Last Update : 12-July-2012, Thursday

 

રામાયણના 'હનુમાન' દારા સિંહનો પણ એક જમાનો હતો

એક સમયે કોઈ શહેરની શેરીમાં કુસ્તીનો સામાન્ય મુકાબલો હોય તો પણ તેને કિંગ કોંગ - દારા સિંહ વચ્ચેની કુસ્તીની ઉપમા આપવામાં આવતી હતી

રામાયણમાં લક્ષ્મણ ઘાયલ થયા ત્યારે હનુમાન હીમાલય જઈને તેમની માટે સંજીવની જડીબુટ્ટી લઈ આવ્યા હતા અને તેમણે લક્ષ્મણનો જીવ બચાવ્યો હતો. રામાનંદ સાગરની 'રામાયણ' સિરિયલમાં હનુમાનની ભૂમિકા ભજવનારા પહેલવાન દારા સિંહની હાલત ગંભીર છે. મુંબઈની કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. એક પછી એક ફિલ્મી સિતારાઓ ૮૪ વર્ષના દારા સિંહની ખબર કાઢવા આવી રહ્યા છે અને તેમના આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. એકવીસમી સદીના ડોક્ટરો પાસે એવી કોઈ સંજીવની નથી કે મૃત્યુ પથારી ઉપર પડેલા દર્દીને બચાવી શકે. તેમ છતાં દારા સિંહના અગણિત ચાહકો તેમના સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
ભારતના યુવાનો અને બાળકોની દુનિયામાં દારા સિંહનું પાત્ર એક દંતકથા જેટલું મૂલ્ય ધરાવે છે. દારા સિંહને પોતાનો રોલ મોડેલ બનાવીને ભારતના યુવાનોની એક આખી પેઢી મોટી થઈ હતી. આજથી ૫૩ વર્ષ અગાઉ દારાસિંહે ત્યારના વિશ્વ કુસ્તી ચેમ્પિયન કિંગ કોંગને હરાવીને સનસનાટી પેદા કરી હતી. એ સમયે ભારતનાં બાળકો કિંગ કોંગ અને દારા સિંહ વચ્ચેના મુકાબલાની ચર્ચા કરતા હતા. ક્યાંક શેરીમાં પણ કુસ્તી યોજાય તો તેને કિંગ કોંગ-દારા સિંહ વચ્ચેની ફાઈટની ઉપમા આપવામાં આવતી હતી. ઈ.સ. ૧૯૫૯ની સાલમાં કિંગ કોંગને હરાવીને દારા સિંહ કુસ્તીની રમતમાં કોમનવેલ્થનો ચેમ્પિયન બની ગયો હતો. ૬ ફૂટ ૨ ઇંચની ઊંચાઈ ધરાવતા દારા સિંહે ત્યાર પછી દુનિયાના લગભગ તમામ દેશોની મુલાકાત લીધી હતી અને તેના ચેમ્પિયનોને હરાવ્યા હતા. ઈ.સ. ૧૯૬૮ની ૨૯મી મેના રોજ અમેરિકાના ચેમ્પિયન લાઉ થેસઝને હરાવીને દારા સિંહ કુસ્તીમાં વિશ્વવિજેતા બન્યો હતો. ત્યાર બાદનાં ૨૫ વર્ષ દરમિયાન વિશ્વના અનેક પહેલવાનોએ દારા સિંહને પડકાર્યો હતો અને તેની સામે મુકાબલાઓ કર્યા હતા. આ દરેક મુકાબલાઓમાં દારા સિંહ અજેય રહ્યા હતા. છેવટે ઈ.સ. ૧૯૮૩માં તેણે માનભેર નિવૃત્તિ લીધી હતી.
ઈ.સ. ૧૯૬૮માં દારા સિંહ વિશ્વવિજેતા બનીને ભારત આવ્યા ત્યારે ભારતમાં તેની લોકપ્રિયતા ટોચ ઉપર હતી. દેશના કોઈ પણ પહેલવાનની સરખામણી દારા સિંહ સાથે કરવામાં ત્યારે તેની છાતી ગજગજ ફૂલતી હતી. કુસ્તીના ક્ષેત્રમાં દારા સિંહ લોકપ્રિય થયા એટલે તેને હિન્દી ફિલ્મોની ઓફરો આવવા લાગી. ઈ.સ. ૧૯૬૨માં તેની પ્રથમ ફિલ્મ કિંગ કોંગને ભારે સફળતા મળી હતી. ત્યાર બાદ, એ, બી અને સી ગ્રેડની અનેક ફિલ્મો દારા સિંહને મળવા લાગી અને તે આંખો મિંચીને ફિલ્મો સાઈન કરવા લાગ્યા. ઈ.સ. ૧૯૬૪માં તેણે 'રૃસ્તમે હિન્દ' નામની ફિલ્મમાં કામ કર્યું. ઈ.સ. ૧૯૬૩માં તેમણે 'રૃસ્તમે રોમ' ફિલ્મમાં કામ કર્યું. આ બધી ફિલ્મોમાં દારા સિંહે પહેલવાનની ભૂમિકા ભજવી હતી.
હિન્દી ફિલ્મોમાં દારા સિંહે રોમેન્ટિક હીરોની ભૂમિકાઓ પણ ભજવી હતી. મુમતાઝને હિરોઈન તરીકે બ્રેક આપવાનું માન દારા સિંહને ફાળે જાય છે. મુમતાઝ સાથે તેમણે ૧૬ ફિલ્મોમાં હીરોની ભૂમિકા ભજવી હતી. દારા સિંહે આશરે ૧૦૦ જેટલી હિન્દી ફિલ્મોમાં ભૂમિકા ભજવી છે. ઉંમર વધતી ગઈ તેમ દારા સિંહ ફિલ્મોમાં કેરેક્ટર એક્ટરની ભૂમિકાઓ ભજવવા લાગ્યો. મનમોહન દેસાઈએ 'મર્દ' ફિલ્મમાં દારા સિંહને અમિતાભ બચ્ચનના પિતાની ભૂમિકા ઓફર કરી હતી. આ ભૂમિકામાં દારા સિંહનો અભિનય બહુ વખણાયો હતો.
દારા સિંહ એક બાજુ કુસ્તીના મુકાબલાઓ લડયા કરતા હતા અને બીજી બાજુ હિન્દી ફિલ્મોમાં ચમક્યા કરતા હતા. રમતગમતના આંતરરાષ્ટ્રીય તખતે ભારતને જાણીતું કરવામાં દારા સિંહનો મહત્ત્વનો ફાળો હતો. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પણ દારા સિંહના ચાહક હતા. દિલ્હીમાં દારા સિંહનો કુસ્તીનો મુકાબલો હોય ત્યારે નહેરુ સમય કાઢીને આ મુકાબલો જોવા પહોંચી જતા. મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ અને ચન્દ્રશેખર જેવા વડાપ્રધાનો પણ દારા સિંહની ફાઈટમાં પ્રેક્ષક બનીને હાજર રહ્યા હતા. મુંબઈના વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં કુસ્તીના આંતરરાષ્ટ્રીય મુકાબલાઓ યોજાતા હતા તેનું મુખ્ય આકર્ષણ દારાસિંહ હતા. ઈ.સ. ૧૯૮૩માં દારા સિંહે નિવૃત્ત થતાં પહેલાં પોતાનાં જીવનની છેલ્લી કુસ્તી દિલ્હીમાં કરી ત્યારે ભારતના તત્કાલીન વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ તેનું ઉદ્ધાટન કર્યું હતું અને તેઓ આ કુસ્તી જોવા હાજર પણ રહ્યા હતા. આ સ્પર્ધામાં દારા સિંહને ટ્રોફી તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાાની ઝૈલ સિંહે અર્પણ કરી હતી.
ઈ.સ. ૧૯૮૦ના દાયકામાં રામાનંદ સાગરે ટીવી માટે 'રામાયણ' સિરિયલ બનાવી ત્યારે તેમાં હનુમાનના રોલ માટે દારા સિંહની પસંદગી કરવામાં આવી હતી. રામાયણના આ 'હનુમાન' બાળકોને બહુ પસંદ પડી ગયા હતા. રામાયણ સિરિયલને કારણે દારા સિંહને ભારતભરમાં અભૂતપૂર્વ પ્રસિદ્ધિ મળી હતી અને તે નવી પેઢીમાં ફરીથી લોકપ્રિય બની ગયા હતા. કોઈ વ્યક્તિએ પોતાની જિંદગીના પાંચ દાયકા સુધી પ્રસિદ્ધિને ટકાવી રાખી હો તેવી વિરલ વ્યક્તિઓમાં દારા સિંહનો પણ સમાવેશ કરવો પડે. રામાયણ પછી 'હદ કર દી' નામની ટીવી સિરિયલમાં પણ દારા સિંહે કામ કર્યું હતું. દારા સિંહની ઉંમર વધતી જતી હતી તો પણ તેની ભૂમિકાઓમાં તરવરાટ જોવા મળતો હતો.
દારા સિંહે અનેક હિન્દી અને પંજાબી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. 'મેરા દેશ, મેરા ધરમ' નામની હિન્દી ફિલ્મનું લેખન, નિર્માણ અને દિગ્દર્શન પણ દારા સિંહે કર્યું હતું. આ ઉપરાંત 'સવા લાખ સે એક લડાવન' નામની ઐતિહાસિક પંજાબી ફિલ્મ સહિત ૧૦ ફિલ્મોનું તેમણે નિર્માણ કર્યું હતું. ચંડીગઢની નજીક મોહાલીમાં દારા સિંહે ઈ.સ. ૧૯૭૮માં પોતાના ફિલ્મ સ્ટુડિયોની પણ સ્થાપના કરી છે. આ સ્ટુડિયોમાં ફિલ્મના શૂટીંગથી માંડીને ડબીંગ અને એડિટીંગ સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
પંજાબના અમૃતસર જિલ્લામાં આવેલાં ધર્મચૂક ગામમાં જન્મેલા દારા સિંહે આ ગામને પણ ભારતના નકશામાં જાણીતું બનાવ્યું હતું. મુંબઈમાં દારા સિંહ ગંભીર છે એવા સમાચાર મળતાં આ ગામમાં રહેતા દારા સિંહના ચાહકો હનુમાનજીના મંદિરમાં ભેગા થયા હતા અને તેમણે દારા સિંહના સ્વાસ્થ્ય માટે હનુમાનજીને વિનંતી કરી હતી. દારા સિંહે પોતાના ગામમાં કુસ્તીનું સ્ટેડિયમ બનાવવા દાન આપ્યું હતું અને ગામના લોકો કુસ્તીમાં રસ લેતા થાય એ માટે મહેનત કરી હતી. આ ગામમાં અનેક પહેલવાનો પેદા થયા છે.
હિન્દી ફિલ્મોમાં શર્ટ ઉતારવાની શરૃઆત સલમાન ખાને નહીં પણ દારા સિંહે કરી હતી. દારા સિંહ જાટ કોમના છે. તેમના પરથી પ્રેરણા લઈને પંજાબના જાટ પરિવારના ધર્મેન્દ્રે પણ હિન્દી ફિલ્મોમાં ઝંપલાવી દીધું હતું અને હી-મેનની છાપ જમાવી હતી. દારા સિંહ બીમાર છે અને હોસ્પિટલમાં છે તેવા સમાચાર મળતાં જે અનેક સિતારાઓ તેની ખબર કાઢવા હોસ્પિટલમાં પહોંચી ગયા તેમાં ધરમેન્દ્ર પણ હતો. પત્રકારો સમક્ષ ધર્મેન્દ્રએ દારા સિંહને પોતાના ભાઈ તરીકે ઓળખાવ્યા હતો અને તેના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી હતી.
દારા સિંહના પગલે તેમના પુત્રો પણ કુસ્તીમાં અને ફિલ્મી જગતમાં નામ કમાયા છે. દારા સિંહનો મોટો પુત્ર પ્રદ્યુમ્ન સિંઘ રંધવા પહેલવાન તરીકે પ્રસિદ્ધ થયો અને દારા સિંહની જેમ તેણે પણ અનેક કુસ્તી સ્પર્ધાઓમાં ખિતાબ જીત્યા હતા. દારા સિંહના બીજા પુત્ર વિન્દુએ હિન્દી ફિલ્મોમાં ઝંપલાવી દીધું હતું. ઈ.સ. ૧૯૯૪માં 'કરણ' ફિલ્મ સાથે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાર બાદ તેણે પંજાબી ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. દારા સિંહે 'રામાયણ' સિરિયલમાં હનુમાનની ભૂમિકા ભજવી હતી તેમ વિન્દુએ 'જય વીર હનુમાન' સિરિયલમાં પવનપુત્ર હનુમાનની ભૂમિકા ભજવી છે. વિન્દુએ 'બિગ બોસ' નામના રિયાલિટી શૉમાં પણ ભૂમિકા ભજવી હતી અને વિજેતા બન્યો હતો. રાજકીય પક્ષો ફિલ્મી જગતની દરેક લોકપ્રિય હસ્તીઓની લોકપ્રિયતા વટાવી ખાતા હોય છે તેમ ભારતીય જનતા પક્ષ દ્વારા ઈ.સ. ૨૦૦૩થી ૨૦૦૯ દરમિયાન દારા સિંહને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા હતા, પણ રાજકારણમાં તેમને ઝાઝો રસ પડયો નહોતો. દારા સિંહનો દેહ ભલે વૃધ્ધ થતો ગયો હોય, મનથી તેઓ સદા યુવાન રહેતા હતા. ૭૮ વર્ષની ઉંમરે તેમણે 'જબ વી મેટ' ફિલ્મમાં કરીના કપૂરના દાદાનો રોલ કર્યો હતો. ઈ.સ. ૨૦૦૭માં રિલીઝ થયેલી 'જબ વી મેટ' દારા સિંહની આખરી ફિલ્મ બની રહી હતી.
૮૩ વર્ષના દારા સિંહને ગયાં અઠવાડિયે હાર્ટ એટેક આવ્યો તેને પગલે તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર કરતાં તબીબો કહ છે કે તેમના મગજમાં ગાંઠ છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. દારા સિંહના લાખો ચાહકો એવી પ્રાર્થના કરી રહ્યા છે હનુમાનજીની સંજીવની જેવો ચમત્કાર થાય અને દારા સિંહ બચી જાય.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved