Last Update : 26-July-2012, Thursday

 

આસામના કોકરાઝારમાં કોમી હિંસાનો ઈતિહાસ ૬૨ વર્ષ પુરાણો છે

આસામના મૂળ રહેવાસી બોડો લોકો છે. મુસ્લિમો અને સંથાલ આદિવાસીઓ બહારથી આવ્યા છે. બોડો પ્રજાને ડર છે કે તેઓ લઘુમતીમાં ધકેલાઈ જશે

આસામનો કોકરાઝાર વિસ્તાર ત્યાં ફાટી નીકળેલી કોમી હિંસાને કારણે ફોક્સમાં આવી ગયો છે. ઉત્તરમાં ભૂતાન અને પશ્ચિમમાં બંગાળ વચ્ચે આવેલા કોકરાઝાર વિસ્તારમાં કોમી સમસ્યાનાં મૂળ ૬૦ કરતાં વધુ વર્ષોથી પ્રસરી રહ્યાં છે. આ વિસ્તાર અગાઉ માત્ર બોડો જાતના વનવાસીઓથી જ ભરેલો હતો. ભારતના ભાગલા પછી ત્યાં બંગાળથી ભાગીને આવતાં મુસ્લિમો મોટી સંખ્યામાં વસવા લાગ્યા એટલે બોડો જાતિને લાગ્યું કે તેઓ પોતાના વતનમાં જ લઘુમતીમાં મૂકાઈ જશે. આ કારણે મુસ્લિમો અને બોડો વચ્ચે સંઘર્ષ શરૃ થયો. આ બંને કોમો પરસ્પરના અવિશ્વાસ સાથે જીવી રહી હોવાથી છેલ્લાં ૬૦ વર્ષમાં ચાર વખત બોડો-મુસ્લિમો વચ્ચે હિંસક અથડામણો થઈ છે.
કોકરાઝારમાં બોડો અને મુસ્લિમો વચ્ચે પહેલવહેલો સંઘર્ષ ઈ.સ. ૧૯૫૨ની સાલમાં થયો હતો. એ વખતે બંગાળથી આવીને આસામમાં વસેલા મુસ્લિમો ગોલપરા જિલ્લાને પૂર્વ પાકિસ્તાનમાં ભેળવી દેવા માંગતા હતા. એ વખતે કોકરાઝાર વિસ્તાર ગોલપરાનો એક ભાગ હતો. ત્યારે પૂર્વ પાકિસ્તાનમાં ભળી જવા માંગતા મુસ્લિમો અને ભારતમાં રહેવા માંગતા હિન્દુ બોડો લોકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.
ઈ.સ. ૧૯૯૪ માં કેન્દ્ર સરકારે બોડો પ્રજાને મર્યાદિત સ્વતંત્રતા આપી અને બોડો કરાર કર્યો તેને પગલે પણ કોકરાઝારમાં કોમી હિંસા ફાટી નીકળી હતી. બોડો કરારને કારણે જોશમાં આવી ગયેલા બોડો ઉગ્રવાદીઓએ મુસ્લિમ પ્રજાની સફાઈ કરવાનું અભિયાન આદર્યું હતું. મુસ્લિમોએ પણ તેનો હિંસક પ્રતિકાર કર્યો હતો. આ કોમી હિંસામાં આશરે ૧૦૦ લોકોનાં મોત થયાં હતાં અને ૬૦,૦૦૦ લોકો બેઘર બન્યા હતા. બોડો કરાર નિષ્ફળ ગયા હતા, પણ તેના કાયમી ઉઝરડાઓ બંને પ્રજાના દિલમાં પડી ગયા હતા.
ઈ.સ. ૧૯૯૬માં કોકરાઝારમાં બોડો વનવાસીઓ અને બહારથી આવેલા આદિવાસી વસાહતીઓ વચ્ચે કોમી હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં આશરે ૨૦૦ લોકોના જીવ ગયા હતા અને આશરે ૨.૨૦ લાખ લોકો બેઘર બન્યા હતા. ઈ.સ. ૨૦૦૮માં બહારથી આવેલા મુસ્લિમો અને સ્થાનિક મુસ્લિમો વચ્ચે ઉદાલગુરી જિલ્લામાં રમખાણો થયાં હતાં, જેમાં ૧૦૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં. આસામ સરકારે અગાઉ ભડકી ઉઠેલી કોમી હિંસાની ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લીધો હોવાનું જણાતું નથી.
કોકરાઝારમાં ત્રણ પ્રકારની પ્રજાઓ વસે છે. બોડો પ્રજા અહીંની મૂળ પ્રજા છે. મુસ્લિમો અને સંથાલ આદિવાસીઓ બહારથી આવીને વસ્યા છે. બોડો પ્રજાને ભય છે કે તેઓ પોતાના વતનમાં લઘુમતીમાં મૂકાઈ જશે. આ કારણે તેઓ બહારથી આવેલી મુસ્લિમ અને સંથાલ આદિવાસી પ્રજાને ધિક્કારની નજરે જુએ છે. મુસ્લિમોએ શહેરી વિસ્તારોમાં અને સંથાલ આદિવાસીઓએ વન વિસ્તારમાં મોટી જમીનો હસ્તગત કરી છે. બોડો પ્રજા અને તેના ઉગ્રવાદી નેતાઓ સ્વતંત્ર રાજ્યની માંગણી કરે છે તેને કારણે મુસ્લિમો અને આદિવાસીઓમાં અસલામતીની ભાવના પેદા થાય છે.
આસામમાં વર્તમાનમાં જે હિંસા સળગી ઉઠી છે, તેનાં બીજ બે મહિના અગાઉ વવાયાં હતાં. ત્યારે કોકરાઝાર જિલ્લાના હાવરાગુરી ગામે મુસ્લિમો પાસેથી પૈસા પડાવતા એક યુવકને બોડો ઉગ્રવાદી સમજીને મુસ્લિમોએ મારી નાંખ્યો હતો. પાછળથી ખબર પડી કે તે મુસ્લિમ જ હતો. જૂન મહિનાની ૩૦મી તારીખે સાપકાટામાં એક મુસ્લિમ યુવકની હત્યા થઈ હતી. મુસ્લિમોએ તેની મોટી અંતિમયાત્રા કાઢી હતી અને આ હત્યા માટે બોડો ઉગ્રવાદીઓને જવાબદાર ગણાવ્યા હતા. પાછળથી બહાર આવ્યું હતું કે આ હત્યા આદિવાસી ઉગ્રવાદીઓનું કૃત્ય હતું. આ બંને ઘટનાઓમાં બોડો ઉગ્રવાદીઓનો કોઈ હાથ ન હતો તો પણ દોષનો ટોપલો તેમના માથે ઢોળવામાં આવ્યો હતો.
જુલાઈની પાંચમી તારીખે અંતિહરા ગામમાં બે વધુ મુસ્લિમોની હત્યા થઈ ત્યારે પણ શંકાની સોય બોડો ઉગ્રવાદીઓ તરફ તાકવામાં આવી હતી. આ હત્યા પણ બોડો ઉગ્રવાદીઓ દ્વારા નહીં પણ કામતપુર લિબરેશન ઓર્ગેનાઈઝેશન નામના ઉગ્રવાદી જૂથ દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં મુસ્લિમો શંકાના આધારે બોડો લોકો ઉપર તૂટી પડયા અને તેમણે બે દિવસમાં સાત બોડોની હત્યા કરી નાંખી, જેને કારણે બોડો પ્રજાનો રોષ ભભૂકી ઉઠયો અને તેમણે મુસ્લિમોની હિંસાનો જવાબ હિંસાથી આપવાનો નિર્ણય કર્યો હતો.
આસામની પ્રજા સદીઓથી પોતાના વતનમાં સ્વતંત્રતાથી રહેવાને ટેવાયેલી છે. પ્રાચીન કાળમાં મૌર્ય, ગુપ્ત, મોગલ કે મુસ્લિમ શાસકો પણ આસામને જીતી શક્યા નહોતા. અંગ્રેજોના શાસનમાં બંગાળ અને બિહારના ગરીબ મજૂરોને ચાના બગીચાઓમાં કામ કરવા આસામ લઈ જવામાં આવ્યા હતા, જેઓ ત્યાં જ વસી ગયા હતા. ઈ.સ. ૧૯૪૭માં ભારતના ભાગલા થયા અને હિન્દુ-મુસ્લિમ રમખાણો થયાં તેને પગલે પૂર્વ બંગાળમાં રહેતા હિન્દુ આદિવાસીઓ મોટા પાયે ભાગીને પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરામાં આવીને વસ્યા હતા. બહારથી આવેલી પ્રજાની વસતિ વધવાને કારણે મૂળ આસામની બોડો પ્રજા સામાજીક અને રાજકીય રીતે અસલામતી અનુભવવા લાગી હતી. આ અસલામતીમાંથી સ્વતંત્ર અને સાર્વભૌમ બોડોલેન્ડ માટેની ચળવળનો પ્રારંભ થયો હતો. ઉગ્રવાદીઓએ બોડોલેન્ડ લિબરેશન ટાઈગર્સ નામની સંસ્થા સ્થાપી હતી.
ઈ.સ. ૧૯૯૪માં કેન્દ્ર સરકારે કરેલા બોડો કરાર નિષ્ફળ ગયા તે પછી ઈ.સ. ૨૦૦૩માં એનડીએની સરકારે બીજો બોડો કરાર કર્યો હતો. આ કરાર અન્વયે સ્વાયત્ત બોડોલેન્ડ ટેરિટોરીયલ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી, જેમાં બોડો પ્રજાની વસતિ ધરાવતા આસામના જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાઉન્સિલની રચના પછી ઉગ્રવાદી બોડોએ શસ્ત્રો મ્યાન કર્યા હતા અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ નામની રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. અત્યારે બોડોલેન્ડ કાઉન્સિલનું શાસન આ પક્ષના જ હાથમાં છે. ઈ.સ. ૨૦૦૬ની સાલથી આ પક્ષે કોંગ્રેસ સાથે જોડાણ કર્યું છે. વર્તમાનમાં આસામમાં કોંગ્રેસના ગઠબંધનની જ સરકાર છે.
આસામમાં વર્તમાનમાં જે હિંસા ભડકી ઉઠી છે, તેમાં કોઈ ઉગ્રવાદી સંગઠનનો હાથ નથી, પણ મુસ્લિમ અને બોડો નાગરિકો જ આપસમાં હિંસક લડાઈ લડી રહ્યા છે. આ રમખાણોમાં હજી સુધી કોઈ શસ્ત્રોનો જથ્થો પણ પકડાયો નથી. તેમ છતાં આસામની પ્રજાના દિલમાં બહારથી આવેલા મુસ્લિમ પ્રત્યે એટલો રોષ ભભૂકી રહ્યો છે કે તેઓ મુસ્લિમોને ખતમ કરવા ગમે તે હદે જઈ શકે છે.
આસામની પ્રજાના દિલમાં બાંગ્લાદેશના મુસ્લિમો પ્રત્યે કેટલો ધિક્કાર છે, તેનો ખ્યાલ સ્થાનિક દૈનિકમાં છપાયેલા વાચકના આ પત્ર ઉપરથી આવે છે. ''કેટલા બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળમાં જઈને વસે છે, તેનાથી અમને કાંઈ ફરક પડતો નથી. તેઓ બધા એક જ છે. પરંતુ બાંગ્લાદેશીઓ અને બંગાળીઓ આસામમાં પ્રવેશે તેની સામે અમને ચોક્કસ વાંધો છે. અમને આસામીઓને ઉત્તર જે પૂર્વ ભારતનું કોઈ સામ્રાજ્ય હરાવી શક્યું નથી. તેમણે અમને હરાવવાની કોશિશ કરી ત્યારે અમે તેમને ભગાડી મૂક્યા હતા. હવે બાંગ્લાદેશીઓ પોતાની વસતિ વધારીને અમને લઘુમતીમાં મૂકવાની કોશિશ કરી રહ્યા છે. તેને કારણે આસામમાં અસંતોષનો જ્વાળામુખી ધુમાડી કાઢી રહ્યો છે. આ જ્વાળામુખી જ્યારે પણ ફાટશે ત્યારે આસામમાં આવીને વસેલા બાંગ્લાદેશીઓની સામૂહિક કતલ કરી નાંખવામાં આવશે.'' આ પત્રની ભાષા ઉપરથી બહારથી આવીને વસેલા બાંગ્લાદેશના મુસ્લિમો પરત્વે આસામી પ્રજા કેવો તિરસ્કાર ધરાવે છે, તેનો ખ્યાલ આવે છે.
દાયકાઓથી આસામમાં સ્થાનિક બોડો વનવાસીઓ, બાંગ્લાદેશથી આવીને વસેલા મુસ્લિમો અને બહારથી આવીને વસેલા સંથાલ આદિવાસીઓ વચ્ચે ચકમક ઝરતી રહી છે. આ ચકમકને ઉગતી ડામવામાં આસામની સરકાર નિષ્ફળતાને વરી છે. આસામના વર્તમાન મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈ કોંગ્રેસના છે. તેમણે બોડો પીપલ્સ ફ્રન્ટ સાથે ગઠબંધન કર્યું છે, જેના હાથમાં કોકરાઝારનું શાસન છે. તરુણ ગોગોઈ ઉપર એવો આક્ષેપ છે કે તેઓ કોકરાઝારમાં ઝડપી પગલાં લેવામાં નિષ્ફળ ગયાં છે, જેને કારણે પરિસ્થિતિ એકદમ કાબુ બહાર ચાલી ગઈ છે. તરુણ ગોગોઈ ઉપર એવો પણ આક્ષેપ છે કે તેઓ મુસ્લિમ લઘુમતીઓનું રક્ષણ કરવામાં પણ નિષ્ફળ ગયા છે, જેને કારણે રાષ્ટ્રીય તખતે કોંગ્રેસની છાપ બગાડી શકે છે. આ કારણે કેટલાક કોંગ્રેસી નેતાઓ જ તરુણ ગોગોઈને ખસેડીને બીજા નેતાને મુખ્ય પ્રધાન બનાવવાની માંગણી કરી રહ્યા છે.
ભારત એક વિશાળ દેશ છે. અહીં અનેક પ્રદેશો છે અને પ્રાંતો છે. દરેક પ્રાંતની પોતાની સમસ્યાઓ છે. ભારતના વડા પ્રધાન દિલ્હીમાં બેસીને આ બધી સમસ્યાઓનો હલ શોધી શકે નહીં. આ માટે રાજ્યની નેતાગીરી શક્તિશાળી હોવી જોઈએ. આસામમાં જે કોમી સમસ્યા છે તે દાયકાઓ જૂની છે.
તેના મૂળ અંગ્રેજોના જમાનામાં પડેલાં છે. રાજકારણીઓ દ્વારા આ સમસ્યાના મૂળમાં જઈને તેને ઉકેલવાને બદલે તેનો રાજકીય લાભ ઉઠાવીને પોતાની ભાખરી શેકવાનો પુરૃષાર્થ જ કરવામાં આવ્યો છે, જેને કારણે આ સમસ્યા વકરી છે. આસામના મુખ્ય પ્રધાન પદલવાથી આ સમસ્યા હલ નહીં થાય, પણ રાજકારણની ગણતરીઓ છોડીને પ્રજાનો વિચાર કરનારા નેતા જ તેને હલ કરી શકશે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved