Last Update : 09-July-2012, Monday

 
કોંગ્રેસ અને ભાજપ બન્ને માટે આજકાલ મહત્ત્વના બની ગયેલા બિહારના આ મુખ્યપ્રધાન નીતીશકુમાર કોણ છે?

- એના ગામના લોકો એને ‘સાઘુ’ કેમ કહે છે?
- ફિલ્મોના એવા શોખીન કે પહેલા દિવસે પહેલો શૉ એ જોતા હતા
- મસાલા ઢોંસા ખાવા આજે પણ એ કશા દંભ, અભિમાન કે ડર વગર પટનાના ફ્રેજર રોડ પર પહોંચી જાય છે
- ચૂંટણી લડવા એમણે ગામની પોતાની જમીન વેચી દીધેલી
- નીતીશ અને નરેન્દ્ર વચ્ચે ૩૬ના આંકડા જેવો સંબંધ કેમ?

નાલંદા એ પ્રાચીન ભારતની આપણી તક્ષશિલા, વલ્લભી વગેરે જેવી એક યુનિવર્સિટી.
બિહાર એટલે પવિત્રભૂમિ એટલા માટે કે ત્યાં જૈનોના ૨૪ તીર્થંકરો (એટલે કે મહાન આત્માઓ એટલે મહાન ઉપદેશકો)માંના ૨૩ની જન્મભૂમિ અને વિહારભૂમિ. જૈનોનું સૌથી મોટું તીર્થસ્થળ સમેતશિખર બિહારમાં આવ્યું.
એ નાલંદાના અવશેષો આજે પણ જોઈ શકાય છે. નાલંદાને પુનર્જીવિત કરવા ભારત સરકાર અને બિહાર સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે.
બિહારના એ નાલંદા જિલ્લામાં હરનૌત તાલુકો છે જ્યાંનું કલ્યાણ બિગહા નામનું નાનકડું ગામ એટલે બિહારના આજના મુખ્ય પ્રધાન નીતીશકુમારનું જન્મસ્થળ.
૨૦૦૫ પહેલાં બાજપેયીની કેન્દ્ર સરકારમાં જો નીતીશકુમાર રેલવે પ્રધાન હતા. (એ વખતે પશ્ચિમ રેલવેના રાજસ્થાની માંધાતાઓએ અમદાવાદ અને ગુજરાતના ગરીબોની રાતના ૯ વાગે અમદાવાદથી મુંબઈ જતી જનતા એક્સપ્રેસ જયપુરથી ઉપાડવાની યોજના કરેલી જેથી અમદાવાદ ફ્‌લેગ સ્ટેશન જેવું થઈ જાય. ત્યારે ‘નેટવર્ક’માં એ નિર્ણયની વિરૂઘ્ધમાં અને ગુજરાતીઓના હિતમાં ત્રણ લેખ આપેલા જેને અમદાવાદના સંસદ સભ્ય હરીન પાઠકે સંસદમાં રજૂ કરીને નીતીશકુમાર સમક્ષ ગુજરાતીઓની વ્યથા રજૂ કરેલી જેના પરિણામે પેલા રેલવેના માંધાતાઓના તઘલખી નિર્ણયને ફેરવીને જનતા એક્સપ્રેસ અમદાવાદથી જ ઉપડે એવી જૂની વ્યવસ્થા ચાલુ રાખેલી.) એ પછી ૨૦૦૫માં નીતીશકુમાર બિહારના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે એમના કલ્યાણ બિગહા ગામના વતનીઓ કહેવા લાગેલા કે ‘‘અમારો સાઘુ સી.એમ. થઈ ગયો.’’
તેઓ ‘સાઘુ’ તરીકે પોતાના ગામમાં ઓળખાતા થયેલા કારણ કે કિશોરાવસ્થામાં એમને દાઢીમૂછ ઉગતા થતા એમણે કદી રેઝરથી દાઢી મૂંછના વાળ ઉતારેલા જ નહીં પણ કાતરથી એ વાળ કાપતા કપાવતા હતા. પરિણામે લોકો એમને ‘સાઘુ’ તરીકે ઓળખવા લાગેલા. આજે પણ તેઓ પોતાના ગામ જાય છે ત્યારે ગામના લોકો સાથે અગાઉની જેમ જ હળીમળી જાય છે અને એમની સાથે ભાતદાળ ખાવાનો આનંદ લે છે. (બિહારમાં ભાત-દાળનો જ ખોરાક સાધારણ રીતે છે. આપણા દેશની વિવિધતામાં એકતા આ જ છે. બંગાળમાં ભાત અને મચ્છીનો ખોરાક, ઉત્તરપ્રદેશ-પંજાબમાં હરિયાણામાં ઘઉં પરોઠાનો ખોરાક, ગુજરાત-મહારાષ્ટ્રમાં ઘઉં અને ચોખા બન્ને, વળી દક્ષિણમાં એકલા ભાત-દહીં, ભાત-રસમ.. છતાં આખા દેશમાં ગાયત્રીમંત્ર કે વેદના મંત્રોનો ઉચ્ચાર સરખો!)
જો કે નીતીશકુમારને વર્ષો પહેલાં મચ્છી અને મરઘી બહુ ભાવતા પણ પછી એમણે છોડી દીધા. એના બદલે એ ઈંડા ખાવા લાગ્યા... ખાસ કરીને આમલેટ. જો કે હવે તો એ ઈંડા પણ નથી ખાતા ને હવે શુઘ્ધ શાકાહારી થઈ ગયા છે. (આખા દેશમાં શું પણ આખી દુનિયામાં શાકાહારી ફક્ત ગુજરાતીઓ અને અમુક મહારાષ્ટ્રીઅનો, રાજસ્થાનીઓ વગેરે જ છે. બાકી આખી દુનિયા બિનશાકાહારી છે. યુરોપના દેશો, તથા તૂર્કસ્તાન, ઈજિપ્ત, ઉઝબેકિસ્તાન વગેરે દેશોમાં તો પૂછે કે... ‘‘તમે ક્યારથી શાકાહારી થયા?’’! તાશ્કંદ શહેરમાં તાંદળજો, મરચા, લીલી ડુંગળી... બઘું મળે પણ એકપણ માણસ શાકાહારી ન મળે! એ દેશો એમ જ માને છે કે બધા માંસાહારી જ હોય. ઘણા શહેરોમાં ઈન્ડીયન રેસ્ટોરાં માંસાહારી જ હોય. ઘણા શહેરોમાં ઈન્ડીયન રેસ્ટોરાં છે પણ ત્યાં ય શાકાહારી જ વાનગી મળે એવું નહીં.) નીતીશકુમારને ભાત-દાળ-રોટી અને બદામ વઘુ ભાવે છે, એમની થાળીમાં ભલે પાંચ દસ શાકભાજી હશે પણ બટાકા વિના એમને ન ચાલે.
એમની સાદગી તો એવી છે કે... આજે પણ તેઓ મુખ્યપ્રધાન હોવા છતાં પટનાના ફ્રેજર રોડ પર આવેલા બંસી વિહારમાં મસાલા ઢોંસા ખાવા પહોંચી જાય છે! બીજા એક મુખ્યપ્રધાન જેવા એ દંભી કે અભિમાની કે ડરપોક કે નાટકીયા નથી. (પટનામાં ગુજરાતીઓ ઘણા વસે છે અને ધંધો કરે છે. દા.ત. અશોક સિનેમા છે એ એક ગુજરાતીનું છે. એ જ રીતે પટનાના ગાંધી મેદાન પાસે લક્ષ્મી કાફે છે જેના માલિક પ્રવિણ પટેલ અને રસિક પટેલ ઉમરેઠ ડાકોર ઠાસરાના છે.)
નીતીશના પિતા કવિરાજ રામ લખન સંિહ આમ તો, વૈદ્ય હતા પણ કટ્ટર કોંગ્રેસી હતા. જ્યારે નીતીશકુમાર જયપ્રકાશ નારાયણના અનુયાયી હતા. જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિ આંદોલનમાં તેઓ ભરયુવાન વયે કૂદી પડેલા. રાજકારણમાં એમના એ પહેલાં પગલાં.
નીતીશે શિક્ષણ લીઘું બખ્ત્યારપુરમાં. એમણે બખ્ત્યારપુરમાંથી ૧૯૬૬માં મેટ્રીકની પરીક્ષા પહેલા વર્ગમાં પાસ કરી અને આગળનું શિક્ષણ લેવા એમણે પટનાનો રસ્તો પકડ્યો. પટનાની સાયન્સ કોલેજમાં ઈન્ટર સુધી કરીને એમણે એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવ્યો. ત્યારે પટના એન્જીનીયરીંગ કોલેજનું નામ હતું. એમણે ઈલેક્ટ્રીક એન્જીનીયર થવાનું નક્કી કરેલું પણ જયપ્રકાશ નારાયણનું આંદોલન આવી જતા એ રાજકારણમાં કૂદી પડ્યા.
રાજકારણના રંગે એ રંગાવા લાગ્યા. ૧૯૭૭માં એ પહેલીવાર ચૂંટણી લડ્યા. ૧૯૭૭ અને ૧૯૮૦ની વિધાનસભાની ચૂંટણી લડવા એમણે ગામમાંની બાપદાદાની જમીન વેચી દીધેલી પણ ચૂંટણી જીતી શકેલા નહીં. છેક ૧૯૮૫માં એ પહેલીવાર ચૂંટણી જીત્યા.
નીતીશકુમારની પત્ની મંજૂ સંિહા નામની હતી જે હવે આ દુનિયામાં નથી. એ શિક્ષિકા હતા. પતિ રાજકારણમાં પડે એ એમને પસંદ નહોતું. એ પોતાના પતિને એન્જીનીયર તરીકે કામ કરતા જોવા માંગતા હતા. ચૂંટણી લડવા માટે બાપદાદાની જમીન વેચી ત્યારે બન્ને વચ્ચે બહુ બોલચાલ થયેલી. રાજકારણ બન્ને વચ્ચે દિવાલ જેવું થઈ ગયેલું તો પણ બન્ને વચ્ચે અગાધ પ્રેમ પણ હતો.
જો કે મંજૂબહેન જીવતા હતા ત્યાં સુધી મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને નહી ગયેલા. ત્યાં એમનો મૃતદેહ જ લઈ જવાયેલો.
નીતીશનો પુત્ર નીતિન પણ એન્જીનીયર થયો છે અને અત્યારે દિલ્લીમાં છે.
તેઓ વિદ્યાર્થી હતા ત્યારથી જ બીડી-સિગારેટ પીતા થયેલા પણ જોકે અત્યારે ફક્ત તંબાકુ જ લે છે. કોઈ કાર્યક્રમ ચાલતો હોય અને એમને તંબાકુની તલપ ઉપડે ત્યારે એમનો અંગત સેક્રેટરી એમને છાનીમાની પડીકી પકડાવી દે છે. બાકી દારૂ પીવાનો એમને બાધ નથી તેમજ પીવાની લત પણ નથી. શિયાળાના દિવસોમાં કોથમીરની ચટણી ખાવાનું તેઓ નથી ભૂલતા. આઈસ્ક્રીમ એમની મોટી નબળાઈ છે. મલમલનો ઝભ્ભો નાનપણથી જ એમને પ્રિય છે. આજે પણ ઘરમાં તેઓ એ જ પહેરે છે. જોકે બહાર તેઓ પાયજામો અને ખાદીનો સફેદ ઝભ્ભો જ પહેરે છે. બાકી મલમલનો ઝભ્ભો તેઓ વિદ્યાર્થી હતા ત્યારથી પહેરે છે.
ફિલ્મો માટે એમનું આકર્ષણ માનો ને ભાજપના આડવાણી જેવું છે તો પણ એટલું બઘું નહીં. પટનાનું એલ્ફીસ્ટન સિનેમા એક જમાનામાં એમના અડ્ડા જેવું હતું. દોસ્તો સાથે તેઓ દરેક ફિલ્મ પહેલા દિવસે પહેલા શૉમાં જ જોઈ નાંખતા. માઘુરી દીક્ષિત એમની પસંદગીની અભિનેત્રી રહી છે. જ્યારે તેઓ રેલવે પ્રધાન હતા ત્યારે પોતાના ખાસ સલુન (ડબ્બો)માં એમને ‘હમ આપકે હૈ કૌન?’ ફિલ્મ જોવાની ઇચ્છા થઈ ત્યારે એમણે કહેલું કે સડસડાટ દોડતી ટ્રેનમાં ફિલ્મ જોવાની મજા વળી ઓર છે. અત્યારે પણ પોતાના વ્યસ્ત જીવનમાં ફિલ્મ જોવાનો સમય કાઢી જ લે છે.
દા.ત. ૨૦૧૦ના ૮મેએ પોતાના એક એન્જીનીયર દોસ્ત અને પત્રકાર અરૂણ સંિહા સાથે તેઓ એલિફિસ્ટન સિનેમામાં ‘થ્રી ઈડીયટ્‌સ’ ફિલ્મ જોવા ગયેલા જે જોઈને બહાર નીકળતી વખતે એમણે કહેલું કે ‘‘અમે પણ વિદ્યાર્થી જીવનમાં ‘થ્રી ઈડિયટ્‌સ’ જ હતા.’’
આજે જે દુશ્મન છે એ લાલુ યાદવ સાથે એમની પહેલાં તો દોસ્તી જ હતી. લાલુનું અંગ્રેજી નબળું હોવાથી એ દક્ષિણ ભારતના પ્રવાસે જ્યારે જતા ત્યારે નીતીશને અચુક સાથે લઈ જતા જ્યાં નીતીશની ઓળખાણ લાલુ ‘હી ઈઝ માય પીએ’ તરીકે આપતા.
લાલુનો કાલનો એ પીએ આજે બિહારનો સી.એમ. છે. એ સીએમ આજે કોંગ્રેસના અને ભાજપ માટે મહત્ત્વના થઈ ગયા છે. કોંગ્રેસ માટે એટલા માટે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ અને એનડીએથી અલગ પડીને કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ મુકરજીને ટેકો આપીને કોંગ્રેસ માટે મહત્ત્વની વ્યક્તિ બની ગયા છે તથા ‘વડાપ્રધાન પદના ઉમેદવાર બિનસાંપ્રદાયિક હોવા જોઈએ’ એવું કહીને એમણે ભાજપમાં પોતાનું મહત્ત્વ જણાવી દીઘું.
ભાજપ સાથે નીતીશકુમારને એમ તો, ૧૭ વર્ષથી સંબંધ છે પરંતુ એમણે ક્યારેય બિનસાંપ્રદાયિકતાનો મુદ્દો કદી નથી ઉઠાવ્યો. આ વખતે જ્યારે ૨૦૧૪ની ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ નરેન્દ્ર મોદીએ જ ચાલાકીપૂર્વક ચર્ચામાં ચગાવ્યું ત્યારે એમણે બિનસાંપ્રદાયિકતાનો મુદ્દો ઉઠાવ્યો. (વડાપ્રધાન પદના એક ઉમેદવાર નરેન્દ્ર મોદી હોવાનો પ્રચાર નરેન્દ્ર મોદીની ગોબેલ્સી પ્રચારની એક ચાલબાજી છે. આવી બાબતમાં એમને કોઈ પહોંચે તેમ નથી. ઘણાં જ હોંશિયાર છે. આ પ્રચાર માટે તેઓ મીડીયામાં લાખો રૂપિયા વેરતા અચકાતા નથી. કારણ કે એમની પાસે અદાણી અને ટોરેન્ટ જેવા ચાર પાંચ ‘કુબેરો’ છે.)
નીતીશ અને નરેન્દ્ર વચ્ચેના ૩૬ના આંકડા જેવા સંબંધનું કારણ બિહારના મુસ્લિમોના મતો છે. ઉત્તર પ્રદેશમાં જેમ મુસ્લિમ મતો મુલાયમના વિજયનું એક કારણ છે એમ બિહારમાં પણ નીતીશના વિજયનું એક કારણ મુસ્લિમ મતો છે. નીતીશકુમાર એ મતો કોઈપણ કારણે ગુમાવવા ન માંગે એ સ્વાભાવિક છે.
બીજી બાજુ ભાજપ અને આરએસએસ મુસ્લિમોને પંપાળવાનો ભલે ગમે તેટલા પ્રયત્ન કરે પણ મુસ્લિમોના મન અને હૃદય ઉપરથી બાબરી મસ્જીદ અને ગોધરા પછીના મુસ્લિમોના ગુજરાતમાં થયેલા હત્યાકાંડોના ઘા ભૂસાયા નથી. એમાં પાછું સંઘના ભાગવત જેવા ‘વડાપ્રધાન હિન્દુવાદી હોવા જોઈએ’ એવી દૂરંદેશીવિહોણી મૂર્ખામીભરી કારણ વગરની જાહેરાતો કરે એટલે ભાજપ તરફ એકાદ ડગલું આગળ આવેલો મુસ્લિમ ચાર ડગલા પાછો પાછળ ખસી જાય! (અત્યારે ક્યાં વડાપ્રધાનપદની ચૂંટણી હતી કે ભાજપનો ઉમેદવાર વડાપ્રધાન બનવાનો હતો? હજી તો ‘ભેંસ ભાગોળે’ છે ત્યાં ભાગવતે ‘ઘરમાં ધમાસણ’ કરવાની શું જરૂર હતી? આ તો ભાગવતે ‘ઉઠ પાણા પગ ઉપર’ કર્યું!) એટલે મુસ્લિમો આજે પણ નરેન્દ્રને માફ કરવાના ‘મૂડ’માં નથી. ‘સદ્‌ભાવના ઉપવાસ’ વખતે પણ મુસ્લિમ ટોપી પહેરવાની બાબતમાં નરેન્દ્રએ જે કરેલું એથી પણ મુસ્લિમો ચાર પગલાં પાછળ ખસી ગયેલા.
નીતીશકુમાર આ ન સમજે એવા ભોળા તો ન જ હોય!
જ્યારે નરેન્દ્રને જાણે બિહારમાંથી ચૂંટણી લડવી હોય એમ બિહારીઓને પંપાળવા અવારનવાર દોડી જાય છે. દા.ત. બિહારની ચૂંટણી પહેલાં કોસી નદીના પૂર કારણે અસર પામેલા પીડિત બિહારીઓની મદદ માટે રૂપિયા ૫,૦૦,૦૦,૦૦૦ મોકલેલા. એ સાથે એમણે પેલા ગમે તેમ કરીને પોતાનો પ્રચાર કર્યા વિના રહી નહીં શકતા પેલા એક અભિનેતા જેવા નરેન્દ્રએ પણ એ મદદની જાહેરાતો બિહારના દૈનિકોમાં પાના ભરીને કરેલી. (આવી જાહેરાતો અત્યાર સુધી કદી કોઈએ પણ કરી નથી. એવી સ્વપ્રચારની ભૂખ છેવટે નુકસાન જ કરે છે) આથી નીતીશ એવા ગિન્નાયા, એવા ગિન્નાયા કે એમણે પેલા રૂપિયા પાંચ કરોડ નરેન્દ્રને પાછા મોકલી દીધા! એક તો, પાંચ કરોડ જેવી મામુલી રકમ અને એમાં સ્વપ્રશંસાના આટલા બધા ડંકા વગાડવાના?! એટલું જ નહીં પણ નીતીશે ચોખ્ખું સંભળાવ્યું કે... ગુજરાત સરકારનો આ પ્રચાર અસભ્યતાની હદ વટાવનારો છે અને ભારતીય સંસ્કૃતિના સંસ્કારની વિરૂઘ્ધ છે.
આ બનાવ પછી પટનામાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની મીટીંગ હતી જેમાં નરેન્દ્ર જવાના હતા જેની પણ જાહેરખબરો પાના ભરીને દૈનિકોમાં આપવામાં આવેલી તેમજ નીતીશ અને નરેન્દ્રના ભેટતા હોય એવા ફોટા આપેલા.આથી પણ નીતીશ ગિન્નાય એ સ્વાભાવિક છે.નીતીશે એનો રદીયો આપ્યો. એટલું જ નહીં પણ રાષ્ટ્રીય કારોબારી નિમિત્તે પટના આવેલા ભાજપના નેતાઓના માનમાં નીતીશે ભોજન સમારંભ રાખેલો એ પણ રદ કર્યો.નરેન્દ્રને બિહાર માટે એટલો બધો ‘પ્રેમ’ ઉભરાયેલો છે કે એ પછી એમણે ૨૦૧૧માં એમણે બિહારના અખબારોમાં કરોડો રૂપિયા (આપણા, જનતાના સ્તો!) ખર્ચીને એવી જાહેર ખબર છપાવી કે, ‘ગુજરાતના મુસ્લિમો દેશના બીજા રાજ્યોના મુસ્લિમો કરતાં વધારે સુખી છે.’
હજી હમણાં નરેન્દ્રએ જાહેરમાં પાછું બિહારને લીઘું. એમણે કહ્યું કે, ‘‘એક વખત એવો હતો કે આઘ્યાત્મિક અને રાજકીય પ્રણેતા હતો પણ જ્યારથી બિહારમાં જાતિવાદી નેતૃત્વ આવ્યું છે ત્યારથી એ જ બિહાર રાજકીય, સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ ખૂબજ પછાત રાજ્ય થઈ ગયું છે.
જેના જવાબમાં નીતીશે કહેલું કે, ‘‘જેના હાથ સાંપ્રદાયિકતાથી રંગાયેલા હોય એણે જાતિવાદના નામે બીજાનું ચરિત્રહનન કરવું જોઈએ નહીં. (દેશમાં મહારાષ્ટ્ર, આન્ધ્ર, કર્ણાટક, રાજસ્થાન, બંગાળ વગેરે ૩૦ જેટલા રાજ્યો છે પણ નરેન્દ્ર ફક્ત બિહાર પાછળ જ આદુ ખાઈને પડી ગયા છે જે સરવાળે એમને જ હાનિ પહોંચાડે તેમ છે.)
આવા છે નીતીશકુમાર!
- ગુણવંત છો. શાહ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રશિયાનાં ભીષણ પૂરનો મૃત્યુઆંક ૧૫૦ થયો ઃ ૧૩ હજારથી વધુને અસર

નવ વર્ષનો ભારતીય અમેરિકન યુએસની કોલેજમાં લેકચર લે છે!
૨૦૦૮ કરતાંય ખરાબ આર્થિક કટોકટી માટે તૈયાર રહો ઃ અમેરિકન અર્થશાસ્ત્રી

મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોસા

રશિયામાં ફોરેન ફંડ લેતી એનજીઓને વિદેશી એજન્ટ ગણાશે
બેંક સાથે ૮૦ કરોડ રૃપિયાની છેતરપિંડીઃ બોલીવૂડના બે ફિલ્મકારને સીબીઆઈનું તેડું

આસામમાં પૂરના કારણે મૃત્યુ આંક ૧૨૨

આરબીઆઇએ બેન્કો વિશેનો ડેટાબેઝ જાહેર કર્યો

વિમ્બલ્ડનની ઐતિહાસિક ફાઇનલ મેચ ૧.૭ કરોડ લોકોએ નિહાળી

તેંડુલકરે સર્જેલા વર્લ્ડ રેકોર્ડ ક્યારેક તો તુટશે જ ઃ કપિલ દેવ
જોનાથન મરે અને નિલ્સને ડબલ્સ ટાઇટલ જીતીને ઇતિહાસ સર્જ્યોે
વેસ્ટ ઈન્ડિઝે બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને ૫૫ રનથી હરાવ્યું
ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાન ૨૨૬માં ઓલઆઉટઃશ્રીલંકાના ૩ વિકેટે ૪૪
ગુજરાતના દિલીપસિંહનું અમરનાથ યાત્રામાં નિધન
નકલી નોટો વિશે જાગૃતિ માટે આરબીઆઇની ઝાટકણી
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved