Last Update : 10-July-2012, Tuesday

 

પાકિસ્તાનની જેલોમાં ભારતના ૭૦થી વધુ જાસૂસો સબડે છે

ભારતનો કોઈ નાગરિક પાકિસ્તાનમાં જાસૂસી કરતાં પકડાઈ જાય તો ભારતની ગુપ્તચર એજન્સીઓ તરત જ તેનાથી પોતાના હાથ ખંખેરી નાખે છે

પંજાબના અમૃતસર જિલ્લાના ફિદ્દા ગામમાં રહેતો ૪૨ વર્ષનો સુરજીત સિંહ ઈ.સ. ૧૯૮૧ના શિયાળાની રીતે પોતાની પત્નીને એમ કહીને ઘરેથી બહાર ગયો હતો કે તે બીજે દિવસે ઘરે પાછો આવી જશે. સુરજીત સિંહ વર્ષો સુધી પાછો ન આવ્યો. તેના સગાવહાલાઓએ માની લીધું હતું કે સુરજીત મરી ગયો છે. આ વાતને ૩૧ વર્ષ પસાર થઈ ગયા તે પછી ઈ.સ. ૨૦૧૨ની ૨૭મી જુને ૭૩ વર્ષનો સફેદ દાઢી ધરાવતો સુરજીત પાછો આવ્યો ત્યારે તેના સ્વજનો માની નહોતા શક્યા કે સુરજીત જીવતો છે. સુરજીત કહે છે કે તેને ભારતની ગુપ્તચર સંસ્થા 'રો'એ જાસૂસી કરવા પાકિસ્તાનમાં મોકલ્યો હતો, પણ પાકિસ્તાનની સત્તાવાળાઓએ તેને પકડી પાડીને જેલમાં પૂર્યો હતો. ૩૦ વર્ષની સજા ભોગવીને સુરજીત હેમખેર ઘરે પાછો ફર્યો છે, પણ ભારતની સરકાર કહે છે કે સુરજીતને જાસૂસી કરવા તેમણે મોકલ્યો જ નહોતો. પોતે ભારતનો જાસૂસ હતો એવું પુરવાર કરવા અને ૩૦ વર્ષ જેલમાં રહેવું પડયું તેનું વળતર મેળવવા સુરજીતે હવે કદાચ ભારતની અદાલતમાં જંગ લડવો પડશે.
સુરજીત સિંહના કહેવા મુજબ પાકિસ્તાનની વિવિધ જેલોમાં આજની તારીખમાં પણ ભારતના આશરે ૭૦ જાસૂસોને કેદ રાખવામાં આવ્યા છે. પંજાબના અમૃતસર અને ગુરુદાસપુર જિલ્લાના જે ગામો સરહદ ઉપર આવેલાં છે, તેમાં રહેતા અનેક યુવાનો માતૃભૂમિની સેવા કરવા માટે લશ્કરના અથવા દેશની ગુપ્તચર સંસ્થાના સભ્ય તરીકે પાકિસ્તાનમાં જાસૂસી કરવા જાય છે, પણ જ્યારે તેઓ પકડાઈ જાય છે ત્યારે ભારતના સત્તાવાળાઓ હાથ ખંખેરી નાંખે છે અને તેમના પરિવારને કોઈ પણ પ્રકારની મદદ કરવાનો ઈનકાર કરી દે છે. જેમ્સ બોન્ડની ફિલ્મમાં જેવું ચિત્રણ કરવામાં આવે છે તેવી રોમાંચક જિંદગી આ જાસૂસો જીવતા નથી. ભારત-પાકિસ્તાનના સરહદી જિલ્લાઓના હજારો યુવાનો રોજગારી માટે દેશની ગુપ્તચર સંસ્થાઓમાં જોડાય છે, પણ તેમને સરકારી નોકરીના કોઈ લાભો અથવા સલામતી મળતી નથી.
પાકિસ્તાનમાં જઈને ભારત માટે જાસૂસી કરનારા નાગરિકો મોટા અત્યંત ગરીબ હોય છે. તેમાંના ઘણાખરા દલિત હોય છે અને ખ્રિસ્તી હોય છે. તેમની પાસે પોતાની જમીન નથી હોતી અને આવકનું સાધન પણ નથી હોતું. ગુજરાનનાં સાધન તરીકે તેઓ જાસૂર બને છે અને પોતાનો જીવ હથેળીમાં રાખીને શત્રુ દેશની માહિતી ભેગી કરે છે. તાજેતરમાં જે સુરજીત સિંહ ૩૧ વર્ષ પાકિસ્તાનની જેલમાં ગુજારીને પાછો ફર્યો તે શીખ છે, પણ દલિત છે. સુરજીતને પહેલાં ફાંસીની સજા કરવામાં આવી હતી, પણ પછી પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ આ સજા માફ કરીને જન્મટીપમાં ફેરવી નાખી તેને પગલે સુરજીતની મુક્તિ થઈ હતી અને તે સ્વદેશ પાછો ફર્યો હતો. આ યુવાનોને કામે લગાડવામાં આવે ત્યારે જ જાસૂસી સંસ્થા દ્વારા તેમની સાથે કોન્ટ્રક્ટ કરવામાં આવે છે કે જો તેઓ પકડાઈ જાય તો સરકારની કોઈ જવાબદારી રહેતી નથી. આ રીતે પકડાઈ ગયેલા જાસૂસોને લાગે છે કે તેમનો ઉપયોગ કરીને તેમને પગલૂછણિયાની જેમ ફેંકી દેવામાં આવ્યા છે.
પાકિસ્તાનની જેલમાં ૧૭ વર્ષની સજા ગાળીને આવેલો કરામત સિંહ નામનો ભૂતપૂર્વ જાસૂસ કહે છે કે ''મેં ૧૯૮૩ની સાલમાં 'રો' માટે જાસૂસી કરવાની શરૃઆત કરી હતી. મેં આ રીતે પાંચ વખત ટ્રિપો કરી હતી. ઈ.સ. ૧૯૮૮માં મારી છેલ્લી ટ્રિપ વખતે હું પકડાઈ ગયો. મારી પાસે ભારતનો એક પત્ર હતો. આ પત્ર સાથે હું પાકિસ્તાની વાયુદળના હાથમાં પકડાઈ ગયો. તેના સૈનિકોએ મને બહુ ટોર્ચર કર્યું. ૧૭ વર્ષ જેલમાં રાખીને મને ઈ.સ. ૨૦૦૫ના માર્ચ મહિનામાં છોડવામાં આવ્યો. જ્યાં સુધી હું 'રો' માટે કામ કરતો હતો ત્યાં સુધી મારા પરિવારને તેઓ મહિને ૧૫૦૦ રૃપિયાની મદદ કરતા હતા. હું પાકિસ્તાનમાં પકડાઈ ગયો તે પછી તેમણે મને મદદ કરવાનું બંધ કરી દીધું. હવે હું ચાની લારી ચલાવી મારું ગુજરાન ચલાવું છું.'' કરામત સિંહ જેવી જ કથા પાકિસ્તાની જેલોમાં સબડતા અનેક જાસૂસોની છે. ગુરુદાસપુરના દડવાન ગામના ઘણા યુવાનો જાસૂસી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ ભારતમાંથી પાકિસ્તાનમાં દારૃની દાણચોરી કરે છે અને તેની સામે ત્યાંના નાગરિકો પાસેથી મહત્વની માહિતીઓ લાવીને ભારતની એજન્સીઓને પહોંચાડે છે. તેઓ ક્યારેક પાકિસ્તાનનાં છાપાં, મેગેઝિનો, તસવીરો રેલવે ટાઈમટેબલ કે ક્યારેક કોઈ જાણભેદુ માણસને પણ ઊંચકીને લઈ આવે છે. તેના બદલામાં તેમને આર્થિક વળતર મળે છે.
પહેલી જુલાઈએ પાકિસ્તાને ભારતને ૭૦ નાગરિકોની યાદી સુપરત કરી, જેઓ ભારતના નાગરિકો છે, પણ પાકિસ્તાનની જેલમાં છે. આ યાદીમાં બધા ભારતીય જાસૂસો નથી. ઘણા લોકો પાકિસ્તાનના વીસા લઈને ત્યાં પોતાના સગાવહાલાને મળવા ગયા હોય, વીસાની મુદ્દત પૂરી થઈ ગઈ હોય તે પછી પણ ત્યાં રોકાઈ ગયા હોય, તેવા પણ છે. આ બધા સામે જે આરોપો છે તે પણ અલગ પ્રકારના છે. કોઈ સામેના આરોપો અત્યંત ગંભીર છે. વર્તમાનમાં જે સરબજીતનો વિવાદ બે દેશો વચ્ચે ચાલી રહ્યો છે, તેની ઉપર જાસૂસી ઉપરાંત બોમ્બ ધડાકાઓ કરાવવાનો આરોપ પણ છે. તેને પાકિસ્તાનની અદાલતમાં ફાંસીની સજા કરવામાં આવી છે. જોકે ભારતના સત્તાવાળાઓએ ઈનકાર કર્યો છે કે સરબજીત જાસૂસ છે. પાકિસ્તાને જે રીતે ભારતના નાગરિકોને જાસૂસીના આરોપ હેઠળ પકડયા છે, તેમ ભારતે પણ પાકિસ્તાની જાસૂસોને જેલમાં પૂર્યા છે.
ભારતે જાસૂસી કરવા પાકિસ્તાન મોકલ્યા હોય, પાકિસ્તાનની જેલમાં પૂરાઈ ગયા હોય, અને તેમને ભારત સરકારે પણ તરછોડી દીધા હોય તેવા જાસૂસો ઘણા છે. કાશ્મીર સિંહ નામનો જાસૂસ પાકિસ્તાનની જેલમાં ૩૫ વર્ષ ગાળીને ઈ.સ. ૨૦૦૮માં ભારત પાછો ફર્યો હતો. પાછા આવીને તેણે દાવો કર્યો હતો કે તેને પાકિસ્તાન 'ફરજ ઉપર' મોકલવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે તેને જેલમાં ૩૫ વર્ષ ગાળવા બદલ કોઈ વળતર આપ્યું નહોતું. ત્યારબાદ તેણે સરકાર સાથે સોદાબાજી કરી હતી. કાશ્મીર સિંહે પોતે ભારતીય જાસૂસ છે, એવો દાવો પાછો ખેંચી લીધો હતો અને પંજાબની સરકારે તેને વળતર આપ્યું હતું. જો સુરજીત સિંહ પણ ભારત વતી જાસૂસી કરી હોવાનો દાવો પાછો ખેંચવા તૈયાર હોય તો તેને સરકાર તરફથી વળતર મળ્યું હોત. જોકે હવે સુરજીત બીબીસી જેવી વિદેશી એજન્સીને પણ ઈન્ટરવ્યૂ આપી ચૂક્યો છે, માટે તેને વળતર મળે એવી આશા બહુ ઓછી છે. ભારતની જાસૂસી સંસ્થાઓની મજબૂરી એ છે કે તેઓ સત્તાવાર રીતે કબૂલી શકે તેમ નથી કે તેઓ પાકિસ્તાનમાં જાસૂસી કરવા ભારતના નાગરિકોને મોકલે છે. જો તેઓ આવી કબૂલાત કરે તો બંને દેશોના સંબંધો કથળી જાય તેમ છે.
સુરજીત સિંહ ૩૧ વર્ષ પછી ભારત પાછો ફર્યો ત્યારે તેણે મિડિયા સમક્ષ ખુલ્લેઆમ કહેવાનું શરૃ કર્યું કે તે ભારતનો જાસૂસ હતો. આ વાત કેન્દ્ર સરકારના કાને પડતાં જ તેણે આ વાતને જાહેરમાં રદિયો આપ્યો એટલે સુરજીત સિંહને અપમાન લાગી ગયું. તેણે બીબીસીના પત્રકારને ઈન્ટરવ્યૂ આપતાં સવાલ કર્યો કે જો હું ભારતનો જાસૂસ નહોતો તો સરકાર શા માટે મારા પરિવારને દર મહિને ૧૫૦ રૃપિયાનું પેન્શન આપે છે ? સુરજીતનો દાવો એવો છે કે તેણે પાકિસ્તાનની ૮૫ ટ્રિપ કરી હતી. દરેક ટ્રીપમાં તે મહત્વના દસ્તાવેજો લઈને બીજે દિવસે પાછો આવી જતો હતો.
એક વખત સુરજીતને પાકિસ્તાનના એક નાગરિકને ભારતના જાસૂસ તરીકે ભરતી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તે આ નાગરિકને લઈને ભારત પાછો આવતો હતો. સરહદ ઉપર સુરક્ષા બળોએ આ પાકિસ્તાની નાગરિકનું અપમાન કર્યું અને તેને ભારત આવવાની મંજૂરી ન અપાઈ. એટલે સુરજીતને તેને મૂકવા પાછું લાહોર જવું પડયું. પેલા માણસે અપમાનનો બદલો લેવા સુરજીતની ઓળખ છતી કરી દીધી. પાકિસ્તાનના લશ્કરે સુરજીતની ધરપકડ કરી અને તેને લાહોરની જેલમાં મોકલી આપ્યો. ઈ.સ. ૧૯૮૫માં લશ્કરની અદાલતે તેને ફાંસીની સજા ફરમાવી. ઈ.સ. ૧૯૮૯માં તેની ફાંસીની સજાને જન્મટીપમાં તબદિલ કરવામાં આવી. આ સજા પૂરી થતાં તેને ઈ.સ. ૨૦૧૨માં છોડી મૂકવામાં આવ્યો.
સુરજીત સિંહના કહેવા મુજબ લાહોરની કોટ લખપત જેલમાં જ ભારતના ૨૦ જાસૂસો સજા કાપી રહ્યા છે. તેમાં સરબજીત સિંહને અને ક્રિપાલ સિંહને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે. ડેનિયલ નામનો દલિત ખ્રિસ્તી ભારતીય નાગરિક ઈ.સ. ૧૯૯૨ની સાલથી પાકિસ્તાન જઈને ભારત માટે જાસૂસી કરતો હતો. ઈ.સ. ૧૯૯૩માં તે પકડાઈ ગયો. તેને બે મહિના ભારે ટોર્ચર કરવામાં આવ્યું. પછી તેને લાહોરની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો. બે વર્ષ પહેલાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો. ડેનિયલ હવે રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. ડેનિયલના કહેવા મુજબ સતપાલ નામનો જાસૂસ પાકિસ્તાનની જેલમાં જ મૃત્યુ પામ્યો હતો. ભારતમાં તેની કોઈએ નોંધ પણ લીધી નહોતી.
ભારતની સરકાર જાહેરમાં એવી સ્વીકાર કરી ન શકે કે ફલાણી વ્યક્તિને તેમણે જાસૂસી માટે પાકિસ્તાન મોકલી હતી. તેમ છતાં દરેક ગુપ્તચર સંસ્થા પાસે ખાનગી ફંડ હોય છે, જેમાંથી તેઓ આ પ્રકારે પકડાઈ ગયેલા જાસૂસોના પરિવારનું ભરણપોષણ કરતાં જ હોય છે. સુરજીત પણ તેમાં અપવાદ નથી. તાજેતરમાં જ પંજાબ સરકારે તેને અમુક યોજના હેઠળ એક લાખ રૃપિયાનું અનુદાન આપવાની જાહેરાત કરી છે. ભારતની અદાલતમાં જઈને તે પાકિસ્તાનમાં ભારતનો જાસૂસ હતો, એવું સાબિત કરીને સુરજીતને કાંઈ મળવાનું નથી. 'રો' માટે કામ કરતાં એક ઉચ્ચ અધિકારી કહે છે કે સુરજીત જેવી વ્યક્તિએ જાહેરમાં એવો દાવો ન કરવો જોઈએ કે તે પાકિસ્તાનમાં ભારત વતી જાસૂસી કરતો હતો. તેને કારણે પાકિસ્તાનની જેલમાં સબડતાં ભારતીય નાગરિકોની મુક્તિની પ્રક્રિયા અઘરી બની જશે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved