Last Update : 29-July-2012, Sunday

 

સત્ય ઃ હૈ યે માયા ?...

સ્પેકટ્રોમીટર- જય વસાવડા
 

સત્ય શબ્દ અંગે કદાચ સૌથી વઘુ જૂઠ્ઠાણાઓ ચાલ્યા છે. ‘સત્યમેવ જયતે’ છાપેલી કરન્સી નોટનો ઉપયોગ સર્વાધિક અસત્ય આચરણ માટે જ થતો હોય છે. સત્ય શબ્દ સાંભળવામાં રૂડોરૂપાળો લાગે છે, આચરવામાં આકરો છે. કારણ કે સાચું કબૂલ કરવું હોઈને ય ગમતુ નથી ! ખોટાને સાચું ઠેરવવા માટે જ તર્કનો અર્ક નિચોવવામાં આવે છે !
૨૩ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ ફોક્સ ટીવી પર અમેરિકામાં એક ગેઈમ શો લોન્ચ થયો. મોમેન્ટ ઓફ ટ્રુથ. સુપરહિટ નીવડેલા આ ગેઈમ શોની ૨૩ દેશોમાં સ્થાનિક આવૃત્તિઓ બની. અને એમાં સવાલો અકળાવનારા જ હોય !
નેચરલી, પર્સનલ કવેશ્ચન્સ પૂછાય છે, જેનો જવાબ આપતી વખતે થોડી મુંઝવણ, ઝાઝી ગૂંચવણ થાય એવા પ્રશ્નો ! ખુલાસા કરીને પણ જેને પૂરું સમજાવી ન શકાય એવા સવાલોના જવાબ ફક્ત હા કે ના કહી આપી દેવાના ! સેમ્પલ ઃ તમને ક્યારેય તમારા મિત્રની પત્નીને જોઈને આકર્ષણ થયું છે ? તમને ક્યારેય તમારા પતિને મારી નાખીને પણ બીજા પુરૂષ પાસે જવાનો વિચાર આવ્યો છે ?
આ શોની ઓફિશ્યલ કોપી ‘સચ કા સામના’ નામથી ભારતમાં રજુ થયેલી, ત્યારે પહેલા જ એપિસોડને જોયા પછી એક સ્વાભાવિક પ્રતિભાવ મોટા ભાગના દર્શકોમાં ચર્ચાતો હતોઃ આ શો તો ઘણાના ઘર ભંગાવશે ! હમ્મ્મ્‌ !
મતલબ, આપણા સુખી સંસાર સચ્ચાઈ પર નહિ પર જુઠ પર ટકેલા છે ! દાંપત્ય કે દોસ્તીમાં પારદર્શકતા કરતાં પ્રદર્શન વઘુ છે ! લોકો આત્મકથાઓની કિતાબો લખી નાખે છે, પણ જીંદગી ખુલ્લી કિતાબની જેમ જીવી શકતા નથી !
ઈટ્‌સ ટફ. ઈટ્‌સ ચેલેન્જીંગ. ભારતવર્ષે સદેહે જોયેલો અનુભવેલો છેલ્લો સર્ટીફાઇડ સત્યવાદી પુરૂષ એટલે મોહનદાસ કરમચંદ ગાંધી (આમાં લેશમાત્ર જુઠને અવકાશ નથી!) પણ ગાંધીજી સત્યના નિષ્ઠાવંત ઉપાસક ખરા, પણ સત્યજીત તો નહિ જ. મોટા ભાગની એમની દ્વિધાઓ એમણે જાતે જ કબુલી લીધી છે. પણ સત્યની સ્થાપના કરવા જતાં એ વારંવાર પોતાના અંગત મંતવ્યને (બીજા દ્રષ્ટિકોણ વિચાર્યા વિના) ધરાર સત્ય ઠેરવી દેતા, તેનું શું ?
એમની સત્યનિષ્ઠા સો ટચની, પણ સત્યની એમની વ્યાખ્યાઓ સાપેક્ષ અને અવૈજ્ઞાનિક કહી શકાય એટલી વ્યક્તિગત હતી. ખુદ મહાત્મા પણ કદાચ આ બાબતે સભાન હતા. સત્યના પ્રયોગોમાં એમણે જે કંઈ લખ્યું છે, તે સાચું જ લખ્યું છે. પણ બઘું જ સાચું લખ્યું નથી. ગાંધીના વિદ્યાર્થીજીવન કે વિલાયતી રહેવાસના કેટલાય પાસાં એમણે કદાચ લોકોને તેનો ખપ નથી એવું માનીને પડતા મૂકી દીધાં છે ! પોતાના કૌટુંબિક કલેશ અંગે સંપૂર્ણ ચિત્ર દોર્યું નથી અને ભારતીય ઈતિહાસને વળાંક આપનારી ખરેખર મહત્વપૂર્ણ ઘટનાઓ બની, એ તવારીખ દરમિયાન ગાંધીજીનું સત્ય મૌનવ્રત ધારણ કરીને બેઠું છે. બાકી, જીન્નાહ, નેહરૂ, સુભાષબાબુ, ભાગલા, હરિલાલ, સાવરકર, ડો. આંબેડકર, સરદાર, સશસ્ત્ર ક્રાંતિ, હિન્દ છોડો આવા રસપ્રદ ઈતિહાસના ગાંધીજી કેવળ સાક્ષી જ નહિ, કર્તા પણ હતા.
પરંતુ સ્માર્ટલી આ વ્યવહારકુશળ વણિકો પોતાની આત્મકથાને, આ બધા વળાંકે પર એમના મનમાં શું ચાલતું હતું એ સત્ય પ્રગટ ન કરવું પડે-એ માટે વહેલી જ સંકેલી લીધી. પછી ખૂબ લખ્યું પણ આત્મકથાની સિક્વલ ન લખી. કદાચ એ બઘું જ સત્ય જેમનું તેમ સમાજ સામે રાખી દેવું, આ સત્યાગ્રહીને પણ માફક ન આવ્યું. એમના વિશ્વવિખ્યાત બેસ્ટસેલર સત્યના પ્રયોગો પણ ખોટા છે એવું તો નહિ, પણ અઘૂરા જરૂર છે. (એ સચ્ચાઈને થોડીક ઉજાગર કરવી હોય તો અંગ્રેજીમાં ગુજરાતી સંશોધક દ્વારા ચિક્કાર રિસર્ચ પછી લખાયેલી ‘ગાંધીઃ એગની ઓફ અરાઇવલ બુક વાંચવાની તસ્દી લેવી.) જૂના ધર્મગ્રંથો પછી આ શબ્દની બ્રાન્ડ બનાવી દેનાર મહાત્મા ગાંધીને સરવાળે ન સત્ય સાંપડ્યું, ન સ્વપ્નસિદ્ધિ’ ન સુખ.
તો પછી સામાન્ય માણસો તો સચ કા સામના કરવામાં ગભરાઈ જ જાય ને ! જીંદગીમાં કેટલાય સવાલો એવા હોય છે, કે એ અનુત્તર રહે ત્યાં સુધી જ મજા છે. સત્યના નામે બઘું ઉઘાડું પાડી લો પછી કદાચ બાકી બચેલી જીંદગી જ સજા થઈ જાય ! એક બહુ સાહજીક માનવસ્ભાવનો પરચો લગભગ આપણને બધાને થયો હશે. ઘણી વખત કશીક બીમારી લાંબી ચાલે અને ડોક્ટર કોઈ સ્ટેશ્યલ ટેસ્ટ કરાવવાનું કહે, ત્યારે એ ટેસ્ટને કોઈ કારણ વિના, બધી જ અનુકૂળતા હોય તો પણ ટાળવામાં આવતો હોય છે. ઘણીવાર એ કરાવ્યા પછી તેનું રિઝલ્ટ ટાળવામાં આવે છે. ધારો કે શરીરમાં કેન્સરની ગાંઠ નીકળે તો એ ટેસ્ટ પહેલાં પણ હશે જ. ટેસ્ટને લીધે કઈ પ્રવેશી નથી જવાની, ઉલ્ટું એની સચ્ચાઈ કન્ફર્મ થવાની છે. તો પણ આવું શા માટે?
કારણ કે, આવી અણગમતી સચ્ચાઈ વિકરાળ મોં ફાડીને સામે ઊભી રહે, એ પહેલાની એ સમજાતી હોવા છતાં એનો અસ્વીકાર કરીને પંપાળેલી કાલ્પનિક દુનિયામાં રહેવું ગમતું હોય છે. બેવફાઈની પાક્કી ખાતરી છતાં કેટલીક પત્નીઓ પુરાવા શોધવા માટે પતિનુ વોલેટ કે મોબાઈલ ફંફોસવાનું ટાળે છે. અણિયાળા સત્ય કરતાં માની લીધેલુ જૂઠ વઘુ વ્હાલું લાગે છે. સુમન શાહની કથા ‘જેંતી હંસા સિમ્ફની’માં બહારગામ ગયેલી પ્રિય પત્નીની ડાયરીમાં જુના પ્રેમનું એકરારનામુ વાંચીને પતિ કશુંક પકડી પાડ્યુંના રહસ્યરંગી ભાવથી રોમાંચિત થઈ જાય છે. પાછળથી પત્ની વાતવાતમાં ખુલાસો કરે છે કે એ બઘું તો ત્યારે પતિદેવ માટે જ ભુતકાળમાં લખેલુ ત્યારે બહારથી રાજી થતો પતિ અંદરથી જાણે પત્નીના સંબંધોની રંગોળીથી રમવાનું પોતાનું રમકડું તૂટી ગયું હોય, એટલો હતાશ બની જાય છે !
કદાચ, પૃથ્વી પરની તમામ પ્રેમિકાઓને હાઉ મચ ડુ યુ લવ મી? સવાલનો જવાબ ખોટ્ટો મળે છે, એ જાણે છે છતાં ય પ્રેમ કરે છે. સ્ત્રી નેચરલ લાઈ ડિટેક્ટર હોય છે, અન ેપત્ની બન્યા પછી એની રેન્જ અને કેપેસીટીમાં ચમત્કારિક વધારો થતો હોય છે ! પણ છતાં ય એને જૂઠ ગમે છે. પ્રેમના નામે જાણી જોઈને છેતરાવું, મેઘધનુષી કલ્પનાઓમાં ખોવાઈ જવું ગમે છે. દુનિયાના દરેક સંબંધો ફક્ત સત્ય પર ચાલતા નથી, ચાલી શકતા નથી. શુદ્ધ સોનાને ધાર્યો ઘાટ આપીને આકર્ષક આભૂષણો ઘડી શકાતા નથી. એમાં થોડોક ભેગ ભેળવવો પડે છે. એમ સંબંધો સત્યની શુષ્કતાથી બરડ ન બની જાય, એ માટે એમાં જૂઠનું ઓઈલ ઉંજવુ પડે છે.
લાઈંગ ઈઝ ક્રિએટિવ ફન. જૂઠુ બોલવામાં એક પ્રકારની સર્જનાત્મકતા ખીલવવાનો પડકાર છુપાયેલો છે. ખંજવાળને વઘુ પડતી ખણવાની મજા લેવામાં સામે ચાલીને લોહી કાઢવામાં આવે, તેમ જ પોતે જ ઉભા કરેલા જૂઠના જાળાને ઘણા લોકો સત્ય માનીને જ જીવતા હોય છે. એ ધીરે ધીરે પુરાણા અસત્યને વર્તમાન સત્ય જ માની લે છે. ફેન્ટેસી એમને માટે ફેક્ટ હોય છે. ‘શું છે’ને બદલે ‘શું હોવું જોઈએ’ એ જ એ જુવે છે. એમની ખુદની નજરમાં એ સત્યનિષ્ઠ જ રહે છે ! ફક્ત એમનું સત્ય ખરેખર સાચું નથી, એ બાબત પોતે જ ભૂલી જાય છે !
એટલે સ્તો, બીજાના મનમાં શુ ચાલી રહ્યુ છે એ વાંચી શકાય એવાં જાદુઈ ચશ્માં મળી આવે તો...
દરેક માણસ એવું ઈચ્છે કે પૃથ્વી પર આવી એક જ જોડી હોય, અને એ કેવળ એની પોતાની પાસે જ હોય !
***
ભારત આદતવશ શેતરંજી તળે કચરો છુપાવતો, કબાટમાં હાડપંિજર પૂરી દેવાની ટેવવાળો અપારદર્શક, અનીતિવાન દેશ છે. અહીં સાત્વિક સચ્ચાઈનાં સૌથી વઘુ ગુણગાન ગવાય છે, અને આચરણમાં પારાવાર ખટપટ અને ભ્રષ્ટાચાર છે. હોંઠો પે સચ્ચા રહેતી હૈ, દિલ મે સફાઈ રહેતી હૈ... એવું બઘું તો સિર્ફ ફિલ્મી ગીતોમાં જોવા મળે છે. સત્યમ્‌ વદ્‌ ધર્મમ્‌ ચર એવુ હજારો વર્ષો અગાઉના સતયુગમાં પણ જનતાજર્નાદનને ચિલ્લાઈને કહેવું પડતું હતું. મોટે ભાગે આપણે જેને માનવમર્યાદા કહીએ છીએ, એમાં સૌજન્યની સુગંધ કરતાં જૂઠનું ટાંચણ વઘુ હોય છે. રૂપાળી નારીને તિરછી નજરે નીરખી લેવી ગમે છે, પણ મર્યાદાના નામે નજર ફેરવી લેવાય છે, કે ગોગલ્સ ચડાવી દેવાય છે. હૈયામાં ગાળ હોય છે, પણ મર્યાદાને લીધે હોઠ પર ગોળ આવી જાય છે. ધર્મ નહિ, પણ દંભ આપણી રાષ્ટ્રીય ‘ધરોહર’ છે !
સીધીસાદી સચ્ચાઈ એ છે કે પશ્ચિમી જગતને જે બાબતો માટે આપણે સતત વખોડીએ છીએ (ડિવોર્સ, લફરા, પબ્લિક ડિસ્પ્લે ઓફ સેક્સ, ભોગવાદ, કર્મશિયલાઈઝેશન, મટિરિયલીઝમ, હંિસા વગેરે) એ બઘું આપણામાં ય ઠાંસી ઠાંસીને ધરબાયેલું છે. પણ શરમેધરમે એ છાનુ રે છપનું ચાલતું હતું. હવે અચાનક ટેકનોલોજીકલ વિસ્ફોટના પ્રતાપે બહાર આવવા લાગ્યું છે. આ સચ્ચાઈનો આપણે સામનો કરી શકતા નથી, એટલે મહાન વારસો લૂંટાઈ ગયોની રોકકળથી શરૂ કરીને દુષ્ટ વિલાસી શેતાનોનું આ ષડ્યંત્ર છે - ના રોષ સુધીની પ્રતિક્રિયાઓ આપતા ફરીએ છીએ. આપણો અપરાધભાવ છુપાવવા વારતહેવારે જૂની વ્યાખ્યા મુજબ જે સંગીત, સાહિત્ય, ભાષા વગેરે ઉત્તમ ગણાતું, એના વખાણ કરીને એ માટે દર્દીલાં બે આંસુડાં સારી લઈએ છીએ, પણ ખરેખર આજે જે પસંદ છે એ તો સપાટી પર દેખાય જ છે!
ફેક્ટ જ બધાને ગમતી હોત તો ફેન્ટેસી ફિક્શનનો જન્મ જ થયો ન હોત. જીંદગીના એવા કેટલાય અટપટા સવાલો છે, જેનો સામનો ન કરવાનો આવે ત્યાં સુધી તો બધા જ પવિત્ર પુણ્યશાળી જ રહે છે. પણ કટોકટીના વરસાદમાં ભીનાં થતાં સચ્ચાઈનાં વસ્ત્રોમાંથી વાસ્તવિકતાનો દેહ દેખાય છે ! સાચા હોવું એ સાચું બોલવા કરતાં ક્યાંય અધઘરું ગિરિશખર છે. ટીવીમાં સચ્ચાઈનો વેપલો થાય, એ ન ગમે તો ટીવી બંધ કરી તબિયત સુધારવા બહાર ચાલવા જઈ જ શકાય છે. પણ સત્ય આટલું સરળ હોય એ સ્વીકારવું ન ગમે એટલે એની ચર્ચાઓ ચાલુ કરવામાં લિજ્જત પડે છે. સંબંધો પારાશીશી જેવા છે, એવા સ્વીકારવાની નિખાલસ ઉદારતામાં છે. અને પૈસા મેળવવા માણસ પ્રાઈવસીને પણ દાવ પર મૂકી શકે છે ! પરિવાર એમાં તેને પોતાની ફજેતી ન થાય, ત્યાં સુધી ટેકો ય આપે છે !
***
આપણે ત્યાં ‘સત્ય’ અને ‘ૠત’ શબ્દની શાસ્ત્રીય ચર્ચા બહુ ચાલી છે. કયું સત્ય શાશ્વત અને કયું સમકાલીન એ અંગે વિદ્વત્તાના સમુદ્રો ઉછળ્યા છે. પણ સત્ય એ સાપેક્ષ બાબત છે. ‘અલ્ટીમેટ ટ્રુથ’ શું છે? કે (કશું જ નહિ) એ જ અંતિમ સત્ય છે ? એકને માટે જે અપરાધ છે, એ બીજાના માટે લાભ છે. એકને માટે જે પ્રેમ છે, એ બીજાના માટે ધેલછા છે. એકના માટે જે હંિસા છે, એ બીજાને માટે શાંતિની સ્થાપના છે. એકના માટે જે આકર્ષણ છે, એ જ બીજાના માટે ત્યાગ છે. ગાયનું માંસ એક સરેરાશ યુરોપિયનના ચિત્તમાં ભૂખ જન્માવે છે, સરેરાશ ભારતીય મનમાં સૂગ જન્માવે છે. કોણ સાચું ? કદાચ બંને.
સત્ય એટલે સનાતન જીવનમૂલ્યો વાળી વ્યાખ્યા હવે ઘસાઈ ચૂકી છે. સત્ય એટલે વ્યક્તિગત અનુભવો, આદતો અને આસપાસના સંબંધો, વાતાવરણ, સંદર્ભોમાંથી ઘડાતી માન્યતાઓ એ કદાચ વઘુ વાસ્તવિક છે. પણ એ ય સત્ય છે કે ભ્રમ ? આપણે જીવીએ, જાણીએ, અનુભવીએ છીએ એ જ સત્ય છે, કે એ માયા છે અને સત્ય એને પેલે પાર છે ?
‘ખોટા શબ્દો ચાલે, પણ કોઈને ય છેતરવાના ખોટા ઈરાદા ન ચાલે’ ની દ્રઢ વૃત્તિને લીધે ફાયદા કરતાં, હંમેશા નુકસાન વઘુ થયું છે. પણ જેવું છે તેવું-મારું એ સત્ય મારાથી છૂટતું નથી એ છેઃ પાદરર્શકતા... યાને ટ્રાન્સપરન્સી... કહો કે દંભમુક્તિ. એમાં ‘કાણાને કાણો’ કહેવાની તોછડાઈ પ્રયત્નપૂર્વક દૂર રાખી, અંતરાત્માની અદાલતને હરપળ, હરહંમેશ મોજૂદ રાખવી પડે.
વાત વાંચવામાં ખૂબ અસરકારક છે. પણ આચરવામાં આપણો સમાજ સામા પૂરે તરવાનો છે. સત્ય આપણે ત્યાં પિપરમિન્ટની જેમ ચગળવાની ગોળી છે. પારદર્શક થવા ઈચ્છતા માણસને જગત દરેક મોરચે હડઘૂત કરે છે, અને જાહેરમાં એ એ ન કરી શકે (એ માટે ય પારદર્શકતા જોઈએ ને ?) તો પછી ખાનગીમાં એનાથી ચેતીને ચાલે છે. લોકોને ખોટી ગળચટ્ટી વાતો સાંભળવાની ટેવ પડી ગઈ હોય છે. સાચું શું એ કોઈ જાણે નહિ-પણ કમસેકમ પૂરતી પારદર્શકતા રાખે તો એટલા અસત્યથી એ આઘા રહી શકે!
ખેર, ‘સત્યકામ’ (હૃષિકેશ મુખર્જી) અને ‘યુગપુરૂષ’ (પાર્થો ઘોષ) એટલે જ પ્રિય ફિલ્મો રહી છે. લોકોને સત્યના આદર્શની વાતો ગમે, પણ હકીકતે સત્યવાન માણસ કોઈનાથી જીરવાતો નથી. સેન્સેટિવ ઈન્સાને પાણીદાર સત્યમાં અસ્તિત્વના સંઘર્ષ ખાતર કમને પાણી ભેળવવું પડે છે, એ વાસ્તવિક પરમ સત્ય છે ! ‘પાપ તારું પરકાશ’ જેસલ ગાય તો સામે એને જીરવવાવાળી તોરલ પણ જોઈએ ને ! રજનીશ કહેતા કે, ખુલ્લી કિતાબની જેમ જીવો પણ બધાં પાનાં બધા લોકો સમજી શકવાના નથી, માટે થોડાં પ્રકરણો ત્યાં જ ઉઘાડો જ્યાં એ વાંચી શકતી નજર અને પામી શકતું દિલ હોય ! યસ, હૃદય બહુ પવિત્ર અને કિમતી જગ્યા છે, એમાં ટોળાંને પ્રવેશ ના હોય ! સંદર્ભ વિના અસત્ય પણ સત્ય લાગે, સમજણ વિના સત્ય પણ અસત્ય લાગે !
કર્ટસી ખાતર બોલવું પડતું, કોઈને નુકસાનકારક નહિ, પણ ફીલંિગ્સ હર્ટ થતાં રોકતું ‘નિર્દોષ’ જૂઠ તો જંિદગી જીવવા માટે કૃષ્ણની માફક અનિવાર્ય સ્માર્ટનેસ છે. સત્ય જાહેરાતનો નહિ, જાંબાઝીનો વિષય છે. પારદર્શક રહેવાનું છે ઈશ્વર, માલિક, અંતરાત્મા પાસે. એને ખબર હોય સાચું શું છે, તો દુનિયાના અભિપ્રાયોના ખુલાસા બહુ જરૂરી નથી. ક્યારેક, નજરે જોયેલી, કાને સાંભળેલી વાતમાં ય પૂરૂ સત્ય પ્રગટ થતું નથી. એ માટે મૌન વાંચતાં-સાંભળતાં શીખવું પડે!
પારદર્શતાના અંગત સત્યની સાથે જીવનને જાણવા-માણવા માટે વિસ્મય, પ્રેમ અને આનંદને સત્યરૂપે સ્વીકારવાનો જાતઅનુભવ છે. અંતે તો બધી જ ક્રિયાઓની સુખાનુભૂતિ આ ત્રિવેણીમાં જ સમાયેલી છે. આ છે તો જંિદગી છે. અને પછી પ્રગટે છે, પ્રકૃતિનું સત્ય-જેમાં મારાં-તમારાં તમામ સત્યો અને એના શબ્દો ઓગળી જાય છે, જેનું નામ છેઃ મૃત્યુ.
કદાચ સંપૂર્ણ સત્યની શરૂઆત એ જીવનનો અંત છે !
ફાસ્ટ ફોરવર્ડ
યો અન્યથા સન્તમાત્માન મન્યથા પ્રતિપદ્યતે
ભાવાર્થ ઃ શુ સાચું, શું ખોટું એ તારું હૃદય જ જાણે છે ! (મહાભારતમાં શકુંતલા)

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved