Last Update : 27-July-2012, Friday

 

‘આખરી ખત’થી ‘દો દિલોંકે ખેલ મેં’ સુધીની
સુપરસ્ટાર રાજેશ ખન્નાની ફિલ્મી સફર
અચ્છા તો હમ ચલતે હૈ...

 

પચાસના દાયકાના અંતમાં મંબઇની કે.સી. કોલેજમાં એક યુવક ભણતો હતો. ગુરખા જેવો લાગતો આ યુવાન કોલેજની કેન્ટિનમાં તેના મિત્રો સાથે બેસીને ચાની ચૂસ્કીઓ લઇ ગપાટા મારતો હતો ત્યાંરે કોલેજના વિદ્યાર્થીઓને સપને પણ ખ્યાલ નહોતો કે એક દિવસ આ યુવાન બોલીવુડમાં એક નવા ઇતિહાસનું સર્જન કરશે અને ભારતભરના લોકોને દીવાના બનાવી દેશે. જી હા, અમે રાજેશ ખન્નાની વાત કરીએ છીએ. ‘૬૦ અને ૭૦’ ના જમાનાના સિને રસિકોને રાજેશ ખન્ના વિશે ઝાઝું કહેવું એટલે હાથ કંગનને આરસી દેખાડવા જેવો ઘાટ થશે.
તે જમાનામાં લોકો રાજેશ ખન્નાના રૂઆબની ચર્ચા કરતા હતા. રાજ ઠાઠમાં રહેવાની રાજેશની આદતો પણ ચર્ચાને પાત્ર બની હતી. પરંતુ રાજેશ ખન્ના શ્રીમંત પરિવારમાંથી આવ્યો હતો. અને આ આદતો તે ગળગુથીમાં લઇને જન્મ્યો હતો. યુનાઇટેડ પ્રોડ્યુસર્સ દ્વારા યોજાયેલી ટેલન્ટ સર્ચ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજેશ ખન્ના (તે સમયે જતીન) ગયો ત્યાંરે તે મર્સિડિઝમાં ગયો હતો. આ વાત સાબિત કરે છે કે અન્ય સ્પર્ધકોની સરખામણીમાં તેનો આત્મવિશ્વાસ ગજબનો હતો અને પરિણામે તે સ્પર્ધા જીતી ગયો અને એકસાથે ત્રણ ફિલ્મોના કોન્ટ્રાક્ટ તેની ઝોળીમાં પડી ગયા.
૧૯૬૬માં બોલીવુડમાં પ્રવેશેલા રાજેશ ખન્નાએ સૌ પ્રથમ ફિલ્મ ‘રાઝ’ સાઇન કરી હતી. બબિતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી. પરંતુ રાજેશ ખન્નાની પહેલી ફિલ્મ ‘આખરી ખત’ રિલિઝ થઇ હતી. આ ફિલ્મ એકાદ વર્ષના એક માસુમ બાળક પર આધારિત હતી. ‘હોમ અલોન’ ફિલ્મ વર્ષો પછી બની પણ આ ફિલ્મમાં એક વર્ષના બાળકને રસ્તા પર એકલો ફરી પોતાની જાતનું રક્ષણ કરતા દેખાડવામાં આવ્યો હતો. આ ફિલ્મના કેટલાક ગીતો પણ ઘણા લોકપ્રિય થયા હતા. ‘બહારો મેરા જીવન ભી સંવારો........’ આજે પણ લોકો ગણગણે છે. વેલ, રાજેશ ખન્નાની જેમ બબિતાની પણ પ્રથમ ફિલ્મ ‘દસ લાખ’ રિલિઝ થઇ હતી. આમ એકબીજા સાથે કારકિર્દીની શરૂઆત કરનાર રાજેશ ખન્ના અને બબિતા વચ્ચે ઘણી સમાનતા હતા. બબિતાના સસરા રાજકપૂરની ફિલ્મ ‘બોબી’ દ્વારા બોલીવુડમાં પદાપર્ણ કરનાર ડિમ્પલ કાપડિયા સાથે રાજેશ ખન્નાએ લગ્ન કર્યાં હતા. રાજકપૂરના ખાસ મિત્ર રાજેન્દ્ર કુમારનો બંગલો ‘ડિમ્પલ’ ખરીદી તેણે ‘આર્શીવાદ’ નામ આપ્યું હતું. બબિતાની જેમ રાજેશનું લગ્ન જીવન પણ નિષ્ફળ ગયું હતું અને રાજેશ અને બબીતા દરેકને બે પુત્રી છે.
‘આખરી ખત’ પછી રિલિઝ થયેલી ‘ઇન્સાફ મેં કરુંગા’, ‘ખુદાઇ’, ‘બહારોં કે સપને’ અને ‘રાઝ’ ફિલ્મે રાજેશ ખન્નાને ખાસ સફળતા અપાવી નહીં. નાસિર હુસેનની ‘બહારોં કે સપને’ બ્લેક એન્ડ વ્હાઇટ હતી. તેમાં રાજેશ ખન્નાએ નોકરી શોધતા એક બેકાર યુવાનની ભૂમિકાને ન્યાય આપ્યો હતો. આ ફિલ્મમાં રાજેશ ખન્ના સાથે આશા પારેખ હતી. આ ફિલ્મના બધા જ ગીતો ઘણા લોકપ્રિય થયા હતા. ‘આજા પિયા તોહે પ્યાર દૂં’, ‘ચૂનરી સંભાલ ગોરી....’, ‘ક્યા જાનું સજન......’ જેવા ગીતો લોકો આજે પણ ભૂલ્યાં નથી. સારા ગીતો હોવા છતાં પણ આ ફિલ્મ દર્શકોને ખુશ કરી શકી નહોતી.
પરંતુ ૧૯૬૯ માં રિલિઝ થયેલી ફિલ્મ ‘આરાધના’ એ રાજેશ ખન્નાની કારકિર્દીની દિશા બદલી નાખી. આ ફિલ્મમાં રાજેશ ખન્નાએ ડબલ રોલ ભજવ્યો હતો. આ ફિલ્મ સુપરહીટ સાબિત થઇ હતી. આ ફિલ્મના ગીતો એ વર્ષો પછી પણ પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે. ‘આરાધના’ ફિલ્મ દ્વારા રાજેશ ખન્ના સિને રસિકોના દિલો-દિમાગ પર છવાઇ ગયો. ‘કોરા કાગઝ થા....’, ‘ગુન ગુના રહે હે.......’, ‘રૂપ તેરા મસ્તાના.....’, ‘આજ સોમવાર હૈ, જેવા ગીતોએ તે જમાનામાં રેડિયો કાર્યક્રમોમાં ઘૂમ મચાવી હતી. ‘આરાધના’ ફિલ્મમાં રાજેશ ખન્ના સાથે શર્મિલા ટાગોરે કામ કર્યું હતું. શર્મિલા તે સમયે ટોચની અભિનેત્રી હતી અને રાજેશ ખન્ના આ ક્ષેત્રમાં નવો હતો. આથી શર્મિલાએ રાજેશ ખન્ના સાથે આ ફિલ્મ સ્વીકારી ત્યાંરે લોકોને ઘણી નવાઇ લાગી હતી. અને આ ફિલ્મમાં રાજેશ ખન્નાનો આત્મવિશ્વાસ અને અભિનય જોઇ તેના ટીકાકારોના મોં સીવાઇ ગયા હતા.
‘આરાધના’ પછી રાજેશ ખન્નાએ પાછું વાળીને જોયું નહીં. તેની બધી જ ફિલ્મો સુપરહીટ જતી. ‘આરાધના’ પછી ‘બંધન’, ‘દો રાસ્તે, ‘ડોલી’, ‘ઇ-તેફાક’, ‘ખામોશી’ જેવી ફિલ્મે રાજેશ ખન્નાનું સ્થાન વઘુ મજબૂત બનાવ્યું. બી.આર.ચોપરા નિર્મિત યશ ચોપરા દિગ્દર્શિત ફિલ્મ ‘ઇ-તફાક’માં એક પણ ગીત હતું નહીં. આ ફિલ્મમાં નંદાએ નકારાત્મક છાંટ ધરાવતી ભૂમિકા ભજવી હતી. તે જમાનામાં ફિલ્મી સંગીતનો સુવર્ણકાળ હતો. એ જમાનામાં એક પણ ગીત વગરની ફિલ્મ બનાવવાની અને એ ફિલ્મમાં કામ કરવાની હંિમત કરવી એ વાત નાની સૂની નહોતી.
આ ફિલ્મો ઉપરાંત ‘કટી પતંગ’, ‘સચ્ચા ઝૂઠા’, ‘સફર’, ‘ધ ટ્રેન’, ‘અમરપ્રેમ’, ‘આનંદ’, ‘અંદાઝ’, ‘દુશ્મન’, ‘હાથી મેરે સાથી’, ‘અનુરાગ’, ‘બાવર્ચી, ‘જોરુ કા ગુલામ’, ‘મેરે જીવન સાથી, ‘આન મિલો સજના’, ‘દાગ’, ‘નમકહરામ’, ‘આપકી કસમ’, ‘પ્રેમ નગર’, ‘પ્રેમ કહાની’ જેવી ફિલ્મોએ રાજેશ ખન્નાને સુપર સ્ટાર બનાવી દીધો.
સુપર સ્ટારની શરૂઆત રાજેશ ખન્નાએ જ કરી હતી એમ કહેવામાં કોઇ અતિશયોક્તિનો પ્રયોગ થયો નથી. ‘આરાધાના’ પછી ચારે કોર રાજેશ ખન્ના છવાઇ ગયો હતો. ફિલ્મી મેગેઝિનોનો રાજેશ ખન્ના માનીતો અભિનેતા હતો. તેને માટે ખાસ અંક બહાર પાડવામાં આવતા હતા. અને રાજેશ ખન્નાનો ફોટો જોતા જ આ અંકો બજારમાંથી ગરમા ગરમ બટાટા વડાની જેમ ઉપડી જતા હતા. અમિતાભ બચ્ચન માફ કરે પણ જે લોકપ્રિયતા મેળવવા તેમને વર્ષો લાગ્યા હતા એથી વઘુ લોકપ્રિયતા રાજેશ ખન્નાએ એકાદ-બે વર્ષમાં મેળવી હતી. યુવતીઓ રાજેશ ખન્નાની દીવાની હતી. તેઓ તેને તેમના લોહીથી પ્રેમ પત્રો લખતી હતી. કહેવાય છે કે રાજેશ ખન્ના પર તેના પ્રશંસકોના દિવસના દસ હજાર પત્રો આવતા હતા અને આ માટે પોસ્ટ ઑફિસમાં ખાસ બે પોસ્ટમેન રાખવામાં આવ્યા હતા. અને આ પત્રો તેેને ઘેર પહોંચાડવા માટે ખાસ વાન રાખવામાં આવી હતી. રોજ સવાર અને સાંજે રાજેશ ખન્નાના બંગલા નીચે તેના પ્રશંસકોનું મોટું ટોળું જમા થતું હતું, રાજેશ ખન્નાની એક ઝલક પામ્યા પછી જ આ ટોળું વિખરાતું હતું.
ફિલ્મોમાં રાજેશ ખન્ના પહેરતા એ પરિધાનો રાતોરાત લોકપ્રિય થઇ જતા. યુવાનો તો ઠીક બાળકો પણ રાજેશ ખન્ના જેવા વસ્ત્રો પહેરવાની જીદ પકડતા ‘હાથી મેરે સાથી’ ફિલ્મમાં રાજેશ ખન્નાએ પહેરેલું ગુરૂ શર્ટ અને ‘અંદાઝ’ ફિલ્મમાં તેણે શર્ટ પર પહેરેલો પટ્ટો અને ગોગલ્સની ફેશને પણ તે જમાનામાં જોર પકડ્યું હતું.
‘આનંદ’ ફિલ્મે રાજેશ ખન્નાને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર અપાવ્યો હતો. આ ફિલ્મોમાં રાજેશ ખન્નાએ કેન્સરથી પીડાતા યુવકની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના મુરારીલાલે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ ઉપરાંત ‘‘હમ સબ રંગમંચ કી કઠપુતલિયાં હૈ જહાંપનાહ, જીસકી ડોર ઉપરવાલે કે હાથમેં હૈ કબ કૈસે કિસકી ડોર ખીંચ લે વો કોઇ નહીં જાનતા.....’ સંવાદે બોલીવુડના અમર સંવાદોમાં સ્થાન મેળવ્યું છે. ‘આનંદ’ ઉપરાંત ‘સચ્ચા જૂઠા’ , ‘અવિષ્કાર’ ફિલ્મે પણ તેમને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અપાવ્યો હતો.
‘આરાધના’ ફિલ્મથી રાજેશ ખન્નાની કારકિર્દીએ નવો વળાંક લીધો હતો, તો આ જ ફિલ્મ અને તેનાં ગીતોને કારણે પાર્શ્વગાયક કિશોર કુમારની કારકિર્દીએ પણ અદ્‌ભુત એવું ટોચનું સ્થાન મેળવ્યું હતું. ત્યારથી જ રાજેશ ખન્નાનો અભિનય અને કિશોર કુમારનો કંઠ એ એકબીજાનાં પર્યાય બની ગયા હતા. આ ‘કોમ્બીનેશને’ બોલીવુડને અનેક ચિરસ્મરણીય ગીતો આપ્યાં છે, જેમાં ‘અંદાઝ’ ફિલ્મના ‘જંિદગી એક સફર હૈ સુહાના’ અને ‘આપ કી કસમ’ નાં ‘જય જય શિવશંકર’ જેવાં અનેક ગીતોનો સમાવેશ થાય છે.
‘અંદાઝ’ ફિલ્મમાં રાજેશ ખન્ના મહેમાન કલાકાર હતો અને મુખ્ય હીરો શમ્મી કપૂર હતો, પણ ‘અંદાઝ’ ફિલ્મનું નામ પડતાં જ રાજેશ ખન્ના જ લોકોને યાદ આવતો હતો.
તે સમયે રાજેશ ખન્ના- શર્મિલા ટાગોર, રાજેશ ખન્ના - આશા પારેખ, રાજેશ ખન્ના- મુમતાઝ અને રાજેશ ખન્ના- હેમા માલિનીની જોડી, એ ફિલ્મની સફળતા માટે ચાવીરૂપ ગણાતી હતી.
રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચને ‘આનંદ’ અને ‘નમકહરામ’ એ બે જ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. પણ, ત્યાર પછી અમિતાભ બચ્ચને તેની સાથે ફિલ્મો સ્વીકારવાનું જ માંડી વાળ્યું હતું, કારણ કે આ ફિલ્મોમાં રાજેશ ખન્નાની ભૂમિકા જ વખણાતી હતી. જોકે, તેનું કારણ એ પણ હતું કે રાજેશ ખન્ના તે સમયે ટોચ પર હતો એટલે તે પોતાની ભૂમિકા ખાસ લખાવીને સારાં દ્રશ્યો પોતે ભજવતો હતો. ‘નમકહરામ’માં કોણ મરશે એ માટે સ્પર્ધા જામી હતી અને રાજેશ ખન્નાએ મરીને (નેચરલી ફિલ્મમાં જ સ્તો!) વઘુ લોકપ્રિયતા મેળવી હતી. પણ, આ ફિલ્મ પછી તેઓ ‘નસીબ’માં માત્ર એક જ ગીતમાં સાથે દેખાયા હતા. અને ‘નસીબ’ જૂઓ કે ‘નમકહરામ’ પછી અમિતાભ ટોચ તરફ આગળ વઘ્યો અને રાજેશ ખન્નાની પડતીની શરૂઆત થઇ.
અભિનય ઉપરાંત રાજેશ ખન્ના તેના રોમાન્ટિક સ્વભાવ માટે પણ પ્રખ્યાત હતો. તેના રોમાન્ટિક સ્વભાવે જ કદાચ લવર બોય તરીકે તેને સફળતા અપાવી હોય તો નવાઇ નહીં, અંજુ મહેન્દ્રુ સાથે રાજેશ ખન્નાનો સંબંધ ચર્ચાને પાત્ર બન્યો હતો. આજે નહીં તો કાલે રાજેશ ખન્ના અંજુ સાથે લગ્ન કરશે એમ લોકો માનતા હતા. પરંતુ લગભગ છ-સાત વર્ષનો સંબંધ તોડી રાજેશે ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યાં ત્યાંરે લોકોને ઘણું આશ્ચર્ય થયું હતું. જો કે રાજેશ અને ડિમ્પલનું લગ્ન જીવન લાંબુ ટક્યું નહીં. બે પુત્રીઓ સાથે ડિમ્પલે પિયરની વાટ પકડી અને રાજેશ ખન્ના એકલો રહેવા લાગ્યો. જો કે ત્યાંર પછી પણ એક અભિનેત્રી સાથે રાજેશના સંબંધો ચર્ચાસ્પદ બન્યાં હતા. લગ્ન વગર એ બંને સાથે પણ રહેતા હતા. પરંતુ આ સંબંધ પણ લાંબો ચાલ્યો નહીં.
ફિલ્મોમાં નિષ્ફળતા મળતા રાજેશ બોલીવુડને રામ-રામ કરી રાજકારણનો સાથ પસંદ કર્યો હતો. આ ઉપરાંત તેણે ૧૯૯૯માં ‘આ અબ લૌટ ચલે’ દ્વારા ચરિત્ર અભિનેતા તરીકે પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ સિરિયલોમાં પણ નસીબ અજમાવ્યું હતું. પરંતુ તેનો આ પ્રયાસ સફળ થયો નહીં.!
આજે રાજેશ ખન્નાનો યુગ આથમી ગયો હશે પણ સિને રસિકોના દિલમાં રાજેશ ખન્નાની યાદ તાજી છે. વર્ષો સુધી આ ‘દુશ્મન’ ની ‘અમર પ્રેમ કહાની’ લોકો ભૂલશે નહીં એ પણ એક હકીકત છે. અને રાજેશ ખન્ના જેવો સુપર સ્ટાર બોલીવુડને મળશે કે નહીં એ એક પ્રશ્ન છે.

Share |
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved