Last Update : 27-July-2012, Friday

 

અમદાવાદમાં તસ્કરરાજઃ ૪ જ્વેલરી શોપ તોડી

-ચોરી-લૂંટના કુલ 7 બનાવ

 


-કારમાં આવેલી ગેંગ

અમદાવાદ, ગુરૃવાર
અમદાવાદમાં પોલીસ કે કાયદાનો ભય ન રહ્યો હોય અને તસ્કરરાજ હોય તે રીતે એક જ રાતમાં એક જ ગેંગ સેટેલાઈટ, પંચવટી સર્કલ અને સી.જી. રોડ ઉપર જ્વેલર્સની ચાર દુકાનોના ટાર્ગેટ કરી હતી. સવારે પોલીસ ઘરે જવાની ઉતાવળમાં હોય તે સમય, પાંચથી સાતના સમયગાળામાં કાર લઈને ફરી વળેલી ગેંગ સી.જી. રોડ ઉપર સફળ રહી હતી. સી.જી. રોડના બોડીલાઈન સર્કલ પાસે રત્નમ કોમ્પલેક્સમાં શ્રૃંગાર જ્વેલર્સના છ તાળા અને ઈન્ટરલોક તોડી કે ખોલીને પોણો કરોડની કિંમતના સોના, ચાંદી અને હિરાના દાગીના ચોરી જવાયાં છે. બુધવારની રાતે જ આનંદનગરમાં સેલ્બી હોસ્પિટલ પાછળની પાર્કહિલ સોસાયટીમાં ચોકીદારને રિવોલ્વર અને ગુપ્તી બતાવીને બંદી બનાવી એક બંગલામાંથી ચોરી કરવામાં આવી છે. તો, બાપુનગરની શક્તિકુંજ સોસાયટીના ઘરમાં ઘૂસેલા તસ્કરે એક પરિવાર ઉપર હુમલો કર્યો હતો. જેમાં બે પુત્ર અને પિતાને ઈજા પહોંચી છે. તો, તસ્કરે દિવાલમાં માથું પછાડતાં ઈજાગ્રસ્ત સ્થિતિમાં હોસ્પિટલે ખસેડાયો છે. બુધવારની રાત પોલીસ માટે પડકારરૃપ સાબિત થઈ છે. વિતેલા ૨૪ જ કલાકમાં ચોરી અને લૂંટના સાત નોંધપાત્ર બનાવો બની ચૂક્યાં છે. ખાસ કરીને સેટેલાઈટ, પંચવટી સર્કલ અને સી.જી. રોડ ઉપર જ્વેલર્સને ત્યાં ચોરીના કિસ્સામાં કારમાં આવેલી એક જ ગેંગ હોવાનું પોલીસ મજબૂત રીતે માની રહી છે. શ્રાવણ અને રમઝાન મહીનો ચાલુ છે અને રક્ષાબંધન, સાતમ-આઠમ, નવરાત્રી અને દિપાવલી તહેવારના દિવસો આવવાનાં છે. પ્રજાની માલ-મિલકતના રક્ષણમાં પોલીસ સફળ હોવાના અને ગુનાખોરી ઉપર અંકુશ આવ્યાના પોલીસના દાવા નિષ્ફળ રહ્યાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વિતેલા ત્રણ જ મહિનામાં આંગડિયાને ત્યાંથી નીકળેલી વ્યક્તિઓ પાસેથી ૫૫ લાખ જેવી રકમ 'ધૂમ' બાઈકર્સ લૂંટી ચૂક્યા છે. મોટા ગૂનાઓ ન ઉકેલી શકવાના મુદ્દે પોલીસ પાસે કોઈ બહાનું હોઈ જ ન શકે. મંદીનો માહોલ અને વરસાદ ખેંચાયો છે ત્યારે પરિસ્થિતિ વધુ કથળવાની ભીતિ છે.
પોલીસ 'સબ સલામત'ના દાવા કરે છે ને અમદાવાદમાં ચોર, લૂંટારાઓનું રાજ પ્રસ્થાપિત થઈ રહ્યું છે. પ્રજા પૂછી રહી છે કે- 'સલામત અમદાવાદ'નો અહેસાસ ક્યારે થશે?

પોલીસ સવારે ઘરે જાય તે સમયે જ ચોર ગેંગ ત્રાટકી
* પોલીસની કાર્યપધ્ધતિના જાણકાર હોય તે રીતે તસ્કરોએ ચોરી કરવા માટે સવારનો સમય પસંદ કર્યો છે. નાઈટડયુટી કરતી પોલીસ સવારે પાંચ વાગ્યાથી ડયુટી નોંધાવવા કે ઘરે જવા તત્પર હોય છે. સાથોસાથ, લોકોની ચહલપહલ પણ થઈ ગઈ હોય છે તેથી પોલીસને શંકા ઓછી રહે. આ સમયનો ગેરલાભ લઈને તસ્કર ગેંગ ત્રાટક્યાનું અનુમાન છે.

ચોકીદારના લમણે પિસ્તોલ મૂકી છ શખ્સોએ લૂંટ કરી
અમદાવાદ, ગુરૃવાર
અમદાવાદમાં ચોર-લૂંટારા હવે હથિયારોથી સજજ થઈને આવે છે. ચોંકાવનારાં કિસ્સામાં આનંદનગરની પાર્કહીલ સોસાયટીના ચોકીદારને લમણે પિસ્તોલ મુકી બંદી બનાવી એક બંગલામાંથી ધાતુની વસ્તુઓ લૂંટી જવાઈ હતી.
આનંદનગરમાં સેલ્બી હોસ્પિટલ પાછળ આવેલી પાર્ક હીલ સોસાયટીમાં સાત વર્ષી ચોકીદાર દિનેશભાઈ પરમાર બુધવારે રાતે ફરજ ઉપર હતા. વહેલી સવારે સાડા ચાર વાગ્યે પાછળના દરવાજાનું તાળું તોડી છ શખ્સો સોસાયટીમાં ઘૂસ્યા હતા. તેમના પડકારનાર ચોકીદારને 'શાંતિ સે ચૂપચાપ ખડા રહે' તેમ કહી એક શખ્સે દિનેશભાઈના કપાળે પિસ્તોલ તાકી હતી અને બીજાએ પેટ ઉપર ગુપ્તી મુકી હતી.
ચોકીદાર દિનેશભાઈને બે શખ્સોએ બંદી બનાવતા અન્ય ચાર લૂંટારા મફતભાઈ પટેલ નામના વેપારીના બંગલાના પેસેજમાં ગયા હતા. મિનિટોમાં જ ધાતુની સાંકળ, ફૂલદાની વગેરે મળી ૪૭,૦૦૦ની મતા લૂંટી બૂકાનીધારી છ શખ્સો ગેઈટ પાસે લાલ રંગની મારૃતિવાનમાં બેસી ભાગ્યા હતા. ચોકીદારે બૂમો પાડી હતી પણ લોકો એકત્ર થાય તે પહેલાં લૂંટારા પલાયન થયા હતા. આનંદનગર પોલીસે 'ધાડ'નો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

સેટેલાઈટમાં CCTV ઉપર 'સ્પ્રે' છાંટી દીધું
અમદાવાદ, ગુરૃવાર
સી.જી. રોડના જ્વેલર્સને ત્યાં પોણો કરોડનો હાથ મારનાર તસ્કર ગેંગને સેટેલાઈટ અને પંચવટી સર્કલ પાસે બે જ્વેલર્સને ત્યાં સફળતા મળી નહોતી. સેટેલાઈટમાં સીસીટીવી ઉપર સ્પ્રે મારનાર તસ્કર પંચવટીના કેમેરામાં કેદ થતાં પોલીસની ટીમો કાર્યરત કરાઈ છે.
દસ દિવસ પહેલાં નારણપુરા અને વાસણામાં કાર લઈને ઝળકેલી તસ્કર ગેંગ જ સેટેલાઈટના સ્ટાર બજાર સામે અભિશ્રી કોમ્પલેક્સના ઝવેરી બ્રધર્સના તાળાં તોડવાનો પ્રયાસ કર્યો હતો. જ્વેલર્સના ઉપરના માળેથી ઘૂસવા માટે તસ્કરોએ મુખ્ય જાળીના બે નકૂચા તોડયા હતા. લોબીમાં પ્રવેશતા જયપુર-બિકાનેર બેન્કનો સીસીટીવી ધ્યાન ઉપર આવતાં તસ્કરે તેના ઉપર સ્પ્રે છાંટયું હતું. બાદમાં, જ્વેલર્સના શો-રૃમની જાળીનું એક તાળું તોડયું હતું. પરંતુ, અન્ય પાંચ-છ તાળાં તોડવા જતા નજરે ચડવાના ભયથી તસ્કરો ચાલ્યા ગયા હતા.
પંચવટીના કેમેરામાં કેદ તસ્કરોની સઘન શોધખોળ
કારમાં જ આગળ વધેલા તસ્કરોએ આંબાવાડી સર્કલથી પંચવટી સર્કલ જતાં સેન્ટર પોઈન્ટમાં રિજન્ટ જ્વેલર્સને નિસાન બનાવ્યું હતું. પ્રતિક દિપકભાઈ ઝવેરીની ફરિયાદ મુજબ, તેમની દુકાનમાંથી એક લેપટોપ અને બાજુમાં આવેલી મીરા ફોરેક્સ પ્રા.લી.માંથી એક લેપટોપ ચોરાયું છે. પોલીસ સૂત્રોએ કહ્યું કે, આ કોમ્પલેક્સના બે સીસીટીવી તસ્કરોએ તોડયા હતા અને એક કેમેરાની દિશા બદલી નાંખી હતી. કેમેરામાં એક તસ્કર રોડ ઉપર વોચ રાખતો જોવા મળ્યો છે. તો, ચશ્મા અને ટોપીધારી બીજો શખ્સ ચોરી કરવા ઘૂસ્યો હતો. આ જ શખ્સોએ સી.જી. રોડ ઉપર પોણો કરોડની ચોરી કર્યાની વિગતો પોલીસને મળી છે. આથી, પોલીસે કેમેરામાં કેદ થયેલા તસ્કરોને શોધવા ટીમો કાર્યરત કરી છે.

પોલીસના ગાલે તમાચો; ૧૬ કલાકમાં ૭ ગંભીર ગુના
* ચોર-લૂંટારાઓએ સતર્ક હોવાના દાવા કરતી અમદાવાદ શહેર પોલીસના ગાલ ઉપર સણસણતો તમાચો ઝીંક્યો છે. બુધવાર બપોર ૩ વાગ્યાથી ગુરૃવાર સવારે ૭ વાગ્યા સુધીના ૧૬ જ કલાકમાં ચોર-લૂંટારાઓએ શહેર ધમરોળ્યું હોય તેમ સાત ગંભીર ગૂના બન્યાં છે. પોલીસની નિષ્ક્રીયતા સામે પ્રજામાં આક્રોશનો આંક ઊંચો લઈ જાય તેવું 'ક્રાઈમ મિટર' આવું છે.

વિસ્તાર

સમય

ઘટના

મિઠાખળી

બપોરે ૩-૧૫

ધૂમ સ્ટાઈલે ૧.૧૧ લાખની લૂંટ

બાપુનગર

રાત્રે ૧-૦૦

ચોરે ઘરમાલિક-બે પુત્રને છરી મારી

આનંદનગર

સવારે ૪-૩૦

હીલ પાર્ક સોસાયટીમાં ચોકીદારને રિવોલ્વર બતાવી લૂંટ

સેટેલાઈટ

સવારે ૫-૦૦

અભીશ્રી જ્વેલર્સના તાળાં ન તૂટતાં કરોડોના દાગીના બચ્યા

પંચવટી સર્કલ

સવારે ૫-૫૦

સેન્ટર પોઈન્ટ, મિરા ફોરેક્સ પ્રા.લી.ના તાળાં તોડયા

પંચવટી સર્કલ

સવારે ૫-૫૫

સેન્ટર પોઈન્ટ, રીજન્ટ જ્વેલર્સના તાળાં તોડયા

સી.જી. રોડ

સવારે ૬-૪૫

રત્નમ કોમ્પલેક્સ, શ્રૃંગાર જ્વેલર્સમાં પોણો કરોડની ચોરી.


 

બાપુનગરની શાંતિકુંજ સોસાયટીના ઘરમાં ઘૂસેલા ચોરનાં કરતૂત
મકાનમાલિક અને બે સંતાનો ઉપર ચોર છરાથી તૂટી પડયો!
ધો. ૧૨માં ભણતી પુત્રી અને ભાઈ પિતાને ચોરના હુમલાથી બચાવવા જતાં ઘાયલ થયાઃ લોકોએ માર્યાની ચોરની ફરિયાદ
અમદાવાદ, ગુરૃવાર
બાપુનગરમાં ગત મધરાતે એક ઘરમાં ચોરી કરતી વેળા જાગી ગયેલા મકાન માલિક તથા તેના બે સંતાનોને ચપ્પાના ઘા ઝીંકી દીધા હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. એટલું જ નહીં, બુમાબુમ સાંભળી પાડોશીઓ દોડી આવતા પકડાઇ જવાના ડરે ચોર જાતેજ પોતાનું માથુ દીવાલમાં પછાડવા લાગ્યો હતો.
સૂત્રોના જણાવ્યાં અનુસાર, નિલેશભાઇ લક્ષ્મણભાઇ પરમાર (ઉં.૪૫) બાપુનગરની શાંતિકુંજ સોસાયટીમાં પહેલા માળ પર રહે છે. સ્કૂલ વર્ધીની વાન ચલાવતા નિલેશભાઇના પરિવારમાં પત્ની ઉપરાંત ધોરણ ૧૨માં અભ્યાસ કરતી દીકરી નિરાલી અને ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતો દીકરો સ્મિત છે. ગત રાતે નિલેશભાઇનો પરિવાર ઘરમાં સુતો હતો ત્યારે ઘરની નીચે આવેલી એક દુકાનની છત પર થઇ એક ચોર તેમના ઘરમાં ઘુસી આવ્યો હતો.
ઘરમાં ચોરનો અવાજ સાંભળી નિલેશભાઇ જાગી ગયા હતા અને બુમાબુમ કરી લાઇટ કરતા ચોરે ધારદાર છરા વડે નિલેશભાઇ પર હુમલો કર્યો હતો. ચોર અને નિલેશભાઇ વચ્ચેની ઝપાઝપીમાં દીકરી નિરાલી અને દીકરો સ્મિત આવી જતા બન્ને ઘવાયા હતા. નિલેશભાઇના ઘરમાં બુમાબુમ થતા પાડોશીઓ દોડી આવતા પકડાઇ જવાના ડરે ચોર જાતેજ પોતાનુ માથુ દિવાલમાં જોરજોરથી પછાડવા લાગ્યો હતો અને લોહીલૂહાણ થઇ ગયો હતો.
લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી નિલેશભાઇ તેમના બન્ને સંતાનો અને ઘાયલ ચોરને સિવિલ હોસ્પિટલ ખસેડયાં હતા. પોલીસની પ્રાથમિક પુછપરછમાં ચોરનું નામ મનોહર આસુંસિંહ ચૌહાણ તથા તે ઠક્કરનગરની કેવડાજીની ચાલીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે મોડી રાતે મનહરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

શ્રૃંગાર જ્વેલર્સમાં 'એન્ટીથેફ્ટ સિસ્ટમ' કરતાં ચોર ઝડપી નીકળ્યા
ઘરબેઠાં 'એલાર્મ મેસેજ'થી દુકાને પહોંચ્યા ત્યાં જ ૭૪ લાખ ચોરાયા!
રત્નમ કોમ્પલેક્સના ચોકીદારને ચોરે કહ્યું- શટર રિપેર કરવા આવ્યા છીએ! થેલા લઈને જતા બે ચોરને મહિલાએ જોયા હતા
અમદાવાદ, ગુરૃવાર
અમદાવાદમાં ચોરી અને લૂંટની ઘટનાઓની વણથંભી વણઝાર વચ્ચે વેપારીઓ હવે સાવ પોલીસના ભરોસે રહેતા નથી. સી.જી. રોડના શ્રૃંગાર જ્વેલર્સના વેપારી કેતનભાઈ શાહે પણ કદાચિત આવા જ કારણોસર પોતાની જ્વેલરી શોપમાં અત્યાધુનિક 'એન્ટીથેફ્ટ સિસ્ટમ' લગાવી હતી. પોતાની દુકાનમાં કોઈ ઘૂસ્યાની જાણ કેતનભાઈને ઘરબેઠાં 'એલાર્મ મેસેજ'થી થઈ હતી. પાલડી સ્થિત ઘરેતી કેતનભાઈ દુકાને પહોંચ્યા એટલે કે શટર ખોલાયું તેની ૧૦-૧૫ મિનિટમાં જ તસ્કરો ૭૪ લાખના દાગીના ચોરીને પલાયન થઈ ગયાં હતાં. શ્રૃંગાર જ્વેલર્સ જ્યાં છે તે રત્નમ કોમ્પલેક્સના ચોકીદારને પણ તસ્કરો ઉડાઉ જવાબ આપીને કામ કરી ગયા હતા. અત્યાધુનિક સિસ્ટમ કરતાં ઝડપી કામગીરી કરી ગયેલાં તસ્કરોને શોધવા પોલીસ કામે લાગી છે.
પાલડી ભઠ્ઠા વિસ્તારમાં રહેતા પ્રવિણાબેન મનુભાઈ શાહની શ્રૃંગાર જ્વેલર્સ નામની શોપ સી.જી. રોડના બોડીલાઈન સર્કલ પાસે આવેલી છે. પ્રવિણાબેનના ભાઈ કેતનભાઈ દુકાનનું સંચાલન કરે છે. આજે સવારે ૭ વાગ્યાના અરસામાં વાગ્યે કેતનભાઈના મોબાઈલ ઉપર સિક્યુરિટી એલાર્મ વાગ્યો હતો. તેમની શ્રુંગાર જ્વેલર્સ નામની દુકાનમાં કોઈ ઘૂસી ગયાનો મેસેજ મળતાં કેતનભાઈ તાબડતોબ દુકાને પહોંચ્યા હતા. માંડ ૧૦-૧૫ મિનિટમાં દુકાને પહોંચી કેતનભાઈએ જોયું તો તેમના હોંશ ઉડી ગયા હતા. જાળી ઉપર લગાવેલા છ તોતિંગ તાળાંની સાંકળો અને બે ઈન્ટરલોક તોડીને પ્રવેશેલા તસ્કરો રૃા. ૧.૯૧ લાખ રોકડા ઉપરાંત સોના-ચાંદીના હીરાજડીત દાગીના મળી કુલ ૭૩.૯૦ લાખની મત્તા ચોરી ગયા હતા.
આંચકારૃપ બાબત એ હતી કે, રત્નમ કોમ્પલેક્સના ચોકીદાર દર્શનસિંહ યાદવે પોણા સાત વાગ્યાના અરસામાં બે શખ્સોને જોઈને પૂછયું હતું કે- 'શું કરવા આવ્યા છો?' બે આગંતુકોએ જવાબ વાળ્યો કે- 'શ્રૃંગાર જ્વેલર્સના શટર રિપેર કરવાનાં છે.' ચોકીદાર પોતાના કામે વળગ્યા હતા ને તસ્કરો વધીને વીસથી પચ્ચીસ જ મિનિટમાં જાળીમાં લગાવેલા છ તોતિંગ તાળા અને સાંકળો તોડી દુકાનથી સાવ નજીકમાં આવેલા પબ્લીક ટોયલેટમાં ફેંકી આવ્યા હતા. કાચના દરવાજાના બે ઈન્ટરલોક તોડી ઘૂસેલા તસ્કરો શો-કેસ અને અન્ય સ્થળોએ રાખેલા દાગીના મિનિટોમાં જ થેલીમાં ભરી લીધા હતા.પોણો કરોડનો દલ્લો ભરેલી બે થેલી લઈને જતા બે ચોરને રેવાબેન નામના મહિલા સફાઈ કામદારો જોયા હતા. રત્નમ કોમ્પલેક્સના રોડને અડીને જ આવેલા પાર્કિંગમાં રખાયેલી સફેદ રંગની કારમાં બેસીને ચોર પલાયન થઈ ગયા હતા. તસ્કરો મોટો હાથ મારી ગયા તેની થોડી જ મિનિટોમાં સંચાલક કેતનભાઈ દુકાને પહોંચ્યા હતા પણ ઘણું મોડું થઈ ગયું હતું. પોલીસ કહે છે કે- આધુનિક એન્ટીથેફ્ટ સિસ્ટમથી મેસેજ મળતાં જ કેતનભાઈએ તરત પોલીસ કન્ટ્રોલ રૃમને જાણ કરી હોત તો કદાચિત ચોર પકડી શકાયા હોત. પ્રાથમિક તબક્કે તો તપાસ કરતાં પોલીસને સીસીટીવી ફૂટેજ કે અન્ય ઉપયોગી કડી મળી નથી. ઝોન-૧ના ઈન્ચાર્જ ડી.સી.પી. શરદ સિંઘલે કહ્યું કે- વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે અને આ ગૂનો ઉકેલાઈ જવાની આશા છે.

 

ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ? પૂરતા અભ્યાસ પછી ચોરી
* સી.જી. રોડના શ્રૃંગાર જ્વેલર્સમાં પોણો કરોડની ચોરીની ફરિયાદમાં ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરાયાનો ઉલ્લેખ છે. પોલીસને શંકા છે કે, ઈન્ટરલોક ખોલવા માટે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ થયો છે. આ દિશામાં તપાસ ચાલે છે. પોલીસ માને છે કે- તસ્કરોએ ચોકીદારની હાજરી, લોકોની અવરજવર, કેટલો માલ હશે? વગેરે બાબતોનો અભ્યાસ કર્યા બાદ જ મોટો હાથ માર્યો છે.

'રત્નમ'માં ૧૫ જ્વેલરી શોપ પણ CCTV નથી!
* સી.જી. રોડ અમદાવાદની રૃઆબદાર જ્વેલર્સ માર્કેટ ગણાય છે. બોડીલાઈન સર્કલ પાસેના રત્નમ કોમ્પલેક્સમાં ૧૫ જ્વેલરી શોપ છે પણ સીસીટીવી ન હોવાનું પોલીસ કહે છે. પોલીસ સૂત્રોએ ઉમેર્યું કે, આ વિસ્તારમાં બેન્કો અને અન્ય મોટી શોપ્સ છે પણ એકપણ સીસીટીવી એવો ગોઠવાયેલો નથી કે પોલીસને મદદ મળી રહે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved