Last Update : 18-July-2012, Wednesday

 

દુકાળના ઓછાયા વચ્ચે ૨૦ લાખ ટન ઘઉંની નિકાસ કરવામાં આવશે

કેન્દ્ર સરકારને જે ઘઉં ૧૬,૦૦૦ રૃપિયે ટન પડે છે તેને ખોટ ખાઈને ૧૨,૪૦૦ રૃપિયે ટનના ભાવે વિદેશી કંપનીઓને વેચી દેવામાં ક્યું ડહાપણ છે ?

દેશમાં દુકાળની ડાકલી સંભળાઈ રહી છે, પણ આપણા કૃષિ પ્રધાન શરદ પવાર 'સબ સલામત'ની સાઈરન વગાડી રહ્યા છે. દેશમાં વરસાદની છેલ્લાં ૫૦ વર્ષની સરેરાશને ધ્યાનમાં લેતાં ૧ જૂનથી ૧૫ જુલાઈ વચ્ચે ૨૯૮.૬ મિલિમીટર વરસાદ પડવો જોઈએ. તેની સામે દેશમાં સરેરાશ ૨૩૨.૫ મિલીમીટર વરસાદ પડયો છે. પ્રથમ દોઢ મહિનામાં વરસાદની ૨૨ ટકા જેટલી ખાદ્ય દેખાય છે. સૌરાષ્ટ્રમાં મોટા ભાગના ખેડૂતોએ ભીમ અગિયારસ આસપાસ વરસાદ પડતાં મગફળીનું વાવેતર કરી દીધું છે, પણ વરસાદના અભાવે બિયારણ સુકાઈ જતાં ખેડૂતોને બમણો મારી પડી રહ્યો છે. દેશના ૭૫ ટકા જિલ્લાઓમાં વરસાદની ખાદ્ય છે. તેને કારણે છેલ્લા બે દાયકામાં ન જોયા હોય તેવો ભીષણ દુકાળ ડોકિયાં કરી રહ્યો છે ત્યારે ભારતના કૃષિ પ્રધાન શરદ પવાર કહી રહ્યા છે કે હજી આપણા દેશમાં દુકાળની પરિસ્થિતિ હોય તેવું લાગતું નથી. શરદ પવારને આંગણે આવી ઊભેલો દુકાળ નથી દેખાતો, કારણ કે તેઓ ગમે તે ભોગે ૨૦ લાખ ટન ઘઉંની નિકાસ કરાવવા માંગે છે.
ભારતના ૨૩.૫ કરોડ કિસાન ડાંગર, જુવાર, બાજરો, મગફળી અને કપાસ જેવા પાકો માટે ચોમાસાંના વરસાદ ઉપર આધાર રાખે છે. જૂન મહિનામાં પહેલો વરસાદ આવે ત્યારે વાવણી શરૃ થાય છે અને સ્પટેમ્બર મહિનામાં લાણણી થાય છે. ભારતના જીડીપીમાં કૃષિનો હિસ્સો માત્ર ૧૫ ટકા છે, પણ તેમાંથી દેશની ૫૮ ટકા પ્રજાને રોજી મળે છે. જો ચોમાસું નિષ્ફળ જાય તો આ ૫૮ ટકા પ્રજા બેરોજગાર થઈ જાય તેમ છે. આપણું અર્થતંત્ર વર્ષે આઠથી નવ ટકાના દરે વિકાસ હાંસલ કરી રહ્યું છે, પણ કૃષિનો વિકાસ દર ચાર ટકા કરતાં પણ ઓછો છે. તેનું કારણ એ છે કે સરકાર ઉદ્યોગોને જેટલું પ્રોત્સાહન આપે છે, તેના દસમાં ભાગનું પ્રોત્સાહન પણ કૃષિને આપતી નથી. ઈ.સ. ૨૦૦૭ અને ૨૦૧૨ વચ્ચેનાં પાંચ વર્ષમાં કૃષિ ક્ષેત્રોનો વિકાસ દર માત્ર ૩.૩ ટકાનો જ હતો. જો દેશમાં દુકાળ પડે તો આ વિકાસ દર હાંસલ કરવો પણ મુશ્કેલ બની રહેશે.
દેશના અનેક ભાગોમાં જુલાઈની ૧૫મી તારીખ સુધી પણ ચોમાસું જામવાના અણસાર ન જાણતા કેન્દ્ર સરકારના અનેક ઉચ્ચ અધિકારીઓ દબાયેલા અવાજમાં દેશના ૩૦ ટકા ભૌગોલિક વિસ્તારમાં દુકાળ પડવાની ચર્ચા કરી રહ્યા છે. કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રની પરિસ્થિતિ વધુ વિકટ છે. આ રાજ્યોમાં વરસાદ ખેંચાઈ જવાને કારણે ડાંગર, જુવાર અને બાજરાની વાવણી હજી શરૃ નથી થઈ. હવામાન ખાતાએ અગાઉ દેશભરમાં સારાં ચોમાંસાની આગાહી કરી હતી. હવે તેમણે પલટી મારી છે અને કહી રહ્યા છે કે 'અલ નિનો' નામની અસરને કારણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ધાર્યા કરતાં ઓછો વરસાદ થશે. જૂન અને જુલાઈમાં તો વરસાદ ઓછો જ થયો છે. શરદ પવારે જ કહ્યું છે કે જો દુકાળ પડે તો સરકારે તે માટે કટોકટીની રાહત યોજના તૈયાર રાખવામાં આવી છે. જો કે દેશમાં દુકાળ પડે તો પણ ૨૦ લાખ ટન ઘઉંની નિકાસ કરવાની બાબતમાં શરદ પવાર કટિબદ્ધ છે. આ માટે તેઓ એવું કારણ આપે છે ફૂટ કોર્પોરેશનમાં ગોડાઉનોમાં ઘઉંને સંઘરવાની જગ્યા નથી. દુકાળનાં વર્ષોમાં અનાજનો સંગ્રહ કરવાને બદલે ઘઉંની નિકાસ કરવા પાછળનો શરદ પવારનો તર્ક તદ્દન વાહિયાત છે.
ઈ.સ. ૨૦૧૧-૧૨ના વર્ષમાં ચોમાસું સારું ગયું હોવાને કારણે દેશમાં ૨૫.૨૫૬ કરોડ ટન અનાજનું વિક્રમી ઉત્પાદન થયું હતું. તેને કારણે ખેડૂતો પાસેથી સરકારે બહુ મોટા જથ્થામાં અનાજની ખરીદી કરી હતી. આજની તારીખમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉનોમાં ૪.૯૮ કરોડ ટન ઘઉંનો અને ૩.૦૭ કરોડ ટન ચોખાનો સંગ્રહ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની અનાજનો સંગ્રહ કરવાની ક્ષમતા ૬.૪૦ કરોડ ટનની છે. તેની સામે તેની પાસે અત્યારે આશરે ૮ કરોડ ટન જેટલું અનાજ છે. આ પૈકી ૧.૮૦ કરોડ ટન અનાજનો સંગ્રહ ખુલ્લામાં કરવામાં આવ્યો છે. આ અનાજ સડી રહ્યું છે અથવા તેને ઉંદરડા ખાઈ રહ્યા છે, પણ તે ગરીબોના પેટમાં જતું નથી, કારણ કે અનાજના ભાવો વધી ગયા છે, પણ પ્રજા પાસે અનાજ ખરીદવાના પૈસા નથી, જેને કારણે લોકો ભૂખે મરી રહ્યા છે. દેશનાં ગોડાઉનોમાં સંઘરવામાં આવેલું અનાજ ગરીબોને મફતમાં અથવા રાહતના દરે આપવાને બદલે કેન્દ્ર સરકાર તેની નિકાસ કરીને હૂંડિયામણ કમાવવા માંગે છે. જો દેશમાં દુકાળ પડશે અને અનાજની અછત પેદા થશે તો નિકાસ કરેલું આ અનાજ સરકારને બમણી કિંમતે આયાત કરવાની ફરજ પડી શકે છે.
દેશમાં એક બાજુ અનાજના ગોડાઉનો ફાટફાટ થઈ રહ્યાં છે અને બીજી બાજુ લાખો ગરીબો ભૂખ્યા સૂએ છે, તેનું રહસ્ય પણ સમજવા જેવું છે. આજથી પાંચેક વર્ષ અગાઉ સરકાર કિસાનો પાસેથી ટનના ૬,૫૦૦ રૃપિયાના ભાવે ઘઉં ખરીદતી હતી, જેને કારણે ખુલ્લા બજારમાં ઘઉં ૧૦ થી ૧૨ રૃપિયે કિલોગ્રામના ભાવે છૂટથી મળતા હતા. કિસાનોને ફાયદો કરાવી આપવાનાં બહાને કેન્દ્ર સરકાર દર વર્ષે ઘઉંના ટેકાના ભાવોમાં વધારો કરતી ગઈ. આ વર્ષે કેન્દ્ર સરકારે ૧૨,૮૫૦ રૃપિયાના ટનના ભાવે કિસાનો પાસેથી ઘઉં ખરીદ્યા છે. તેને કારણે ખુલ્લા બજારમાં ઘઉંના ભાવો ઊંચકીને ૧૮થી ૨૨ રૃપિયા ઉપર પહોંચી ગયા છે. આ રીતે ઘઉંના ભાવ વધારા માટે સરકારની ખોટી નીતિ જવાબદાર છે. જે ગરીબો ખુલ્લા બજારમાંથી ઊંચા ભાવે આ ઘઉં ખરીદીને ખાઈ નથી શકતા તેમણે રેશનીંગના સડેલા ઘઉં ખાવા પડે છે. કેન્દ્ર સરકારની રેશનીંગની સિસ્ટમમાં એટલો ભ્રષ્ટાચાર છે કે સરકાર દ્વારા છૂટા કરવામાં આવતા સારા ઘઉં કાળા બજારમાં વેચાણ જાય છે અને તેના સ્થાને સડેલા ઘઉં ગોઠવાઈ જાય છે. હકીકતમાં આ સડેલા ઘઉંનો નાથ કરવાનો આદેશ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો હોય છે.
કેન્દ્ર સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં ઘઉંના ટેકાના ભાવોમાં જે આશરે ૧૦૦ ટકા જેટલો વધારો કર્યો છે, તેનો બહુ ઓછો લાભ કિસાનોને થયો છે. અજના કિસાનો ઘઉં પકાવવા માટે જે સંકર બિયારણ, કેમિકલ ફર્ટીલાઈઝર અને જંતુનાશક દવાઓ વાપરે છે, તેને કારણે ઘઉંના ઉત્પાદન ખર્ચમાં જંગી વધારો થયો છે. આજની તારીખમાં કિસાનોને ઘઉં આશરે ૧૨ રૃપિયે કિલોગ્રામ પડે છે. જો સરકાર તેમને ઘઉંના ઊંચા દામ ન ચૂકવે તો તેઓ ઘઉંનું ઉત્પાદન બંધ કરી દે અને કિસાનોને સંકર બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ વેચતા ઉદ્યોગોની કમાણી બંધ થઈ જાય. આ ઉદ્યોગોની કમાણી ચાલુ રહે તે માટે કેન્દ્ર સરકાર કિસાનોને ઘઉંના ઊંચા ભાવો ચૂકવે છે. તેમાં કિસાનોનું કાંઈ ભલું નથી.
કેન્દ્ર સરકાર કિસાનોને ઘઉંના ઊંચા દામ ચૂકવે છે માટે તેને જેટલા ઘઉંની જરૃર છે, તેના કરતાં અનેક ગણા ઘઉં બફર સ્ટોક માટે મળે છે. અત્યારે કેન્દ્ર સરકારને ૧.૭૧ કરોડ ટન ઘઉંના બફર સ્ટોકની જરૃર છે, તેની સામે તેની પાસે ૪.૯૮ કરોડ ટન ઘઉંનો સંગ્રહ છે. તેવી જ રીતે તેને ૯૮ લાખ ટન ચોખાના બફર સ્ટોકની જરૃર છે, જેની સામે તેની પાસે ૩.૦૭ કરોડ ટન ચોખાનો બફર સ્ટોક છે. જાણે પ્રજાના પેટમાં અનાજ ન જાય તેની જોગવાઈ કરવા માટે જ કેન્દ્ર સરકાર તેની જરૃરીયાત કરતાં અનેક ગણા અનાજનો સંગ્રહ કરી રહી છે. આ અનાજ પ્રજાના પેટમાં જવાને બદલે સડી જાય છે તો પણ સરકારના પેટનું પાણી હલતું નથી. એક વર્ષ પહેલા સુપ્રિમ કોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે આ સડી રહેલું અનાજ ગરીબોને મફતમાં આપી દેવું જોઈએ. કેન્દ્ર સરકાર સર્વોચ્ચ અદાલતના આદેશને પણ ઘોળીને પી ગઈ હતી. હવે સંભવિત દુકાળનાં વર્ષમાં અનાજને બચાવી રાખવાને બદલે કેન્દ્ર સરકાર તેની નિકાસ કરી દેવાની બાબતમાં સંકલ્પબદ્ધ છે.
અનાજની આયાત અને નિકાસમાં આશરે અડધો ડઝન જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ સંકળાયેલી છે. તેમની પણ કાર્ટેલ છે. ભારત પાસેથી સસ્તામાં અનાજ પડાવી લેવું હોય ત્યારે તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં અનાજના ભાવ નીચા લાવી દે છે. જ્યારે ભારતમાં અનાજની અછત હોય અને ભારતે અનાજની આયાત કરવાની જરૃર હોય ત્યારે તેઓ ભાવ ઊંચકે છે અને આપણા ગળામાં મોંઘુ અનાજ પધરાવી દે છે. તાજેતરમાં પણ એવું જ બન્યું છે. ભારતની સરકાર કિસાનો પાસેથી ૧૨,૮૫૦ રૃપિયાના ટનના ભાવે અનાજ ખરીદે છે. તેના ઉપર સરકારને ટનદીઠ આશરે ૩,૦૦૦ રૃપિયાનો ખર્ચો આવે છે. જે અનાજ ૧૬,૦૦૦ રૃપિયે ટનના ભાવે પડે છે તેની નિકાસ માત્ર ૧૨,૪૦૦ રૃપિયાના ટનને ભાવે કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે, જેને કારણે દેશની તિજોરીને અબજો રૃપિયાનું નુકસાન થવાની સંભાવના છે.
કૃષિ પ્રધાન શરદ પવાર કહે છે કે દેશમાં દુકાળ પડે તો પણ ચિંતા કરવાની જરૃર નથી, કારણ કે સરકારના ગોડાઉનોમાં અનાજનો પૂરતો જથ્થો છે. શરદ પવાર એ વાત ભૂલી ગયા છે કે દુકાળ પડશે તો દેશની ૫૮ ટકા પ્રજા બેકારીના ખપ્પરમાં હોમાઈ જશે. તેમની રોજી ઝૂંટવાઈ જશે એટલે તેમનાં હાથમાં આવતા પૈસા બંધ થશે. સરકારી તિજોરીમાં ગમે તેટલું અનાજ પડયું હશે તો પણ પ્રજા પાસે તે ખરીદવાની શક્તિ ન હોવાથી કરોડો લોકોને છતે અનાજે ભૂખે મરવાનો વારો આવશે. તેને બદલે સરકારની 'મરેગા' જેવી યોજનાઓમાં કામના બદલે અનાજ આપવાની નીતિ અપનાવવામાં આવે તો પણ ગોડાઉનમાં સડી રહેલું અનાજ ગરીબોના પેટમાં પહોંચી શકે તેમ છે. આપણા રાજકારણીઓને વિદેશી કંપનીઓને મફતના ભાવે અનાજ વેચવામાં જેટલો રસ છે એટલો રસ પ્રજાની ભૂખ ભાંગવામાં નથી.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved