Last Update : 21-July-2012, Saturday

 

સિરિયાના સરમુખત્યાર બશર અલ-અશાદનું પતન હાથવેંતમાં છે

આરબ દેશોમાં ચાલી રહેલી ક્રાંતિના મૂળમાં સરમુખત્યારો દ્વારા થઈ રહેલું પ્રજાનું શોષણ અને મહાસત્તાઓ દ્વારા ખેલાઈ રહેલું રાજકારણ જવાબદાર છે

દુનિયાભરના અને ખાસ કરીને આરબ જગતના સરમુખત્યારોની દશા ખરાબ ચાલી રહી છે. ઈજિપ્તમાં હોશ્ની મુબારકના પતન પછી હવે સિરિયાના સરમુખત્યાર બશર અલ-અશાદનો વારો છે. અશાદના આપખુદ શાસન સામે ઈ.સ. ૨૦૧૧ના માર્ચ મહિનાથી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સંઘર્ષમાં આશરે ૧૩,૦૦૦ નાગરિકોની અને બળવાખોરોની કતલ કરવામાં આવી છે. બળવાખોરો હવે સિરિયાની રાજધાની દમાસ્કસની એકદમ નજીક આવી ગયા છે. ચારે બાજુએથી ઘેરાયેલા બશર પોતાની પત્ની સાથે રશિયા ભાગી જાય એવી તમામ સંભાવનાઓ છે.
સિરિયામાં છેલ્લાં ૪૨ વર્ષથી એક જ પરિવારનું શાસન ચાલી રહ્યું છે. વર્તમાન પ્રમુખ બશર અલ-અશાદના પિતા હાફેઝ અલ-અશાદ એક લશ્કરી સરમુખત્યાર હતા. તેમણે ૩૦ વર્ષ સુધી લોખંડી પંજા વડે સિરિયા ઉપર શાસન કર્યું. ઈ.સ. ૨૦૦૦ની સાલમાં હાફેઝનું અવસાન થયું ત્યારથી તેમનો પુત્ર અશાદ સરમુખત્યાર બન્યો છે. પોતાના પિતાની જેમ તેમણે એક પક્ષનું આપખુદી શાસન ચલાવ્યું છે.
સિરિયામાં સુન્ની મુસ્લિમોની બહુમતી છે, પણ તેના સરમુખત્યાર અલ્વાઈટ સંપ્રદાયના મુસ્લિમ છે. ઈ.સ. ૧૯૮૨માં સિરિયાના સુન્ની મુસ્લિમોએ હાફેઝના શાસન સામે બળવો કર્યો ત્યારે તેમણે આશરે ૧૦,૦૦૦ નાગરિકોની કતલ કરીને આ બળવો દાબી દીધો હતો. તે સમયે વર્તમાન પ્રમુખ અશાદની ઉંમર માત્ર ૧૬ વર્ષની હતી. ઈ.સ. ૨૦૦૦ની સાલમાં માત્ર ૩૪ વર્ષની ઉંમરે તેઓ સિરિયાના પ્રમુખ બન્યા હતા. હવે પોતાના પિતાને સારા કહેવડાવે એ રીતે તેઓ સિરિયાના સુન્ની મુસ્લિમ બળવાખોરોની કતલ કરાવી રહ્યા છે. અશદનો દાવો એવો છે કે આ બધા બળવાખોરો છે, જેમને અમેરિકા શસ્ત્રોની અને નાણાંની મદદ કરી રહ્યું છે.
બશર અલ-અશાદ પોતે આંખના ડોક્ટર છે અને શસ્ત્રક્રિયાના નિષ્ણાત છે. તેમની પત્ની અસમાનો જન્મ લંડનમાં થયો હતો અને તે ફેશનની નિષ્ણાત ગણાય છે. બશર અલ-અશાદે થોડા દિવસ અગાઉ સિરિયાની નવી સંસદને કહ્યું હતું, ''જ્યારે કોઈ ડોક્ટર શસ્ત્રક્રિયા કરે છે ત્યારે તેના હાથ પણ લોહીથી ખરડાયેલા હોય છે. તેનો ઈરાદો દર્દીનો જીવ બચાવવાનો હોય છે. શું આપણે તેને એમ કહીએ છીએ કે - તમારા હાથ લોહીથી ખરડાયેલા છે? હું જે કાંઈ કરી રહ્યો છું એ સિરિયાના સ્વાતંત્ર્યની રક્ષા ખાતર કરી રહ્યો છું.''
આ બુધવારે દમાસ્કસ ઉપર સ્યુસાઈડ બોમ્બર દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તેમાં અશાદને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડયો હતો. આ હુમલામાં અશાદના સંરક્ષણ પ્રધાન અને તેમના બનેવી આસિફ શાકવાતનો જીવ ગયો હતો. આસિફ શાકવાત અશાદના આંતરિક વર્તુળના અત્યંત મહત્ત્વના સાથીદાર હતા. ઈરાકના સરમુખત્યાર સદામ હુસૈનની જેમ અશાદ લશ્કરનો ગણવેશ નથી પહેરતાં કે હાથમાં બંદૂક પણ નથી રાખતા. તેમનું વ્યક્તિત્વ કોઈ મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ જેવું છે, પણ તેમનું મગજ લશ્કરી સરમુખત્યાર જેવું ઘાતકી છે.
બશરના પિતા હાફેઝે પોતાના જ્યેષ્ટ પુત્ર બસિલને પોતાના ઉત્તરાધિકારી તરીકે તૈયાર કર્યો હતો. બસિલ ઈ.સ. ૧૯૯૪ના એક કાર અકસ્માતમાં માર્યો ગયો તે પછી બશર ગાદીનો વારસદાર બન્યો હતો. ત્યારે અમેરિકા એમ માનતું હતું કે બશરમાં તેના પિતા જેટલું કૌવત નથી, માટે સિરિયાની પ્રજા તેને વારસદાર તરીકે સ્વીકારશે નહીં. હાફેઝના અવસાન પછી બશરે આ ધારણા ખોટી સાબિત કરી આપી છે.
બશર અલ-અશાદે સત્તા ઉપર આવ્યા પછી પોતાની બધી તાકાત લશ્કરને અને જાસૂસી નેટવર્કને મજબૂત બનાવવામાં કેન્દ્રિત કરી હતી. તેમની પાસે આશરે ત્રણ લાખનું સૈન્ય છે, જેને સમગ્ર દેશમાં ફેલાયેલા જાસૂસોનો સાથ છે. બશરનો નાનો ભાઈ મહેર લશ્કરનો કમાન્ડર છે. ઈ.સ. ૨૦૧૦ પછી ચાર આરબ દેશોમાં બળવાઓ થયા છે, જેમાં પ્રજાએ સરમુખત્યારોને ફગાવી દીધા છે. તેમાં સિરિયાનો બળવો સૌથી લાંબો ચાલ્યો છે. ૧૬ મહિનાના આ બળવા દરમિયાન સિરિયાનું અર્થતંત્ર પ્રતિબંધોને કારણે ખાડે ગયું છે. પ્રજામાં અસંતોષનો ચરૃ ઉકળી રહ્યો છે. તેમ છતાં બશર અલ-અશાદ તેમની લુચ્ચાઈને કારણે ટકી ગયા છે. જોકે બુધવારના હુમલામાં તેમની કરોડરજ્જુ ભાંગી ગઈ છે. બુધવારના હુમલા અગાઉના હુમલામાં બશર પોતે ઘાયલ થયા હોવાની પણ અફવા છે.
બ્રિટન અને અમેરિકા બશર અલ-અશાદના શાસનના અંત માટે આડકતરા પ્રયાસો કરી રહ્યા છે, પણ તેમાં સીધી લશ્કરી દરમિયાનગીરી કરવાથી દૂર રહ્યા છે. યુનોની સલામતી સમિતિએ સિરિયા સામે વેપારી પ્રતિબંધો લાદ્યા છે. આ પ્રતિબંધોને વધુ સજ્જડ બનાવવા બ્રિટન દ્વારા સલામતી સમિતિમાં વધુ એક ઠરાવ લાવવામાં આવ્યો હતો, પણ રશિયાએ વીટો વાપરીને આ ઠરાવને ઉડાવી દીધો હતો. સિરિયાના સરમુખત્યાર બશર અલ-અશાદને રશિયાનો અને ચીનનો સંગીન ટેકો છે, જેના જોર ઉપર તેઓ જોહુકમી આચરી રહ્યા છે.
બશર અલ-અશાદના પરિવારે પોતાના ચાર દાયકાના શાસન દરમિયાન સિરિયાને લૂંટવામાં બાકી નથી રાખ્યું. આ લૂંટફાટમાં જે સંપત્તિ હાથમાં આવી તેને વિદેશની બેન્કોમાં જમા કરાવવામાં આવી છે. સિરિયામાં ગેસના અને ખનિજ તેલના ભંડારો વેચીને બશરના પરિવારે બેસુમાર દોલત એકઠી કરી છે. બશરના પરિવારના હાથમાં સિરિયાના ૬૦ ટકા ઉદ્યોગ-ધંધાઓ છે. તેમના પરિવાર પાસે આશરે ૧.૫ અબજ ડોલરની સંપત્તિ છે, જે તેમણે રશિયા, દુબઈ, લેબેનોન, મોરોક્કો અને હોંગકોંગની બેન્કોમાં રાખી છે. બ્રિટનની બેન્કોમાં આ ફેમિલીની જે આશરે ૧૦ કરોડ પાઉન્ડની સંપત્તિ છે તેને સ્થગિત કરી દેવામાં આવી છે. સલામતી સમિતિના ઠરાવનું પ્રયોજન આ પરિવારની વિશ્વમાં જ્યાં પણ સંપત્તિ હોય સ્થગિત કરી થિજાવી દેવાનો હતો, પણ રશિયાએ વીટો વાપરીને આ ઠરાવને પાસ થવા નથી દીધો.
બુધવારના સ્યુસાઈડ બોમ્બ હુમલા પછી એવી જોરદાર અફવા છે કે સિરિયાના સરમુખત્યાર બશર અલ-અશાદ દમાસ્કસના પોતાના રાજમહેલમાંથી છટકીને દરિયાકિનારે આવેલા લટકિયા પ્રાંતમાં પહોંચી ગયા છે. આ પ્રાંતની બહુમતી પ્રજા અલ્વાઈટ સંપ્રદાયની હોવાથી આ પ્રાંત પ્રમુખ બશર માટે સલામત માનવામાં આવે છે. બુધવારના હુમલા પછી પ્રમુખે ટીવી ઉપર રાષ્ટ્રજોગું સંબોધન કર્યું તે પણ લટકિયાથી કર્યું હોવાનું માનવામાં આવે છે. બશરની માતા અને તેમની વિધવા બહેને પોતાના પતિના મૃતદેહ સાથે પ્રાઈવેટ જેટમાં આ સ્થળે પહોંચી ગયા હતા. બશરની પત્ની અસમા તો નાસીને રશિયા પહોંચી ગઈ હોવાનું માનવામાં આવે છે.
સિરિયાના આંતરવિગ્રહમાં અમેરિકા ક્યારેય સીધું ચિત્રમાં નથી આવ્યું પણ પડોશી તુર્કીની સરહદે બળવાખોરોને શસ્ત્રો તેમજ અન્ય સામગ્રીનો પુરવઠો આપીને એમની તાકાત વધારવાની રાજનીતિ આચરતું રહ્યું છે. અમેરિકાને સૌથી મોટી ચિંતા એ છે કે બશર પાસે રાસાયણિક શસ્ત્રો છે, જેનો ઉપયોગ તેઓ બળવાખોરો સામે કરી શકે છે. બશર અલ-અશાદ જો ચારે બાજુથી ઘેરાઈ જાય તો છેલ્લા ઉપાય તરીકે રાસાયણિક અને જૈવિક શસ્ત્રોનો ઉપયોગ કરે તો હજારો નાગરિકો મરી જાય તેમ છે. બીજી સંભાવના એવી છે કે આ શસ્ત્રો જો બળવાખોરોના હાથમાં આવી જાય તો તેઓ બશર અલ-અશાદના લશ્કરને ખતમ કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકે છે. સદ્દામ હુસૈન પાસે સામૂહિક સંહારના શસ્ત્રો હોવાની શંકા પરથી અમેરિકાએ ઈરાક પર હુમલો કર્યો હતો. બશર પાસે આવા શસ્ત્રો છે એ નક્કી છે, તો પણ અમેરિકા લશ્કરી હુમલાથી દૂર રહ્યું છે.
સિરિયાના સરમુખત્યાર સામેનો બળવો ઈ.સ. ૨૦૧૧ની ૧૫મી માર્ચે શરૃ થયો ત્યારે તેમાં આશરે ૫૦ વિરોધીઓ દમાસ્કસની શેરીઓમાં ઉતરી આવ્યા હતા. ધીમે ધીમે આ બળવો વેગ પકડતો ગયો. યુનોએ સિરિયાની કટોકટીના અંત માટે તેના ભૂતપૂર્વ અધ્યક્ષ કોફી અન્નાનની શાંતિદૂત તરીકે નિમણુક કરી હતી. કોફી અન્નાને શાંતિનો પ્લાન ઘડી કાઢ્યો હતો, પણ બશરે આ પ્લાન ફગાવી દીધો હતો. બશરે પોતાની લશ્કરી તાકાત વડે બળવાખોરોને કચડી નાંખવાનું નક્કી કર્યું હતું. બીજી બાજુ તેના લશ્કરના એક પછી એક જનરલો પક્ષપલટો કરીને બળવાખોરોને મળી જતા હતા. સિરિયાના આંતરવિગ્રહને કારણે સિરિયાના લોકો મોટા પ્રમાણમાં હિજરત કરીને તુર્કીમાં પહોંચી ગયા છે.
દુનિયાભરમાં હવે સરમુખત્યારોના દિવસો ગણાઈ રહ્યા છે. તેનું કારણ એ છે કે અમેરિકા અને બ્રિટન આ દેશોનાં અર્થતંત્ર ઉપર પોતાનો કબજો જમાવીને ત્યાં લોકશાહીની સ્થાપના કરવા માંગે છે. આ સરમુખત્યારો સ્થાનિક પ્રજાનું શોષણ કરીને અમેરિકાની મલ્ટીનેશનલ કંપનીઓને તેમના દેશમાં કમાણી કરવાની તક આપતા હોય ત્યાં સુધી અમેરિકાને તેમની સામે કોઈ વાંધો નથી હોતો. જેવા આ સરમુખત્યારો અમેરિકાના ઈશારા ઉપર નાચવાનો ઈન્કાર કરે કે તરત અમેરિકા અને બ્રિટન દ્વારા તેમના વિરોધીઓને બળવો કરવા ઉશ્કેરવામાં આવે છે અને તમામ સહાય પૂરી પાડવામાં આવે છે. આ યુદ્ધ સ્વતંત્રતા માટેનું નથી પણ સંપત્તિ માટેનું છે. આરબ દેશોમાં આ બની રહ્યું છે, કારણ કે તેમાં ગેસ અને ખનિજ તેલના વિપુલ ભંડારો છે. આ કુદરતી સંપત્તિ જ તેમના માટે અશાંતિ, ક્રાંતિ અને કત્લેઆમનું કારણ બની છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved