેઝિનના ઈન્ટરનેશનલ એડિશનના કવર પર ચમકેલી સૌ પ્રથમ ભારતીય યૌવના પોતે હોવાનો દાવો કરતી શર્લિન હવે આ સિદ્ધિ બદલ પોતે ભારત રત્ન જેવા સર્વોચ્ચ સન્માનને લાયક હોવાનો પણ દાવો કરી રહી છે. શર્લિનનો દાવો પહેલી નજરે (જો શર્લિન પરથી નજર હટી હોય તો) લાઈમલાઈટમાં આવવાના એક નવા તિકડમ જેવો લાગે પરંતુ આ કન્યા તો અત્યાર સુધીમાં ભારત રત્ન અપાયેલા અને ભારત રત્ન માટે ચર્ચાયેલા એવા નામોનો અભ્યાસ કરીને એવો દાવો કરે છે કે, આમાંથી અડધોઅડધ લોકો કરતાં તો પોતાની સિદ્ધિ વિશેષ મહત્ત્વની છે. તેનું કહેવું છે કે, સચીનને જો આ સન્માન આપી શકાય તો વ્હાય નોટ મી?? શર્લિનકુમારીના મતે, હવે જમાનો બદલાયો છે. આપણે એકવીસમી સદીમાં છીએ ત્યારે ભારત રત્ન જેવા સન્માન અંગેનો દૃષ્ટિકોણ પણ બદલવો રહ્યો. મતલબ કે, શર્લિન હોય કે સરદાર હોય કે સચીન, બધું સરખું જ કહેવાય??!!
આ દરેક સમાચારોનો સાર કાઢવામાં ખાસ સાર જણાતો નથી. 'ભારત રત્ન'થી માંડીને તમામ પદ્મપુરસ્કારો આપવાના મામલે દરેક સરકારોએ આજ સુધી રાજકીય દૃષ્ટિકોણ જ રાખ્યો છે. સરકારી સન્માન મેળવવાની મોટામાં મોટી લાયકાત સરકારની ગુડબુકમાં હોવાની ગણાય છે એવા આક્ષેપો વખતોવખત થતા રહ્યા છે. એ આક્ષેપો વજૂદસભર છે કે વાહિયાત તેની ચર્ચા રાજકારણીઓ ભલે કરતાં રહે આપણી પાસે તો એક જ સબૂત છે અને એ ઠોસ છે. આઝાદીના સમયમાં આધુનિક ભારતના ઇતિહાસનું સૌથી મહત્ત્વનું કહેવાય એવું ૫૬૭ રજવાડાઓના વિલિનકરણનું ભગીરથ કાર્ય કરી ગયેલા સરદાર પટેલને છેક ૧૯૯૧માં 'ભારત રત્ન' પુરસ્કાર અપાયો હતો અને ત્યારે તેમની સાથે આ પુરસ્કાર વિજેતા તરીકે બીજું નામ હતું રાજીવરત્ન ગાંધી. એ પૂર્વે સરદારના જુનિયર કહેવાય તેવા વિનોબા ભાવે (૧૯૮૩), ઈન્દિરા ગાંધી (૧૯૭૧)ને આ સન્માન અપાઈ ચૂક્યું હતું.
ચાણક્યનીતિ સામ, દામ, દંડ અને ભેદને શાસન માટેના ચાર સ્તંભ ગણાવે છે. એ પૈકી રાજ્યાશ્રય (આજના અર્થમાં સરકારી સન્માન)ને સામ અને દામ બંનેમાં ગણાવાયું છે. મતલબ કે, એ યુક્તિપૂર્વક અપાતો શિરપાવ (સામ) પણ છે અને કેટલાંક કિસ્સામાં એ સમર્થનના બદલામાં આડકતરી રીતે ચૂકવાતી કિંમત (દામ) પણ છે. વેલ, તમામ હિંમત કરીને જરાક વાર માટે કલ્પના કરી લઈએ કે કાલે ન કરે નારાયણ અને શર્લિન ચોપ્રાને ભારત રત્ન મળી ગયો તો ચાણક્ય તેને સામ ગણશે કે દામ?
મૂકોને પડતું યાર, આપણે શું કામ?

 

... અને આ છે વીર રત્નો

 

કેન્દ્રિય પ્રધાન પછીનો સરકારી દરજ્જો આપતું ભારત રત્ન જેવું સન્માન હોય કે પદ્મશ્રી, પદ્મભુષણ, પદ્મવિભુષણ જેવા યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા વધારનારા પુરસ્કારો હોય, જ્યારે આ દરેક ઈલ્કાબો સાથે સર્વોચ્ચ શાસકોનો રાજીપો સંકળાયેલો હોય ત્યારે તે ઠુકરાવવાનું નામુમકિન નહિ તોય મુશ્કેલ તો ગણાય જ. સદ્નસીબે કેટલાંક મહાનુભાવોએ વિવિધ કારણોસર આવા સન્માનો ઠુકરાવીને કે મળેલા સન્માનો સરકારને પરત કરીને ઉદાહરણો પણ બેસાડયા છે. સન્માન ઠુકરાવવાના કેટલાંક કારણો અંગત છે, કેટલાંકમાં રાષ્ટ્રીય મુદ્દાને પણ કારણભૂત ગણાવાયો છે તો કેટલાંક રમૂજપ્રેરક પણ છે.
* સિતારાદેવી ઃ કથ્થક નૃત્યના આ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નૃત્યાંગનાને ૨૦૦૨માં પદ્મભુષણ ખિતાબથી સન્માનિત કરવાની જાહેરાત થઈ ત્યારે પ્રારંભમાં શરતી હા કહ્યા પછી સિતારાદેવીએ એવોર્ડ લેવાનો ઈનકાર કરી દીધો હતો. એ માટે તેમણે એવું કારણ આપ્યું હતું કે તેમના કેટલાંક જુનિયર અને કેટલાંક તો તેમના શિષ્યો જ એવા છે જેમને સિતારાદેવીથી પહેલાં પદ્મશ્રી અને પદ્મવિભુષણ જેવા પુરસ્કારો મળી ચૂક્યા છે. આ સંજોગોમાં પોતે પદ્મભુષણ સ્વીકારવા રાજી નથી. એ જ વખતે તેમણે એવું પણ કહ્યું હતું કે, મારી કલાનું જો ખરેખર સન્માન કરવું હોય તો ભારત રત્ન સિવાયના એકપણ સન્માન માટે હું તૈયાર નથી.
* સરદાર ખુશવંતસિંઘ ઃ અ ટ્રેઈન ટૂ પાકિસ્તાન જેવા યાદગાર પુસ્તકના લેખક અને આખાબોલા પત્રકાર ખુશવંતસિંઘને અલગ અલગ સમયે જુદી જુદી સરકારો સાથે લવ-હેટના સંબંધો રહ્યા છે. ૧૯૮૪માં ઈન્દિરા ગાંધીની સરકારે શીખોના શ્રદ્ધાકેન્દ્ર સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલ્યું ત્યારે નારાજ થયેલા ખુશવંતસિંહે પદ્મભુષણનો તેમનો ઈલકાબ સરકારને પરત કર્યો હતો. જોકે ૨૦૦૭માં જ્યારે તેમને પદ્મવિભુષણનો ખિતાબ અપાયો ત્યારે કોંગ્રેસની જ સરકાર હોવા છતાં તેમણે એ સ્વીકારતી વખતે સુવર્ણ મંદિરવાળી ઘટના યાદ રાખી ન હતી.
* કે. સુબ્રહ્મણ્યમ ઃ એશિયા ખંડમાં સામરિક પત્રકારત્વ (વોર એન્ડ ડિફેન્સ જર્નલિઝમ)ના ક્ષેત્રે આદ્ય ગણાતા વરિષ્ઠ પત્રકાર અને લેખક કે. સુબ્રહ્મણ્યમની પીઠ થાબડવી પડે એવી બાબત એ છે કે તેઓ ત્રણેય શ્રેણીના પદ્મશ્રી પુરસ્કારો એકસરખું કારણ દર્શાવીને નમ્રતાપૂર્વક ઠુકરાવી ચૂક્યા છે. ૧૯૯૩માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થવાની જાહેરાત થઈ ત્યારે તેમણે કહ્યું કે, પત્રકારો અને સરકારી અધિકારીઓને આ પ્રકારના સરકારી ઈનામ-અકરામથી દૂર રાખવા જોઈએ. એ પછી ૧૯૯૯માં તેમને પદ્મભુષણ અને ૨૦૦૩માં પદ્મવિભુષણ પુરસ્કાર જાહેર થયા ત્યારે પણ તેમણે આ જ કારણ દર્શાવતા ઉમેર્યું કે, પુરસ્કારોની શ્રેણી વધારતા જવાથી મારી માન્યતા બદલાઈ શકે તેમ નથી.
* સુકુમાર અઝિક્કોડ ઃ મલયાલમ ભાષાના આ પ્રકાંડ વિદ્વાને જોકે અલગ કારણથી સરકારના પ્રથમ પંક્તિના પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો. તત્ત્વચિંતન અને ફિલસુફીના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નામના ધરાવતા સુકુમાર અઝિક્કોડને ૨૦૦૭માં પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયો ત્યારે તેમણે વ્યક્તિની મહત્તાને સમાજ પુરસ્કૃત કરે તે જ ઈચ્છનિય છે. સરકારી સન્માન સ્વીકારવાથી અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને નાગરિક તરીકેની નિષ્ઠાનો ભંગ થાય છે. દરેક પ્રકારના સરકારી સન્માનને તેમણે ગેરબંધારણિય ગણાવીને પદ્મશ્રી પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો તેમજ ભવિષ્યમાં પણ કદી કોઈ સરકારી સન્માન માટે તેમનું નામ ન વિચારવા વિનંતી કરી હતી.
* ઉસ્તાદ વિલાયતખાન ઃ સિતારવાદનમાં વિશ્વસ્તરે નામના ધરાવતા ઉસ્તાદ વિલાયતખાને એવોર્ડ ન સ્વીકારવા માટે દર્શાવેલું કારણ ઘણું જ રસપ્રદ હતું. ૧૯૬૪માં તેમને પદ્મશ્રી એવોર્ડ જાહેર થયો ત્યારે તેમણે કહ્યું હતું કે, માત્ર લોકોના કહેવાથી જ એવોર્ડ સિલેક્શન કમિટીએ મારું નામ પસંદ કર્યું હોય તેમ મને લાગે છે. જેમને શાસ્ત્રીય સંગીતની કે મારા સિતારવાદનની મહત્તાની જ કશી ખબર નથી તેઓ મને એવોર્ડને લાયક કઈ રીતે ગણી શકે? એ પછી ૧૯૬૯માં તેમને પદ્મવિભૂષણ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા ત્યારે તેમણે એવું વિધાન કર્યું હતું કે, પાંચ વર્ષ પછી બીજી વાર અને વધુ ચડિયાતા સન્માન માટે મારી પસંદગી થઈ છે એટલે કદાચ શક્ય છે કે પસંદગી સમિતિએ મારા સિતારવાદનનો અભ્યાસ કર્યો હોય. જો પસંદગી સમિતિના બહુમત સભ્યો મારા વગાડેલા રાગ-રાગિણીને ઓળખી બતાવે તો હું જરુર આ સન્માન સ્વીકારીશ. કહેવાની જરુર નથી કે, ઉસ્તાદને એ સન્માન સ્વીકારવાની ઘડી આવી જ નહિ.

 

... અને આ છે વીર રત્નો

 

પ્રતિવર્ષ આપવાની ગણતરી સાથે ૧૯૫૩માં શરૃ થયેલા સરકારી પુરસ્કારો અંગે પ્રથમ બે વર્ષમાં જ એ સત્ય સમજાઈ ગયેલું કે પુરસ્કારને લાયક અને નિર્વિવાદી વ્યક્તિઓ શોધવા એ ભારતની પ્રચંડ વસ્તી છતાં ય ઘણું દોહ્યલું છે. એ પછી જોકે 'લાયક ઉમેદવાર'નો અર્થ સત્તાધારી પક્ષને અનુકૂળ એવો થવા લાગ્યો પરંતુ એ પછી ય પુરસ્કારો વિવિધ કારણોસર વિવાદ પણ ખડો કરતા રહ્યા અને પુરસ્કારો અપાવાના ક્રમમાં પણ ખાડા પડતાં રહ્યા. અત્યાર સુધીમાં ભારત રત્ન પુરસ્કાર મેળવેલ વ્યક્તિઓની આ સૂચિ અને તેમને જે વર્ષે એ પુરસ્કાર અપાયો છે એ જરાક ધ્યાનથી જોઈએ તો પણ દેશના આ સર્વોચ્ચ ગણાતા પુરસ્કારનું અવમૂલ્યન વર્તાઈ આવશે.

 

વર્ષ

પુરસ્કૃત મહાનુભાવ

કાર્યક્ષેત્ર

૧૯૫૪

સી. રાજગોપાલાચારી

સ્વાતંત્ર્ય સેનાની

૧૯૫૪

સી.વી. રામન

ભૌતિકવિજ્ઞાાની

૧૯૫૪

એસ. રાધાકૃષ્ણન

તત્વચિંતક

૧૯૫૫

ડો. ભગવાનદાસ

સ્વાતંત્ર્ય સેનાની

૧૯૫૫

ડો. વિશ્વેશ્વરૈયા

એન્જિનિયર

૧૯૫૫

જવાહરલાલ નહેરુ

પ્રથમ પ્રધાનમંત્રી

૧૯૫૭

ગોવિંદ વલ્લભ પંત

સ્વાતંત્ર્ય સેનાની

૧૯૫૮

ધોંડો કેશવ કર્વે

સમાજ સુધારક

૧૯૬૧

ડો. બિધાનચંદ્ર રોય

બંગાળના મુખ્યપ્રધાન

૧૯૬૧

પુરુષોત્તમદાસ ટંડન

સ્વાતંત્ર્ય સેનાની

૧૯૬૨

ડો. રાજેન્દ્રપ્રસાદ

પ્રથમ રાષ્ટ્રપતિ

૧૯૬૩

ડો. ઝાકિરહુસૈન

ત્રીજા રાષ્ટ્રપતિ

૧૯૬૬

લાલબહાદુર શાસ્ત્રી (મરણોત્તર)

બીજા વડાપ્રધાન

૧૯૭૧

ઈન્દિરા ગાંધી

ત્રીજા વડાપ્રધાન

૧૯૭૫

વી. વી. ગીરી

ચોથા રાષ્ટ્રપતિ

૧૯૭૬

કે. કામરાજ (મરણોત્તર)

સ્વાતંત્ર્ય સેનાની

૧૯૮૦

મધર ટેરેસા

સમાજસેવા

૧૯૮૩

વિનોબા ભાવે (મરણોત્તર)

સામાજિક ઉત્થાન

૧૯૮૭

અબ્દુલ ગફારખાન

સ્વાતંત્ર્ય સેનાની

૧૯૮૮

એમ.જી.રામચંદ્રન (મરણોત્તર)

તામિલનાડુના મુખ્યમંત્રી

૧૯૯૦

બી.આર.આંબેડકર (મરણોત્તર)

બંધારણવિદ્

૧૯૯૦

નેલ્સન મંડેલા

રંગભેદ વિરોધી ચળવળ

૧૯૯૧

રાજીવ ગાંધી (મરણોત્તર)

છઠ્ઠા વડાપ્રધાન

૧૯૯૧

સરદાર પટેલ (મરણોત્તર)

સ્વાતંત્ર્ય સેનાની

૧૯૯૧

મોરારજી દેસાઈ

ચોથા વડાપ્રધાન

૧૯૯૨

અબ્દુલ કલામ આઝાદ

સ્વાતંત્ર્ય સેનાની

૧૯૯૨

જે.આર.ડી. તાતા

ઉદ્યોગ સાહસિક

૧૯૯૨

સત્યજીત રાય

ફિલ્મકાર

૧૯૯૭

એ.પી.જે. અબ્દુલ કલામ

રોકેટશાસ્ત્રી

૧૯૯૭

ગુલઝારીલાલ નંદા

સ્વાતંત્ર્ય સેનાની

૧૯૯૭

અરુણા અસફઅલી

સ્વાતંત્ર્ય સેનાની

૧૯૯૮

એમ.એસ. સુબ્બાલક્ષ્મી

શાસ્ત્રીય ગાયિકા

૧૯૯૮

સી. સુબ્રહ્મમણ્યમ

સ્વાતંત્ર્ય સેનાની

૧૯૯૯

જયપ્રકાશ નારાયણ (મરણોત્તર)

સ્વાતંત્ર્ય સેનાની

૧૯૯૯

પં. રવિશંકર

સિતારવાદક

૧૯૯૯

અમર્ત્ય સેન

અર્થશાસ્ત્રી

૧૯૯૯

ગોપીનાથ બારડોલોઈ (મરણોત્તર)

સ્વાતંત્ર્ય સેનાની

૨૦૦૧

લત્તા મંગેશકર

ફિલ્મ ગાયિકા

૨૦૦૧

બિસ્મિલ્લાહ ખાન

શરણાઈ વાદક

૨૦૦૮

પં. ભીમસેન જોશી

શાસ્ત્રીય ગાયક


તમે કામના માણસ છો, લો આ એક એવોર્ડ!

 

પદ્મ પુરસ્કારો હોય કે ભારત રત્ન જેવું સર્વોચ્ચ સન્માન હોય, મોટાભાગે તેમાં સગવડતાની જ શરત પળાતી રહી છે. વિવાદો સર્જાયા પછી કેટલીક વાર વિવાદો ઠારવા માટે ય પુરસ્કારો ઘોષિત કરાયા છે તો કેટલીક વાર વિવાદ ન થાય તે માટે જાણીતા, બિનવિવાદાસ્પદ અને લાયક વ્યક્તિઓની આડમાં પોતાના ધારેલાઓને ય પુરસ્કૃત કરી દેવાયા છે. ક્યારેક દલા તરવાડીની વાર્તા જેવો ઘાટ પણ સર્જાયો છે અને પોતે જ વાડીને પૂછે, વાડી બનીને પોતે જ જવાબ આપે અને પછી નમ્ર ચહેરે કમરમાંથી ઝૂકીને એવોર્ડ લઈ લે એવા દૃશ્યો પણ સર્જાયા છે.
આઝાદી પૂર્વે બ્રિટિશ શાસનના સમયગાળા દરમિયાન સમાજના ઉચ્ચ વર્ગને નાઈટહુડ, નાઈટ કમાન્ડર ઓફ બ્રિટિશ રોયલ ક્રાઉન જેવા દમામદાર ઈલ્કાબો વડે ભારતના રાજાઓ અને પ્રતિષ્ઠિતોનું સમર્થન મેળવવાનો પ્રયાસ ઘણો સફળ રહ્યો હતો. ૧૮૬૦થી અંગ્રેજોની આ તરકીબ ભારતમાં બ્રિટિશ રાજની જડ મજબૂત કરવામાં ઉપયોગી રહ્યું હતું. આઝાદી આંદોલનમાં વખતોવખત આવા ઈલ્કાબોને ગુલામીનું પ્રતીક ગણાવીને ફગાવી દેવાની હાકલ પણ થતી રહી. મહાત્મા ગાંધીએ ૧૯૨૪માં બંગાળના ગોપાલગંજ ખાતે શાહી ઈલ્કાબોને અંગ્રેજોની સગવડતા ગણાવ્યા હતા.
જોકે આઝાદી પછી દરેક પ્રકારના ગાંધીમૂલ્યો અને ગાંધીવિચારોને નેવે મૂકી દેવાયા તેમાં સરકારી ઈનામ-અકરામ પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ પણ વિસરી જવાયો. ૧૯૫૨માં જવાહરલાલ નહેરુએ કેબિનેટ બેઠકમાં બ્રિટિશ સરકાર દ્વારા અપાતા ઈલ્કાબો નવા નામે પુનઃ શરૃ કરવા અંગે સૂચન કર્યું ત્યારે કેબિનેટ મિનિસ્ટર બાબુ જગજીવન રામે ગાંધીજીનો હવાલો ટાંકીને આ વિચારનો વિરોધ કર્યો હતો. તેમ છતાં નહેરુના આગ્રહથી પુરસ્કારોના પ્રકાર, રકમ અને પસંદગીકારો અંગે એક સમિતિ રચી અને જગજીવન રામને જ તેમાં સ્થાન આપી દીધું. આશ્ચર્યજનક રીતે તેમણે એ પદ સ્વીકારી પણ લીધું. ઈલ્કાબ કે હોદ્દો કેટલો અસરકારક નીવડે છે તેનો એ પહેલો પરિચય હશે કદાચ!
એ પછી આજ સુધી એ છબરડા, લાગતાં-વળગતાંવાદ, ઈલ્કાબ આપવાનો સ્વાર્થ અને લેવાનો ય સ્વાર્થ તેમાં કામ કરતો રહ્યો છે. ઈલ્કાબોની પસંદગી માટે હોદ્દાની રુએ ત્યારે વડાપ્રધાન પણ પસંદગી સમિતિમાં કાયમી સ્થાન ધરાવતા હતા. હવે જુઓ તાજુબી, ૧૯૫૫માં ભારત રત્નના સર્વોચ્ચ સન્માનની પસંદગી માટે જે ત્રણ નામો જાહેર થયા તેમાં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું ય નામ હતું. મતલબ કે હું જ મારું નામ મૂકું, હું જ તેને મંજૂર કરૃં અને પછી ભોળા-માસૂમ ચહેરે હું જ એ એવોર્ડ સ્વીકારી પણ લઉં. નહેરુના નામનો માધ્યમોમાં વિવાદ ચગ્યો એટલે પસંદગી સમિતિએ એવું નિવેદન કરી નાંખ્યું કે પંડિત નહેરુ પસંદગી સમિતિના સભ્ય જરુર છે પરંતુ અમે તેમનું નામ વિચારણામાં લીધું છે અને પસંદ પણ કરી નાંખ્યું છે એ સમગ્ર ઘટનાક્રમ વિશે તેમને માહિતગાર કર્યા નથી!
આવો જ ખેલ બીજી વાર પણ ભજવાયો. હાલ પ્રણવ મુખર્જીની રાષ્ટ્રપતિ પદે વરણી પ્રસંગે પૂર્વ રાષ્ટ્રપતિઓ પૈકી ડો. રાજેન્દ્ર પ્રસાદની સાદગીના વખાણ થાય છે ત્યારે તસવીરનો એક્સ-રે દર્શાવતી બીજી ય એક બાબત જાણવા જેવી છે. રાષ્ટ્રપતિ તરીકે નહેરુ સરકારને અનેક વખત કફોડી સ્થિતિમાં મૂકતાં નિવેદનો કરી ચૂકેલા પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ નિવૃત્તિ પછી એવોર્ડ કમિટીમાં સ્થાન ધરાવતા હતા. એ વખતે ભારત રત્ન તરીકે તેમને પણ પસંદ કરી લેવાયા. લો ને રાજા, એક એવોર્ડ તમે પણ લઈ જાવ!
શી ખબર, નહેરુ-ગાંધી પરિવારને ભારત રત્ન બનવાનો ભારે મોહ રહ્યો છે. નહેરુએ જાતે જ ઈલ્કાબ મેળવી લીધો તો ઈન્દિરાએ પણ 'કલ કિસને દેખા?' એવી ગણતરીએ આજે સત્તા છે ત્યાં આજે જ ઈલ્કાબ મેળવી લો એવું વલણ દાખવીને ૧૯૭૧માં જ ભારત રત્ન બની જવું પસંદ કર્યું હતું. એ વખતે વડાપ્રધાન તરીકે તેમના કાર્યકાળને ફક્ત પાંચ જ વર્ષ થયા હતા. રાજીવ ગાંધી એવી સગવડતા શોધે એ પહેલાં શ્રીપેરુમ્બુદુર ખાતે થયેલા બોમ્બ વિસ્ફોટમાં તેમણે જીવ ગુમાવવો પડયો પરંતુ તેમના મૃત્યુની સહાનુભૂતિ પર સવાર થઈને સત્તા પર આવેલી કોંગ્રેસ સરકારે રાજીવ ગાંધીને મરણોત્તર ભારત રત્ન જાહેર કરી દીધા. એ વખતે વિવાદ ન થાય એટલા માટે સરદાર પટેલને ય તેમના મૃત્યુના ચાર દાયકા પછી યાદ કરી લેવાયા અને તટસ્થતા દર્શાવવા પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈને ય એવોર્ડ આપી દેવાયો.
એવોર્ડ કમિટીને ક્યારેક ઉત્સાહ પણ ભારે પડયો છે. પ. બંગાળમાં ૧૯૯૨માં વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી. ડાબેરીઓના ગઢમાં ગાબડું પાડવાના ઉત્સાહમાં સુભાષચંદ્ર બોઝને તેમના મૃત્યુના પાંચ દાયકા બાદ મરણોત્તર ભારત રત્ન જાહેર કરી દેવાયા. પરંતુ આ ઉત્સાહમાં 'લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ' જેવો ઘાટ સર્જાયો. નેતાજીને હજુ ય જીવિત માનતાં જાગૃત બંગાળી સંગઠનોએ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી કે નેતાજીના મૃત્યુના કોઈ જ પૂરાવા નથી ત્યારે તેમને મરણ પામેલા કેવી રીતે જાહેર કરી શકાય? એવોર્ડ તો સરકારે માફી માંગીને પાછો ખેંચવો પડયો પણ 'આ સરકાર આપણા લાડીલા નેતાજીને ધરાર મૃત જાહેર કરવા માંગે છે' એવા પ્રચાર હેઠળ કોંગ્રેસને ચૂંટણીમાં ય પરાસ્ત થવું પડયું.

 

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved