Last Update : 05-July-2012,Thursday

 

હિટ એન્ડ રનના ગુનામાં કોઈને ભાગ્યે જ સજા થાય છે

સલમાન ખાને આજથી આશરે ૧૦ વર્ષ અગાઉ બાંદરાથી ફૂટપાથ ઉપર સૂતેલા ચાર જણને કચડી નાખ્યા હતા, જે કેસનો હજી સુધી ચુકાદો આવ્યો નથી

તમારી પાસે ચિક્કાર દોલત છે, લકઝરી કાર છે અને તમને પૂરપાટ વેગે ડ્રાઈવિંગ કરવાનો શોખ છે. આ રીતે ડ્રાઈવીંગ કરીને બેદરકારીને કારણે તમે કોઈ નિર્દોષ રાહદારીને કચડીને મારી નાંખો તો પણ ભારતના કાયદાઓ અને કાયદાઓનો અમલ કરનારું તંત્ર તમારું કાંઈ બગાડી શકતું નથી. પોલીસને જો લાંચ આપી દેવામાં આવે તો તે તમારા બદલે તમારા ડ્રાઈવરની ધરપકડ કરશે અને તેને પણ ૧૦,૦૦૦ રૃપિયાના જામીન ઉપર છોડી દેશે. કોર્ટમાં આ કેસનો ચુકાદો આવતાં વર્ષે નહીં પણ દાયકાઓ વીતી જશે. આપણા દેશમાં ફૂટપાથ ઉપર રહેલા ગરીબોની જિંદગી એટલી સસ્તી છે કે શ્રીમંત નબીરાઓ તેમની જિંદગી પૈસા ફેંકીને ખરીદી શકે છે, અને ખતમ પણ કરી શકે છે.
રવિવારે રાતે એક્ટર સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનની કારે ફૂટપાથ ઉપર સૂતેલી એક ૭૦ વર્ષની મહિલાને કચડી નાંખી. આ ઘટના સલમાન ખાનના બાંદરા ખાતે આવેલા એપાર્ટમેન્ટની નજીક બન્યો હતો. આ કાર સોહેલ ખાન ચલાવતો હતો કે તેનો ડ્રાઈવર ચલાવતો હતો, તેની આપણને ખબર નથી. આ કારમાં સોહેલ ખાન બેઠો હતો કે નહીં, તેની પણ આપણને ખબર નથી. કાર ચલાવનારે મહિલાને કચડી નાંખી પછી કાયદા મુજબ તેને પોતાની કારમાં નાંખીને હોસ્પિટલમાં લઈ જવાને બદલે તે ભાગી ગયો. પોલીસે મહિલાને હોસ્પિટલ ભેગા કરી તે પહેલાં તેનું પ્રાણપંખેરૃ ઉડી ગયું હતું. આ ઘટનાના બે કલાક પછી સોહેલ ખાનનો ડ્રાઈવર બાંદરા પોલીસ સ્ટેશનમાં હાજર થયો અને તેણે પોલીસને કહ્યું કે તેની કાર હેઠળ મહિલા કચડાઈ ગઈ છે. પોલીસે તેની વાત માની લીધી અને તેની ધરપકડ કરીને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો. સલમાન ખાન પોતાના વકીલને લઈ આવ્યો અને ડ્રાઈવરને ૧૦,૦૦૦ રૃપિયાના જામીન ઉપર છોડાવી ગયો. અહીં સવાલ એ થાય છે કે જો ખરેખર આ કાર સોહેલ ખાનનો ડ્રાઈવર જ ચલાવતો હતો તો તેનું પોલીસ સ્ટેશનમાં પહોંચતા બે કલાકનો સમય કેમ લાગ્યો ? શક્ય છે કે કાર સોહેલ ખાન જ ચલાવતો હોય, ડ્રાઈવરને શોધી કાઢવામાં અને તેને જેલમાં જવાને તૈયાર કરવામાં બે કલાકનો સમય લાગ્યો હોય.
આજથી આશરે ૧૦ વર્ષ પહેલાં સલમાન ખાને રાતે બે વાગે દારૃના નશામાં કાર ચલાવતાં બાંદરાની ફૂટપાથ ઉપર સૂતેલા ચાર માણસોને કચડી નાંખ્યા હતા, જેમાંના એકનું મોત થયું હતું. દારૃનો નશો ઉતરી ગયો તે પછી બીજા દિવસે તે પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસે બેદરકારીથી કાર ચલાવીને અકસ્માત કરવાના આરોપ હેઠળ તેની ધરપકડ કરી હતી, પણ તે તરત જ જામીન ઉપર છૂટી ગયો હતો. આ જોઈને લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને પોલીસની આકરી ટીકા કરવામાં આવી હતી. લોકોનો રોષ પારખી પોલીસે સલમાન ખાન ઉપર સદોષ મનુષ્યવધનો આરોપ મૂકીને તેની ફરીથી ધરપકડ કરી હતી. જો આ ગુનો સાબિત થાય તો સલમાનને ૧૦ વર્ષની કેદની સજા થાય તેમ છે. આ ઘટનાનાં ત્રણ વર્ષ પછી અદાલતમાં સલમાન સામે ચાર્જશીટ મૂકવામાં આવી હતી. સલમાન ખાને આ ચાર્જશીટને પહેલાં સેશન્સ કોર્ટમાં અને પછી હાઈકોર્ટમાં પડકારી હતી. તેમાં એક વર્ષ પસાર થઈ ગયું હતું. આ ખટલો આઠ વર્ષથી ચાલી રહ્યો છે, પણ તેનો ચુકાદો આવ્યો નથી. ધારો કે ચુકાદો આવે અને ટ્રાયલ કોર્ટ સજા કરે તો પણ સલમાન તેને સુપ્રિમ કોર્ટ સુધી પડકારશે તેમાં તેની જિંદગી પૂરી થઈ જશે.
મુંબઈ શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં હીટ એન્ડ રનની આશરે છ ઘટનાઓ બની છે, પણ તેમાંના કોઈ કેસમાં કોઈને સજા થઈ નથી. ઈ.સ. ૨૦૦૬ની ચોથી ફેબુ્રઆરીએ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ નીલ ચેટરજીએ મર્સિડીઝ કારે પ્રભાદેવીમાં ૬૦ વર્ષના વોચમેનને કચડીને મારી નાંખ્યો હતો. આ કેસનો હજી ચુકાદો આવ્યો નથી. ઈ.સ. ૨૦૦૬ની ૨૭મી જુલાઈએ ડો. અસમા માદાએ કેડલ રોડની ફૂટપાથ ઉપર સૂતેલા બે જણને કચડીને મારી નાંખ્યા હતા. તેને પણ હજી સુધી સજા થઈ નથી. ઈ.સ. ૨૦૦૬ની ૧૨મી નવેમ્બરે બાંદરાના રહેવાસી એલિસ્ટર પરેરાએ દારૃના નશામાં ટોયોટા કોરોલા કાર વડે ફૂટપાથ ઉપર સૂતેલા સાત જણને કચડી નાંખ્યા હતા. ઈ.સ. ૨૦૧૦ની ૨૯મી જાન્યુઆરીએ નૂરિયા હવેલીવાલા નામની મહિલાએ પોતાની હોન્ડાકાર પોલીસની જીપ સાથે ભટકાવી હતી, જેમાં બે પોલીસ કર્મચારીઓનાં મોત થયાં હતા. ઈ.સ. ૨૦૧૦ની ૩૧મી ઓગસ્ટે બિલ્ડરના નબીરા સુનીલ કોઠારીએ એક જણને કચડી નાંખ્યો હતો.
કોઈપણ ડ્રાઈવર જ્યારે બેદરકારીથી કાર ચલાવીને કોઈને કચડી નાંખે ત્યારે પોલીસ સમક્ષ બે વિકલ્પ હોય છે ઃ ક્યાં તો મોટર વેહિકલ્સ એક્ટ હેઠળ બેદરકારીથી ડ્રાઈવિંગ કરવાનો કેસ કરે, જેમાં તાત્કાલીક જામીન મળી જાય છે અને સજા બહુ હળવી હોય છે, અને ક્યાં ઈન્ડિયન પિનલ કોડ હેઠળ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવે, જેમાં ૧૦ વર્ષની જેલની સજા થાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં આપણી ભ્રષ્ટ પોલીસ અકસ્માત કરનારા શ્રીમંત નબીરા સાથે મોટી રકમનો તોડ કરીને બેદરકારીથી ડ્રાઈવીંગ કરવાનો કેસ જ કરે છે, જેમાં તાત્કાલીક જામીન મળી જાય છે. ૧૦ વર્ષ અગાઉ સલમાન ખાને અકસ્માત કર્યો ત્યારે પહેલાં આ કાયદા હેઠળ જ ગુનો નોંધવામાં આવ્યો હતો, કારણ કે સલમાન ખાન સેલિબ્રિટી હોવાને કારણે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને પોલીસને ઈન્ડિયન પિનલ કોડ હેઠળ ગુનો નોંધવાની ફરજ પડી હતી. આ કિસ્સામાં સલમાન ખાનને જે અનુભવ થયો હતો તે રવિવારે સોહેલ ખાનની કારના કિસ્સામાં કામ લાગ્યો હતો.
તાજેતરમાં દિલ્હીની ફૂટપાથ ઉપર શાળાના બે વિદ્યાર્થીઓ ચાલી રહ્યા હતા. ગુરગાંવની જીવન જ્યોતિ સ્કૂલ આગળ એક પૂરપાટ વેગે આવતી ઈકો કાર આવી. આ કારના ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો અને તે અલ્ટો કાર સાથે ટકરાઈને ફૂટપાથ ઉપર ચડી ગઈ. આ કારે સ્કૂલના બે વિદ્યાર્થીઓને કચડી નાંખ્યા, જેમાંના એકનું મોત થયું. આ કારનું ડ્રાઈવિંગ સંજીવ બક્ષી નામનો કલાર્ક કરતો હતો. તેણે અકસ્માત કરીને ભાગી જવાને બદલે ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસે તેની ધરપકડ કરી હતી. થોડા વખત પહેલાં દિલ્હીમાં રફ ડ્રાઈવિંગ કરી રહેલા એક શ્રીમંત નબીરાએ મોક્ષા નામની અઢી વર્ષની બાળકીને કચડી નાંખી હતી. આ નબીરો પોતાની કાર અકસ્માતના સ્થળે છોડીને ભાગી ગયો હતો. થોડા કલાક પછી તેનો ડ્રાઈવર પોલીસના શરણે આવ્યો હતો.
જોકે રાહદારીઓએ શ્રીમંત નબીરાને ભાગી જતો જોયો હોવાથી બાળકીના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે અકસ્માત કરનારને જ પકડવામાં આવે. આ માટે કેન્ડલ માર્ચ પણ કાઢવામાં આવી હતી. લોકોનો વધી રહેલો રોષ જોતાં છેવટે પોલીસને શ્રીમંત નબીરાની ધરપકડ કરવાની ફરજ પડી હતી. જોકે તે સહેલાઈથી જામીન ઉપર છૂટી ગયો હતો.
ઘણી વખત શ્રીમંત નબીરાઓ અકસ્માત કરીને તેનો ભોગ બનનારના સગાવહાલાઓ જોડે તડજોડ કરીને જેલની સજાથી બચી જાય છે. અભિનેતા જોન અબ્રાહમે ઈ.સ. ૨૦૦૬ની સાતમી એપ્રિલે પોતાની મોટરબાઈક વડે બે જણાને કચડી નાંખ્યા હતા. જોન અબ્રાહમ આ બંનેને હોસ્પિટલ લઈ ગયો હતો અને તેમના જીવ બચી ગયા હતા. જોનને સેશન્સ કોર્ટે ૧૫ દિવસની જેલની સજા કરી હતી. આ દરમિયાન જોને ભોગ બનનારના સગાઓને રૃપિયા આપીને તેમની સાથે સમાધાન કરી લીધું હતું. જોકે કોર્ટે આ સમાધાન માન્ય ન રાખીને ૧૫ દિવસની જેલની સજા કરી હતી. જોને એની સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટ જોનની સજા માફ કરી દીધી હતી.
ઈ.સ. ૧૯૯૩માં અભિનેતા રાજકુમારના પુત્ર પુરુ રાજે બાંદરાની ફૂટપાથ ઉપર કાર ચલાવીને ચાર જણાને કચડી નાંખ્યા હતા. તેમાંના બે મરી ગયા હતા અને બે ઘાયલ થયા હતા. આ કેસના ચુકાદામાં પુરુને ગુનેગાર સાબિત કરવામાં આવ્યો હતો, પણ તેણે મૃત્યુ પામેલ બે વ્યક્તિઓના સગાને ૩૦-૩૦ હજાર રૃપિયાની મદદ કરવાની તૈયાર બતાવતાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો. શ્રીમંતોના નબીરાઓને ખબર છે કે તેઓ કોઈનો જીવ લેનારો અકસ્માત કરીને પણ રૃપિયા આપીને છટકી જઈ શકે છે. માટે જ આ પ્રકારના અકસ્માતો વધી રહ્યા છે.
રવિવારે બાંદરામાં સોહેલ ખાનની કાર નીચે જે મહિલા કચડાઈ ગઈ તેને કદાચ બચાવી પણ લેવાય એમ હતું. ૭૦ વર્ષની મહિલા કચડાઈ ગઈ ત્યારે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. તેમાં પોલીસ હવાલદાર પણ હતો. એક કાર ડ્રાઈવરે પોતાની કારમાં મહિલાને હોસ્પિટલમાં લઈ જવાની ઓફર કરી, પણ પોલીસે એવો આગ્રહ રાખ્યો કે તેને પોલીસની જીપમાં જ હોસ્પિટલમાં લઈ જવી જોઈએ. ૧૫ મિનિટ પછી પણ જીપ ન આવી ત્યારે લોકો ઉશ્કેરાઈ ગયા હતા.
છેવટે મહિલાને રીક્ષામાં નાંખીને ભાભા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અહીં મહિલાને ૨૦ મિનિટ સુધી કોઈ સારવાર આપવામાં આવી નહોતી.
હોસ્પિટલના સ્ટાફે મહિલાને નાયર અથવા કેઈએમમાં લઈ જવાની સલાહ આપી હતી. કોઈ ડોક્ટરને તેને એટેન્ડ કરવાનો સમય નહોતો. ૨૦ મિનિટ પછી એક નર્સ તેને ફર્સ્ટ એઈડ આપવા આવી ત્યારે તે મરી ચૂકી હતી. આ મહિલા ગરીબ હતી, માટે તેની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું. આપણા સમાજમાં ગરીબની જિંદગીની કોઈ કિંમત નથી.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved