Last Update : 29-July-2012, Sunday

 

ક્રોધ અતિશયોક્તિની છલાંગ લગાવે છે !

જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર

- ક્રોધ અટકાવવાનો એક ઉપાય છે વિલંબ અથવા પ્રભુનામસ્મરણ. કોઈ વ્યક્તિ ગુસ્સો કરે એટલે એની સામે તત્કાળ ગુસ્સો પ્રગટ કરવાનું મુલતવી રાખીને આવતીકાલે પ્રગટ કરવાનું રાખો

વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ૠગ્વેદમાં કહ્યું છે કે ક્રોધને નમ્રતાથી પરાસ્ત કરવો. છેક ૠગ્વેદકાળથી ક્રોધ માનવીને પજવતો આવ્યો છે. એનાં માઠાં પરિણામ મનુષ્યજાતિએ સમયે સમયે મેળવ્યાં છે અને એ ક્રોધને પરિણામે એને ઘણું સહન કરવું પડ્યું છે.
ક્રોધને દૂર કરવાનું પહેલું પગથિયું તે ક્રોધને ઓળખવાનું છે. જેમ કે ગંભીર હત્યા થઈ હોય અને પછી એની ઊંડી તપાસ કરનારા એ હત્યાને ‘રિ-કન્સ્ટ્રક્ટ’ કરે છે, એટલે કે એ હત્યા થઈ એ વખતે હત્યારો કઈ રીતે આવ્યો હશે ? એણે કેમ હથિયાર ઉગામ્યું હશે ? કઈ રીતે પ્રહાર કર્યો હશે ? એ બઘું ફરીવાર ‘ભજવે’ છે. એના પરથી હત્યાનો તાગ મેળવવા પ્રયાસ થાય છે. એ જ રીતે ક્રોધને દૂર કરવાનું પહેલું પગથિયું છે મનમાં ભૂતકાળમાં બનેલી ક્રોધ જગાવનારી ઘટનાનું ‘રિ-કન્સ્ટ્રક્શન’.
ક્યા સંજોગોમાં એ ક્રોધ જાગ્યો ? એ વખતે તમારી માનસિક પરિસ્થિતિ કેવી હતી ? તમે અકળાયેલા હતા કે પ્રસન્ન હતા ? એ ક્રોધની શરૂઆત કેવી રીતે થઈ ? પછી કઈ રીતે એ ક્રોધ વધતો ગયો અને કઈ રીતે પ્રગટ થયો ? આ બધાનો પૂરતો વિચાર કરીએ, તો જ ક્રોધના રૂપને જાણી શકીએ.
ક્રોધને મૂળ સહિત ઉખેડીને ફેંકી દેવામાં આવે નહીં, તો એ ક્રોધ ફરીવાર ગમે ત્યારે ચિત્તમાં અને જીવનમાં ઊગ્યા વિના રહેવાનો નહીં. ક્રોધ બાહ્ય વસ્તુ, પરિસ્થિતિ કે વ્યક્તિ સાથે સંબંધિત હોય છે. કોઈએ આપણને નુકસાન કર્યું હોય, તો એના પ્રત્યે આપણે ક્રોધિત બનીએ છીએ. કોઈએ અપશબ્દો કહ્યા હોય, તો આપણે ગુસ્સે ભરાઈને એને કચકચાવીને જવાબ આપવાનો પ્રયાસ કરીએ છીએ. કોઈએ આપણું ધાર્યું થવા દીઘું ન હોય, તો પણ વ્યક્તિ ક્રોધે ભરાતી હોય છે.
પ્રતિકૂળ પરિસ્થિતિ એ ક્રોધની ઉદ્દીપક છે. સહેજ ન ગમે એવું બને કે તરત જ ગુસ્સો ફાટી નીકળે છે. આજનો માનવી વઘુ ને વઘુ અનુકૂળતાઓની શોધ કરે છે. સગવડ એની આસપાસ એટલી બધી વીંટળાઈ વળી છે કે એ સગવડના અભાવે અકળાઈ ઊઠે છે. ઓફિસમાં ઉનાળામાં સાહેબને ફ્રીજનું ઠંડુ પાણી આપવાને બદલે સાદું પાણી અપાઈ જાય, તો પાણીના એક ધૂંટડા સાથે સાહેબનો સઘળો ક્રોધ બહાર નીકળે છે.
ક્રોધ ધીરે ધીરે બહાર નીકળતો નથી, પરંતુ એ છલાંગ મારીને બહાર નીકળે છે, એટલે ફ્રીજમાંથી ઠંડુ પાણી લાવવાનું ભૂલી જનાર નોકરને એ તદ્દન બેવકૂફ અને સાવ મૂર્ખ પણ કહી દે છે. આમે ય ક્રોધને અતિશયોક્તિ બહુ પ્રિય છે. એનો પ્રારંભ જરા હળવાશથી થાય, પણ પછી તો ક્રોધ અતિશયોક્તિમાં રાચવા લાગે છે. પત્નીથી શાકમાં મીઠું ઓછું નખાઈ જાય તો પતિ ગુસ્સે જઈને કહેશે કે ‘તારા માબાપે તને કશું શીખવ્યું જ નથી.’ ‘ટાર્ગેટ’ સિદ્ધ કરવામાં કર્મચારી થોડાક માટે ચૂકી જાય, તો બોસ એના પર ગુસ્સે થઈને કહેશે તે ‘તમારા જેવા ડોબાઓ આ કંપનીમાં ચાલશે નહીં. આટલોય ‘ટાર્ગેટ’ સિદ્ધ કરી શકતા નથી તમે ? તમારે કારણે મારી કંપની દેવાળું ફૂંકશે.’ પોતાના સંતાનથી કંઈ ભૂલ થઈ જાય તો પિતા તરીકે તમે એને કેવા વઢી નાખતા હો છો અને ગુસ્સામાં એમ પણ કહો છો કે ‘તારા જેવા બેવકૂફ કરતાં નિઃસંતાન હોવું વધારે સારું.’
જરા વાચક પણ વિચાર કરે કે એને પોતાને કઈ પરિસ્થિતિમાં ક્રોધ આવે છે અને પછી એનો ક્રોધ કઈ રીતે ‘હાઈ જમ્પ’ કરે છે !
સામાન્ય સંજોગોમાં તો એમ કહેવાય છે કે ક્રોધ કરતી વખતે વ્યક્તિએ પરિણામનો વિચાર કરવો જોઈએ. ચીનના વિચારક કોન્ફ્‌યુશિયસે એમ કહ્યું છે કે જે સમયે ક્રોધ ઉપજે તેમ હોય, તે વખતે તેનાં પરિબળોનો તમે વિચાર કરજો. કોન્ફ્‌યૂશિયસની આ શિખામણ સાચી છે, પરંતુ આચરણમાં મૂકવી મુશ્કેલ છે. કારણ એટલું જ કે વ્યક્તિ વિવેકભાન ગુમાવે છે ત્યારે જ ક્રોધ કરે છે. જો એ સારા-નરસાનો વિવેક કરી શકતો હોય, તો એ ક્રોધ કરે જ નહીં.
એ વાત પણ સમજી લેવી જોઈએ કે બહાર પ્રગટ થાય છે એટલે જ એ ક્રોધ છે એવું નથી. એ ક્રોધ જુદા જુદા રૂપે પ્રવર્તતો હોય છે. એક ક્રોધ એ આવેશમય ક્રોધ છે, જે ઉંમર, સ્થિતિ કે ધનથી મોટી વ્યક્તિ નાની વ્યક્તિ પર ઠાલવતી હોય છે, ગુરુ-શિષ્ય પર, પિતા પુત્ર પર કે સાસુ વહુ પર કોઈ પ્રતિકૂળ બાબત બનતાં આવેશમાં આવીને ક્રોધાયમાન બને છે. આમાં ક્રોધને તમે પ્રગટરૂપે જોઈ શકો છો. એ ક્રોધનાં પરિણામો પણ તમને જાણવા મળે છે અને સામી વ્યક્તિ પર એ ક્રોધનો કેવો પડઘો પડે છે, તે પણ તમે જોઈ શકો છો.
ક્રોધની એક પ્રતિક્રિયા એ ગૂંગળામણ છે. સામી વ્યક્તિ પર ક્રોધ કર્યો હોય તેમ છતાં એને સામે પ્રગટ કરવા કે વળતો જવાબ આપવા એ વ્યક્તિ સમર્થ ન હોય, ત્યારે મનમાં ને મનમાં અકળાય છે અને વેરનો ડંખ રાખીને બદલો લેવાની તક શોધતો હોય છે. એ સામેની વ્યક્તિ પર વેર વાળી શકે કે ન વાળી શકે, એ જુદો સવાલ છે, પણ એના મનમાં તો આવી વ્યક્તિ તરફ સતત ગુસ્સાની ગુંગળામણ પ્રવર્તતી હોય છે.
ક્રોધની ત્રીજી અવસ્થા તે અસહાય અવસ્થા છે. ગુસ્સો જ્યારે આવેશથી વ્યક્ત થઈ શકે તેમ ન હોય, મનની અંદર ગૂંગળાઈને રહેતો ન હોય, ત્યારે વ્યક્તિ રૂદન કરતી હોય છે. આ રૂદન પણ ભીતરના ક્રોધનું જ એક પ્રતીક છે.
ક્રોધ અટકાવવાનો એક ઉપાય છે વિલંબ અથવા પ્રભુનામસ્મરણ. કોઈ વ્યક્તિ ગુસ્સો કરે એટલે એની સામે તત્કાળ ગુસ્સો પ્રગટ કરવાનું મુલતવી રાખીને આવતીકાલે પ્રગટ કરવાનું રાખો. આત્મહત્યા જેમ પળનો સવાલ છે, એ જ રીતે ક્રોધ પણ એક પળનો મામલો છે. એ પળ ગઈ, તો પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ જ સમજો.
આત્મહત્યા કરવા જતાં પૂર્વે થોડીક ક્ષણો કોઈ વ્યક્તિ બીજાની સાથે વાર્તાલાપ કરે, તો એનો આવેશ હળવો થઈ જાય છે. એ જ રીતે કોઈના પર ગુસ્સો ચઢે, કોઈનો બદલો લેવાનું મન થાય, કોઈને સીધાદોર કરી નાખવાની ઈચ્છા થાય, ખખડાવી કે ધમકાવી નાખવાના ભાવ જાગે ત્યારે એનો તત્કાળ અમલ કરવાને બદલે થોડો સમય એ કાર્ય મોકૂફ રાખો.
ક્રોધ પ્રગટ કરવામાં વિલંબ કરશો કે તરત જ મનમાંથી એક વિચાર એવો પણ આવે કે એણે મારી સાથે આવું વર્તન કર્યું, એની પાછળ નક્કી કોઈ કારણ હોવું જોઈએ. બીજો વિચાર એમ પણ આવે કે માણસ તો સારો છે, પણ સંજોગોના માર્યા એણે મારી સાથે દુઃવર્તન કર્યું હશે ! ત્રીજો વિચાર એમ પણ આવે કે કદાચ હું જ એવું કડવી રીતે બોલ્યો હોઈશ કે સામી વ્યક્તિથી ગુસ્સો થઈ ગયો એટલે ભૂલ મારી છે, સામેની વ્યક્તિની નથી. વળી મન ચોથો વિચાર પણ કરે કે આમ ક્રોધ કરવાથી શું લાભ છે ? એની સાથેનાં મારાં વર્ષોનાં મીઠાં સંબંધો સાવ ખારાં બની જશે ?
એ પાંચમો વિચાર એ કરે કે ગમે તેટલો ક્રોધ કરવા છતાં સામી વ્યક્તિ સુધરે એવી નથી, તો પછી ક્રોધ કરીને શો અર્થ ? એને છઠ્ઠો વિચાર એવો પણ આવે કે આમ ક્રોધ ખરીને મારે શા માટે કર્મ બાંધવા ? એ ભલે કોઈ દુઃવૃત્તિને વશ થયો હોય, પરંતુ મારે શા માટે મારી સદ્‌વૃત્તિ છોડવી ? વળી સાતમો વિચાર એમ પણ આવે કે દરેકને કર્યા કર્મ ભોગવવાનાં હોય છે. એને એવાં કર્મ ઉદયમાં આવ્યાં હશે, જેને પરિણામે એ આવું કરી બેઠો, હવે એના પર ક્રોધ કરીને હું શું મેળવીશ ?
આઠમો વિચાર એમ પણ થાય કે હું ગુસ્સે થઈશ, તો મારું મન વ્યગ્ર અને ક્ષુબ્ધ થશે, મારી ઉંઘ બગડશે, આવી રીતે ઉંઘ વેચીને ઉજાગરો મેળવવો શા માટે ?
એને નવમો વિચાર એ આવશે કે એ ભલે ક્રોધ કરે, મારે તો ક્ષમા જ આપવાની હોય. પ્રભુ મારા ધૈર્યની પરીક્ષા કરે છે. એને દસમો વિચાર એ પણ આવે કે આ તો અંતરંગ કર્મ (મોહનીય) નો ઉદય થયો છે. એ વ્યક્તિ સ્વભાવે નિર્મળ છે, એના મનમાં ક્ષમા પણ હશે, પરંતુ કર્મના ઉદયને આધીન થઈને એ ક્રોધ રૂપે પરિણમીને વ્યક્તિ પાસે ભૂલ કરાવે છે. અગિયારમો વિચાર એ આવે કે મારા ક્ષમાસ્વરૂપ આત્માને ભૂલીને જો ક્રોધભાવ રાખીશ તો થશે શું ? આ ક્રોધભાવ મારા મૂળ સ્વરૂપમાં નથી. માત્ર આ કર્મના ઉદયના નિમિત્તથી જ ઉપજે છે, તો એવા ભાડૂતી ભાવને હું મારા આત્મામાં શા માટે જગા આપું ? વળી ક્રોધ કરવાથી જે કર્મ બંધાશે તે પાછું ઉદયમાં આવતાં ભવિષ્યમાં મારે માટે પણ દુઃખરૂપ બનશે. આથી ક્રોધનો ભાવ છોડીને મારે તો ક્ષમાભાવમાં કે સમતાભાવમાં જ રહેવાનું છે.
આમ, ક્રોધ કરવામાં વિલંબ કરે અથવા તો ક્રોધની પરિસ્થિતિમાં ઈશ્વરસ્મરણ કરી લે અને એના પ્રાગટ્યને વિલંબમાં નાખે, તો એના ગુસ્સામાં ઘણું પરિવર્તન આવે છે.

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved